અમર અકબર ઍન્થની અને ભારતનું સેક્યુલરિઝમ

Published: Jan 04, 2020, 15:15 IST | Raj Goswami | Mumbai

બ્લૉકબસ્ટર - ફિલ્મી દુનિયાના જાણીતા સર્જકો અને એમનાં સર્જનની ઓછી જાણીતી વાતો

અમર અકબર ઍન્થની
અમર અકબર ઍન્થની

મનમોહન દેસાઈને ત્રણ બાળકોને બગીચામાં મૂકીને જતા રહેલા એક પિતાના સમાચાર વાંચીને થયેલું કે પેલો માણસ પાછો આવીને ત્રણે બાળકોને ના જુએ તો શું? એક જણને કોઈ મુસ્લિમ, બીજાને ઈસાઈ અને ત્રીજાને હિન્દુ લઈ જાય તો શું?

મનમોહન દેસાઈની ૧૯૭૭ની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘અમર અકબર ઍન્થની’ આજે રિલીઝ થાય તો શું થાય? એમાં એક મુસ્લિમ ગાયક અકબર ઇલાહાબાદી (રિશી કપૂર) સાંઈબાબાની મૂર્તિ સામે ગીત ગાય છે. એક બૂટલેગર અને દારૂડિયો કૅથલિક ઍન્થની ગૉન્ઝાલ્વિસ (અમિતાભ બચ્ચન) જિઝસ ક્રાઇસ્ટને લેક્ચર આપે છે અને અમર ખન્ના (વિનોદ ખન્ના) બોરીવલી પાર્કમાં ગાંધીજીના પૂતળાથી દૂર ભાગી જાય છે, જેના પર લખેલું છે અહિંસા પરમો ધર્મ. તમે ઇસ્લામમાં નિષિદ્ધ સંગીત અને મૂર્તિપૂજાના પ્રતિબંધનું ઉલ્લંઘન કરો, ઈસાઈઓ દારૂડિયા જ હોય એવું ચિત્ર રજૂ કરો અને એક જણ ગાંધીજીના આદર્શની મજાક ઉડાવે તો આજે બબાલ જ થાય. ત્યારે નો’તી થઈ.

હમણાં સિટિઝન બિલ અને નૅશનલ રજિસ્ટરને લઈને જે વિરોધ થયા એમાં કોઈકે સોશ્યલ મીડિયા પર ‘અમર અકબર ઍન્થની’ના ચિરપરિચિત પોસ્ટરમાં ત્રણ વાર ‘અમર અમર અમર’ લખીને એને વાઇરલ કર્યું હતું. જેણે પણ બનાવ્યું હતું તેણે ગજબની કલ્પનાશીલતા બતાવી હતી, કારણ કે આ ફિલ્મ વર્ષોથી ભારતીય યાદદાસ્તમાં કોમી એકતાના પ્રતીક તરીકે જડાયેલી છે.

મનમોહન દેસાઈએ સેક્યુલરિઝમના આવા કોઈ ભવ્ય આદર્શ માટે આ ફિલ્મ નહીં જ બનાવી હોય. તેમને તો એક મનોરંજક, મસાલા ફિલ્મ જ બનાવવી હતી. તે હંમેશાં કહેતા કે ‘હું માધ્યમ વર્ગનું ફરજંદ છું (મનમોહન દેસાઈ મુંબઈના ખેતવાડી વિસ્તારમાં જન્મ્યા અને ત્યાં જ મૃત્યુ પામ્યા). હું મુંબઈની સડકો પર મોટો થયો છું. હું વિવેચકો માટે ફિલ્મો નથી બનાવતો. હું એ લોકો માટે બનાવું છું જે ટિકિટો ખરીદવા માટે કલાકો સુધી તડકામાં અને વરસાદમાં લાઇન લગાવીને ઊભા રહે છે.’

‘અમર અકબર ઍન્થની’ આવી જ રીતે એક મસાલા ફિલ્મ હતી, પણ એમાં મનમોહન દેસાઈએ સમકાલીન ભારતીય સમાજની ભાવનાઓ એવી રીતે વણી હતી કે આજે હિન્દી સિનેમાની સૌથી મોટી બ્લૉકબસ્ટર સેક્યુલર ફિલ્મ કહેવાય છે. આ ફિલ્મ પર ઘણું લખાયું છે, અભ્યાસ થયા છે, પુસ્તકો લખાયાં છે. અમેરિકાના ત્રણ વિદ્વાનોએ લખેલું એક પુસ્તક ‘અમર અકબર ઍન્થની: બૉલીવુડ, બ્રધરહુડ ઍન્ડ નેશન’ લખ્યું છે, જે હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત થયું છે. એક પુસ્તક પત્રકાર સિદ્ધાર્થ ભાટિયાએ લખ્યું છે. ટેક્સસ, અમેરિકાના એક ફિલ્મ વિવેચકે મનમોહન દેસાઈ પર પુસ્તક લખ્યું છે.

મનજી (મનમોહન દેસાઈ)ને આ ફિલ્મનો વિચાર મુંબઈના એક સાંધ્ય દૈનિકમાં આવેલા સમાચાર વાંચીને આવેલો, જેમાં જીવન અને પરિવારથી કંટાળેલો એક દારૂડિયો પિતા તેનાં ત્રણ બાળકોને બગીચામાં છોડીને આત્મહત્યા કરવા જતો રહ્યો હતો (ફિલ્મ અહીંથી શરૂ થાય છે). એ રાત્રે મનજીના ફિલ્મ-લેખક દોસ્ત પ્રયાગ રાજ ઘરે આવ્યા તો મનજીએ આ સમાચારમાં આગળ શું થાય એની સંભાવનાઓ પેશ કરી : પેલો માણસ આત્મહત્યા ન કરે અને પાછો આવીને ત્રણે બાળકોને ન જુએ તો શું? બાળકો કેવી રીતે ગાયબ થઈ ગયાં હશે? એક જણને કોઈ મુસ્લિમ, બીજાને ઈસાઈ અને ત્રીજાને હિન્દુ લઈ જાય તો શું? મનજી, પ્રયાગ રાજ, મનજીની પત્ની જીવનપ્રભા અને રાજની પત્ની પુષ્પા રાજ મધરાત સુધી આ વિચિત્ર સમાચાર પર ચર્ચા કરતાં રહ્યાં. પ્રયાગ રાજે એના પરથી પટકથા લખી. તમે જો ધ્યાનથી ટાઇટલ જુઓ તો એમાં જીવનપ્રભા દેસાઈ અને પુષ્પા રાજને પણ ‘સ્ટોરી આઇડિયા’ની ક્રેડિટ આપવામાં આવી છે.

સંવાદ માટે મનજીએ કાદર ખાનને રોક્યા હતા. લેખક તરીકે કાદર ખાનની હજી શરૂઆત જ થઈ હતી. પાછળ બે જ સફળ ફિલ્મો હતી. મનજીની જ ‘રોટી’ (૧૯૭૪) અને નડિયાદવાલાની ‘રફુચક્કર’ (૧૯૭૫). ‘અમર અકબર ઍન્થની’નું પૈસાવસૂલ પાસું એના સંવાદો હતા, ખાસ કરીને ઍન્થનીના સંવાદો. ઍન્થની પહેલું પાત્ર છે જે હિન્દી સિનેમામાં બમ્બૈયા ભાષા અથવા ટપોરી ભાષા બોલે છે. ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ને ૭૫ વર્ષ થયાં ત્યારે મનમોહન દેસાઈએ એમાં એક આખા પાનાનો લેખ બમ્બૈયા ભાષા પર લખ્યો હતો.

AAQA

એ કાદર ખાનની કમાલ હતી. તેમને મનજીનો ભેટો કેવી રીતે થયો એની પણ દિલચસ્પ કહાની કાદર ખાને લખી છે ઃ ‘મેં  ‘રફુચક્કર’ કરી ત્યારે મને મનમોહન દેસાઈ મળ્યા. તે મુસ્લિમ લેખકોથી કંટાળી ગયા હતા. મને કહે, ‘તમે લોકો ઉર્દૂમાં બહુ સરસ છો, પણ તમને શેર-ઓ-શાયરી કરવા સિવાય આવડતું નથી.’ તેમણે મને તેમની ફિલ્મ માટે ડાયલૉગ લખવા કહ્યું. એવુંય કહ્યું કે ડાયલૉગ સારા નહીં હોય તો ફાડીને ગટરમાં નાખી દઈશ.

અને સારા હોય તો? મેં પૂછ્યું.

મનજી કહે, તો હું તને ગણપતિની જેમ માથે ઊંચકીને નાચીશ. બીજા દિવસે હું એમના ઘરે ગયો. તે બાળકો સાથે ક્રિકેટ રમતા હતા અને દૂરથી મને જોઈને કશુંક બબડ્યા. મેં નજીક જઈને પૂછ્યું, ‘કેમ ગાળ બોલ્યા?’

તે કહે, ‘હું ક્યાં કશું બોલ્યો?’

મેં કહ્યું, ‘સા’બ, મને હોઠ ઓળખતાં આવડે છે. તમે એવું ન બોલ્યા કે ઉલ્લુ કે પઠ્ઠે કો સમજ નહીં આયા તો ફિર આ ગયા પૂછને કે લિએ?’

‘નસીબ’ ફિલ્મમાં તેમણે આ સીન કર્યો હતો જેમાં હિરોઇન બાયનોક્યુલરમાં જોઈને વિલન શું બોલે છે એ કહેતી હોય છે. ખેર, હું તેમને મળ્યો અને ડાયલૉગ આપ્યા. તેમને એવી મજા આવી ગઈ કે ૧૨ વખત મારી પાસે ડાયલૉગ બોલાવ્યા. તે અંદર ગયા અને તોશીબાનું બ્લૅક ઍન્ડ વાઇટ પોર્ટેબલ ટીવી, સોનાની એક ચેઇન અને ૨૦,૦૦૦ રૂપિયા રોકડા લઈને આવ્યા. એ બધું મને આપીને કહે, તારી ફી બોલ. મેં કહ્યું, મને છેલ્લી ફિલ્મમાં ૨૧,૦૦૦ રૂપિયા મળ્યા છે. એ બોલ્યા, મારી ફિલ્મમાં હું તને ૧,૨૦,૦૦૦ આપીશ. એ ફિલ્મ હતી રાજેશ ખન્નાની ‘રોટી’. એ પછી મેં પાછું વાળીને ન જોયું.’

‘અમર અકબર ઍન્થની’ ‘મગજ વગરની’ અતાર્કિક ફિલ્મ હતી, પણ એનું સૌથી જમા પાસું જો કોઈ હોય તો એ ઍન્થની છે. અમિતાભે ત્યારે કહેલું, ‘મન, તૂ પાગલ હો ગયા હૈ. કૌન જાએગા ઐસી ફિલ્મ દેખને જિસકા નામ હૈ, અમર અકબર ઍન્થની?’ મનજીએ ત્યારે ગાળ બોલીને અમિતાભને કહેલું, ‘તૂ દેખ, ક્યા હોતા હૈ!’ પહેલા જ દૃશ્યમાં મેડિકલ ગુસ્તાખી હતી. ત્રણ ભાઈઓનું લોહી એક બૉટલમાં ચડે અને એમાંથી એક પાઇપ વાટે એ એક મહિલા ભારતી (નિરુપા રૉય)ના શરીરમાં જાય! અમિતાભે મનજીએ કહેલું, ‘મન, આ તો હદ થાય છે. મેડિકલ ઇતિહાસમાં આ શક્ય નથી.’ મનજીએ ત્યારે કહેલું, ‘ચૂપચાપ લેટા રહ. તૂ કુછ મત બોલ, તૂ દેખતા જા.’ અને એ દૃશ્ય જયારે ભારતનાં સિનેમાઘરોમાં ખૂલ્યું ત્યારે તાળીઓનો વરસાદ થયેલો. અમિતાભ કહે છે, ‘ફિલ્મો વિશેનું મારું જ્ઞાન ફોગટ ગયું.’

બીજા એક દૃશ્યમાં ડૉક્ટર નીતુ કપૂર પરવીન બાબી પ્રેગ્નન્ટ છે કે નહીં એ નક્કી કરવા પરવીનના ધબકારા માપે છે! ‘માય નેમ ઇઝ ઍન્થની ગૉન્ઝાલ્વિસ’ ગીત માટે મનજીએ એક વાક્યમાં અમિતાભને સીન સમજાવ્યો હતો - તેરે કો અંડે કે અંદર સે નિકાલના હૈ! એ ગીતમાં જે પ્રચલિત સંવાદ છે, ‘સૉફિસ્ટિકેશન રેટોરિસિયન ઇન્ટૉક્સિકેટેડ વિથ ધ એક્ઝુબરન્સ ઑફ યૉર ઓન વર્બોસિટી’ એ હકીકતમાં બ્રિટિશ વડા પ્રધાન બેન્જામિન ડિઝરાયેલી ૧૮૭૮માં સંસદમાં વિપક્ષી નેતા વિલિયમ ગ્લેડસ્ટોન માટે બોલ્યા હતા, જે દારૂ પીતા હતા. અમિતાભ કૉલેજના દિવસોમાં આ કૉમિક સંવાદ બહુ બોલતો હતો અને મનજીએ એ સાંભળીએ ગીતમાં ઉમેર્યો હતો.

આ બધું  જ વ્યવસાયિક કારણોસર હતું, પણ મનજીને એ ખબર જ હતી કે ત્રણ ભાઈઓને હિન્દુ, મુસ્લિમ અને ઈસાઈની ઓળખ આપીને તે સેક્યુલર ભારતની વાત કરી રહ્યા હતા. ભારતમાં કોમી એકતા અને ભાઈચારાની જે ફિલ્મો બની છે એમાં ‘અમર અકબર ઍન્થની’ બહુ આસાનીથી શિખર પર છે. આ ફિલ્મ માત્ર ભારતમાં જ શક્ય છે, કારણ કે એમાં ભારતની વિશેષતા હતી.

મનજી પર પુસ્તક લખનાર પત્રકાર સિદ્ધાર્થ ભાટિયા કહે છે, ‘દેસાઈનો એક ગમતો ડાયલૉગ એ હતો કે ‘આ સત્યજીત રેની ફિલ્મ નથી.’ મતલબ કે એમાં કોઈ ગંભીર સંદેશ નથી, પણ આ સાચું નથી. તેમને ખબર હતી કે તે શું કરી રહ્યા છે અને ઍક્ટરથી લઈ લેખક અને કૅમેરામેનને વિગતવાર સૂચનો આપતા હતા. ફિલ્મમાં કોઈ ભાષણ નથી. દૃશ્યો પોતે જ બોલે છે. ત્રણ જણ એકસાથે માતાને લોહી આપતા હોય અથવા ત્રણેની ગર્લફ્રેન્ડ તેમનો ધર્મ ન બદલે એ કેટલી મોટી વાત છે!’

મનમોહન દેસાઈના પિતા કીકુભાઈ દેસાઈ અને માતા કલાવતી ગુજરાતથી આવ્યાં હતાં, પણ મનજી ચાર વર્ષની ઉંમરથી મુંબઈના ખેતવાડી વિસ્તારમાં મોટા થયા હતા. કીકુભાઈ પૅરેમાઉન્ટ સ્ટુડિયો ચલાવતા હતા અને ૪૨ ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી. ૩૯ વર્ષની વયે ઍપેન્ડિક્સના રોગમાં તે ખેતવાડીમાં જ અવસાન પામ્યા. મનજી ખેતવાડીમાં તેમના ઘરની સામે રહેતી મરાઠી છોકરી જીવનપ્રભાના પ્રેમમાં પડ્યા (કારણ કે તે રોજ તેમને ઘરમાંથી જોયા કરતી હતી)

અને ૧૯૬૯માં લગ્ન કર્યાં. દસ જ વર્ષ પછી પત્નીનું અવસાન થઈ ગયું. મનજીને ફરી પરણવા દીકરા કેતન દેસાઈએ આગ્રહ કરેલો. ઍક્ટ્રેસ નંદા સાથે તેમના વિવાહ થયા હતા, પણ કોઈ કારણસર લગ્ન ન કર્યાં. નંદા પણ કુંવારી જ રહી. ૫૭ વર્ષની વયે ૧૯૯૪માં ખેતવાડીના ઘરમાં જ મનજીનું અવસાન થયું. કહે છે કે તેમને પીઠનો ભયંકર દુખાવો હતો. કહે છે કે તેમણે જાતે જ અલવિદા ફરમાવી હતી. તેમણે એક વાર કહ્યું હતું, ‘ખેતવાડી ભલે દુનિયાના કેન્દ્રમાં ન હોય, પણ અહીંથી હું મધ્યમ વર્ગની પીડા અને ખુશીને જોઈ શકતો હતો.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK