અમિતાભ બચ્ચનને ખબર હતી કે સંજોગ ને સ્વીકારવા એ તેની સાથે સુલેહ કરવાની પહેલી શરત છે

Published: 10th January, 2021 16:13 IST | Rajani Mehta | Mumbai

ઑસ્કર વાઇલ્ડ કહે છે, ‘All promises are meant to be broken.’ આમ પણ જીવનમાં નિયમો પાળવા કરતાં તોડવાની થ્રિલ વધુ હોય છે

"કાવ્ય વિશ્વ’ના  વિમોચન સમારંભમાં નરેન્દ્ર મોદી, નવીનભાઈ દવે, અમિતાભ બચ્ચન અને સુરેશ દલાલ.
"કાવ્ય વિશ્વ’ના વિમોચન સમારંભમાં નરેન્દ્ર મોદી, નવીનભાઈ દવે, અમિતાભ બચ્ચન અને સુરેશ દલાલ.

ચૂંટણીની મોસમ હતી. નેતાએ ચૂંટણીપ્રચાર બાદ એક મતદાતાને પોતાને મત આપવાની વિનંતી કરી. પેલાએ કહ્યું, ‘આમ તો હું  તમને જ મત આપું છું, પરંતુ આ વખતે મારો મિત્ર ચૂંટણી લડી રહ્યો છે અને મેં તેને પ્રૉમિસ આપ્યું છે કે હું તને મત આપીશ.’

ખંધા રાજકારણીએ હસતાં-હસતાં કહ્યું, ‘જીવનમાં અનેકને પ્રૉમિસ આપીએ છીએ, એ  દરેક પાળવાં જરૂરી નથી.’

તરત જવાબ મળ્યો, ‘તો પછી હું તમને પ્રૉમિસ આપું છું કે મારો મત તમને જ મળશે.’

ઑસ્કર વાઇલ્ડ કહે છે, ‘All promises are meant to be broken.’ આમ પણ જીવનમાં નિયમો પાળવા કરતાં તોડવાની થ્રિલ વધુ હોય છે. નવા વર્ષના સંકલ્પો જાણે તોડવા માટે જ લેવાયા હોય એવી પરિસ્થિતિ વહેલીમોડી સર્જાતી હોય છે. ગયા રવિવારે મેં લખ્યું હતું કે એક ગુણી સંગીતકારની સંગીતયાત્રાની શરૂઆત કરીશું. બન્યું એવું કે અમિતાભ બચ્ચનની વાતોમાં વાચકમિત્રોને ખૂબ રસ પડ્યો. અમુકનું સજેશન આવ્યું કે તેમના વિશે વિસ્તારથી લખો તો મજા આવશે. બિગ બી વિશે લખવા બેસીએ તો પૂરો ગ્રંથ લખી શકાય. એ ફરી કોઈક વાર. આપેલું વચન એક અઠવાડિયા સુધી પોસ્ટપોન કરીને આજે તેમના વિશેની થોડી રસપ્રદ, પરંતુ ઓછી જાણીતી વાતો શૅર કરું છું...  

નાનો હતો ત્યારે કાલબાદેવીની ભાંગવાડીમાં અનેક નાટકો જોયાં છે. એક નાટકમાં માસ્ટર અશરફ ખાને ગાયેલું ગીત યાદ આવે છે, ‘એકસરખા દિવસ  સુખના કોઈના જાતા નથી.’ સુખ હોય કે દુઃખ, સદા એકસરખી સ્થિતિ કદી રહેતી નથી એટલે જ કહેવાય છે કે ‘આ સમય પણ જતો રહેશે.’ અનુભવીઓ કહે છે, ‘સુખમાં છકી ન જવું અને દુઃખમાં ડૂબી ન જવું.’ દરેક સુખની પાછળ દુઃખ સંતાયેલું હોય છે. સુખ હોય કે દુખ, એ કાયમની અવસ્થા નથી. સુખ અને દુખ વેશપલટો કરીને આપણા જીવનમાં આવનજાવન  કરતાં રહે છે.     

નિયતિની આ ચાલમાંથી કોઈ બાકાત રહેતું નથી. લગભગ ૨૦ વર્ષ સુધી એકહથ્થુ સફળતા બાદ એક સમય એવો આવ્યો કે અમિતાભ બચ્ચનના નામ અને કામનો કરિશ્મા ઓસરવા લાગ્યો. વધતી ઉંમર અને નવા યુવાન કલાકારો સાથે બદલાતા ઑડિયન્સના ટેસ્ટને કારણે તેમની ડિમાન્ડ ઓછી થવા લાગી. વિવેચકોએ ત્યાં સુધી કહ્યું કે તેમણે રિટાયર થઈ જવું જોઈએ. અધૂરામાં પૂરું હોય તેમ તેમણે ‘એબીસીએલ કૉર્પોરેશન’ નામની પોતાની પ્રોડક્શન-કંપની શરૂ કરી. એ ઉપરાંત બીજાં અનેક બિઝનેસ-વેન્ચર શરૂ કર્યાં જેમાં એક ફૅશન કૉન્ટેસ્ટનો પણ સમાવેશ છે. કમનસીબે આ દરેક સાહસમાં તેમને નિષ્ફળતા મળી. આર્થિક રીતે તેમની હાલત નાજુક થઈ ગઈ.

બન્યું એવું કે એ દિવસોમાં તેમની ઇન્કમ-ટૅક્સની ફાઇલ મારા એક પરિચિત ટૅક્સ પ્રૅક્ટિશનર પાસે આવી. એ ફાઇલની સ્ટડી કરતાં તેમણે જોયું કે પરિસ્થિતિ ગંભીર હતી. તેમણે અમિતાભને સલાહ આપી કે આમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. છૂટવાનો એક જ ઉપાય છે, વહેલી-મોડી તેમણે નાદારી (બૅન્કરપ્ટસી) જાહેર કરવી પડશે. અમિતાભનો જવાબ હતો, ‘હું જાણું છું કે હું દેવામાં ડૂબેલો છું, પરંતુ કદી નાદારી જાહેર નહીં કરું. ગમે તેમ કરીને લોકોની પાઈ-પાઈ ચૂકવી આપીશ.’

એ દિવસોમાં સ્ટાર વર્લ્ડ પર સિમી ગરેવાલ અમિતાભનો ઇન્ટરવ્યુ લેતાં એક સવાલ કરે છે, ‘હાલમાં તમે જે પ્રકારના insignificant રોલ સ્વીકારો છો એને કારણે તમારા ચાહકો નારાજ છે અને વિવેચકો ટીકા કરે છે, એ બાબતે તમારે શું કહેવું છે?’ અમિતાભ નિખાલસતાથી હકીકતનો સ્વીકાર કરતાં કહે છે, ‘તેમનો વાંક નથી. હું પણ આ વાતથી વાકેફ છું, પરંતુ મારી મજબૂરી છે. હું કરજમાં ડૂબેલો છું. એમાંથી બહાર નીકળવા માટે મારે ઝાડુ મારવાનું કામ કરવું પડે તો એ માટે પણ હું તૈયાર છું.’ આવી કબૂલાત કરવી એ કાચાપોચાનું કામ નથી.

સમય જોવા માટે આપણે પ્રશ્ન પૂછીએ છીએ. ‘કેટલા વાગ્યા?’ બહુ સૂચક સવાલ છે. સમયનો પણ માર વાગે છે. સારો સમય હોય ત્યારે તે પીઠ પર ધબ્બો મારે એટલે આપણે ટટ્ટાર થઈ જઈએ. એ વખતે સમય આપણો હમસફર બની જાય છે. ખરાબ સમયે પેટ પર એની લાત વાગે છે અને માણસ બેવડ વળી જાય છે. ત્યારે તેને પકડવાની લાખ કોશિશ કરીએ તો પણ એ હાથતાળી દઈને છટકી જાય છે. સમય ક્યારે મિજાજ બદલે એ કહેવાય નહીં અને એટલે જ સમયથી ડરીને રહેવામાં શાણપણ છે. જે વ્યક્તિ સમયને માન આપે છે તેને જ સમય વહેલોમોડો સાચવી લે છે.

સંજોગને સ્વીકારવા એ એની સાથે સુલેહ કરવાની પહેલી શરત છે.  હિંમત હાર્યા વિના અમિતાભ બચ્ચને સમયનો તકાજો સમજીને જે કામ સામે આવ્યું, જે કિંમતે આવ્યું એ સ્વીકારીને પોતાની નાણાકીય ભીડમાંથી બહાર આવવાનો ભગીરથ પુરુષાર્થ કર્યો. કેબીસી (કૌન બનેગા કરોડપતિ)ની પહેલી સીઝનની ઑફર આવી ત્યારે તેમને પૂરી સીઝનના કેવળ ૨૫ લાખ રૂપિયા મળે એમ હતા. મારા પરિચિત ટૅક્સ-કન્સલ્ટન્ટ તરફથી તેમને સલાહ મળી કે તમારું નામ અને શોહરત જોતાં આ રકમ ખૂબ ઓછી છે. તમને પૂરી સીઝનના કમસે કમ એક કરોડ રૂપિયા તો મળવા જ જોઈએ. અમિતાભનો જવાબ હતો, ‘મારા માટે આ ઑફર આવી એ જ મોટી વાત છે. હું આ તક ગુમાવવા નથી માગતો.’ અને પછી તો કહે છેને કે રેસ્ટ ઇઝ હિસ્ટરી. આજે એક એપિસોડના તેમને કેટલા કરોડ રૂપિયા મળે છે એની ચર્ચા થાય છે.

૨૦૦૧માં ઇમેજ પબ્લિકેશનના પુસ્તક ‘કાવ્યવિશ્વ’ના  લોકાર્પણનો કાર્યક્રમ વિલે પાર્લેના ભાઈદાસમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં અમિતાભ બચ્ચન ચીફ ગેસ્ટ હતા. આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિ હતી. આ પુસ્તકમાં વિશ્વભરના વિખ્યાત કવિઓની રચનાઓનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરવામાં આવ્યો છે (જેમાં  થોડા જૅપનીઝ હાઇકુનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અને ગુલઝારની લોકપ્રિય કૃતિ ‘મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ’નો હિન્દીમાંથી ગુજરાતીમાં કરેલો મારો ભાવાનુવાદ સામેલ છે).  કવિમિત્ર સુરેશ દલાલ જ્યારે તેમને મળવા ગયા ત્યારે પહેલાં તો તેમણે કહ્યું કે આ કાર્યક્રમના ચીફ ગેસ્ટ તરીકે કોઈ કવિ જ યોગ્ય રહેશે. સુરેશભાઈનો આગ્રહ હતો કે હરિવંશરાય બચ્ચન જેવા મહાન કવિના પુત્ર હોવાને નાતે તમે પણ આને માટે લાયક છો. અમિતાભે કાર્યક્રમની પૃષ્ઠ  ભૂમિકા જાણ્યા પછી કહ્યું કે ‘મારું શૂટિંગ-શેડ્યુલ ચેક કરીને આવતી કાલે જવાબ આપીશ.’

બીજા દિવસે તેમની સેક્રેટરી રોઝીનો ફોન આવ્યો કે ‘સર તમારા આમંત્રણનો સ્વીકાર કરીને આ કાર્યક્રમમાં આવશે. અમિતાભના કન્ફર્મેશનની વાત કરતાં, સહજ ચિંતા વ્યક્ત કરતાં સુરેશભાઈએ મને કહ્યું કે હા તો પાડી છે, પરંતુ છેલ્લી ઘડીએ શું થશે એની ખબર નથી. કાર્યક્રમને હજી દોઢ મહિનાની વાર હતી, પરંતુ અહો આશ્ચર્યમ. ત્રીજા દિવસે અમિતાભ બચ્ચનની સાઇનવાળો કાગળ આવ્યો. લખ્યું હતું, ‘વિશ્વ કવિતાના પુસ્તક-વિમોચન માટે મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવા બદલ આપનો આભારી છું. હું માનું છું કે આ સન્માન માટે કેવળ બાબુજીના પુત્ર સિવાય મારી કોઈ યોગ્યતા નથી. આ તેમનું બહુમાન છે. નિયત કરેલા દિવસે હું સમયસર આવી જઈશ.’      

કાર્યક્રમના ચાર-પાંચ દિવસ પહેલાં રોઝીને ફોન કરીને યાદ કરાવ્યું તો તેણે કહ્યું, ‘ચિંતા ન કરો. સર સમયસર પહોંચી જશે.’ હવે તો કોઈ ચિંતા નહોતી. ખરી મજાની વાત કાર્યક્રમના દિવસે સવારે થઈ. રોઝીનો ફોન આવ્યો કે ‘આજના કાર્યક્રમ માટે કોઈ પણ ફોન કરવાની જરૂર નથી. અમારું શેડ્યુલ નક્કી છે. તમને સાંજે અપડેટ  કરતા રહીશું.’

એ દિવસોમાં અમિતાભ કેબીસીના શૂટિંગ માટે દરરોજ ગોરેગામની ફિલ્મસિટી જતા હતા. કાર્યક્રમનો સમય રાતે ૮.૩૦ વાગ્યાનો હતો. ૫.૩૦ વાગ્યે  મેસેજ આવ્યો, ‘સર શૂટિંગ પૂરું કરીને ૭ વાગ્યે ઘરે પહોંચશે. ૭.૪૫ થઈ અને બીજો મેસેજ આવ્યો, ‘સર ઘરેથી ૮ વાગ્યે નીકળીને ૮.૧૫ વાગ્યે ઑડિટોરિયમ પહોંચશે. કોઈક કારણસર મોડું થાય તો તેમની રાહ જોયા વિના કાર્યક્રમ શરૂ કરી દેવો. તેમના સ્વાગત માટે એક સિવાય બાકીના  હોદ્દેદારોને બહાર રાહ ન જોવાની વિનંતી.’

આ સ્ટોરીનો ક્લાઇમૅક્સ તો હજી બાકી છે. બરાબર ૮.૧૫ થઈ અને અમિતાભનું આગમન થયું. સ્વાભાવિક છે કે ગેટ પર ચાહકોની મોટી ભીડ હતી. ગેટથી ગ્રીનરૂમ સુધીનો રસ્તો જૅમ હતો. ૧૦-૧૨ મિનિટની એ ધક્કામુક્કી વચ્ચે તેમને ગ્રીનરૂમમાં લાવ્યા ત્યારે તેમના ચહેરા પર જરાયે અણગમો નહોતો. સુરેશભાઈએ આને માટે ખેદ વ્યક્ત કર્યો તો ધીમું મુસ્કુરાતાં તેમણે કહ્યું, ‘ઇતના સ્નેહ ખુશનસીબ કો હી મિલતા હૈ. મુઝે સિર્ફ ઇતના ડર થા કિ દેર  ન હો જાએ.’

કાર્યક્રમના સ્પૉન્સર ટ્રાફિકમાં ફસાયા હતા. ૮.૪૫ થઈ. સુરેશભાઈએ કહ્યું, ‘સૉરી.’ જવાબ મળ્યો, ‘કોઈ બાત નહીં, અક્સર ઐસા હોતા હૈ.’ થોડી મિનિટ બાદ સુરેશભાઈનો આગ્રહ હતો કે કાર્યક્રમની શરૂઆત કરી દઈએ. તો જવાબ મળ્યો, ‘આપ ચિંતા મત કરેં. ઉનકો આને દિજિયે.’ છેવટે ૪૦ મિનિટ મોડો આ કાર્યક્રમ શરૂ થયો. એ દરમ્યાન કોઈ પણ જાતની ફરિયાદ વિના, અકળામણ દેખાડ્યા વિના તેઓ શાંતિથી ગ્રીનરૂમમાં બેસી રહ્યા.

પુસ્તકના લોકાર્પણ પહેલાં જે ઔપચારિક કાર્યક્રમ થયો એ જરૂર કરતાં થોડો લાંબો ચાલ્યો. એ સમયે પણ તેમના ચહેરા પર કોઈ જાતનો અણગમો નહોતો. જ્યારે તેઓ બોલવા ઊભા થયા ત્યારે પોડિયમ સામે ફોટોગ્રાફર્સનું મોટું ટોળું આવી ગયું. પ્રેક્ષકોએ નારાજગી દર્શાવી. તેમણે વિનંતી કરી કે ‘તમે સૌ નીચેથી ફોટોગ્રાફી કરો.’ ૧૫ મિનિટના વક્તવ્યમાં તેમણે બાબુજી સાથેનાં એકાદ-બે સ્મરણો શૅર કર્યાં અને તેમની કવિતાઓનું પઠન  કરીને જલસો કરાવી દીધો. અમને હતું કે ત્યાર બાદ તેઓ વિદાય લેશે, પરંતુ મધ્યાંતર સુધી બેસીને બીજા વક્તાઓનાં ગુજરાતી વક્તવ્ય સાંભળ્યાં. મધ્યાંતર બાદ તેમણે સુરેશભાઈને કહ્યું, ‘અબ મૈં જા સકતા હૂં?’ 

આ આખી ઘટનાનો હું સાક્ષી છું. સમયપાલન અને કમિટમેન્ટનો આ જીવતોજાગતો દાખલો ઘણું શીખડાવી જાય છે. એમ કહેવાય છે કે વધુપડતી નમ્રતા એ દંભનું બીજું સ્વરૂપ છે, પરંતુ અમિતાભના આ વર્તનના અનેક સાક્ષીઓ એ વાત ભાર દઈને કહે છે કે તેમને માટે આ સ્વાભાવિક છે. પિતા હરિવંશરાય બચ્ચનના અવસાન બાદ તેમના ઘરે એક પ્રાર્થનાસભાનું  આયોજન થયું હતું. ઇન્ડસ્ટ્રીના એક જાણીતા મ્યુઝિશ્યન મારી સાથે એ દિવસની વાત શૅર કરતાં કહે છે, ‘એ ગરમીના દિવસો હતા. અમે બપોરે ત્યાં પહોંચ્યા ત્યારે તેઓ અમારી રાહ જોતા હતા. અમને આવકાર આપીને બેસવાનું કહ્યું તો જોયું કે ગાદલાં-તકિયા થોડાં અવ્યવસ્થિત હતાં. ‘એક મિનિટ ઠહરીએ’ કહેતાં તેઓ જાતે ચાદર સરખી કરીને તકિયા ગોઠવવા લાગ્યા. અમે જોતા જ રહ્યા. થોડી મિનિટોમાં લીંબુ-શરબત આવ્યું જે તેમણે પોતે અમને સર્વ કર્યું. કાર્યક્રમ બાદ તેઓ અમને દરવાજા સુધી વળાવવા આવ્યા હતા. આ દૃશ્ય અમે જીવનભર નહીં ભૂલીએ.’

કામ પ્રત્યેનું તેમનું ડેડિકેશન ગજબનું છે. અનુપમ ખેર એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘હું ‘સારાંશ’ની સફળતા બાદ સાતમા આસમાનમાં હતો. જ્યારે અમિતાભ બચ્ચન સાથે મને ‘આખરી રાસ્તા’માં કામ કરવાનો મોકો મળ્યો ત્યારે થયું કે હવે હું ટૉપ લીગમાં આવી ગયો છું. આ પહેલાં હું તેમને મળ્યો નહોતો એટલે ખૂબ એક્સાઇટેડ હતો. જે દિવસે તેમની સાથેનું શૂટિંગ નક્કી થયું એ દિવસે થોડો નર્વસ હતો. હું સ્ટુડિયો આવીને  મેકઅપ-રૂમમાં પહોંચ્યો. જોયું તો રૂમનું ઍરકન્ડિશનર બગડેલું હતું. મૅનેજરને બોલાવીને તેના પર રોફ મારતાં કહ્યું, ‘આ શું છે? આટલી ગરમીમાં કેમ રહેવાય? તમારું કામ ચોક્કસ હોવું જોઈએ.’ પેલાએ માફી માગતાં કહ્યું, ‘સૉરી, બપોર સુધીમાં રિપેર થઈ જશે.’એ સાંભળીને મને વધારે ગુસ્સો આવ્યો. મેં કહ્યું, ‘આવી બેદરકારી કેમ ચાલે? હમણાં ને હમણાં માણસને બોલાવીને આ રિપેર કરાવો. તમને ખબર છેને કે અમિતાભ બચ્ચન આવશે તો તમારી ધૂળ કાઢી નાખશે.’

પેલો શાંતિથી ધીમા અવાજે બોલ્યો, ‘અમિતાભ સર તો કબ કે આ ચૂકે હૈં.’ મેં કહ્યું, ‘પર વો હૈ કહાં?’ પેલાએ કહ્યું, ‘વો કોને મેં બૈઠે હૈં.’ મોટા પહોળા મેકઅપ-રૂમના એક ખૂણે, પીઠ ફેરવી, લાંબો ઓવરકોટ પહેરી, દાઢી-મૂછ લગાવીને ફુલ મેકઅપ સાથે અમિતાભ એક પુસ્તક વાંચતા બેઠા હતા. મારી ધડકન વધી ગઈ. તેમની પાસે જઈને મેં નમસ્તે કરતાં મારો પરિચય આપ્યો. તત-પપ અવાજમાં કહ્યું કે તમારો બહુ મોટો ફૅન છું. ઇમ્પ્રેસ કરવા જણાવ્યું કે ‘સારાંશ’માં મેં કામ કર્યું છે.’ પુસ્તક બંધ કરી, મારી સામે જોતાં તેમણે એટલું જ કહ્યું, ‘જાનતા હૂં. આપને અચ્છા કામ કિયા હૈ. I like it.’ એટલું બોલીને તેઓ ફરી પાછા પુસ્તક વાંચવામાં વ્યસ્ત થઈ ગયા. 

મારે હવે શું બોલવું એનો વિચાર કરતો હતો. છેવટે વાત કરવા મેં કહ્યું, ‘આ સ્ટુડિયોનું મૅનેજમેન્ટ નક્કામું છે. એસી ચાલતું નથી. બીજી વાર અહીં શૂટિંગ નક્કી થાય તો તમે ના પડી દેજો. મારાથી તો આ ગરમી સહન નથી થતી. સર, તમને ગરમી નથી લાગતી?’

ટિપિકલ અંદાજમાં તેમણે જવાબ આપ્યો, ‘અનુપમ, સીધી સી બાત હૈ. મૈં ગરમી કે બારે મેં સોચતા હી નહીં. ઇસ લિયે મુઝે ગરમી લગતી હી નહીં. તુમ ભી ઇસકે બારે મેં સોચના બંધ કર દો.’ મારા જીવનનું આ મોટામાં મોટું લેસન હતું. અમિતાભ બચ્ચન શા માટે ગ્રેટ ઍક્ટર કહેવાય છે એની મને એ દિવસે ખબર પડી.

આજની પેઢીના દર્શકો અમારી મજાક કરતાં પૂછે છે, ‘હમારે પાસ ખાન કી ટોલી હૈ, કપૂર કી પૂરી ગૅન્ગ હૈ, ધવન ઔર મલ્હોત્રા હૈ, તુમ્હારે પાસ ક્યા હૈ?’ અવાજને ખરજ  મોડ પર મૂકીને અમે જવાબ આપીએ, ‘હમારે પાસ અમિતાભ હૈ.’ અને એમ કરીને કમર પર હાથ મૂકીને હાથના એક ઝટકા સાથે ‘આં....ય’ બોલતાં જ એ આખી પેઢી જમીનદોસ્ત થઈ જાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK