વસઈના દેરાસરમાં થયેલી ચોરી બાબતે આજે મહત્ત્વની મીટિંગ

Published: 14th January, 2021 13:15 IST | Preeti Khuman Thakur | Mumbai

દેરાસરમાં પૂજાતી ૧૧ પ્રતિમાઓને આરોપીઓને પકડીને પાછી મેળવવામાં પોલીસને કોઈ સફળતા ન મળી હોવાથી આગળની રણનીતિ આજે ઘડાશે

વસઈના આ દેરાસરમાં પ્રતિમાઓ પહેલાં અહીં બિરાજમાન હતી અને પછી ચોરી થઈ જતાં એ જગ્યા ખાલી થઈ ગઈ છે.
વસઈના આ દેરાસરમાં પ્રતિમાઓ પહેલાં અહીં બિરાજમાન હતી અને પછી ચોરી થઈ જતાં એ જગ્યા ખાલી થઈ ગઈ છે.

વિરારના જૈન દેરાસરમાંથી થયેલી ચોરી બાદ પોલીસે આકરી તપાસ હાથ ધરીને અંતે પ્રતિમાઓને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી. પરંતુ વસઈ-ઈસ્ટમાં સાતીવલીના તુંગારેશ્વર રોડ પર તુંગાર ફાટામાં આવેલા ૧૭ વર્ષ જૂના શ્રી ૧૦૦૮ ચિંતામણિ પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરમાં ચોરી થયાને અનેક દિવસો વીતી ગયા છતાં પણ પોલીસના હાથે નિષ્ફળતા જ મળી છે. દેરાસરની આશરે છ ફીટની દીવાલ કૂદીને અંદર આવીને દેરાસરમાં પૂજાતી ભગવાનની ૧૧ પ્રતિમાઓ સહિત શણગારની અનેક વસ્તુઓ ચોરી ગયા હતા. પરંતુ ચોરી થયેલી પ્રતિમાઓ પાછી મળી રહી ન હોવાથી શ્રાવકોમાં રોષ વ્યાપ્યો છે. એ અનુસાર આજે દેરાસરમાં મીટિંગનું આયોજન કરીને આગળ શું કરવું એની રણનીતિ નક્કી કરવામાં આવશે.
આ વિશે સંપૂર્ણ માહિતી આપતાં વસઈ દેરાસરના મૅનેજિંગ ટ્રસ્ટી ભરત શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિરાર દેરાસરમાં ચોરી થયેલી પ્રતિમાઓ મામલે પોલીસે ગંભીરતાથી તપાસ હાથ ધરીને અંતે ભલે ખંડિત પ્રતિમાઓ તો દેરાસરમાં પહોંચાડી હતી. ભગવાનની પ્રતિમાઓ જોઈને શ્રાવકોને થોડી નિરાંત મળી. પરંતુ અમારા દેરાસરમાં પૂજાતી ૧૧ પંચધાતુ-ચાંદીની પ્રતિમાઓ, ૩ મોટાં ચાંદીનાં છત્ર, ચારથી પાંચ સિંહાસનો, ૧૨ ચાંદી-કૉપરનાં યંત્રો ચોરી થઈ ગયાં છે પરંતુ એ વિશે હાલ સુધી કોઈ જ વિગત પોલીસને હાથ લાગી નથી. પોલીસના સતત ફૉલોઅપમાં રહેતાં અમારી તપાસ ચાલી રહી છે બસ, એટલું જ સાંભળવા મળે છે. પોલીસ વિભાગ અમારું સાંભળી રહ્યો નથી. ગંભીરતાથી તપાસ થઈ રહી ન હોવાથી અમને મૂર્તિઓ મળી નથી. પોલીસને ચોરો અને પ્રતિમાઓ શોધવામાં હાલ સુધી નિષ્ફળતા જ મળી છે. પરંતુ અમારી પ્રતિમાઓ ચોરોના હાથમાં ક્યાં છે, કેવી હાલતમાં હશે એ વિચારીને ખૂબ જ ચિંતા થઈ રહી છે. એથી શ્રાવકો પણ હવે રોષે ભરાયા છે.’
બેઠક કરીને આગળ શું કરવું એ વિશે નિર્ણય લઈશું એમ જણાતાં ભરતભાઈએ જણાવ્યું કે ‘આ સંદર્ભે આજે દેરાસરમાં કમિટી મેમ્બર્સ અને અમુક શ્રાવકોની વચ્ચે એક બેઠક યોજાવાની છે. આ બેઠકમાં અમે આગળ શું કરવું એ વિશે રણનીતિ નક્કી કરવાના છીએ. પ્રતિમાઓ પાછી મેળવવા અને પોલીસની નિષ્ફળતા સામે આંદોલન કરવાનો પણ અમારો વિચાર ચાલી રહ્યો છે.’
વાલિવ પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર ધ્યાનેશ ફડતરેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે પોલીસ ટીમ બનાવીને ચોરોની તપાસ કરી રહ્યા છીએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK