અમર સિંહની દિવાળી સુધરી પણ યેદિયુરપ્પા ને કનિમોઝીની બગડી

Published: 25th October, 2011 15:10 IST

નવી દિલ્હી/બૅન્ગલોર : ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝઘમ)નાં સંસદસભ્ય કનિમોઝી અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી. એસ. યેદિયુરપ્પાએ દિવાળીમાં જેલમાં જ રહેવાનું હોવાથી તેમની દિવાળી બગડી હતી. બીજી બાજુ કૅશ ફૉર વોટ સ્કૅમ કેસમાં સંસદસભ્ય અમર સિંહને માનવતાના ધોરણે જામીન આપવામાં આવતાં તેમની દિવાળી સુધરી હતી.

 

 

 

સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) ર્કોટે સોમવારે કનિમોઝી અને બીજા છ આરોપીઓની જામીનઅરજી પરનો હુકમ ત્રીજી નવેમ્બર સુધી મોકૂફ રાખ્યો હતો. સીબીઆઇએ સ્પેશ્યલ ર્કોટના જજ ઓ. પી. સૈનીને કહ્યું હતું કે એ કનિમોઝી, કુસેગાંવના ડિરેક્ટરો આસિફ બાલવા અને રાજીવ અગરવાલ, સિનેયુગ ફિલ્મ્સના કરીમ મોરાની અને કલૈગ્નર ટીવીના મૅનેજિંગ ડિરેક્ટર શરદકુમારની જામીનઅરજીનો વિરોધ કરતી નથી. સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર યુ. યુ. લલિતે કહ્યું હતું કે આ પાંચ નામો પૂરક ચાર્જશીટમાં સામે આવ્યાં હતાં અને તેમને થનારી સજા પાંચ વર્ષની હોવાથી સીબીઆઇ તેમના જામીનનો વિરોધ કરતી નથી.

જોકે સીબીઆઇએ સ્વાન ટેલિકૉમના પ્રમોટર શાહિદ બાલવા અને ભૂતપૂર્વ ટેલિકૉમ મિનિસ્ટરના સેક્રેટરી આર. કે. ચંદોલિયાને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. રિલાયન્સ ટેલિકૉમ લિમિટેડે સીબીઆઇ ર્કોટે એની સામે નક્કી કરેલા આરોપોને પડકારતી અરજી દિલ્હી હાઈ ર્કોટમાં કરી છે.

દરમ્યાન દિલ્હીની એઇમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ)માં સારવાર લઈ રહેલા રાજ્યસભાના સંસદસભ્ય અમર સિંહને દિલ્હી હાઈ ર્કોટે માનવતાના ધોરણે જામીન આપ્યા હતા. જજે કહ્યું હતું કે ૧૨ ઑક્ટોબરથી હૉસ્પિટલમાં રહેલા અમર સિંહને હું માનવતાના ધોરણે જામીન આપું છું.

બીજી બાજુ કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેદિયુરપ્પાની જામીનઅરજી પરની સુનાવણી કર્ણાટક હાઈ ર્કોટે ૨૮ ઑક્ટોબર સુધી મોકૂફ રાખતાં તેમની દિવાળી અંધકારમય હશે. ૬૮ વર્ષના યેદિયુરપ્પાએ તેમની સામે રહેલા પાંચ કરપ્શનના આરોપોમાંથી બેમાં જામીન માગ્યા છે.

કર્ણાટકના વધુ એક મિનિસ્ટર મુશ્કેલીમાં

કર્ણાટકના વધુ એક મિનિસ્ટર ઉદ્યોગપ્રધાન મુર્ગેસ નિરાની સામે લૅન્ડસ્કૅમમાં તપાસ શરૂ થઈ છે. લોકાયુક્ત સ્પેશ્યલ ર્કોટના જજ એન. કે. સુધીન્દ્ર રાવે આ તપાસનો આદેશ આપ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK