Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઇન્ફર્મેશનને નૉલેજમાં કરો કન્વર્ટ, એ જ સુરતના વિક્ટિમ્સને સાચું તર્પણ

ઇન્ફર્મેશનને નૉલેજમાં કરો કન્વર્ટ, એ જ સુરતના વિક્ટિમ્સને સાચું તર્પણ

01 June, 2019 10:54 AM IST |
અલ્પા નિર્મલ

ઇન્ફર્મેશનને નૉલેજમાં કરો કન્વર્ટ, એ જ સુરતના વિક્ટિમ્સને સાચું તર્પણ

સુરત ફાયર (પ્રતીકાત્મક તસવીર)

સુરત ફાયર (પ્રતીકાત્મક તસવીર)


સુરતની આગની ઘટનાએ આપણને સૌને હચમચાવી મૂક્યા. ૨૨ હોનહાર યુવક-યુવતીઓ આ બનાવમાં મરણને શરણ થઈ જાય તે ખરેખર હૃદયદ્રાવક છે. ડાયમંડ સિટીના આ ઇન્સિડન્ટ ઉપર આપણે બધાએ બહુ ઘેરા પ્રતિભાવો, પ્રત્યાઘાતો આપ્યા. રાજકારણીઓથી લઈ બિલ્ડર, વીજળી વિભાગ, ફાયર ડિપાર્ટમેન્ટ, ટ્યુશન ક્લાસના સંચાલકો, ઇવન આ ઘટનાના લાઇવ વિડિયો શૂટ કરનારાઓને પણ ભાંડ્યા. અરે, ઘરે, ઑફિસે અને પાનના ગલ્લા પર ઊભા રહી, આમ કરવું જોઈએ ને તેમ પગલાં લેવાં જોઈએ એવી પણ શિખામણો અને સૂચનોની લહાણી પણ કરી.... ખેર, હજી આપણે સૌ થોડા દિવસ આ બનાવની ચર્ચા કરીશું ને ફરી પાછા રૂટીનમાં ગોઠવાઈ જઈશું. પણ... આ વખતે ફક્ત ચર્ચા નહીં, એક નવતર પ્રયોગ કરીએ, આ ડિઝાસ્ટરને એક શીખ તરીકે લઈએ. આવી કોઈ પણ આફત વખતે હું શું કરી શકું? મારે શું કરવું? એ વિશે વિચાર કરીએ...

આમ તો આપણી પાસે સ્કૂલ-કૉલેજ ભણતરથી, છાપાંઓ-ટીવી દ્વારા, સોશ્યલ મીડિયાનાં વિવિધ માધ્યમો મારફતે ડિઝાસ્ટર વખતે શું કરવું એની અઢળક માહિતી હોય છે, પણ સંકટના સમયે એ માહિતીઓ માળિયે ચઢી જાય છે અને આપણે ઘાંઘા થઈ જઈએ છીએ. વિપરીત પરિસ્થિતિમાં પૅનિક થઈ જવું એ જનરલ હ્યુમન નૅચર છે, પરંતુ હાયવોય, રોકકળ સિચુએશનને વધુ ખરાબ કરે છે. ક્રાઇસિસમાં મગજને કુલ રાખીએ તો ચોક્કસ તેમાંથી બહાર નીકળવાનો સુઝાવ સૂઝે.



સુરતના અગ્નિકાંડમાં હોમાયેલા વિદ્યાર્થીઓને સાચું તર્પણ એ જ થશે કે ખરા અર્થમાં આપણી પાસે રહેલી ઇન્ફર્મેશનને નૉલેજમાં તબદીલ કરીએ. ઇન્ફર્મેશન એ ડેટા છે, જેનો યોગ્ય સમયે ઉપયોગ કરાય તેને જ સ્માર્ટનેસ કહેવાય અને ઇન્ફર્મેશન નૉલેજમાં કન્વર્ટ થાય. આપણી સાથે કે, આપણી સમક્ષ આવી કોઈ સમસ્યા આવે ત્યારે શાંત રહી, પોતાનામાં રહેલી સૂઝબૂઝનો ઉપયોગ કરી પોતાનો અને અન્યોનો બચાવ કરીએ.


વેલ, ઍક્સિડન્ટ વખતે, આગ લાગી હોય ત્યારે કે કોઈ પાણીમાં ડૂબતું ત્યારે શું કરવું જોઈએ એનો ખ્યાલ દરેકને હોય જ છે, છતાં અમે નૉલેજ રિફ્રેશિંગ માટે થોડી માહિતી પ્રસ્તુત કરીએ છીએ...

આગ લાગે ત્યારે


ઘર કે ઑફિસના કોઈ પણ બિલ્ડિંગમાં જ્યારે આગ લાગે ત્યારે નર્વસ થવાને બદલે પહેલું કામ ૧૦૧ નંબર પર ફોન કરી ફાયરડિપાર્ટમેન્ટને આગના સમાચાર આપી દાદરા દ્વારા એ ઇમારતમાંથી નીચે આવી જવાનું કરવાનું, પરંતુ જો બિલ્ડિંગમાં નીચે દાદરાના ભાગમાં જ આગ લાગે ત્યારે અથવા તમે બહુ ઉપરના માળે રહેતા હો અને નીચે ઊતરવું શક્ય ન હોય ત્યારે સૌપ્રથમ જાડા ટુવાલને ભીનો કરી આંખ સિવાય આખા ચહેરા ઉપર ઢાંકી દેવો. નાક, મોઢું ખાસ બંધ કરવાં, જેથી ધુમાડો શરીરમાં જાય નહીં અને શ્વાસોશ્વાસમાં તકલીફ પડે નહીં. સુરતના કેસમાં મૃત્યુનું સૌથી મોટું કારણ આગનો ધુમાડો હતો. દાદરામાં લાગેલી આગ ધીમે ધીમે ઉપર તરફ આવે ને બિલ્ડિંગના પૅસેજમાં એનો ધુમાડો ફેલાઈ જાય ત્યારે એ ધુમાડો તમારા સુધી આવતો અટકાવવા તમે છો એ ફ્લૅટ-ઑફિસનો મુખ્ય દરવાજો સજ્જડ બંધ કરી દેવો. દરવાજાની પાતળી તિરાડમાંથી પણ સ્મોક અંદર ન પ્રવેશે એ માટે ત્યાં ભીનાં, જાડાં કપડાં ભરાવી દેવાં. ભીના કપડામાં આગ પકડાતાં વાર લાગે છે.

બારી ખૂલતી હોય તો તોડવી નહીં. ઘણી વખત તેના તૂટેલા કાચ વિક્ટિમ માટે વધુ ડૅન્જર બની રહે છે. બાથરૂમમાં ડોલ, બાથટબ વગેરે પાણીથી ભરી લેવાં. પોતે પણ આખા ભીના થઈ જવું. ઇમારતમાંથી બહાર જવાનો ચાન્સ મળે ત્યારે દોડવા કરતા ભાંખોડિયાં ભરીને બહાર નીકળવું વધુ સેફ રહેશે. આગની ગતિ હંમેશાં ઉપરની તરફની હોય છે. જો તમે ઊભાં ઊભાં ભાગશો કે ચાલશો તો આગની જ્વાળા તમને દઝાડી શકે છે. એવા સમયે ૩જીનો ગોલ્ડન રૂલ યાદ રાખવો: ગેટ ડાઉન, ગેટ ક્રાઉલ, ગેટ આઉટ.

ફાયર ડિપાર્ટમેન્ટમાંથી મદદ મોડી આવે કે તમારા સુધી મદદ પહોંચતાં વાર લાગે એમ હોય અને ત્રીજા ચોથા માળની બારી મારફતે નીચે ઊતરી શકવા તમે સક્ષમ હોવ તો નીચે જમ્પ મારવાને બદલે રસી, બારીના પડદાની ગાંઠો બાંધી લંગર બનાવી ઊતરવું. જો આ સાધનો પણ ન હોય તો ઘણાં બધાં જીન્સને ચાવીઓની રિંગ, બેલ્ટ વડે જોડી લાંબા દોરડા જેવું તૈયાર કરી એના સહારે નીચે ઊતરી શકાય. જો તમે આગની ઝપટમાં આવી જાવ તો તરત જમીન પર આળોટવાથી જાતે શરીર પરની આગ બુઝાવી શકાય છે.

પાણીમાં ડૂબવાની પરિસ્થિતિમાં

દરિયામાં કે સ્વિમિંગ પૂલમાં જળક્રીડા વખતે કે પૂરના પાણીમાં ડૂબવાની પરિસ્થિતિ સર્જા‍ય ત્યારે સેલ્ફ હેલ્પમાં પાણીના ઊંડાણમાંથી બહાર આવવા શ્વાસ લેવાનું બંધ કરી પાણીની ઉપરની સપાટી પર આવી જવું. પછી માથું ઊંચું ને દાઢી પાણીની બહાર રાખવાની કોશિશ કરવી. બે રીતે માથાને પાણીની બહાર રાખી શકાય. તમે ઉભા હો એવી પોઝિશનમાં પાણીની અંદર સીધા ઊભા રહેવું અને બે હાથ દ્વારા સ્વિમિંગ કરતા હો એમ પાણીમાં હલેસાં મારવા ને પગ સાઇકલિંગની જેમ ઊંચાનીચા કરવા. દેડકાની જેમ ઍક્શન કરવાથી પણ લાંબો સમય સુધી પાણીની અંદર ડૂબી જવાથી બચી શકાય છે. બીજી પોઝિશનમાં સીધા સૂતા હોવ એમ પાણીમાં ફ્લોટ થવા કાન ડૂબે એમ માથું ઊંચું રાખવું. પેટ, થાઇઝ, પગનાં આંગળાં પાણીની બહાર રાખવાં. ઘણી વખત કમર ને પગ પાણીમાં નીચે તરફ ખેંચાઈ જાય છે ત્યારે છાતી, પેટ અને માથું વધુ ઉપર લઈ લેવાથી ઑટોમૅટિક પગ ઊંચા આવે છે. અહીં માથું આમતેમ ફેરવવું નહીં, સ્ટેડી રાખવું. યાદ રહે કોઈ પણ સિચુએશનમાં પૅનિક થવું નહીં અને શ્વાસ લેવાનું બંધ કરવું નહીં.

આ થઈ બેઝિક, જાતે બચવાની ટ્રિક. હવે જ્યારે તમે ડૂબનારને બચાવતા હો ત્યારે શું ધ્યાન રાખવું એની વાત કરીએ. ડૂબનારની પાછળ લાગણીમાં આવી વિચાર્યા વગર પાણીમાં કૂદી પડવા કરતાં શાંત ચિત્તે ઍક્શન લેવી વધુ ડહાપણભર્યું રહેશે. દોરડું, સ્વિમિંગ રિંગ, બોટનાં હલેસાં જેવી કોઈ લાઇફ સેવર આઇટમ ન હોય ને ડૂબતી વ્યક્તિને બચાવવા તમારી પાસે પાણીમાં કૂદવાનો એકમાત્ર વિકલ્પ બચ્યો હોય તો ડૂબતી વ્યક્તિનો હાથ ઝાલવા કરતાં પાછળથી માથાના વાળ પકડી તેનું મોઢું પાણીની ઉપર રહે એમ રાખી એને પાણીની બહાર લાવવી. વાળ ટૂંકા છે કે માથે ટકો છે તો તેનો કૉલર પકડી ખેંચવો. એ પણ શક્ય ન હોય તો સ્વિમિંગ કૉસ્ચ્યુમ ખેંચવું. જ્યારે તમે હાથ આપો અને ડૂબનાર તમારો હાથ પકડે ત્યારે ઑટોમૅટિક તેનું વજન તમારી ઉપર આવી જાય છે ને લાઇફ સેવરનું બૅલૅન્સ ડગમગી જાય છે. આમેય પાણીનો ગુણધર્મ પોતાની તરફ ખેંચવાનો છે. સમતોલપણું ગુમાવતાં બચાવનાર વ્યક્તિ પણ પાણીમાં ગરક થઈ જાય છે.

જો ડૂબનાર બાળક છે, વ્યસ્ક છે કે બેભાન થઈ ગયું છે, તેને ઊંચકીને પાણીની બહાર લાવવું પડે તેમ છે ત્યારે તેને તમારી બૅક ઉપર તેની બૉડી, ચહેરો સીધો રહે એ રીતે ઊંચકવો. રિમેમ્બર, આપણને તરતાં આવડે છે, બચાવતાં નહીં. દુ:ખની વાત એ છે કે સ્વિમિંગ શીખતી વખતે લાઇફ સેવિંગની ટ્રેઇનિંગ પર આપણે ઝાઝું ફોકસ કરતા નથી. જો ઘટનાસ્થળે પબ્લિક હોય તો માણસની સાંકળ બનાવી તેને ખેંચવો. તમે પાણીની બહાર હોવ ત્યારે ઊભા કે બેસવાની પોઝિશન કરતાં ઊંધા સૂઈને ડાઉન વ્યક્તિને બહાર કાઢવી.

પાણીમાંથી બહાર લાવ્યા પછી જો વ્યક્તિ ભાનમાં હોય તો તેને ૪૫ ડિગ્રીના સપોર્ટ પર કે તમારી છાતીના સહારે પગ સીધા રાખી બેસાડવી. સુવાડવી નહિ, પરંતુ જો વિક્ટિમ બેભાન છે ત્યારે તેને સીધો સુવાડી, દાઢી ઊંચી કરી, શ્વાસોશ્વાસ ચાલે છે કે નહીં એ ચેક કરવું. બ્રીધિંગ ન ચાલતું હોય તો સીપીઆર આપવું. આ ટેક્નિકથી જો તેનાં ફેફસાંમાં થોડું પાણી ભરાઈ ગયું હોય તો બહાર નીકળી જાય છે. બચી જનાર વ્યક્તિના શરીર પર કોરું કપડું વીટાળી તેનું શરીર ઠંડું પડી જતાં અટકાવવું. નર્વસ થયા વગર ધૈર્ય રાખી, આવી સિમ્પલ લાઇફ સ્કિલ વડે પોતાને અને બીજાને ડાઉન થતાં બચાવી શકાય છે.

કોઈ શાર્પ ચીજ શરીરમાં ઊંડી ખૂંપી જાય ત્યારે,

અકસ્માતમાં ડીપ ઘાવ પડે ત્યારે

અહીં નાની ખીલી કે કાચ ઘૂસી જવાની વાત નથી. લાંબો ધારદાર સળિયો, ચાકુ, કાચ ખૂબ ઊંડે સુધી બૉડીમાં ઘૂસી જાય ત્યારે તે ઑબ્જેક્ટ જાતે કાઢવાની કોશિશ કરવી નહીં. ભલે ફિલ્મમાં હીરો જાતે કાઢી લેતો હોય તેવું બતાવે. અણઘડ રીતે તે વસ્તુ કાઢવામાં આવે તો શરીરના આંતરિક અવયવોને નુકસાન થઈ શકે છે. આ સિચુએશનમાં સૌપ્રથમ દર્દીનું બ્લીડિંગ અટકાવવું જરૂરી છે. તે માટે ઘાવની ઉપર કે આજુબાજુ બની શકે તો ચોખ્ખું સુતરાઉ કપડું દાબી દેવું. તે આખું લોહીથી ખરડાઈ જાય તો તેની ઉપર જ બીજું કપડું દાબવું. પહેલા કપડાને કાઢવાની કોશિશ કરવી નહીં. અહીં મોટા ભાગના લોકો એ ભૂલ કરે છે કે પહેલું કપડું કાઢી નાખી બીજું કપડું મૂકે છે. અકસ્માતગ્રસ્ત વ્યક્તિ બેસી શકે એમ હોય તો તેનું માથું ઘાવથી ઉપર રહે તેમ બેસાડવી, પરંતુ જો એ શક્ય ન હોય તો ફોર્સફુલી તેની મુવમેન્ટ કરવી નહીં. ક્યારેક આવા કેસમાં કોઈ હાડકું તૂટી જવાની સંભાવના પણ હોય છે. વિક્ટીમને ફેરવતાં પીડા તો થાય જ છે, સાથે સમસ્યા વધુ વકરી શકે છે. વાગવા ઉપર આઇસપેક મૂકી શકાય, ઓપન ઘા પર નહીં. હા, નાના અને વધુ ઊંડા ન હોય તેવા ઘા ચોખ્ખા પાણીથી ધોઈ શકાય. તે પહેલાં ડાયરેક્ટ પ્રેશર ટેક્નિક વડે લોહી વહેવાનું બંધ કરવું. આ ટેક્નિકમાં વૂંડ ઉપર હળવું, પણ મક્કમ દબાણ આપવાનું હોય છે.

અકસ્માતગ્રસ્ત વ્યક્તિ જો ભાનમાં હોય તો તેને સૂવા દેવી નહીં. બેભાન વ્યક્તિના શ્વાસોશ્વાસ ચાલે છે કે નહીં તે ચેક કરવું. જો શ્વસનક્રિયા ધીમી કે અનિયમિત હોય તો દાઢીથી તેનું માથુ ઊંચું કરવું, નાક દબાવવું, જેથી આપોઆપ તેનું મોઢું ખૂલે અને ઍર પૅસેજ ક્લિયર થાય. ધારો કે કોઈ બનાવોમાં અંગૂઠા, આંગળી કે કોઈ અંગ કપાઈ જાય તો એ કપાયેલા અંગને પણ ચોખ્ખા કપડામાં લઈ લેવું અને પેશન્ટ સાથે જ હૉસ્પિટલ પહોંચાડવું. ઍમ્બ્યુલન્સ જલદી આવે એમ ન હોય અને દર્દીને તમારે જ મોબિલાઇઝ કરવો પડે એમ હોય ત્યારે તેના ઊંડા ઘાની આજુબાજુના ટિશ્યુ ડૅમેજ ન થાય તેમ ધ્યાનથી પેશન્ટને ઊંચકવો.

તમે ચલાવતા હો તે ગાડીની બ્રેક ફેલ થઈ ત્યારે...

સૌ પહેલાં ગાડીની પાર્કિંગ લાઇટ ઑન કરી દેવી, આથી આજુબાજુના ચાલકોને સિગ્નલ મળે કે આ વાહનની પરિસ્થિતિ કંઈક અનયુઝવલ છે. ત્યાર બાદ ગાડીનાં ગિયર ધીમે ધીમે ડાઉન કરતાં જવા, જેથી તમારા વાહનની સ્પીડ ઘટશે. પછી બ્રેક પેડલને ચાર પાંચ વખત જોરથી પુશ કરો. ગાડીના કાચ ખોલી દો અને હાથેથી સિગ્નલ આપી તેને ધીમે ધીમે સ્ટિયરિંગ ફેરવી રસ્તાની એક કોરે લેવાનો પ્રયત્ન કરો. ગાડીને સાઇડમાં લેતી વખતે સ્ટિયરિંગ એકઝટકે નહીં ફેરવી દેવું. આમ કરવાથી વેહિકલ પલટી શકે જે તમારા માટે અને અન્ય વાહનચાલકો માટે જાનલેવા સાબિત થઈ શકે છે. ગાડી લાસ્ટ લેનમાં લીધા પછી રેલિંગ કે કોઈ સ્ટ્રૉન્ગ ઑબ્જેક્ટ સાથે ભટકાવવી, જેથી તે ચાલતી અટકી જાય. ત્યાર બાદ તેનું એન્જિન બંધ કરવું. ઘણા ડ્રાઇવર બ્રેક ફેલ થયાની જાણ થતાં જ ગાડીનું એન્જિન બંધ કરી દે છે ને ગાડી ત્યાં જ અટકી જાય છે, જે પાછળથી તેજ ગતિમાં આવતાં વાહનો માટે જોખમી બની શકે છે. અફસોસની વાત છે કે આપણને ડ્રાઇવિંગ સ્કૂલમાં ગાડી ચલાવવાની ટ્રેનિંગ અપાય છે, પરંતુ આવી કૉમન પરિસ્થિતિમાં શું કરવું તેની કેળવણી અપાતી નથી. આથી જ ભારતની સરહદો કરતાં રોડ ઍક્સિડન્ટમાં વધુ માણસો મરે છે.

નાક, પગ, હાથ, પાંસળી કે કરોડરજ્જુનું ફ્રૅક્ચર

હાથ, પગ કરતાં પાંસળી અને કરોડરજજુનું તૂટવું વધુ ડૅન્જર છે. પાંસળી તૂટે ત્યારે શ્વાસ લેવામાંને મુવમેન્ટ કરવામાં ખૂબ દુખે છે. આ ડૅન્જરસ ઇન્જરીમાં તૂટેલી પાંસળી હાર્ટની આજુબાજુના મસલને નસમાં કાણાં કરી શકે છે તેનાથી ઇન્ટર્નલ રક્તસ્રાવ તથા ફેફસાં પણ કૉલેપ્સ થઈ શકે. આથી આવા કેસમાં પેશન્ટની છાતીને તકિયા કે જાડા બ્લૅન્કેટ, ચાદર વડે સપોર્ટ આપવું. તે અવેલેબલ ના હોય તો જૅકેટ કે સૉફ્ટ પર્સ, બૅકપૅક પણ વાપરી શકાય. અહીં સૌથી મોટું ધ્યાન એ રાખવાનું છે કે પેશન્ટની ચેસ્ટ સ્ટેડી રહે. હાથ, પગ ભાંગે ત્યારે પૂંઠા વડે તે સાઇઝનું બૉક્સ બનાવવું. અપર સાઇડ ઓપન આ બૉક્સમાં ફ્રૅક્ચર્ડ હાથ-પગ મૂકવા, પછી તેને કપડાની ઝોળીમાં મૂકવા. તમે ફરવા ગયા હોવ ત્યાં આવું બને ને પૂંઠા અવેલેબલ ના હોય ત્યારે લાકડાની દાંડી કે પટ્ટીને હાથ-પગની નીચે અને બે બાજુ એમ ત્રણ સાઇડ બાંધી સપોર્ટ આપવો.

નાકનું હાડકું ભાંગે ત્યારે તરત બ્લીડિંગ ચાલુ થાય છે. આવા કેસમાં મોઢા વડે શ્વાસ લેવો. નાકથી શ્વાસ લેવાથી વહી રહેલું લોહી વિન્ડપાઇપમાં જઈ વધુ પરિસ્થિતિ બગાડે છે. ત્યારે શક્ય હોય તો બન્ને નસકોરાં થોડી વાર સુધી દબાવી રાખો, જેથી લોહી વહેવાનું બંધ થાય. જો લોહી મોઢામાં ઊતરે તો થૂંકી નાખવું. અહીં આઇસપૅક લગાવવાથી તાત્કાલિક રાહત થાય છે.

સ્પાઇન ઇન્જરીમાં સૌપ્રથમ પેશન્ટના માથા નીચે સપોર્ટ મૂકવો, જેથી આખી કરોડરજજુ ઉપર ઓછું દબાણ આવે. દર્દીને માથું બિલકુલ હલાવવા દેવું નહીં, શક્ય હોય તો તેને સીધો સુવાડવાને બદલે એક પડખે સુવાડો. જે સાઇડ ઉપર હોય તે સાઇડનો હાથ માથાના ૯૦ અંશે જમીન પર રાખો, અને એ બાજુના પગને ઘૂંટણથી ૯૦ અંશ વાળી બીજા પગ પર મૂકો. આ પોઝિશનને રિકવરી પોઝિશન કહેવાય છે, જે ફર્સ્ટ એઇડનું પાયોનિયર સ્ટેપ છે. દર્દીથી પીડા સહન ન થતી હોય તો દર્દશામક દવા આપી શકાય.

ગળામાં ખાવાનું કે કોઈ વસ્તુ ફસાઈ જાય ત્યારે

હિન્દી ફિલ્મોમાં ઘણી વખત આવાં દૃશ્યો આવે છે. જેના ગળામાં ખાવાનું ફસાઈ જાય તેને વાંસામાં જોરથી ધબ્બા મારવામાં આવે છે અને તે વસ્તુ નીકળી જાય છે. આ રીત બરાબર છે, પણ પેશન્ટની પોઝિશન આગળની બાજુએ ઝૂકેલી હોવી જોઈએ. બાળક ક્યારેક સિક્કો કે રમકડું ગળી જાય ત્યારે તેને સપોર્ટ આપી કમરેથી વાળવું અને તેના બે ખભાની બરાબર વચ્ચે વાંસાના ઉપરના ભાગમાં મુઠ્ઠી વડે ધબ્બો મારતાં ગળામાં ચૉક થયેલી વસ્તુ બહાર નીકળી જાય છે.

ઇન બૉક્સ સીપીઆર એટલે શું?

કાર્ડિયોપલ્મોનરી રિસસિએશન એવી મિરૅકલ ટેક્નિક છે જે આપવાથી અનેક કેસોમાં વ્યક્તિઓને જીવતદાન મળે છે. કોઈ પણ હોનારતમાં ફસાયેલી વ્યક્તિ બેભાન હોય, શ્વાસોશ્વાસની ક્રિયા બંધ હોય કે હૃદયના ધબકારા ચાલતા ન હોય ત્યારે તેને સીપીઆર આપવાથી તેના જીવંત રહેવાની શક્યતાઓ વધી જાય છે. વિક્ટિમને સીધો સુવાડી, નાક અને મોઢા વચ્ચેનો ઍરવે ક્લિયર કરી, તેની છાતીના ઉપરના ભાગમાં, બ્રેસ્ટની મધ્યમાં તમારા એક હાથને ઊંધો રાખી તેના ઉપર બીજો હાથ રાખી, આંગળાંના અંકોડા ભેરવી, હથેળીથી જોરથી અને સતત પમ્પિંગ કરવામાં આવે ત્યારે બ્રેઇન અને હાર્ટ વચ્ચે ઑક્સિજન સર્ક્યુલેટ થાય છે. ઘણી વખત ફક્ત આવા પ્રેશરથી વ્યક્તિ ભાનમાં આવી જાય છે. છતાં જો આ રીતે જાગૃતિ ન આવે તો તેના મોઢામાં તમારા મોઢાનો ઉચ્છ્વાસ નાખી માઉથ ટુ માઉથ બ્રીધિંગ આપવું. ૩૦ પ્રેશર પછી બે રેસ્ક્યુ બ્રેથ એ રેશિયો ૨૦ મિનિટ સુધી કન્ટિન્યુ કરી શકાય છે.

આ પણ વાંચો : કૉલમ: એવરેસ્ટ સર કરનાર કેવલ કક્કાની એનર્જીનું રહસ્ય થેપલાં અને દાળ-ભાત

કાર્ડિયાક અરેસ્ટમાં પણ સીપીઆર આપી શકાય. હાર્ટઅટૅક વખતે નહીં. કાર્ડિયાક અરેસ્ટમાં મોટા ભાગે પેશન્ટ બેહોશ થઈ જાય છે, જ્યારે હાર્ટઅટૅક વખતે તે જાગૃત અવસ્થામાં હોય છે. એક વાતનું ધ્યાન રાખવાનું કે સીપીઆર ફક્ત બેહોશને જ આપવાનું હોય છે. સીપીઆરની વધુ માહિતી ગૂગલ અને યુટ્યુબ પરથી મળી રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

01 June, 2019 10:54 AM IST | | અલ્પા નિર્મલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK