અણ્ણા હઝારેના આંદોલનને ઘાટકોપરમાં નબળો પ્રતિસાદ

Published: 28th December, 2011 08:34 IST

સંસદમાં જનલોકપાલ બિલ જલ્દીથી પસાર કરાવવા ગઈ કાલથી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં ત્રણ દિવસ ઉપવાસ પર બેસેલા સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની સાથે જોડાવા માટે ઘાટકોપર, વિક્રોલી અને ચેમ્બુરમાંથી મહિલાઓ સહિત માત્ર ૭૫થી ૮૦ લોકો જોડાયા હતા.

 

આ આંદોલનને પહેલેથી જ સપોર્ટ આપી રહેલી ઘાટકોપર-ઈસ્ટના પંતનગરમાં રહેતી તેજસ્વિની વ્યાસે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આમ છતાં મિની કાઠિયાવાડ, મિની કચ્છ, મિની ગુજરાત અને મિની સૌરાષ્ટ્રના નામે પ્રચલિત ઘાટકોપરમાંથી આ આંદોલનમાં ઘણા ઓછા લોકો જોડાયા છે. ઘાટકોપરમાં રિક્ષાવાળાઓ સામે ફરિયાદ કરવા માટેની સંખ્યા પણ વેસ્ટર્ન સબબ્ર્સ કરતાં ઘણી જ ઓછી છે. અમારી સાથે ઘાટકોપરના તરુણ મિત્ર મંડળના સભ્યો પણ અણ્ણા હઝારેને પીઠબળ પૂરું પાડવા જોડાયા છે. તેમના કાર્યકરો અહીં દરેક વિભાગમાં કાર્યશીલ છે. તરુણ મિત્ર મંડળની જેમ ઘાટકોપરમાં અનેક સંસ્થાઓ છે જે અનેક સમાજલક્ષી કાર્યો કરે છે ત્યારે અણ્ણાના આંદોલનમાં આ સંસ્થાઓ પાછળ કેમ છે એ નવાઈની વાત છે.’

ગઈ કાલે ઘાટકોપરમાં મહેન્દ્ર પાર્કમાં રહેતા આસિત મહેતાએ તેમના ૪૯મો જન્મદિવસ અમારી સાથે સેવાકાર્યમાં જોડાઈને મનાવ્યો હતો એમ જણાવતાં તેજસ્વિની વ્યાસે કહ્યું હતું કે ‘આસિત મહેતા બિઝનેસમૅન હોવા છતાં તેઓ અમારા આંદોલનમાં રસ લઈ રહ્યા છે. તેમણે અમને કહ્યું હતું કે અત્યાર સુધી જન્મદિવસની કેક ઘણી વાર કાપી, હવે ભ્રષ્ટાચારની કેક કાપી એનો આનંદ મેળવવા હું અહીં આવ્યો છું. આસિત મહેતાની જેમ અનેક ઘાટકોપરવાસીઓએ અમારી સાથે જોડાવાની જરૂર છે. ત્યારે જ આપણો અવાજ સંસદમાં ગુંજશે અને અણ્ણા હઝારેની મહેનત લેખે લાગશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK