અંગૂર : ગુલઝારની રમૂજનો છંદ ને લય

Published: 5th December, 2020 18:34 IST | Raj Goswami | Mumbai

તાર્કિક રીતે વિચારો તો કેવું વિચિત્ર લાગે કે જોડિયા સંતાનનાં માતા-પિતા બીજા લાવારિસ જોડિયા બંધુને દત્તક લે, એક-એક જોડિયાઓ સાથે છૂટા પડી જાય, બન્ને જોડિયાઓ મોટા થઈને અલગ જ સંજોગોમાં ભેગા થાય?

અંગૂર : ગુલઝારની રમૂજનો છંદ ને લય
અંગૂર : ગુલઝારની રમૂજનો છંદ ને લય

‘તાર્કિક રીતે વિચારો તો કેવું વિચિત્ર લાગે કે જોડિયા સંતાનનાં માતા-પિતા બીજા લાવારિસ જોડિયા બંધુને દત્તક લે, એક-એક જોડિયાઓ સાથે છૂટા પડી જાય, બન્ને જોડિયાઓ મોટા થઈને અલગ જ સંજોગોમાં ભેગા થાય? પણ ફિલ્મ જુઓ તો તર્કની કોઈ વિસાત નથી. ઉટપટાંગ વાર્તાને માની લો એટલે એમાંથી રમૂજ જ નીકળે’ - દેવેન વર્મા

વિલિયમ શેક્સપિયરનું સૌથી ટૂંકામાં ટૂંકું નાટક ‘કૉમેડી ઑફ એરર્સ’ ૧૫૮૯-’૯૪ની વચ્ચે લખાયું હતું. ૪૦૦ વર્ષ પછી ૧૯૮૨માં ગુલઝારે એના પરથી ‘અંગૂર’ ફિલ્મ બનાવી. એ જો શેક્સપિયરે જોઈ હોત તો આ મહાકવિએ ગુલઝારની પીઠ થાબડીને કહ્યું હોત કે ‘બેટા, તેં તો મારા નાટકમાં ચાર ચાંદ લગાવી દીધા!’ ‘કૉમેડી ઑફ એરર્સ’ દુનિયાભરમાં અનેક નાટકો, ઑપેરા, ટીવી-સિરિયલો અને ફિલ્મોનું પ્રેરણાસ્રોત રહ્યું છે. ૧૯૯૮માં અમિતાભ બચ્ચન અને ગોવિંદાએ ડેવિડ ધવન સાથે આ જ થીમ પર ‘બડે મિયાં, છોટે મિયાં’ બનાવી હતી.
શાહરુખ ખાને રોહિત શેટ્ટી સાથે ‘ચેન્નઈ એક્સપ્રેસ’ ફિલ્મ કરી એ પહેલાં બન્નેએ ‘અંગૂર’ની રીમેક કરવાની જાહેરાત કરી હતી. રોહિત શેટ્ટી પાસે એની અડધી સ્ક્રિપ્ટ હતી અને શાહરુખ ખાને કહ્યું હતું કે સ્ક્રિપ્ટ તૈયાર થઈ જાય પછી ‘અંગૂર’ કરીશું. દરમ્યાનમાં બન્નેએ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ પૂરી કરી હતી. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે રોહિત શેટ્ટી રણવીર સિંહ સાથે ‘અંગૂર’ની યોજના બનાવી રહ્યો છે.
ખુદ ગુલઝારે ‘અંગૂર’ બનાવી એના એક દાયકા અગાઉ ૧૯૬૮માં કિશોરકુમારની ફિલ્મ ‘દો દુની ચાર’ની પટકથા માટે ‘કૉમેડી ઑફ એરર્સ’નો આધાર લીધો હતો, પણ એ ફિલ્મ કોઈક કારણસર પિટાઈ ગઈ હતી. ગુલઝારને તેમની પટકથામાં વિશ્વાસ હતો અને ૧૯૮૨માં શેક્સપિયરના ચાહક જય સિંહ નામના નવા નિર્માતાએ પૈસા રોકવાની તૈયારી બતાવી એટલે ગુલઝારે ‘દો દુની ચાર’ની પટકથાને નવા વાઘા પહેરાવીને ‘અંગૂર’ તરીકે પેશ કરવાનું નક્કી કર્યું હતું. ફ્લૉપ ફિલ્મ પરથી જબરદસ્ત સફળ ફિલ્મ બની હોય એવો આ એકમાત્ર દાખલો છે. એક નિર્માતાએ તો ગુલઝારને કહ્યું પણ હતું કે ‘હિટ ફિલ્મ કી રીમેક બનતી હૈ, ફ્લૉપ ફિલ્મોં કી નહીં.’
‘અંગૂર’ ગુલઝારની જ નહીં, હિન્દી સિનેમાની બહેતરીન ફિલ્મોમાંની એક છે. હાસ્યના નામે હિન્દી ફિલ્મો સસ્તા સંવાદો અને ભદ્દા હાવભાવથી આગળ જઈ શકી નથી. હિન્દીમાં બહુ ઓછી ફિલ્મો બની છે જે શુદ્ધ હાસ્ય પીરસતી હોય. ‘અંગૂર’ જોઈને તમને લાગે નહીં કે કોઈ ડિરેક્ટર કલાકારોને સૂચના આપી રહ્યો હોય. ફિલ્મ જાણે ઑટો-મોડ પર હોય એમ તેમાંથી રમૂજ પ્રગટ થતી હતી. ‘કૉમેડી ઑફ એરર્સ’ પરથી જ બનેલી સાજિદ ખાનની ભદ્દી ‘હમશકલ્સ’ને તમે જોઈ હોય તો ખ્યાલ આવે કે ‘અંગૂર’ની સિચુએશનલ કૉમેડી કેટલી લાજવાબ છે.
ગુલઝારની આ એકમાત્ર કૉમેડી ફિલ્મ છે. આખી ફિલ્મનો આધાર સંવાદો અને અભિનય છે. એમાં સ્થૂળ હાસ્ય પણ છે, પરંતુ એ કેળાની છાલ પરથી લપસી જવા જેવું નથી. દાખલા તરીકે સંજીવકુમારની પત્ની સુધાની ભૂમિકા કરનાર મૌસમી ચૅટરજી પૂરી ફિલ્મમાં રડતી રહે છે અને આંખમાં પાણીનાં ટીપાં નાખતી રહે છે, એ તેણે એટલી સરસ રીતે કર્યું હતું કે તમને થાય કે મૌસમી હિન્દી ફિલ્મોની ટોચની અદાકારા બની શકી હોત.
મૂળમાં મૌસમી તેની ઍક્ટિંગ-કારકિર્દીને લઈને બહુ ગંભીર નહોતી. ગુલઝાર કહે છે, ‘મૌસમી રોલમાં ઓતપ્રોત થઈ જાય છે. કોઈ રોલ તેણે નિભાવ્યો ન હોય એવું મને યાદ નથી. તે ઍક્ટિંગને લઈને ગંભીર નહોતી, નહીં તો બહુ ઉપર ગઈ હોત. ‘અંગૂર’માં એક જ પ્રૉબ્લેમ હતો. તે પ્રેગ્નન્ટ હતી એટલે અમારે તેના દૂરથી જ શૉટ લેવા પડ્યા હતા.’
મુખ્ય હિરોઇન તરીકે મૌસમીની એ છેલ્લી ફિલ્મ. સંતાનને જન્મ આપ્યા પછી તેણે ફિલ્મોમાંથી છુટ્ટી લઈ લીધી હતી અને એકાદ વર્ષ પછી તે પાછી આવી તો માં-બહેનની ભૂમિકા કરતી હતી.
‘અંગૂર’માં સંજીવકુમારની સાળીની ભૂમિકા કરનાર દીપ્તિ નવલ પત્રકાર સથ્યા સરનના પુસ્તકમાં કહે છે, ‘ગુલઝાર ચોકસાઈ બહુ રાખે. તેમના મનમાં છંદ અને મગજમાં લય હોય છે. તેમને બરાબર ખબર હોય કે સંવાદ કેવી રીતે બોલવાનો છે, એ ઊંચા અવાજે પૂરો થવો જોઈએ કે નીચા અવાજે. એમાં તેઓ બહુ કડક રહેતા.
ખાલી સંજીવકુમારને જ છૂટ કે તેઓ સંવાદમાં સુધારા-વધારા કરી શકે અને તેઓ વાક્યોની રચના કે લયને બદલ્યા વગર એ કરી શકતા.’
ગુલઝારે સંજીવકુમારને ધ્યાનમાં રાખીને જ ‘અંગૂર’ની વાર્તા લખી હતી. સંજીવકુમારે એમાં અશોક નામના બે ભાઈઓનો ડબલ રોલ કર્યો હતો (તેની સાથે દેવેન વર્માએ પણ બહાદુર નામના બે નોકરનો ડબલ રોલ કર્યો હતો). સંજીવકુમાર ઊંચા ગજાના અભિનેતા હતા. ગુલઝાર સાથે તેમની જુગલબંધી બહુ ફળદ્રુપ નીવડી હતી. બન્નેએ કુલ ૯ ફિલ્મો કરી હતી અને સંજીવકુમારની શ્રેષ્ઠતમ ફિલ્મો ગુલઝાર સાથે છે; પરિચય, કોશિશ, આંધી, મૌસમ, નમકીન અને અંગૂર. ‘અંગૂર’માં સંજીવકુમારે સીધાં-સાદાં વાક્યોને એવી રીતે અવાજ અને મુદ્રા બદલીને રમૂજમાં ફેરવી નાખ્યાં હતાં કે ગુલઝારે એમાં કશું કરવાનું રહેતું નહોતું.
બન્ને એકબીજાને ફિલ્મો પહેલાંથી ઓળખતા હતા. ગુલઝાર કહે છે, ‘તે સંપૂર્ણ ઍક્ટર હતો. હું કાયમ કહેતો આવ્યો છું કે મારા બે ઍન્કર હતા - એક, સંજીવકુમાર અને બીજો, આર. ડી. બર્મન. હું ત્યારે ઇપ્ટા (આઇપીટીએ - ઇન્ડિયન પીપલ્સ થિયેટર અસોસિએશન) સાથે હતો. તે આઇએનટી (ઇન્ડિયન નૅશનલ થિયેટર) સાથે હતો. અમે ભુલાભાઈ (થિયેટર)માં રિહર્સલ્સ વખતે ભેગા થતા હતા. તેને ફિલ્મોમાં આવવું હતું અને પી. ડી. શેનોય પાસેથી ઍક્ટિંગના પાઠ ભણતો હતો. પી. ડી. ડિરેક્ટર પણ હતા. હું તેમને ઓળખતો હતો.’
ગુરુ દત્ત કૅમ્પના અબ્રાર અલ્વીએ દિલીપકુમારની ‘સંઘર્ષ’ ફિલ્મની સ્ક્રિપ્ટ અડધેથી છોડી દીધી હતી. દિલીપકુમારે પણ સ્ક્રિપ્ટ પર કામ કર્યું હતું. મહાશ્વેતાદેવીની બંગાળી નવલકથા પરથી આ ફિલ્મ બનતી હતી એટલે ગુલઝારને સ્ક્રિપ્ટ પૂરી કરવાનું કહેવામાં આવ્યું. ‘સંઘર્ષ’માં સંજીવકુમાર પણ હતા. બન્ને પહેલી વાર આ ફિલ્મમાં ભેગા થયા હતા. ગુલઝાર કહે છે, ‘અમે ઘણી મહેનત કરીને સ્ક્રિપ્ટ બનાવી. તેના પહેલા શૉટમાં સંજીવકુમાર શતરંજની રમત રમે છે. એમાં તેનો ડાયલૉગ હતો, ‘ચાલ તો હમ ચલ ચૂકે.’ મને યાદ છે દિલીપસા’બ ઇમ્પ્રેસ થઈ ગયા હતા. તેમણે (નિર્માતા એચ. એસ.) રવૈલને પૂછ્યું હતું, ‘તમે આ ઍક્ટરને ક્યાંથી શોધી લાવ્યા?’ અને રવૈલે કહ્યું હતું, ‘થિયેટરમાંથી.’
‘અંગૂર’ની કહાની બહુ સાધારણ હતી. બે જોડિયા ભાઈ અશોક અને બહાદુર બચપણમાં છૂટા પડી જાય છે અને મોટા થઈને એક જ શહેરમાં ભેગા થાય છે. એમાં અશોક-1 અને અશોક-2 તેમ જ બહાદુર-1 અને બહાદુર-2 વચ્ચે તથા અશોક-1ની પત્ની સુધા, તેની બહેન તેમ જ કામવાળી વચ્ચે જે ગોટાળા થાય છે એ લાજવાબ રમૂજના નિમિત્ત બને છે. પૂરી ફિલ્મ બે દિવસ અને એક રાતની હતી, પણ એ ફિલ્મ આજે પણ જુઓ તો એનો જાદુ કોઈ પણ બ્લૉકબસ્ટર ફિલ્મથી ઓછો નથી. ‘અંગૂર’ની અડધી કમાલ તો એની સ્ટારકાસ્ટમાં જ હતી. ગુલઝારે સંજીવકુમાર, દેવેન વર્મા, મૌસમી ચૅટરજી, દીપ્તિ નવલ અને અરુણા ઈરાની પાસેથી સાહજિક પણ અસાધારણ પર્ફોર્મન્સ કરાવ્યો હતો.
દેવેન વર્માએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘તાર્કિક રીતે વિચારો તો કેવું વિચિત્ર લાગે કે જોડિયા સંતાનનાં માતા-પિતા બીજા લાવારિસ જોડિયા બંધુને દત્તક લે, એક-એક જોડિયાઓ સાથે છૂટા પડી જાય, બન્ને જોડિયાઓ મોટા થઈને અલગ જ સંજોગોમાં ભેગા થાય? પણ ફિલ્મ જુઓ તો તર્કની કોઈ વિસાત નથી. ઉટપટાંગ વાર્તાને માની લો, એટલે એમાંથી રમૂજ જ રમૂજ નીકળે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK