એક માફી (લાઇફ કા ફન્ડા)

Published: 11th February, 2021 13:30 IST | Heta Bhushan | Mumbai

બિઝનેસ સારો ચાલતો હોવા છતાં જમાઈ લીધેલા પૈસા પાછા આપવાનું નામ લેતો ન હતો.

એક માફી (લાઇફ કા ફન્ડા)
એક માફી (લાઇફ કા ફન્ડા)

એક સદ્‍ગૃહસ્થ ભગવાનના ભક્ત હતા. આખું જીવન ઈમાનદારીથી કમાયા અને હવે રિટાયર લાઇફમાં શાંતિથી ભક્તિ કરવા ઇચ્છતા હતા. તેમણે પોતાના પ્રોવિડન્ટ ફંડમાંથી પાંચ લાખ રૂપિયા પોતાની દીકરી અને જમાઈને બિઝનેસ શરૂ કરવા માટે આપ્યા. તેમના આશિષથી અને ઈશ્વરકૃપાથી જમાઈની મહેનત રંગ લાવી અને તરત જ વેપાર જામી ગયો. બિઝનેસ સારો ચાલતો હોવા છતાં જમાઈ લીધેલા પૈસા પાછા આપવાનું નામ લેતો ન હતો.
એક દિવસ સસરાજીએ જમાઈ પાસે પોતાના પાંચ લાખ રૂપિયા પાછા આપવાની વાત કરી અને સસરા અને જમાઈ વચ્ચે ઝઘડો થઈ ગયો. વાત એટલી વધી ગઈ કે સંબંધો ભુલાઈ ગયા અને એકબીજાના ઘરે જવાનું અને બોલવાનું બંધ થઈ ગયું. એકમાત્ર દ્વેષ, ગુસ્સો અને નફરતથી ભરેલો દુશ્મનીનો સંબંધ રહ્યો. આખો દિવસ તેમના મનમાં જમાઈ પ્રત્યેનો ગુસ્સો અને નફરત રમ્યા કરતા. હવે તેમનું ભક્તિમાં પણ મન લાગતું ન હતું. પ્રભુનામ લેતાં-લેતાં પણ જમાઈના વિચારો આવતાં તેની પર ગુસ્સો આવતો. જેને મળતા તેની સાથે જમાઈએ આપેલા દગાની વાત કરતા અને જમાઈની નિંદા કરતા. મનમાં ગુસ્સો અને સતત ઘૃણા રાખવાની અસર પહેલાં તેમની ભક્તિ અને પછી શરીર અને મન પર પણ
થઈ. તેમની તબિયત સારી રહેતી ન હતી. સતત બેચેન રહેવા લાગ્યા. કોઈ રસ્તો દેખાતો ન હતો.
તેઓ આ માનસિક બેચેની અને શારીરિક તકલીફમાંથી ઊગરવાનો ઉપાય શોધવા એક સંતને જઈને મળ્યા અને બધી વાત તમને કરી અને પોતાની બેચેની દૂર કરવાનો ઉપાય સંતને પૂછ્યો. સંતે કહ્યું, ‘હું કહું તેમ કરશે તો તારા મનની બધી જ બેચેની દૂર થઈ જશે.’
સદ્‍ગૃહસ્થે પૂછ્યું, ‘બાપજી, શું કરું?’
સંતે કહ્યું, ‘હમણાં જ મીઠાઈ, ફળ, ભેટ લઈને તારા જમાઈ પાસે જા અને તેની માફી માગતાં કહેજે કે દીકરા, મને માફ કરી દે. બધી ભૂલ મારી હતી.’
આ વાત સાંભળી સદ્‍ગૃહસ્થ ઊભા થઈ ગયા અને બોલ્યા, ‘મેં મારા પૈસા પાછા માગ્યા એમાં મારી શું ભૂલ? મારી કોઈ ભૂલ નથી, હું માફી શું કામ માગું?’
સંત બોલ્યા, ‘દરેક ઝઘડામાં બન્ને પક્ષની ભૂલ હોય છે. એક પક્ષની વધારે તો બીજાની ઓછી, પણ ભૂલ હોય તો છે જ. તે તારા જમાઈને ખરાબ સમજ્યો, તેની નિંદા અને આલોચના કરી. હંમેશાં ગુસ્સા સાથે તેના દોષ બધાને કહ્યા એ તારી ભૂલ છે. તારા મનમાં તેના માટે નફરત ભરી રાખી એ તારી ભૂલ છે. જા જઈને માફી માગ.’
સદ્‍ગૃહસ્થે સંતે કહ્યું એમ જઈને જમાઈની માફી માગી. બધી ભૂલ મારી છે, મેં તમને બધે બદનામ કર્યા, તમને નફરત કરી માટે મને માફ કરો.’ આટલું સાંભળી દીકરી-જમાઈ તેમને ભેટીને રડવા લાગ્યા. પોતાની ભૂલો સ્વીકારી અને પૈસા પણ તરત પાછા આપી દીધા. એક માફી માગવાથી વર્ષોનો તૂટેલો સંબંધ ખીલી ઊઠ્યો અને બધી નફરત પ્રેમ સામે હારી ગઈ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK