કથાકાર ભૂપેન્દ્ર પંડ્યા પર પત્નીના સનસનાટીભર્યા આરોપ

Published: 23rd October, 2011 18:43 IST

જાણીતા કથાકાર ભૂપેન્દ્ર પંડ્યા સામે તેમનાં પત્ની મનીષાબહેને પોતાને અને તેમની પુત્રી નમસ્વીને તેઓ ત્રાસ આપતા હોવાની અને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સમતાનગર પોલીસ-સ્ટેશનમાં કરી હતી. તપાસ પછી સમતાનગર પોલીસે આ કેસમાં ભૂપેન્દ્ર પંડ્યા વિરુદ્ધ શુક્રવારે બપોરે અઢી વાગ્યે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો.

 

 

અંકિતા શાહ

 

મુંબઈ, તા. ૨૩

સમતાનગર પોલીસ-સ્ટેશનનાં એક લેડી પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘મનીષાબહેને તેમની ફરિયાદમાં એવું જણાવ્યું છે કે ભૂપેન્દ્રભાઈનાં મારી સાથે લગ્ન થયાં ત્યારથી તેઓ મારાં મા-બાપ પાસેથી પૈસા લાવવાનું મને કહેતા રહેતા હતા. મારાં મા-બાપે ઘર પણ લઈ આપ્યું હતું. ભૂપેન્દ્રભાઈની સાથે-સાથે મારી દીકરી અને હું પણ પ્રવચન આપતાં હતાં અને ત્રણેયનું મળીને જે પેમેન્ટ આવતું હતું એ ભાગ પાડવાને બદલે ભૂપેન્દ્રભાઈ જ લઈ લેતા હતા. મારા અને નમસ્વીના નામે જે પણ અકાઉન્ટ હતાં એમાંથી મારી જાણ વગર અમુક પૈસા કઢાવવામાં આવ્યા હોવાની જાણ પણ મને થઈ હતી.’

 

પોલીસે ભૂપેન્દ્રભાઈ વિરુદ્ધ દહેજ માટે ત્રાસ આપવાનો તેમ જ છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાનો ગુનો નોંધ્યો હોવાનું આ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ મનીષાબહેનની ફરિયાદની વિગત આપતાં વધુમાં કહ્યું હતું કે ‘મનીષાબહેનના નામે જે ફિક્સ્ડ ડિપોઝિટ હતી એ પણ તેમને કહ્યા વગર કાઢી લીધી હતી. ઇન્શ્યૉરન્સની અમુક પૉલિસીના પૈસા મેળવવા માટે ખોટા ડૉક્યુમેન્ટ્સ રજૂ કરીને અને બનાવટી સિગ્નેચર કરીને ઇન્શ્યૉરન્સ કંપની પાસેથી પૈસા મેળવવાનો પણ ભૂપેન્દ્રભાઈએ પ્રયાસ કયોર્ હતો. જે પૉલિસીઓ ૧૦-૧૫ વર્ષ પછી પાકવાની હતી એ સરેન્ડર કરી એના પૈસા મેળવવા પણ તેમણે છેતરપિંડી કરી હતી. મનીષાબહેને એ પૉલિસીઓ બાળકોને તેમના એજ્યુકેશન અને લગ્ન માટે કામ લાગે એ ગણતરીથી જ લીધી હતી.’

 

ભૂપેન્દ્ર પંડ્યાનો સંપર્ક થઈ શક્યો નહોતો, જ્યારે મનીષાબહેનને સંપર્ક કરતાં તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો.

 

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK