કાઉન્ટડાઉન શરૂ, અણ્ણા આજે મુંબઈમાં

Published: 26th December, 2011 03:24 IST

વડા પ્રધાનને ટીમ અણ્ણાનો ઓપન લેટર, મજબૂત બિલ સાથે લોકપાલને સ્વતંત્ર તપાસ કરવાની સત્તા આપવાની માગણીટીમ અણ્ણાએ ગઈ કાલે વડા પ્રધાન મનમોહન સિંહ અને સંસદસભ્યોને લખેલા ખુલ્લા પત્રમાં આશા વ્યક્ત કરી છે કે સંસદમાં ચર્ચા પછી શક્ય એટલું મજબૂત લોકપાલ બિલ અસ્તિત્વમાં આવે અને સાથે-સાથે માગણી પણ મૂકી દીધી છે કે લોકપાલને સ્વતંત્ર તપાસ કરવાની સત્તા આપવામાં આવે.

આ કાગળમાં જણાવવામાં આવ્યું છે કે લોકપાલ અને લોકાયુક્ત સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ની ઍન્ટિ-કરપ્શન બ્રાન્ચની મદદથી તપાસ કરી શકે અને આ બ્રાન્ચને પછી લોકપાલમાં અને રાજ્યના ઍન્ટિ-કરપ્શન બ્યુરો તથા વિજિલન્સ ડિપાર્ટમેન્ટને લોકાયુક્તમાં મર્જ કરી દેવામાં આવે.

કાગળમાં આપેલા બીજા વિકલ્પ પ્રમાણે લોકપાલ અને લોકાયુક્તને આગવી ઇન્વેસ્ટિગેટિવ વિંગ આપવામાં આવે અને એને પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટ હેઠળ ખાસ ચુકાદો આપવાની સત્તા આપવામાં આવે.
ત્રીજા વિકલ્પ પ્રમાણે લોકપાલને સીબીઆઇ પર ઍડ્મિનિસ્ટ્રેટિવ અને નાણાકીય કન્ટ્રોલ આપવામાં આવે. આ સિવાય લેટરમાં માગણી કરવામાં આવી છે કે સીબીઆઇના ડિરેક્ટરની નિમણૂક કોઈ પણ રાજકીય કન્ટ્રોલ વગર સ્વતંત્ર રીતે કરવામાં આવે.

આજે મુંબઈમાં થશે અણ્ણાનું આગમન
સંસદમાં જનલોકપાલ બિલ પસાર કરાવવા આવતી કાલથી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના એમઅમઆરડીએ ગ્રાઉન્ડમાં ત્રણ દિવસ ઉપવાસ પર બેસનારા સામાજિક કાર્યકર અણ્ણા હઝારે આજે સાંજે મુંબઈ આવશે. રાળેગણ સિદ્ધિથી આજે બપોરે બાય રોડ આવનારા અણ્ણા પુણેમાં સંત જ્ઞાનેશ્વરની સમાધિનાં પણ દર્શન કરશે. આજે સાંજે મુંબઈ આવ્યા બાદ તેઓ બાંદરામાં આવેલા સ્ટેટ ગવર્નમેન્ટના ગેસ્ટહાઉસમાં રાતવાસો કરશે અને ત્યાર બાદ આવતી કાલે સવારે જુહુમાં આવેલા મહાત્મા ગાંધીની પ્રતિમાનાં દર્શન કરીને બાંદરા ઉપવાસ માટે જશે. તેમની સાથે અરવિંદ કેજરીવાલ અને કિરણ બેદી સહિત એક હજારથી વધુ લોકો ઉપવાસ પર બેસવાના છે. આ દરમ્યાન ૩૦ ડિસેમ્બરથી શરૂ થતા તેમના જેલભરો આંદોલનમાં અત્યાર સુધીમાં ૭૦,૦૦૦ જેટલા લોકોએ ઑનલાઇન પોતાનાં નામ નોંધાવી દીધાં છે.

અણ્ણા આરએસએસના સાગરીત : દિગ્વિજય સિંહ
કૉન્ગ્રેસના સેક્રેટરી દિગ્વિજય સિંહે અણ્ણા હઝારે વિરુદ્ધ ફરી નિવેદન કરતાં કહ્યું હતું કે તેઓ એક સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નેતા નાનાજી દેશમુખના સેક્રેટરી તરીકે કામ કરી ચૂક્યા છે અને આમ તેઓ આરએસએસના સાગરીત છે. જોકે આ આરોપ સામે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં ટીમ અણ્ણાનાં સભ્ય કિરણ બેદીએ સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટર પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે આ આરોપ ખોટા છે અને કોઈ સાથે એક મંચ પર બેસવાથી તેના સાગરીત નથી બની જવાતું.

સુદર્શન શું બોલ્યા?
સંઘપરિવારના નામનો ઉપયોગ કરીને લોકપાલ સામેની ચળવળને બદનામ કરવાનો કૉન્ગ્રેસનો પ્લાન હોવાનું આરએસએસના ભૂતપૂર્વ વડા કે. સુદર્શને જણાવ્યું હતું.

અણ્ણાએ સાવચેત કર્યા બીજી બાજુ અણ્ણાએ તેમના ટેકેદારોને સાવચેત કરીને કહ્યું હતું કે કેટલાંક તત્વો આંદોલનને હિંસક બનાવવા ‘રાહ’ જોઈ રહ્યા છે એટલે આવા કોઈ પણ પ્રયાસથી દૂર રહેવું.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK