Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મિશન મૂન

મિશન મૂન

14 July, 2019 02:31 PM IST | મુંબઈ
અલ્પા નિર્મલ

મિશન મૂન

ઑર્બિટર ચંદ્રની ભ્રમણકક્ષામાં આવ્યા બાદ ચાર દિવસ પછી એમાંથી લૅન્ડર ચંદ્રની સપાટી પર લૅન્ડ થશે. આ લૅન્ડર પર અને રોવર પર ભારતીય ત્રિરંગો પેન્ટ કરાયો છે તથા રોવરના પૈડામાં અશોકચક્ર પ્રિન્ટ કરાયું છે.

ઑર્બિટર ચંદ્રની ભ્રમણકક્ષામાં આવ્યા બાદ ચાર દિવસ પછી એમાંથી લૅન્ડર ચંદ્રની સપાટી પર લૅન્ડ થશે. આ લૅન્ડર પર અને રોવર પર ભારતીય ત્રિરંગો પેન્ટ કરાયો છે તથા રોવરના પૈડામાં અશોકચક્ર પ્રિન્ટ કરાયું છે.


આપણે વર્લ્ડ કપની ફાઇનલ મૅચ સુધી પહોંચી ન શક્યા એનો અફસોસ કરીને વધુ જીવ બાળવાની જરૂર નથી, કારણ કે આવતી કાલે ભારત એક એવી સિદ્ધિ પ્રાપ્ત કરવાનું છે જે એને સમગ્ર વિશ્વમાં ગૌરવપૂર્ણ સ્થાન અપાવશે. આવતી કાલે આપણે ચંદ્ર પર ચંદ્રયાન-ટૂ મોકલવાના છીએ અને એ પણ ચંદ્રના એવા ભાગ પર જ્યાં આજ સુધી કોઈ દેશે પગલાં પાડ્યાં નથી. એટલું જ નહીં, અન્ય એક ગર્વની વાત એ છે કે ચંદ્રયાન-ટૂ સંપૂર્ણ રીતે મેડ ઇન ઇન્ડિયા છે. એમાં વપરાયેલી 

બધી જ ટેક્નૉલૉજી ભારતના વૈજ્ઞાનિકો, ઍરોનૉટિકલ, ઍરોસ્પેસ એન્જિનિયરોએ ઇન્વેન્ટ કરી છે




આપણે ગુજરાતીઓને ગ્રહોનો જન્મકુંડળીમાં સ્થાન, દશા, મહાદશા અને દૃષ્ટિ પૂરતો જ પરિચય. બહુ બહુ તો આ ગ્રહની શાંતિ કેમ કરાય અથવા એને બળવાન કેમ કરાય એવી ડિટેલ મેળવીએ, પરંતુ ખરેખર આપણી સૂર્યમાળામાં રહેલા આ ગ્રહો કેવા છે? ત્યાં શું છે? એની વિસ્તૃત માહિતીમાં આપણને બહુ રસ પડતો નથી, પણ આજે આ મહેણું ભાંગીએ અને હિન્દુસ્તાનના મૂન મિશન વિશે જાણીએ.
શા માટે આપણે ચંદ્રયાન મોકલી રહ્યાા છીએ?
ચંદ્ર પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ છે. વળી એ પૃથ્વીની આસપાસ ફરે છે  આથી એ પૃથ્વીનો ઉપગ્રહ પણ ગણાય છે. પૃથ્વી અને ચંદ્રના પરસ્પર સંબંધ વિશે માહિતી આપતાં ઇન્ડિયન પ્લૅનેટરી સોસાયટીના પ્રેસિડેન્ટ અને નેહરુ પ્લૅનેટોરિયમના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. જે. જે. રાવલ ‘મિડ-ડે’ને કહે છે, ‘પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની ત્રિપુટી છે. તેઓ ત્રણેય એકમેક સાથે અનેક રીતે સંકળાયેલા છે. એમાંય ચંદ્ર અને ધરા વચ્ચેનો સંબંધ સ્પેશ્યલ છે. ચંદ્ર દ્વારા જ પૃથ્વી પરના સમુદ્રોમાં ભરતી અને ઓટ થાય છે. ચંદ્ર પૃથ્વીને અવકાશમાં ગબડતી અટકાવે છે, એની ગતિ કન્ટ્રોલ કરે છે. પૃથ્વીને ધીમી પાડે છે. આજથી સાડાચાર અબજ વર્ષ પહેલાં પૃથ્વી પર ફક્ત સાડાત્રણ કલાકનો દિવસ હતો. ચંદ્રએ પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની સ્પીડ ઘટાડતાં આજે દિવસ ૨૪ કલાકનો થયો છે. આવી પ્રક્રિયાને કારણે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર દર વર્ષે એક સેન્ટિમીટર જેટલું ઘટે છે. આવાં અનેક પરિબળોને ધ્યાનમાં રાખીને ચંદ્ર વિશે વિશેષ જાણકારી મેળવવી જરૂરી છે જેમાં ચંદ્ર પર ચંદ્રયાન-ટૂની વિઝિટ મહત્ત્વની બની રહેવાની છે.’
શું થશે ફાયદો?
ચંદ્રમાનો અભ્યાસ પૃથ્વીની ઉત્પત્તિ અને ક્રમિક વિકાસ સમજવામાં મદદરૂપ થઈ શકે છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)ના કહેવા પ્રમાણે ચંદ્રનું હવામાન, ભૌગોલિક પરિસ્થિતિનું ડિટેઇલ રિસર્ચ સમસ્ત માનવજાત માટે ઉપયોગી બની રહેશે. ચંદ્રની સપાટી પરનાં તત્ત્વોનો રાસાયણિક અભ્યાસ, એના એન્વાયર્નમેન્ટ  વિશેની સ્ટડી આવતા સમયમાં ચંદ્ર પર માનવવસાહત સ્થાપી શકાય કે નહીં એ દિશામાં વધુ પ્રકાશ પાડશે. આવનારી જનરેશનમાં સૌરમંડળ વિશે ઇન્ટરેસ્ટ જગાડવા સાથે આપણે ઘરઆંગણે ડેવલપ કરેલી સ્પેસ ટેક્નૉલૉજીનું પરીક્ષણ થશે. ડૉક્ટર જે. જે. રાવલ કહે છે, ‘આજે આ વાતો હવામાં કહેતા હોઈએ એવી લાગે છે, પરંતુ એક સમય એવો આવશે કે ચંદ્ર પર હૉસ્પિટલો બંધાશે, જેમાં પેશન્ટ પર શસ્ત્રક્રિયાઓ પાર પડશે. ચંદ્રને વાયુમંડળ નથી એથી ત્યાં કોઈ પ્રદૂષણ નથી જેથી દરદીને ઇન્ફેક્શન થવાના ચાન્સ નથી.’
શું છે ચંદ્રયાન-ટૂની ખાસિયતો?
૨૦૦૮ની ૨૨ ઑક્ટોબરે ભારતે પહેલું ચંદ્રયાન ચંદ્ર પર મોકલ્યું હતું. આ ચંદ્રયાને ચંદ્રની સપાટી પર પાણી હોવાની ડિસ્કવરી કરી. લિમિટેડ સોર્સ અને ટેક્નૉલૉજીને કારણે પહેલાં ચંદ્રયાન દ્વારા વધુ વિસ્તૃત માહિતી ન મળી, પરંતુ ભારતે ચંદ્ર પર હાજરી ચોક્કસ પુરાવી.
ચંદ્રયાન-ટૂની સૌથી મોટી ખાસિયત એ છે કે એની સંપૂર્ણ ટેક્નૉલૉજી ભારતીય એન્જિનિયરોએ બનાવી છે. આ ચંદ્રયાન પોતાની સાથે એક લૅન્ડર અને એક રોવર લઈ જઈ રહ્યું છે. ૬૪૦ ટનનું વજન ધરાવતું જીએસએલવી એમકે-થ્રી સૅટેલાઇટ લૉન્ચર જેને મીડિયા બાહુબલીના નામે ઓળખાવે છે એ રૉકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ૧૫ જુલાઈએ રાતે ૨.૫૧ વાગ્યે ૩.૮ ટનનું ચંદ્રયાન-ટૂ લઈને અવકાશમાં જશે. આ સ્પેસ ક્રાફ્ટમાં ત્રણ સેગમેન્ટ છે; ઑર્બિટર, લૅન્ડર અને રોવર. 
ઑર્બિટર ચંદ્રની ૧૦૦×૧૦૦ કિલોમીટરની ભ્રમણકક્ષામાં  ફરશે. ૨૩૭૯ કિલોનું  ઑર્બિટર ખૂબ જ  સ્માર્ટ સ્પેસ મશીન છે. એ એક વર્ષ કાર્યરત રહેશે. આ દરમ્યાન ચંદ્રના, અન્ય અવકાશી ઘટનાઓના, સોલર મૂવમેન્ટ વગેરેના હાઈટેક ફોટોગ્રાફ લેશે અને રેકૉર્ડ કરશે. ૨૦૧૯ની ૬ સપ્ટેમ્બરે ઑર્બિટરમાંથી લૅન્ડર બહાર નીકળીને ચંદ્રની સપાટી પર લૅન્ડ થશે. આમ તો લૅન્ડરને લૅન્ડ કરવાની જગ્યા વૈજ્ઞાનિકોએની ફિક્સ કરી રાખી છે છતાં લૅન્ડર બહુ પથરાળ કે  ઊંડા ખાડાવાળી સપાટી પર લૅન્ડ ન થાય એનું ધ્યાન ઑર્બિટર રાખશે. ઑર્બિટર ભારતના બૅન્ગલોર નજીક આવેલા ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક આઇડીએસએનથી કનેક્ટેડ રહેશે તેમ જ લૅન્ડરથી પણ
કનેક્શનમાં હશે.
પ્રખર વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં લૅન્ડરને વિક્રમ નામ અપાયું છે. વિક્રમ લૅન્ડર ખૂબ પાવરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઑર્બિટરમાંથી ૧૦૦ કિલોમીટરની ઊંચાઈએ લૅન્ડ થવા છતાં એ સૉફ્ટ લૅન્ડિંગ કરે એવી ટેક્નૉલૉજી આમાં છે. ડૉક્ટર જે. જે રાવલ કહે છે, ‘૧૪૭૧ કિલોનું આ લૅન્ડર ચંદ્રનો એક દિવસ એટલે પૃથ્વીના ૧૪ દિવસ કાર્યરત રહેશે. એ દરમ્યાન એ ચંદ્રની સપાટીના થ્રી-ડી ફોટોગ્રાફ ઉપરાંત ત્યાંની જમીન પરના ખડકો, માટી, અન્ય અવકાશી અવશેષો, પાણી, બરફ, ખનીજ, રાસાયણિક તત્ત્વો વગેરે નોટિસ કરશે અને એનો રિપોર્ટ આઇડીએસએનને  કરશે. લૅન્ડર લૅન્ડ થયા બાદ એમાંથી રોવર જેને પ્રજ્ઞાન નામ અપાયું છે એ બહાર નીકળશે. ટેબલ જેવું દેખાતું ૬ પૈડાંનું આ રોબોટિક વેહિકલ જેના પર એક પૅનલ લગાવેલી છે એ ચંદ્રના વાયુમંડળની પરખ કરશે. આ રોવર દર સેકન્ડે એક મીટર ચાલશે અને ચંદ્રની સપાટી પર અડધો કિલોમીટર ફરશે. રોવર લૅન્ડર સાથે કનેક્શનમાં હશે અને એની દરેક મૂવમેન્ટ લૅન્ડર ઝીલશે. આ મિશનમાં અવકાશી વિજ્ઞાનને ઘણાં નવાં સરપ્રાઇઝ મળશે.’
ચંદ્ર પર પહેલું પગલું?
ભલે અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રૉન્ગે ચંદ્ર પર પહેલું પગલું મૂક્યું હોય, પણ આપણું ચંદ્રયાન-ટૂ જ્યાં જવાનું છે ત્યાં હજી સુધી કોઈ દેશે પગ નથી મૂક્યો. એ રીતે આપણું યાન એ તરફના ચંદ્ર પર પહેલું પગલું પાડશે. હા, અમેરિકાએ ૬ વખત અહીં લૅન્ડર અને રોવર મોકલ્યાં છે, પરંતુ તેમના મિશન નિષ્ફળ રહ્યાં છે. આપણું ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક જવાનું છે. આ  પ્રદેશ ઉત્તર ધ્રુવથી ઘણો અલગ હોવાનું અનુમાન છે, કારણ કે અહીં મોટા ભાગના પ્રદેશમાં રાત કે અંધકાર રહે છે. અહીં પાણી કે બરફનો જથ્થો વધુ હોવાની સંભાવના છે તથા આ ક્ષેત્રમાં  શરૂઆતની સૂર્યમાળાના જીવાશ્મી હોવાનું પ્રમાણ છે. વિક્રમ લૅન્ડર અને પ્રજ્ઞાન રોવર ચંદ્રના મેદાનમાં ઊતરવાનો પ્રયાસ કરશે. આપણું આ મિશન ધાર્યા પ્રમાણે પૂર્ણ થશે તો ચંદ્ર પર લૅન્ડર, રોવર મોકલનાર અમેરિકા, રશિયા, ચીન બાદ ભારત ચોથો દેશ બનશે.


ચૅલેન્જિસ પણ અનેક છે
રૉકેટ સાયન્સ એ ખરેખર રૉકેટ સાયન્સ છે એટલે અઘરામાં અઘરો વિષય છે, પરંતુ ભારતીય વૈજ્ઞાનિકો, પ્રોગ્રામરો, રિસર્ચરોએ ૧૧ વર્ષના સમયગાળામાં ખૂબ ઍક્યુરેટ પ્રોગ્રામ બનાવ્યા છે. વિધવિધ ટેક્નૉલૉજીનુ રિસર્ચ ઍન્ડ ડેવલપ કરી ઇસરોની ટીમે લૅન્ડર સૉફ્ટ લૉન્ચિંગ પ્રોગ્રામ તૈયાર કર્યો છે. ડૉ. જે. જે. રાવલ કહે છે, ‘હાઇટેક ટેક્નૉલૉજી, ઍક્યુરસી હોવા છતાં આ મિશનમાં અનેક ચૅલેન્જિસ આવી શકે છે. પહેલી ચૅલેન્જ ચંદ્રની ઑર્બિટમાં પ્રૉપર્લી એન્ટર થવું. આ દરમ્યાન યાનની ઝડપ જો વધુ હોય તો એ તૂટીને ચંદ્ર પર ફેંકાઈ શકે છે. ઑર્બિટરમાંથી લૅન્ડરને છૂટું પાડવું એ પણ મોટો પડકાર છે. ક્યારેક એના પર કન્ટ્રોલ ન રહે, સ્પીડ વધુ હોય તો લૅન્ડ કરવાની જગ્યા ચૂકી જાય, મોટા ખડક પર કે ખાડામાં પડી લૅન્ડર તૂટી જાય એવી સમસ્યા પણ ઉદ્ભવી શકે છે.’

વિકાસ અને વિવાદ
ભારતમાં વિકાસ અને વિવાદ જાણે એક સિક્કાની બે બાજુ થઈ ગઈ છે. કોઈ પણ ક્ષેત્રમાં વિકાસની વાત આવે એટલે વિવાદ થયો જ સમજો. દેશે સ્પેસ ટેક્નૉલૉજીમાં કાઠું કાઢ્યું છે, સંપૂર્ણ સ્વદેશી ટેક્નૉલૉજી અને સાધનો દ્વારા દુનિયામાં અત્યાર સુધી ન થયું હોય એવું કાર્ય કરવાનું બીડું ઝડપ્યું છે ત્યારે આપણા જ અમુક બુદ્ધિજીવી દેશબંધુઓને લાગે છે કે એક તરફ ભારતનાં ગામડાંઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે ત્યારે મૂન મિશન પાછળ અબજો રૂપિયા ફાળવવા  એ ફાલતુ વિકાસ છે. એના જવાબમાં ડૉ. જે. જે. રાવલ કહે છે, ‘આ ખોટો વિવાદ છે. વિજ્ઞાન આગળ વધશે તો રોટી, કપડાં, મકાન મળશે. આજના સમયમાં પૃથ્વીના પૉપ્યુલેશન, પ્રદૂષણ, પર્યાવરણ, પાવર જેવા પ્રશ્નોના સૉલ્યુશન માટે અંતરીક્ષનું ખેડાણ કરવું જ પડશે. આજે  મોબાઇલ, ટેલિવિઝન, ઇન્ટરનેટ, જીપીએસ સ્પેસ સૅટેલાઇટ દ્વારા ચાલે છે. જો આપણે કૃત્રિમ ઉપગ્રહો ન મૂકીએ, સ્પેસ ટેક્નૉલૉજી ન ડેવલપ કરીએ તો વિકાસ ન થાય. સૅટેલાઇટ હવામાનની આગાહી કરે છે. વાવાઝોડું, ચક્રવાત, અતિવૃષ્ટિ, સુનામીની ફોરકાસ્ટ આ ટેક્નૉલૉજી દ્વારા કરાય છે. બીજું બધું છોડો, દેશની સેફટી પણ સૅટેલાઇટના હાથમાં છે.’


આ પણ વાંચો : જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો?

Whatsapp-channel Whatsapp-channel

14 July, 2019 02:31 PM IST | મુંબઈ | અલ્પા નિર્મલ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK