Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આણલદે, અહંકાર કાયાનો કરીએ નહીં...

આણલદે, અહંકાર કાયાનો કરીએ નહીં...

03 December, 2019 02:48 PM IST | Mumbai
Kishor Vyas

આણલદે, અહંકાર કાયાનો કરીએ નહીં...

આણલદે, અહંકાર કાયાનો કરીએ નહીં...


ગતાંકથી ચાલુ

નાગવાળો પોતાની ધૂનમાં મસ્ત બનીને શયનકક્ષની દીવાલ પર નખથી નાગમતીનું ચિત્ર દોરી રહ્યો હતો ત્યારે તેને બે આંખો તાકી રહી હતી! એ હતી તેની પત્ની આણલ, તે આવ્યો ત્યારથી શૂન્યમસ્તક હોવાનું તેણે નોંધ્યું હતું. તે છાનીમાની નાગવાળાની પાછળ ઊભી રહીને તે શું કરે છે એ જોઈ રહી હતી. થોડી વારમાં તેણે નોંધી લીધું કે તેનો પતિ ભીંત પર કોઈ રૂપસુંદરીનું ચિત્ર દોરી રહ્યો છે! આણલને તેના સૌન્દર્યનું ગુમાન હતું એથી તેનો પતિ પોતાને છોડીને કોઈ અન્ય સુંદરીનું ધ્યાન ધરે એ તેના માટે અસહ્ય બની ગયું! જેમ-જેમ ભીંત પરનું ચિત્ર આકાર લઈ રહ્યું હતું તેમ-તેમ તે અસ્વસ્થ બનતી જતી હતી. આખરે તેની ધીરજનો અંત આવ્યો અને તે ચિત્કારી ઊઠી...



‘નાગ ઉપરાંઠો કાં સુએ, નખે ચીતરે ભીંત?


મુંથી રૂપાળી ગોરડી, કઈ ચડી છે ચિત્ત?’

અરે, ઓ નાગવાળા, તું તારા નખ વડે ભીંત પર કોનું ચિત્ર દોરી રહ્યો છે? શું મારાથી સ્વરૂપવાન કોઈ રમણી તારા ચિત્તમાં ચડી છે કે શું? પરંતુ પત્ની નાગમતીના શબ્દો તેના માટે અરણ્યરુદન સમાન બની ગયા હતા. તે પોતાની ધૂનમાં જ રહ્યો, તેણે કોઈ જવાબ ન આપ્યો. એટલું જ નહીં, આંખ ઊંચી કરીને જોયું પણ નહીં! આણલ થોડી વાર શાંત રહી, પણ પતિની ઉપેક્ષાની આગમાં તે જલી રહી હતી. થોડી વાર પછી ફરી તે ગર્વિતા બોલી, ‘નાગવાળા, જેમ ધરતીનો શણગાર મેઘ છે, આકાશનો શણગાર વીજળી છે એમ પુરુષોના શૃંગારરૂપ તું છો અને સ્ત્રીઓમાં હું છું, આણલ! આણલદેવી!’


પત્નીના આ અહંકારી શબ્દો નાગવાળાને ગમ્યા નહીં, તે તરત બોલી ઊઠ્યો...

‘આણલદે, અહંકાર કાયાનો કરીએ નહીં,

 ઘડિયલ કાચે ગાર, માટીમાં જાશે મળી.’

નાગવાળાનો આવો જવાબ સાંભળી આણલ ઝંખવાણી પડી ગઈ. તેનામાં પતિ માટે કચવાટ પેદા થયો. તે ત્યાંથી પગ પછાડતી ચાલી ગઈ. નાગવાળો તો નાગમતીના જ વિચારોમાં ખોવાયેલો બેસી રહ્યો. નાગમતીના સૌન્દર્યે તેના પર અજબ જાદુ કર્યો હતો! તે નિશ્વાસ નાખતાં બબડ્યો કે નાગમતી જેવી કામણ પાથરનારી કામિની તેણે આજ પહેલાં ક્યારેય જોઈ નથી. તેની નાજુક હરણી જેવી ચપળ અને ચંચળ આંખો મારી આંખોમાં રમી રહી છે. આવી જ સ્થિતિમાં ક્યારે સાંજ પડી, ક્યારે રાત પડી અને ક્યારે પ્હો ફાટીને પરોઢ થયું એનું પણ તેને ભાન ન રહ્યું!

સવાર પડતાં જ તે પાછો પોતાના પાણીદાર અશ્વ પર સવાર થઈ નીકળી પડ્યો. આખી રાત હૃદયમાં રમી રહેલી નાગકન્યાના લાવણ્યવાળી નાગમતીને જોવા તેણે પોતાના ઘોડાને કાનસુઆના તંબુઓ તરફ દોર્યો. રસ્તામાં આવતા સરોવર પાસે સૂર્યદેવનું મંદિર હતું. કાઠીઓ સૂર્યદેવના પૂજારી એટલે નાગવાળાએ પણ ઘોડાને રોક્યો. દેવનાં દર્શન કર્યાં અને બહાર નીકળતાં જ મધુર કંઠમાં ગવાતું ગીત તેના કાને પડ્યું. તેણે આસપાસ નજર ફેરવી, પરંતુ કોઈ દેખાયું નહીં એટલે ફરી ઘોડા પર સવાર થયો અને નાગમતીને જોવા નીકળી પડ્યો, પણ આજે તેનો અશ્વ ધીરી ચાલમાં ચાલતો હોવાનું તેને લાગ્યું. તેણે અશ્વની લગામ ખેંચીને જણાવ્યું કે જલદી ચાલ, પરંતુ અશ્વ આજે તેના કહ્યામાં નહોતો! અશ્વ માર્ગ બદલીને સરોવર તરફ આગળ વધી રહ્યો હતો. સરોવરના આરા પાસે આવીને અશ્વએ પાણી પીવા માટે પોતાનું મસ્તક નમાવ્યું. નાગવાળાએ લગામ ઢીલી કરી અને તેને પાણી પીવા દીધું ત્યાં નાગવાળાની નજર સરોવરનાં પાણી પર પડી, સ્વપ્ન સમાન દૃશ્ય જોઈને તેણે આંખો ભૂંસીને જોયું તો નાગમતી સરોવરમાં સ્નાન કરી રહી હતી!

સોમવારનો દિવસ હતો. નાગમતી દર સોમવારે અહીં આવતી અને સ્નાન કરીને પછી સૂર્યદેવનાં દર્શન કરતી. ભાગ્યે જ ત્યાં કોઈ માણસનો પગરવ સંભળાતો એટલું એ એકાંત સ્થળ હતું. નાગમતી નિશ્ચિત બની સરોવરમાં સ્નાન કરી રહી હતી અને સાથે આવેલી દાસી આસપાસ ક્યાંક ફૂલ વીણવા ગઈ હતી. આજે એ પણ વહેલી આવી હતી, કારણ કે નાગવાળાની તેના અંતર પર એટલી ઊંડી અસર હતી કે રાત્રે તે પણ સૂઈ નહોતી શકી. અત્યારે પણ કદી ન અનુભવેલી વેદના તે અનુભવી રહી હતી. ઊંઘ અને આરામ તેનાથી જાણે જોજનો દૂર ધકેલાઈ ગયાં હતાં. નાગવાળાનો થનગનતો અશ્વ તેના અંતરમાં પણ જાણે થનગની રહ્યો હતો. નાગવાળા જેવો અપાર કાંતિવાળો પુરુષ તેણે ક્યારેય જોયો નહોતો આથી સ્નાન કરતાં-કરતાં પણ તે નાગવાળાનાં મીઠાં સ્વપ્નોમાં સરી પડી હતી.

અચાનક તેના કાને ઘોડાની હણહણાટીનો અવાજ પડ્યો. નાગવાળાની આંખો સ્નાન કરતી નાગમતી પર સ્થિર હતી. નાગમતીએ અવાજની દિશામાં આંખ માંડી તો નાગવાળાનાં દર્શન થયાં! ચાર આંખો સામસામે ચોંટી ગઈ! એકાકાર થઈ ગઈ. અલ્પ વસ્ત્રોવાળી નાગમતીની નજર શરમથી ઝૂકી ગઈ. તેણે પોતાના શરીર પર નજર નાખી અને ફરી નાગવાળા તરફ જોયું. ચંદ્ર સમાન સ્વચ્છ લાગતી નાગમતીના ચહેરા પર શરમના શેરડા પડી ગયા. દૃષ્ટિ સરોવરનાં પાણીમાં પેસી ગઈ. શું કરવું કે શું બોલવું એ બન્નેને સૂઝ્યું નહીં. બન્ને પ્રેમીઓના હૃદયના ધબકારા તેજ થઈ ગયા. ઘોડો પણ મસ્તીમાં આવીને પાણીમાં આગળ વધતો ગયો અને નાગવાળો નાગમતીની નજીક સરતો ગયો.

નાગવાળાએ વાત કરવા માટે યુક્તિ કરી. તેણે પોતાની આંગળીએ પહેરેલો વેઢ પાણીમાં સરકાવી દેતાં કહ્યું કે ‘કુંવરી નાગમતી, મારી આંગળીનો વેઢ હમણાં જ પાણીમાં પડી ગયો છે, જરા શોધી આપશો?’

નાગમતીની નજરથી નાગવાળાની એ ચેષ્ઠા અછાની નહોતી રહી. તે કઈ પણ જવાબ આપે એ પહેલાં એક બીજી ઘટના બની!

વહેલી સવારમાં જ પતિ રાજમહેલમાંથી છાનોમાનો સરકી ગયો હતો એની આણલને ખબર હતી. રાત આખી નાગવાળાએ વ્યગ્રતામાં વિતાવી હોવાની પણ તેની જાણ બહાર નહોતું. નાગવાળાને જતો જોઈ તે પણ ઘોડો પલાણી પતિની પાછળ પગેરું કાઢતી નીકળી પડી હતી. આણલના અશ્વના ડાબલા સંભળાતાં નાગવાળાનો અશ્વ હણહણ્યો. નાગવાળાએ જોયું તો આણલ ઘોડો દોડાવતી તેની નજીક આવી રહી હતી. બન્ને પ્રેમીઓ આણલને નજીક આવતી જોઈને થોડાં ગભરાયાં. અશ્વ તો બન્નેની નજીક પાણીમાં આવી પહોંચ્યો!

સ્તબ્ધ થયેલા વાતાવરણ વચ્ચે નાગમતી બોલી, આણલદેવી, વાળા કુમારનો વેઢ પાણીમાં પડી ગયો છે, આવો આપણે બન્ને બાથ ભીડીને એને શોધી કાઢીએ! પરંતુ નાગવાળા અને નાગમતીને એકદમ નજીક ઊભેલાં જોઈને આણલનો ક્રોધ ભભૂકી ઊઠ્યો હતો. એમાં નાગમતીના શબ્દોએ જાણે ઘી હોમ્યું ! તેણે ઘોડા પરથી જ કૂદકો મારીને નાગમતીને વાળ પકડીને ખેંચવા લાગી. નાગવાળો ગૂંચવાઈ ગયો! હવે શું કરવું! પણ નાગમતી પર થતો અત્યાચાર જોઈને તે પણ ગુસ્સે થયો. તેની આંખો લાલચોળ થયેલી જોઈને આણલે અશ્વ પલાણી ચાલ્યા જવાનું પસંદ કર્યું. ગુસ્સે ભરાયેલા નાગવાળાએ પણ તેની પાછળ પોતાનો ઘોડો દોડાવી દીધો.

એક દિવસ પોતાની છાવણીની સ્ત્રીઓ માથા પર ઘાડવા મૂકી સમિયાણા ઘી વેચવા જતી હતી ત્યારે તેના મગજમાં ઝબકારો થયો! હું પણ તેમની સાથે ઘી વેચવાના બહાને સમિયાણા જાઉં, કદાચ નાગવાળાનાં દર્શન થાય! તેણે પણ એક ઘાડવો પોતાના માથે મૂક્યો અને તેમની સાથે જઈને વેપારીની દુકાને જઈ ઊભી. તે જ્યારે વેપારીના વાસણમાં ઘી ઠાલવી રહી હતી ત્યાં જ ઘોડો ખેલાવતો નાગવાળો પસાર થયો. બન્નેની નજર મળી અને નાગમતીના અંગેઅંગમાં ધ્રુજારી છૂટી. તે અપલક નેત્રે વાળા કુમારને જોઈ રહી. તેનું ઘી વાસણમાં રેડાવાના બદલે બહાર ઢોળાવા લાગ્યું. વેપારી બોલ્યો, એ બહેન, તું ઘી વેચવા આવી છો કે નાગવાળાને જોવા? ત્યારે પણ તેની નજરો નાગવાળા પર જ હતી. મનમાં બોલી, ‘એને જોવા જ આવી છું ભાઈ. એના વગર હવે હોરવતું નથી.’

(ક્રમશઃ)                          

Whatsapp-channel Whatsapp-channel

03 December, 2019 02:48 PM IST | Mumbai | Kishor Vyas

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK