આતંકવાદીઓને પ્રેમથી સાચી દિશામાં વાળી લેવાની જરૂર છે

Published: 18th December, 2014 06:17 IST

પાકિસ્તાનમાં જે ઘટના બની એ ઘટના ખરેખર અત્યંત ઘૃણાસ્પદ છે. એક સ્કૂલની અંદર સુસાઇડ-બૉમ્બર બનીને ટેરરિસ્ટ ઘૂસી જાય અને બાળકોની હત્યા કરી નાખે.
સ્પેશ્યલ કમેન્ટ - અણ્ણા હઝારે, ખ્યાતનામ ઍક્ટિવિસ્ટ

પાકિસ્તાનમાં જે ઘટના બની એ ઘટના ખરેખર અત્યંત ઘૃણાસ્પદ છે. એક સ્કૂલની અંદર સુસાઇડ-બૉમ્બર બનીને ટેરરિસ્ટ ઘૂસી જાય અને બાળકોની હત્યા કરી નાખે. જસ્ટ ચેક હિસ્ટરી. એક સમયે યુદ્ધમાં બાળકો અને મહિલાઓને બિલકુલ બાકાત રાખવામાં આવતાં હતા. તેમની સાથે શિષ્ટાચાર સાથે વ્યવહાર કરવામાં આવતો હતો. બચપણમાં સમ્રાટ અશોકની વાર્તા સાંભળી હતી. એક વૉર સમયે સમ્રાટ પર એક બાળકે હથિયાર સાથે હુમલો કર્યો હતો અને એ હુમલા પછી સમ્રાટે એ બાળકને પ્રેમથી જવા દીધો હતો. સમ્રાટ અશોકના હૃદયનું પરિવર્તન થવાની એ ક્ષણ હતી અને એ વાર્તા પરથી એટલું સમજાયું હતું કે એક બાળક અત્યંત પ્રતાપી અને બહાદુર એવા રાજવીનું પણ હૃદયપરિવર્તન કરી શકે છે, પણ પાકિસ્તાનમાં જે કંઈ બન્યું એણે તો એ વાર્તાને પણ ખોટી પુરવાર કરવા માટે મજબૂર કરી દીધી.

સ્કૂલનાં નિર્દોષ બાળકોને શારીરિક સજા આપવામાં પણ દુ:ખ થતું હોય છે અને હવે તો મોટા ભાગના દેશમાં એ પ્રકારની સજા આપવા પર પણ પ્રતિબંધ છે. એવા સમયે એ બાળકોનો જીવ લઈ લેવાનું કામ કરવું એ ખરેખર નિંદનીય અને શરમજનક છે. મહાત્મા ગાંધીના વિચારો સાથે કહું તો આવી મર્દાનગી કરતાં તો નામર્દ વધારે મર્દ કહેવાય.

આતંકવાદના કારણે આજે દર વર્ષે અસંખ્ય લોકો પોતાનો જીવ ગુમાવે છે, પણ એ તો આંખ સામે જીવ ગુમાવતા લોકોની વાત થઈ. તેમના પરિવારજનો અને જેમણે ખોટો રસ્તો

લીધો છે એ સૌના પરિવારજનોનો વિચાર કરીએ તો મારી દૃષ્ટિએ જગતમાં આતંકવાદના કારણે દુ:ખી થનારાઓની સંખ્યા બહુ મોટી થઈ જાય. જે કોઈ આતંકવાદનું સીધી કે આડકતરી રીતે ભોગ બન્યું છે એ સૌને ઈશ્વર હંમેશાં હિંમત અને ધૈર્ય આપે એવું કહેવામાં પણ ખચકાટ થઈ રહ્યો છે, કારણ કે આ એક એવી ઘટના છે જેમાં વ્યક્તિનો વાંક માત્ર એટલો છે કે જે જગ્યાએ હુમલો થયો ત્યાં તે હાજર હતી. આ કેવડો ગુનો કહેવાય?

મને લાગે છે કે સૌથી પહેલાં તો આતંકવાદને રોકવાની અને એ પછી એ આતંકવાદીઓને પ્રેમથી સાચી દિશામાં વાળવાની જરૂર છે. આની માટે હવે વિચારણા કરવાનો પણ સમય રહ્યો નથી. જો નિર્દોષ લોકોના જીવની રક્ષા કરવી હોય તો સૌએ એક થવું પડશે અને આતંકવાદનો ખોટો રસ્તો વાપરનારાઓને ખુલ્લા પાડવાનું કામ પણ એક થઈને કરવું પડશે. એક વખત આતંકવાદને અટકાવવાની દિશામાં નક્કર પગલાં લેવાશે તો ચોક્કસપણે સત્ય અને અહિંસાનો માર્ગ બહુ ઝડપથી મળી જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK