Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ: એવરેસ્ટ સર કરનાર કેવલ કક્કાની એનર્જીનું રહસ્ય થેપલાં અને દાળ-ભાત

કૉલમ: એવરેસ્ટ સર કરનાર કેવલ કક્કાની એનર્જીનું રહસ્ય થેપલાં અને દાળ-ભાત

25 May, 2019 11:15 AM IST |
અલ્પા નિર્મલ

કૉલમ: એવરેસ્ટ સર કરનાર કેવલ કક્કાની એનર્જીનું રહસ્ય થેપલાં અને દાળ-ભાત

કેવલ કક્કા

કેવલ કક્કા


કચ્છી વીસા ઓસવાળ જ્ઞાતિના કેવલ કક્કાએ સમસ્ત ભારતીયોને ગર્વ થાય એવું કામ કર્યું છે. ૨૭ વર્ષનો માઉન્ટેનિયર આ સીઝનનો પહેલો પર્વતારોહક છે જેણે એવરેસ્ટ અને લોત્સે બેઉ સમિટ સાથે ક્લાઇમ્બર કર્યા છે. નેપાલની માઉન્ટન ફ્લાઇટમાં બેસીને એવરેસ્ટ તથા હિમાલયના બીજા ગિરિવર જોવામાં બહુ બ્યુટિફુલ લાગે, પણ એનું આરોહણ કાચાપોચાનું કામ નહીં, પરંતુ દાળ-ભાત ખાનારા ગુજરાતી બચ્ચાએ ખરા અર્થમાં દાળ-ભાત ખાઈને એવરેસ્ટ સમિટ કર્યાના પાંચમા દિવસે દુનિયાનો ફોર્થ હાઇએસ્ટ લહોતસે સર કર્યો છે. કચ્છી માઉન્ટનમૅન લુકલા-નેપાલથી ‘મિડ-ડે’ સાથે શૅર કરે છે તેના એક્સપિડિશનના અનુભવો.....

એવરેસ્ટ જેટલો અદ્ભુત છે એટલો જ ડેન્જરસ છે. એને સર કરવા લાખો રૂપિયા સાથે સઘન તાલીમ જોઈએ. આ બધું હોવા છતાં આરોહણની પરમિટ મેળવવાની પણ બહુ મોટી નેપાલ સરકારની કાર્યવાહી કરવાની હોય છે. કેવલ કહે છે, ‘હું ૩જી એપ્રિલે કાઠમાંડુ આવ્યો. એ પછી લુકલાથી પહેલી વખતનું એવરેસ્ટ બેઝ-કૅમ્પ સુધીનું ટ્રેકિંગ કર્યું. પાછો લુકલા આવ્યો અને આજુબાજુના અનેક નાના-મોટા પર્વત ચડ્યો. અર્લી સ્પ્રિંગના આ ૨૦ દિવસમાં વાતાવરણે અનેક પલટા માર્યા. ધોધમાર વરસાદ, જોરદાર પવન અને કાતિલ તડકો. ગમે ત્યારે આબોહવા બદલાઈ જાય, પણ મેં ગમે તેવું ક્લાયમેટ હોય, ક્યારેય ખાવા-પીવા-સૂવા કે ટ્રેઇનિંગમાં બાંધછોડ કરી નહોતી જેથી એવરેસ્ટ ક્લાઇમ્બિંગ વખતે મને કોઈ મેજર તકલીફ ન આવી. ફાઇનલી ૨૩ એપ્રિલ અમારા એક્સપિડિશનના પ્રયાણનો દિવસ આવી ગયો અને ફરી એક વાર હું પહોંચ્યો ટ્રેકિંગ દ્વારા એવરેસ્ટ બેઝ કૅમ્પ.



Everest Climber Keval Kakka


એવરેસ્ટ કૅમ્પ ૧૭,૭૦૦ ફુટની ઊંચાઈએ આવેલો છે. અહીં હિમશિલા, હિમશિખર પડવાના અને આખેઆખા બરફના પહાડ ધસી પડવાના બનાવ બહુ બને. ઉપરથી વાતાવરણ એવું ઠંડું હોય કે બ્રશ કરવા પેસ્ટ કાઢોને તો એ પણ બરફની જેમ જામી ગયેલી હોય. પ્રોફેશનલ પર્વતારોહકો માટે અહીંની સિચુએશન ભલે બહુ કઠિન ન કહેવાય, પણ સામાન્ય ટ્રેકર માટે અહીં પહોંચવું લોઢાના ચણા ચાવવા જેવું છે અને કેવલે આ ટ્રેકિંગ ૨૦ દિવસમાં બે વખત કર્યું. કેવલ કહે છે, ‘બેઝ કૅમ્પથી અમે ફર્સ્ટ કૅમ્પના સેટઅપ માટે સામાન લઈને ફર્સ્ટ કૅમ્પ સાઇટ ગયા, પાછા નીચે આવ્યા. ફરી સામાન સાથે ઉપર અને નીચે. બે દિવસ એવું કર્યા બાદ થર્ડ ડે અમે કૅમ્પ-વન પર રોકાયા. બીજા દિવસે કૅમ્પ-ટૂ માટે પણ એવું જ કરવાનું. અગેઇન બે દિવસ પછીની રાત કેમ્પ-ટૂમાં.

એવરેસ્ટનો પહેલો પડાવ ૨૦થી ૨૧ હજાર ફુટની ઊંચાઈ પર છે વેલી ઑફ સાયલન્સ નામે ઓળખાતો આ વિસ્તાર ગ્લેશિયર લૅન્ડ છે.’


કેવલ કહે છે, ‘અહીં સૂતા હોઈએ ત્યારે જમીનમાંથી બરફમાં તિરાડ પડવાના તીણા અવાજ સંભળાય. ઑક્સિજન-લેવલની કમી થતાં માથું બહુ દુખે અને શારીરિક તાકાત સાવ તળિયે. આવા વખતે ટ્રેકરે પાણી પી એના દ્વારા ઑક્સિજન મેળવવાનો હોય છે. ક્લાયમેટ ઠંડું હોય એટલે તરસ ન લાગે છતાં હું દિવસમાં ૩ લીટર પાણી પીતો. આઇસી લોત્સે વૉલ તરીકે જાણીતો સેકન્ડ કૅમ્પ ૨૧ હજાર ફુટ પર છે. અહીં સુધી સાથે રહેલા શેરપાઓ જમવાનું બનાવી આપે એ પછી ત્રીજા કૅમ્પથી ટ્રેકરે તેમનું ફૂડ જાતે પ્રિપેર કરવાનું. વળી સેકન્ડ અને થર્ડ કૅમ્પ વચ્ચેનો માર્ગ અત્યંત અઘરો છે. બરફના બે પહાડ વચ્ચેની ખાઈઓ સીડી મારફત પાસ કરવાની અને ૨૧ હજાર ફુટથી ૨૬,૩૦૦ ફુટ પર પહોંચવાનું. હિમાચ્છાદિત પર્વતોની લાંબી હારમાળાઓ, બરફની ઊંડી ખાઈઓ અને સાથે ફૂંકાતો સૂકો ઠંડો પવન. દરેક ડગલું સાવચેતીથી મૂકવાનું હોય છે અને સંપૂર્ણ ફોકસ ફક્ત એ ડગલા પર. લોત્સે

વૉલ-કૅમ્પ થ્રી કસોટીની ચરમસીમા છે. અહીં સતત ઑક્સિજન-માસ્ક પહેરવો પડે છે. વળી ખાવાનું પણ જાતે બનાવવાનું. હું ટેન્ટની બહારથી બરફ લઈ આવું, વૉટર-હીટરમાં ગરમ કરું અને ડિહાઇડ્રેટ કરેલાં દાળ-ભાતમાં નાખીને ખાઉં. વધારે તાકાત મળી રહે એ માટે મેં દરેક મીલમાં થેપલાં પણ ખાધાં છે. મેં ક્યારેય એનર્જી‍ ડ્રિન્ક કે પ્રોટીન શેક વગેરે નથી પીધું. હું પ્યૉર વેજિટેરિયન છું અને પ્રાઉડલી કહું છું કે થેપલાં અને દાળ-ભાતથી જ મને આ આરોહણમાં ઊર્જા‍ મળી છે.

વેલ, હૉરર ચેમ્બર તરીકે જાણીતા કૅમ્પ-થ્રીથી કેવલ ૧૫ મેએ કૅમ્પ ફોર-ડેથ ઝોન પહોંચ્યો. અહીંથી આરોહકે સમિટ માટેનું લાસ્ટ પુશ કરવાનું હોય છે, પણ આ રિયલ રિસ્કી ક્ષેત્રમાં પહોંચી ભલભલા ક્લાઇમ્બર મનથી ઢીલા થઈ જાય છે. દરેક મજબૂત ટ્રેકરના બૅક ઑફ ધ માઇન્ડમાં તે અહીંથી જીવતો પાછો આવશે કે નહીં એવો ભય રહેલો હોય છે. એ ભય અહીં જાગ્રત થઈ માથે ચડી જાય છે. એવરેસ્ટ ચડવો જેટલો ચૅલેન્જિંગ છે, સલામત રીતે ઊતરવો એટલો જ પડકારભર્યો છે. દર વર્ષે વિશ્વભરના ૮૦૦થી ૮૫૦ માઉન્ટેનિયર એવરેસ્ટ ચડવાનું તેમનું શમણું પૂર્ણ કરવા અહીં આવે છે, જેમાંથી ૧૫થી ૨૫ કમનસીબ આરોહકો જીવતા પાછા જઈ શકતા નથી. કેવલ કહે છે, ‘મને હું પાછો ફરીશ કે નહીં એવો ડર નહોતો લાગતો, પણ એ દિવસે મારા પરિવારજનો બહુ યાદ આવી રહ્યા હતા. સદ્ગત દાદાની બહુ યાદ આવી. તેઓએ મને ચાલતાં શીખવ્યું હતું અને તેમના આશીર્વાદથી હું અહીં પહોંચી શક્યો એવી પ્રતીતિ થઈ રહી હતી. ડર કદાચ આ સ્વરૂપે વ્યક્ત થઈ રહ્યો હશે. ખેર, આરામ કર્યા બાદ અમે એ જ રાતે ૧૧ વાગ્યે તૈયાર થવાનું શરૂ કર્યું. યોગ્ય કપડાં અને શૂઝ પહેરીને માઉન્ટેનિયરિંગ ગિયર, ઑક્સિજન ટૅન્ક સાથે લીધી, ૩ લીટર પાણી અને બે લીટર હૉટ ડ્રિન્ક. થોડી ચૉકલેટ પણ લીધી અને પૉકેટમાં રાખ્યો ત્રિરંગો તેમ જ ફૅમિલી ફોટો. રાતે બે વાગ્યે ટેન્ટમાંથી ભગવાન અને કુળદેવી માતાનું સ્મરણ કરીને હું બહાર નીકળ્યો ત્યારે ચંદ્ર આસમાનમાં હોવા છતાં અમારી કૅમ્પ સાઇટથી નીચો હતો. મંદ અજવાશ હતો અને તેજ પવન. એવરેસ્ટનું આ સીઝનનું પહેલું આરોહણ ૧૪ મેએ થયું હતું. એમાં ફક્ત ૭ લોકો હતા. હજી બહુ લોકો આ રૂટ પર ગયા નહોતા એથી બરફ કાચો હતો. અમે આઇસ-કટરથી બરફ તોડતા હતા અને પગ મૂકી શકાય એવો ગૅપ બનાવતાં આગળ વધતા જતા હતા. એક નાનકડો પહાડ ચડ્યા પછી નાઇફ રીજ આવી. એનું સીધું ચડાણ ચડતાં અમને બહુ સમય લાગ્યો. ૮ કલાકના અંતે અમે એવરેસ્ટ ટેરેસ કહેવાતી જગ્યાએ પહોંચ્યા. ઍન્ડ હિયર, કમ્સ માય ડ્રીમલૅન્ડ. એક્સપિડિશન કૅપ્ટનના કહ્યા અનુસાર મોસમ સારી હતી એટલે ત્યાં જસ્ટ ૧૦ મિનિટનો રેસ્ટ કરી અમે એવરેસ્ટ સમિટ જવાનું શરૂ કર્યું. દરમ્યાન મને બે ભારતીય માઉન્ટેનિયર્સ ઊતરતા મળ્યા. અમે એકબીજાને ગ્રીટ કર્યું. બરાબર ૯.૨૧ વાગ્યે હું ટૉપ પર પહોંચ્યો. ઇમોશનલ મોમેન્ટ હતી એ. અહીં સુધી પહોંચવાની મારી આખી યાત્રા યાદ આવી ગઈ. મને સપોર્ટ કરનાર દરેકનો મેં મનોમન આભાર માન્યો. પૉકેટમાંથી ત્રિરંગો કાઢીને માતૃભૂમિને સલામી આપી અને પછી ફૅમિલીનો ફોટો કાઢીને તેમને પણ વંદન કર્યા અને ફોટો પડાવ્યા. જનરલી ફોટો લેતી વખતે ઘણા માઉન્ટેનિયર્સ ઑક્સિજન-માસ્ક કાઢી નાખે છે, તેં કેમ ન કાઢ્યો? એના જવાબમાં કેવલ ‘મિડ-ડે’ને કહે છે, ‘ત્યારે ત્યાં માઇનસ ૫૦ ડિગ્રી ટેમ્પરેચર. વળી ૨૦ કિલોમીટરની સ્પીડ પર પવન ફૂંકાય. આવા સમયે ઑક્સિજન-માસ્ક કાઢવો બહુ ડેન્જરસ બની જાય. મારા શેરપાએ ફક્ત એક મિનિટ માટે માસ્ક હટાવ્યો તો તેને તરત મોઢા પર આઇસબર્ન થઈ ગયું. હું સેલ્ફી કરતા સેફ્ટીને વધુ મહત્વ આપું છું. મારું માનવું છે કે માઉન્ટનમાં ડિસિપ્લિનમાં રહીએ તો ઘણા પ્રૉબ્લેમથી બચી શકાય.’

શિખર પર ૨૨ મિનિટ રહ્યા બાદ કેવલે નીચે આવવાનું શરૂ કર્યું. થોડો આગળ આવ્યો ત્યાં જ તેને તરફડિયાં મારતો એક માઉન્ટેનિયર દેખાયો. કેવલે તરત તેને પોતે લગાવેલો ઑક્સિજન-માસ્ક આપ્યો. દસેક મિનિટ પછી સાઉદી અરેબિયાના એ ક્લાઇમ્બરને હોશ આવ્યા. એ પછી કેવલે તેને પાણી પીવડાવ્યું અને ચૉકલેટ આપી. કેવલ કહે છે, ‘તમે જ્યારે પહાડ ચડો ત્યારે સાથે લીધેલી દરેક વસ્તુ તમારી જરૂરિયાત મુજબની અને એટલા પ્રમાણમાં જ હોય છે. મારો ઑક્સિજન પણ ખતમ થઈ રહ્યો હતો એથી હું નીચે ઊતર્યો અને મારા શેરપાને તેની મદદે મોકલ્યો.’

Everest Climber Keval Kakka

ઊતરતી વખતે કેવલ ડાયરેક્ટ કૅમ્પ-થર્ડ પર પહોંચ્યો. કેવલ કહે છે કે એવરેસ્ટ ક્લાઇમ્બિંગ મિશન પૂર્ણ થયા બાદ અમે ખૂબ જ આનંદમાં હતા ત્યાં જ બે ટ્રેકર્સનાં ડેથના સમાચાર મળ્યા. ભારતનો રવિ ઠાકર સમિટ કર્યા બાદ ઉપર જ ફસડાઈ પડ્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું હતું. તો એક આયરિશ ટ્રેકર સમિટ કર્યા બાદ ઊતરતી વખતે બૅલૅન્સ ગુમાવતાં ઊંડી ખાઈમાં પડીને મૃત્યુ પામ્યો હતો. બીજા દિવસે કેવલ કૅમ્પ-ટૂ પર પહોંચ્યો અને એના પછીના દિવસે રેસ્ટ કરી ૨૦ તારીખે લોતસેના કૅમ્પ-ટૂ પર ગયો.

લોતસે માઉન્ટેન એવરેસ્ટની જમણી બાજુએ છે. ૮૫૧૬ મીટર દુનિયાનો ચોથો ઊંચો પહાડ ૬૫થી ૭૦ અંશે સીધો છે. આ પર્વતનું આરોહણ કરવા પણ અનેક પર્વતારોહકો આવે છે. એ માટે પણ સરકારી પરમિટ લેવાની હોય છે. લોતશેનું ક્લાઇમ્બિંગ કરવા માટે પણ એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધી આવવું પડે છે. એથી ઘણા સાહસપ્રેમીઓ એવરેસ્ટ સાથે લોતસે સર કરવા એની પરમિટ લઈ લે છે, પરંતુ ખૂબ જૂજ માઉન્ટેનિયર્સ એક જ એક્સપિડિશનમાં એવરેસ્ટ અને લોતસે ક્લાઇમ્બ કરી શકે છે. કેવલ કક્કા ૨૦૧૯નો પ્રથમ માઉન્ટેનિયર છે જેણે એવરેસ્ટ અને લોતસે એકસાથે સર કર્યા છે. મુલુંડમાં રહેતો કેવલ કહે છે, ‘લોતસેના સેકન્ડ કૅમ્પ પર જ એક બલ્ગેરિયન પર્વતારોહીની ડેડ-બૉડી જોઈ. ચાર દિવસ પહેલાં તે મૃત્યુ પામ્યો હતો. ૩ દિવસમાં ૩ કૅઝ્યુઅલ્ટી જોઈને હું થોડો હચમચી ગયો હતો, પણ એ ડરને મેં મસ્તકમાં હાવી ન થવા દીધો. ૨૦મીએ સવારે કૅમ્પ-ફોર પર પહોંચી અગેઇન દાળ-ભાત અને થેપલાં ખાધાં. પૂરતો આરામ કર્યા બાદ ૨૧મીની રાતે એક વાગ્યે લોતસેના સમિટ માટે નીકળ્યા. શરીર સખત થાકેલું હતું, પણ મન મક્કમ હતું. કુદરત પણ અમારી ફેવરમાં હતી. સાડાપાંચ કલાકના કપરા ચડાણ બાદ સવારે ૬.૩૦ વાગ્યે હું લોતસેના શિખર પર પહોંચ્યો. વાતાવરણ સારું હતું એટલે મેં થોડી વાર માટે ઑક્સિજન-માસ્ક કાઢ્યો અને ફોટો પડાવ્યા. ત્યારે જ હું આ સીઝનનો બેઉ સમિટ કરનારો પ્રથમ પર્સન છું એવી મને ખબર પડી.

આ પણ વાંચો : કૉલમ : શબની અવદશા

કેવલ કક્કા અત્યારે નેપાલમાં છે અને ૧ જૂને મુંબઈ પાછો ફરશે. વૉટ નેક્સ્ટના જવાબમાં કેવલ કહે છે, ‘મારું ગયા વર્ષનું સપનું હતું કે એક જ વર્ષના ગાળામાં વિશ્વના ૮ ટોલેસ્ટ પહાડ સર કરવાનું, પરંતુ ફન્ડિંગના અભાવે એ પૂરું ન થઈ શક્યું. એક વર્ષમાં ૪ હાઇએસ્ટ પીક હું સર કરી શક્યો છું. હવે બાકીના ૪ મહિનામાં બીજા ૪ સમિટ કરવાની ઇચ્છા છે. એ ન થઈ શકે તો અહીં જ આવેલો હાઇએસ્ટ પહાડ માઉન્ટ મકાલુનું એક્સપિડિશન કરીશ.’

કેવલે સર કરેલા માઉન્ટેન

૧- દેઓટીબબા-૬૦૦૧ મીટર

૨- હનુમાનટીબબા-૫૯૩૨મીટર

૩-માઉનટ ફ્રેન્ડશિપ-૫૨૮૯ મીટર

૪-લોબચે ઈસ્ટ-૬૦૧૯ મીટર

૫-સટોક કાંગરી- ૬૦૪૯ મીટર

૬-માઉન્ટ મનાલસૂ-૮૧૬૩ મીટર

Whatsapp-channel Whatsapp-channel

25 May, 2019 11:15 AM IST | | અલ્પા નિર્મલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK