અમિત શાહનો રાહુલ ગાંધી પર પલટવાર: 1962થી આજ સુધીના મુદ્દે ચર્ચા કરવા તૈયાર

Updated: Jun 28, 2020, 18:28 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

લદ્દાખમાં ચીન સાથે છેલ્લા એક મહિનાથી વિવાદ ચાલુ તે બાબતે કોંગ્રેસ મોદી સરકાર પર સતત હુમલા કરી રહી છે

તસવીર સૌજન્ય: એએનઆઈ
તસવીર સૌજન્ય: એએનઆઈ

પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં 15 જૂનની રાત્રે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા હિંસક સંઘર્ષમાં શહીદ થયેલા 20 ભારતીય સૈનિકોની શહાદત પર કૉંગ્રેસ સતત કેન્દ્ર સરકાર પર આક્રમક હુમલા કરી રહી છે. ત્યારે ગૃહ પ્રધાન અમિત શાહે રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે. અમિત શાહે સમાચાર એજન્સી એનએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં ભારત-ચીન સીમા વિવાદ, દેશ અને દિલ્હીમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરી. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યા હતા.

અમિત શાહે રાહુલ ગાંધીના ‘સરેન્ડર’મોદી વાળા ટ્વિટ અંગે કહ્યું કે, પાર્લામેન્ટ શરૂ થશે, ચર્ચા કરવી હોય તો આવજો. સંસદમાં ચીનના મુદ્દે 1962થી લઈ અત્યાર સુધીના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા અમે તૈયાર છીએ. કોઈ ચર્ચાથી ડરતું નથી. પરંતુ જવાન સરહદ ઉપર સંઘર્ષ કરી રહ્યા હોય અને સરકાર ચોક્કસ પગલાં ભરી રહી હોય, ત્યારે પાકિસ્તાન અને ચીન ખુશ થાય તેવા નિવેદનો ન આપવા જોઈએ.

કોંગ્રેસ પાર્ટી ભાજપ ઉપર લોકશાહી નાશ કરવાનો આક્ષેપ કરી રહી છે. તે બાબતે શાહે કહ્યું કે, લોકશાહી શબ્દનો અર્થ ઘણો વિસ્તૃત છે. અનુશાસન અને આઝાદી તેના મૂલ્ય છે. અડવાણીજી, રાજનાથજી, ગડકરીજી અને ફરી રાજનાથજી પાર્ટીના અધ્યક્ષ બન્યા. હવે નડ્ડાજી અધ્યક્ષ છે. શું આ બધા એક જ પરીવારના છે? ઈન્દિરાજી પછી કોંગ્રેસના અધ્યક્ષ ગણાવો કે ગાંધી પરીવાર બહારથી કોણ આવ્યું? તેઓ લોકશાહીની શું વાત કરશે?

કોરોના વિશે ગૃહ પ્રધાને કહ્યું હતું કે, ભારત સરકાર કોરોનાની વિરુદ્ધ સારી લડાઈ લડી રહી છે. હું રાહુલ ગાંધીને કોઈ પણ પ્રકારની કોઈ સલાહ ન આપી શકું. રાહુલ ગાંધીને સલાહ આપવાનું કામ તેમની પાર્ટીનું છે. કેટલાક લોકો વક્રદૃષ્ટા છે. તેઓ યોગ્ય વસ્તુઓને ખોટી સમજે છે. ભારતે કોરોનાની વિરુદ્ધ સારો સંઘર્ષ કર્યો અને આપણા આંકડા દુનિયાની તુલનામાં ઘણા સારા છે.

ઈન્ટરવ્યુમાં અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ભારત વિરોધી પ્રોપાગેન્ડાથી લડવા માટે સક્ષમ છે પરંતુ એ જોઈને ઘણું દુઃખ થાય છે કે આટલી મોટી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ આવું હલકું રાજકારણ કરે છે. અમિત શાહે સરેન્ડર મોદીવાળા ટ્વિટનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, કૉંગ્રેસ અને રાહુલ ગાંધીએ પોતે આ અંગે વિચારવું જોઈએ. ભારતમાં રાહુલ ગાંધીની તરફથી કરવામાં આવતી વાતોને પાકિસ્તાન અને ચીન હૅશટેગ બનાવીને ઉપયોગ કરે છે. કૉંગ્રેસ પાર્ટીને એ વિશે પણ વિચારવું જોઈએ કે તેમની પાર્ટીના નેતાનું નિવેદન ચીન અને પાકિસ્તાનને પ્રોત્સાહન આપે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK