શરદ પવારને તમાચો પડ્યો એ યોગ્ય થયું : અણ્ણા

Published: 7th December, 2011 06:11 IST

ભ્રષ્ટાચારીઓને છાવરવાની તેમને જૂની આદત છે એવો એનસીપીના ચીફ પર તેમણે કર્યો આક્ષેપ૨૪ નવેમ્બરે હરવિન્દર સિંહ નામના યુવાને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા શરદ પવારને જાહેરમાં થપ્પડ મારી હતી ત્યારે ભ્રષ્ટાચાર સામે લડત ચલાવનારા લોકલાડીલા નેતાએ આપેલો પ્રત્યાઘાત ‘માત્ર એક જ થપ્પડ’ વિવાદનો મુદ્દો  બન્યો હતો અને તેમના પર હિંસાને ટેકો આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ વિવાદાસ્પદ મુદ્દા વિશે સ્પષ્ટતા કરતાં આખરે પોતાના બ્લૉગ પર અણ્ણાએ જણાવ્યું છે કે ‘જ્યારે સમાજ અને દેશની ભલાઈ માટે હિંસા આચરવામાં આવી હોય ત્યારે હું હિંસાને ખોટી નથી ગણતો. ઘણા રાજકારણીઓને આ થપ્પડની ઘટનાથી ખરાબ લાગ્યું છે અને ઘણા લોકો ગુસ્સે થયા છે. મહત્વનો મુદ્દો તો એ છે કે એક યુવાને શું કામ શરદ પવારને થપ્પડ મારી? શરદ પવાર કેન્દ્રમાં કૃષિપ્રધાન છે અને પોતાના જ પક્ષ એનસીપી વતી રાજ્યના પાવર મિનિસ્ટરની ફરજ નિભાવી રહ્યા છે. તેમની પાસે આટલી બધી સત્તા હોવા છતાં આજે ૨૨ વર્ષ પછી પણ ઓછા વૉલ્ટેજને કારણે ખેડૂતોના ઇલેક્ટ્રિક પમ્પ અને ટ્રાન્સફૉર્મર બળી જાય છે અને પાકને નુકસાન પહોંચે છે, પણ આમ છતાં કોઈ રાજકારણીને ગુસ્સો નથી આવતો. કૃષિપ્રધાન તરીકે શરદ પવાર સડેલા ઘઉં આયાત કરે છે જેમાં લોકોના કરોડો રૂપિયા વેડફાય છે તો પણ કોઈ રાજકારણીને ગુસ્સો નથી આવતો. પુણે પાસેના માવળ ખાતે દેખાવો કરી રહેલા ખેડૂતો પર ફાયરિંગ થાય છે જેમાં ત્રણ ખેડૂતો મૃત્યુ પામે છે, પણ આમ છતાં કોઈ રાજકારણીને ગુસ્સો નથી આવતો એ બહુ કમનસીબ બાબત છે.’

શરદ પવારને ભ્રષ્ટાચારીઓને છાવરવાની જૂની આદત છે એવો આરોપ મૂકતાં અણ્ણાએ કહ્યું હતું કે ‘શરદ પવારે ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓ સામે આંખ આડા કાન કર્યા છે. જો તપાસ કરવામાં આવે તો હકીકત સામે આવી જશે. આ વાત જ દર્શાવે છે કે શરદ પવારને ભ્રષ્ટાચારીઓને છાવરવાની જૂની આદત છે.’

કમેન્ટ કરવાની જરૂર નહોતી

અણ્ણા હઝારેના શરદ પવારને થપ્પડ મારવામાં આવી એ યોગ્ય છે એવા નિવેદન સામે એનસીપીના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે ‘આ પહેલાં પણ અણ્ણાના થપ્પડના નિવેદનથી વિવાદ ઊભો થયો હતો એટલે તેમણે ફરી એના પર કમેન્ટ કરવાની જરૂર નહોતી. તેઓ આવું કેમ કરી રહ્યા છે એ સમજાતું નથી.’

અણ્ણાને બે દિવસ આરામની સલાહ

સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની તબિયત ખરાબ હોવાનું ગઈ કાલે જાણવા મળ્યું હતું. અણ્ણા હઝારેના નજીકના સાથીદાર સુરેશ પાઠારેએ રાળેગણ સિદ્ધિમાં ગઈ કાલે કાલે કહ્યું હતું કે ડૉક્ટરે અણ્ણાને બે દિવસ સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. ત્યાર બાદ તેઓ ૧૦ ડિસેમ્બરે નવી દિલ્હી માટે રવાના થશે અને ૧૧ ડિસેમ્બરે જંતરમંતર ખાતે ધરણાં કરશે. જોકે તેમણે અણ્ણાને શું તકલીફ છે એ જણાવવાનો ઇનકાર કરી દીધો હતો. નજીકનાં સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે અણ્ણા હઝારેને ભયંકર પીઠદર્દ રહે છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK