Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સોનિયાની અડબોત સામે અડવાણીની પીછેહઠ

સોનિયાની અડબોત સામે અડવાણીની પીછેહઠ

09 August, 2012 03:34 AM IST |

સોનિયાની અડબોત સામે અડવાણીની પીછેહઠ

સોનિયાની અડબોત સામે અડવાણીની પીછેહઠ


 



 


 

સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે ગઈ કાલે ભાગ્યે જ બને એવી ઘટના સર્જાઈ હતી. બીજેપીના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગઈ કાલે લોકસભામાં બોલતાં યુપીએ-૨ની સરકારને ગેરકાયદે ગણાવી દીધી હતી. અડવાણીએ કહ્યું હતું કે ‘યુપીએ-૨ની સરકાર નાજાયઝ છે. વોટ મેળવવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હોય એવું ભારતના ઇતિહાસમાં ક્યારેય નથી બન્યું.’ અડવાણીના આ સ્ટેટમેન્ટથી ભાગ્યે જ રોષ વ્યક્ત કરતાં કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી રીતસરનાં ઊકળી ઊઠ્યાં હતાં. તેમણે તત્કાળ અડવાણીને તેમના શબ્દો પાછા લેવા જણાવ્યું હતું, એટલું જ નહીં, સોનિયાએ સત્તાપક્ષના સભ્યોને અડવાણીનો વિરોધ કરતાં પણ અટકવ્યા નહોતા. કૉન્ગ્રેસનાં પ્રમુખનો અણધાર્યો ગુસ્સો અને સ્પીકર મીરા કુમારની અપીલ પછી અડવાણીને તેમના શબ્દો પાછા લેવાની ફરજ પડી હતી. આઠ વર્ષથી યુપીએનું નેતૃત્વ કરી રહેલાં સોનિયા ગાંધી પહેલી વાર આટલી હદે ગુસ્સે થયાં હતાં.  


 

પહેલાં અડવાણીનો અટૅક

 

લોકસભામાં અડવાણીએ કહ્યું હતું કે યુપીએ-૧ ભલે ચૂંટણી જીતીને સત્તા પર આવી હોય, પણ આખી દુનિયા જાણે છે કે યુપીએ-૨ની સરકાર બચાવવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. અડવાણીએ સ્પષ્ટ કહ્યું હતું કે યુપીએ-૨ની સરકાર નાજાયઝ છે. પોતાના સંબોધનમાં તેમણે સીધો યુપીએ સરકાર પર જ અટૅક કર્યો હતો. બીજેપીના સભ્યોએ પણ પાટલી થપથપાવી અડવાણીના સૂરમાં સૂર પુરાવ્યો હતો.

 

સોનિયા ગાંધી ઊકળી ઊઠ્યાં

 

કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીએ તેમની બેઠક પરથી ઊભાં થઈને અડવાણીના સ્ટેટમેન્ટનો વિરોધ કર્યો હતો. તેમણે અડવાણીને તત્કાળ પોતાના શબ્દો પાછા લેવા જણાવ્યું હતું. સોનિયા ગાંધીએ હાથનો ઇશારો કરીને પાર્ટીના સભ્યોને વિરોધ વ્યક્ત કરવા જણાવ્યું હતું. સોનિયાનો મિજાજ જોઈને કૉન્ગ્રેસના સભ્યો પણ બેઠક પરથી ઊભા થઈ ગયા હતા. છેલ્લાં આઠ વર્ષથી યુપીએનું નેતૃત્વ કરી રહેલાં સોનિયા ગાંધી ક્યારેય આટલી હદે ગુસ્સે થયાં નથી. લોકસભાની બેઠક લંચ-સમય સુધી સ્થગિત થઈ ત્યારે પણ સોનિયા ગાંધીએ પાર્ટીના સંસદસભ્યોને કહી દીધું હતું કે વિપક્ષની આક્ષેપબાજી સામે નમતું જોખવામાં નહીં આવે.

 

અડવાણીની પીછેહઠ

 

સોનિયા ગાંધીના ઉગ્ર વિરોધ તથા લોકસભાનાં સ્પીકર મીરા કુમારની અપીલ પછી અડવાણીએ યુપીએ સરકારની ટીકા કરતા પોતાના શબ્દો પાછા લીધા હતા. લોકસભામાં કૉન્ગ્રેસના નેતા સુશીલકુમાર શિંદેએ પણ અડવાણીને તેમના શબ્દો પાછા લેવા અપીલ કરી હતી. અગાઉ સરકાર પર શાબ્દિક પ્રહાર કરવાના મૂડમાં આવેલા અડવાણી અચાનક બચાવની મુદ્રામાં આવી ગયા હતા. અડવાણીએ કહ્યું હતું કે તેઓ ૨૦૦૯ની ચૂંટણી પછીની સરકાર નહીં, પણ ૨૦૦૮માં લેવામાં આવેલા વિશ્વાસ મતના સંદર્ભમાં કહી રહ્યા હતા. પરમાણુકરાર મુદ્દે લોકસભામાં લેવામાં આવેલા વિશ્વાસના મતદાન દરમ્યાન સરકારને બચાવવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. જોકે અડવાણીની સ્પષ્ટતા છતાં પણ કૉન્ગ્રેસના સભ્યોનો વિરોધ શમ્યો નહોતો.

 

સોનિયા ગાંધી ઘમંડી : બીજેપી

 

લોકસભામાં ગઈ કાલે સોનિયા ગાંધીએ ગુસ્સો વ્યક્ત કરીને અડવાણીને પીછેહઠ કરવાની ફરજ પાડી એ પછી બીજેપીએ આડકતરા શબ્દોમાં કૉન્ગ્રેસપ્રમુખને ઘમંડી અને અસહિષ્ણુ ગણાવ્યાં હતાં. બીજેપીના ભૂતપૂર્વ પ્રમુખ રાજનાથ સિંહે કહ્યું હતું કે સરકારની અસહિષ્ણુતા અને ઘમંડ હવે સંસદમાં પણ જોવા મળે છે. તેમણે ઉમેર્યું હતું કે અડવાણીએ જે કહ્યું એને તેઓ વળગી રહ્યા હતા. અડવાણીના સ્ટેટમેન્ટને શરમજનક ગણાવનાર વડા પ્રધાને હકીકતમાં કૅશ-ફૉર-વોટ કૌભાંડને શરમજનક ગણાવવું જોઈએ.

 

 શરમજનક સ્ટેટમેન્ટ: મનમોહન

 

વડા પ્રધાન મનમોહન સિંહે ગઈ કાલે લોકસભામાં અડવાણીએ આપેલા સ્ટેટમેન્ટને શરમજનક ગણાવ્યું હતું. ગઈ કાલે સંસદમાં પત્રકારો સાથે વાત કરતાં મનમોહન સિંહે યુપીએ-૨ની સરકારને નાજાયજ ગણાવતા અડવાણીના નિવેદનને કમનસીબ ગણાવ્યું હતું.

 

અડવાણીએ એવું તે શું કહ્યું?

 

ચોમાસુ સત્રના પહેલા જ દિવસે લોકસભામાં અડવાણીએ સરકાર પર સીધો અટૅક કર્યો હતો. અડવાણીએ કહ્યું હતું કે ‘યુપીએ-૨ નાજાયજ છે. ભારતના ઇતિહાસમાં આવું ક્યારેય નથી બન્યું, ક્યારેય વોટ મેળવવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હોય એવું નથી બન્યું.’

 

જોકે સોનિયા ગાંધી અને કૉન્ગ્રેસના સંસદસભ્યોના ઉગ્ર વિરોધ બાદ પોતાના શબ્દો પાછા ખેંચતાં અડવાણીએ કહ્યું હતું કે ‘મારી કમેન્ટ (૨૦૦૮માં લેવામાં આવેલા) વિશ્વાસના મત સંદર્ભે હતી. જે લોકો વ્હિસલ-બ્લોઅર હતા તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા. નાજાયજ શબ્દ હું પાછો ખેંચું છું.’

 

રાજ્યસભામાં આસામની હિંસાના મુદ્દે વિપક્ષનો હોબાળો

 

રાજ્યસભામાં ગઈ કાલે આસામની હિંસાના મુદ્દે વિપક્ષ બીજેપી અને કૉન્ગ્રેસ વચ્ચે તડાફડી થઈ હતી. ચર્ચાની શરૂઆત કરતાં બીજેપીના સભ્ય બલબીર પુંજે આસામમાં ગેરકાયદે ઘૂસતા બંગલાદેશીઓને દેશવિરોધી જાહેર કરીને તેમને પ્રૉપર્ટી ખરીદતા અટકાવવાની માગણી કરી હતી. તેમણે આસામની હિંસા કાનૂન અને વ્યવસ્થાની સમસ્યા હોવાનો ગૃહપ્રધાન પી. ચિદમ્બરમના નિવેદનનો વિરોધ કર્યો હતો.બીજેપીએ કૉન્ગ્રેસની સરકાર ઘૂસણખોરીને મંજૂરી આપી રહી છે એવો આક્ષેપ કરતાં રાજ્યસભામાં કૉન્ગ્રેસના સભ્યોેએ ઉગ્ર વિરોધ કર્યો હતો. બાદમાં ભારે હોબાળાને પગલે ગૃહની બેઠક મોકૂફ રાખવામાં આવી હતી.

 

સચિન અને રેખાને પહેલા જ દિવસે થયો ધમાલનો પરિચય

 

સંસદના ગઈ કાલથી શરૂ થયેલા ચોમાસુ સત્રનું સ્ટાર અટ્રૅક્શન સચિન તેન્ડુલકર અને રેખા હતાં. ગઈ કાલે બન્ને રાજ્યસભામાં આવ્યાં ત્યારે બધાની નજર તેમના પર તકાયેલી રહી હતી. એટલું જ નહીં, સંસદના પ્રાંગણમાં તેઓ પહોંચ્યાં ત્યારે આ બન્નેની તસવીરો ખેંચવા માટે ફોટોગ્રાફરો વચ્ચે ભારે ચડસાચડસી સર્જાઈ હતી. ચોમાસુ સત્રના પહેલા જ દિવસે આસામમાં હિંસાના મુદ્દે રાજ્યસભામાં વિપક્ષે ઉગ્ર હોબાળો મચાવ્યો હતો. સચિન અને રેખાને પહેલા જ દિવસે સંસદના અસલી મિજાજનો પરિચય થયો હતો.  

 

૩૯ વર્ષનો સચિન તેની પત્ની અંજલિ સાથે આવ્યો હતો. બાદમાં પત્રકારો સાથે વાત કરતાં સચિને કહ્યું હતું કે મારા માટે આ નવો અનુભવ છે. ૫૭ વર્ષની ઉંમરે પણ ગ્લૅમરસ દેખાતી રેખા ગોલ્ડન પૅટર્નની ક્રીમ કલરની સાડીમાં આવી હતી.

 

 

યુપીએ = યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ, બીજેપી = ભારતીય જનતા પાર્ટી

Whatsapp-channel Whatsapp-channel

09 August, 2012 03:34 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK