આહ્લાદક અલેપી, જુઓ અને જાણો તસવીરો દ્વારા

Published: 16th September, 2012 09:55 IST

અલેપીનો દરેક સ્થાનિક રહેવાસી આવું ભાર દઈને કહી શકે, કારણ કે અહીં ઑલમોસ્ટ દરેક ઘરદીઠ એક તો નાની બોટ છે જ જે તેઓ પર્સનલ ટ્રાન્સર્પોટેશન માટે યુઝ કરે છે.
(અલ્પા નિર્મલ)

હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં માઇલસ્ટોન સાબિત થયેલી ફિલ્મ ‘દીવાર’નો ફેમસ ડાયલૉગ થોડો ટ્વિસ્ટ કરીને...

શહેરવાસી : ‘હૈંઈ, હમારે પાસ ગાડી હૈ, બાઇક હૈ, સાઇકલ હૈ. તુમ્હારે પાસ ક્યા હૈ? હૈંઈ!’

અલેપીવાસી : ‘હમારે પાસ બોટ હૈ!’

યસ, અલેપીનો દરેક સ્થાનિક રહેવાસી આવું ભાર દઈને કહી શકે, કારણ કે અહીં ઑલમોસ્ટ દરેક ઘરદીઠ એક તો નાની બોટ છે જ જે તેઓ પર્સનલ ટ્રાન્સર્પોટેશન માટે યુઝ કરે છે. જસ્ટ લાઇક આપણે સાઇકલ, સ્કૂટર, કારનો ઉપયોગ કરીએ એમ. ભારત દેશનો ક્વચિત્ આ એક જ હિસ્સો હશે જ્યાં માથાદીઠ વૉટર-ટ્રાન્સર્પોટેશનનાં સાધનો વધુ હોય.

ક્યાં આવેલું છે?

કેરળમાં અલપુઝા તરીકે જાણીતું આ ટાઉન આ જ નામના જિલ્લામાં આવેલું છે. અરબી સમુદ્રના કાંઠા સાથે મીઠા પાણીની નહેરોની મસ્ત માયાજાળ સમાવીને બેઠેલું આ શહેર હિન્દુસ્તાનના મોસ્ટ સાક્ષર સ્ટેટ કેરળનો હિસ્સો છે. પ્રાચીન સમયમાં ત્રાવણકોર રાજ્યનો એક વિસ્તાર રહેલું અલેપી પૌરાણિક કાળથી પ્લાન્ડ સિટી રહ્યું છે. નહેરો, દરિયાકાંઠો, બૅકવૉટર્સ અને અનેક લગૂન્સનું સ્વામી અલેપી બોટરેસ માટે પ્રખ્યાત છે.કઈ રીતે જવાય?

ભારતના કોઈ પણ શહેરથી કોચી જતા પ્લેનમાં બેસી જવાનું. એ જ રીતે ઇન્ટરનૅશનલ શહેરથી આવવું હોય તો તિરુવનંતપુરમના આંતરરાષ્ટ્રીય હવાઈઅડ્ડે આવતા વિમાનમાં બેસી પડવાનું એટલે અનુક્રમે ૭૮ કિલોમીટર ઉત્તરે અને ૧૫૯ કિલોમીટર દક્ષિણે ડ્રાઇવ કરો એટલે આવે અલેપી. ટ્રેનમાંય આવવું હોય તો એર્નાકુલમ સવળું પડે. એર્નાકુલમ આખાય ભારતના રેલ-નેટવર્ક સાથે સુપેરે જોડાયેલું છે અને અહીંથી અલેપી જવા ચિક્કાર પ્રાઇવેટ વાહનો ઉપરાંત સરકારી વાહનો મળે છે. વળી દક્ષિણ ભારતનાં અન્ય નામી શહેરો મૅન્ગલોર, ચેન્નઈ, બૅન્ગલોર, કોઇમ્બતુર, ત્રિવેન્દ્રમથી ડાયરેક્ટ સરકારી અને લક્ઝરી બસો મળે છે અને ટ્રેન પણ.

અહીં શું કરી શકાય?

આ સવાલ તમારી જાતને પૂછો. કુદરત સાથે એકરૂપ થઈ એના નિતનવા રૂપ સાથે એકાકાર થવું છે કે વૈભવી રિસૉર્ટ્સની કૃત્રિમ આળપંપાળમાં રત રહેવું છે. બેઉ ઑપ્શન ફૅન્ટૅસ્ટિક છે અને એનું અંતિમ ધ્યેય એક જ છે કે શહેરની હેક્ટિક હાડમારીથી ત્રસ્ત માનવીને સુકૂન અને શાતા આપવાં. છેલ્લાં દસેક વર્ષમાં કેરળમાં મેડિકલ ટૂરિઝમે જબરું કાઠું કાઢ્યું છે. આયુર્વેદિક પદ્ધતિથી તરોતાજા થવા દેશ-વિદેશથી મોટી માત્રામાં લોકો અહીં આવે છે. પાંચ હજાર વર્ષ પહેલાંનો ટ્રસ્ટેડ અને ટેસ્ટેડ દેશી ઇલાજ અને અહીંની મદમસ્ત આબોહવા માંદા અને માંહ્યલાને જાગ્રત ન કરે તો જ નવાઈ. વેલ, આપણે મેડિકલ ટૂરિઝમને સાઇડમાં મૂકી દઈએ અને મેસ્મરાઇઝ્ડ ટૂરિઝમ તરફ જ આગળ વધીએ.

પહોળી નહેરોની આજુબાજુ, વચ્ચે પાતળી જમીનની પટ્ટી, તાડ, સોપારી અને નાળિયેરી જેવાં લંબૂ તરુવરોથી શોભતા નાના-મોટા ટાપુ. આ ટાપુ અને જમીનની પટ્ટીઓ પર રહેતાં સ્થાનિક રહેવાસીઓની દિનચર્યા જોવા-માણવા બૅકવૉટર્સની રાઇડ લેવી જ રહી. સ્થાનિક લોકો વાપરે એવી સ્લિમ બોટમાં જાઓ કે મોટરથી ચાલતી મોટી બોટમાં - અલેપીનું અનોખુંપણું ચારેકોરથી નજરે ચડે છે.બૅકવૉટર્સમાં રાઇડ કરવા પહેલાં એની હિસ્ટરી-જ્યોગ્રાફી જાણીએ તો એ સફર વધુ રોમાંચક અને રોમૅન્સભરી બની રહે. અસલમાં કેરળના અરબી સમુદ્ર (જે અહીં મલબાર કોસ્ટ કહેવાય છે)માં મળતી મીઠા જળની નદીઓ, નહેરો અને તળાવનું પાણી એ બૅકવૉટર્સ. સમુદ્રના ખારા જળમાં મીઠું પાણી ભળી જાય એ અહીં સીધીસાદી ઘટના નથી, કારણ કે અલપુઝામાં પાંચ કુદરતી અને મૅન-મેડ સરોવરના પાણી સાથે ૩૮ નદીઓનું પાણી નાની-મોટી નહેરો દ્વારા સાગરમાં સમાય છે; જે યુનિક ક્રિસક્રૉસ ખડું કરે છે. આમ તો આખા કેરળના ગણીએ તો કુલ ૯૦૦ કિલોમીટરમાં બૅકવૉટર્સ છે જેમાં અલેપી સુંદરતાની પહેલી પાયદાન પર આવે. એક આખો દિવસ બૅકવૉટર્સને આપવો જ પડે. વાંસ, તાડ, સોપારીનાં પાંદડાંમાંથી બનાવેલી નૌકાના વિહારનો અનુભવ ભીનો-ભીનો બની રહે છે. બોટિંગ દરમ્યાન આસપાસ પસાર થતાં નાનાં-નાનાં ગામડાંઓ, આ ગામડાંઓમાં રહેતા અને દિનચર્યામાં રત સ્થાનિક રહેવાસીઓની દુનિયામાં ડોકિયાં કરવાનો લુત્ફ ઉઠાવવો જ રહ્યો. અરે, કેટલાંક ઘર તો અહીં એવાં હોય છે જેમાં વાસણ-કપડાં ધોવા કોઈ સ્પેશ્યલ જગ્યા જ નથી હોતી. ચા-પાણી... સૉરી, કૉફી પીધા પછી કપ-રકાબી ધોવા પણ તેઓ ઘરની બહાર વહેતા પાણીમાં આવે છે અને કુકિંગ માટે પાણી લેવા પણ બહારની નહેર પાસે આવે છે. વેલ, આ જોઈ એક વાત યાદ આવે કે અહીં સૌથી નવરો આદમી કોણ હશે? અફર્કોસ પ્લમ્બર વળી! જોક્સ અપાર્ટ, પણ આ ગ્રામજનો એક રૂલ ફૉલો કરે છે કે ઘરની બેઉ બાજુથી પસાર થતી કનૅલમાં એક બાજુનું પાણી પીવા માટેનું રાખે છે અને અન્ય સાઇડનું પાણી સફાઈકામ માટે. જોકે વહેતા પાણીમાં કોઈ ગંદકી જમા નથી થતી છતાં જ્યાં-જ્યાં જળ છીછરું છે ત્યાં કમળ અને વૉટર-લિલીનો વૈભવ પુરબહારમાં ખીલે છે જે અગેઇન અલેપીની વન મોર ફોટોપ્લેસ. આ રાઇડ દરમ્યાન તમારો નાવિક કોઈ નાના જમીનના ટુકડા પર આવેલા નાળિયેરીના વૃક્ષ પર ચડી ફ્રેશ નાળિયેર ઉતારી એનું જળ પાય છે તો ક્યારેક આ ટુકડાઓ પર થતી નાની-મોટી ખેતી જોવા લઈ જાય છે. ચોખા, શક્કરિયા, કેળાની આ

વાડી-ખેતરની વિશિષ્ટતા એ છે કે એનું લેવલ સમુદ્રની સપાટીથી નીચું હોય છે. અહીં ભેજાબાજ માનવી અને કુદરતે ખરેખર એવી કરામત કરી છે કે આવી અજાયબીઓ શક્ય બની છે.

એકવીસમી સદીમાં પ્રવેશેલા વિશ્વની સરખામણીએ અલેપીમાં સમય થંભી ગયો હોય એમ લાગે. હાયર એજ્યુકેશન, સારી ઇન્કમ, વિદેશની આવ-જા (બહુધા અહીં દરેક કુટુંબમાંથી એકાદ જણ તો અખાતના દેશોમાં કે અન્ય દેશોમાં વસેલો હોય જ છે. આ કારણે અહીંના લોકોની માથાદીઠ આવક પ્રમાણમાં સારી છે) હોવા છતાં અહીં પ્રજા શાંત જીવન જીવવામાં માને છે એટલે આખાય અલેપીમાં ક્યાંય ધમાલ નથી જણાતી. હા, ધમાલ થાય છે અડધી રાત્રે જ્યારે મોટી-મોટી હોડીઓ લઈને માછીમારો દરિયામાં જવા ઊતરે અને પછી મોટી-મોટી માછલીઓ ભરી વહેલી બપોરે પરત ફરે. ઇન ફૅક્ટ, ખારા અને મીઠા પાણીના સંગમને કારણે અહીંની જળસૃષ્ટિ ડિફરન્ટ છે. કાચબા, કરચલા, પરવાળાં અને અનેક જાતની માછલીઓ આ જ સ્થળેથી મળે છે આથી અહીં ફિશરીઝનું બહુ મોટું કામકાજ છે. જો માછલીની વાસની સૂગ ન હોય તો ફિશરમેન સાથે અડધો દિવસ જઈ શકાય.

દક્ષિણ ભારતમાં હોઈએ અને મંદિરમાં ન જઈએ એ કેમ ચાલે. અલેપીમાં પણ અંબાલાપુઝામાં શ્રીકૃષ્ણનું ટેમ્પલ છે. અહીં કાનુડાની પાર્થસારથિ સ્વરૂપની મૂર્તિ છે. આ સ્વરૂપને મહાભારતના યુદ્ધ પહેલાં અજુર્નના સારથિ બનેલા કૃષ્ણની મૂર્તિ એટલે કહેવાય છે કારણ કે તેમના જમણા હાથમાં શંખ છે. ઇતિહાસ મુજબ ઈસવી સન ૭૯૦માં બનેલું આ મંદિર ગુરુવાયુરના શ્રીકૃષ્ણ મંદિરનો એક ભાગ છે. વાયકા મુજબ ૧૭૮૯માં ટીપુ સુલતાનના આક્રમણથી બચવા પ્રભુની પ્રતિમાને અહીં ખસેડવામાં આવી હતી. સ્થાનિક લોકો અને સાઉથ ઇન્ડિયનોમાં શ્રદ્ધાનું ધામ ગણાતા આ મંદિરની મુલાકાત લેવાનું અન્ય એક કારણ એ કે દેવાલયની આજુબાજુ ફૂલો, ખાસ કરીને મોગરાઓ વેચતી એટલીબધી હાટડી અને ફેરિયાઓ છે કે આ વિસ્તારને મોગરાલૅન્ડ કરી શકાય. વળી અલેપી ગામમાં ઘણા ગુજરાતીઓની વસ્તી છે. ભાટિયા, લોહાણા, કચ્છી, જૈન, મારવાડીઓ પેઢીઓથી અહીં વસે છે. માટે જ અહીં હવેલી અને જૈન દેરાસર પણ છે.રહેવા અને ખાવા-પીવાની સગવડ

ફસ્ર્ટ ચૉઇસ કેટ્ટéવલમની એટલે કે કેરળ હાઉસબોટની. કાશ્મીરના શ્રીનગરથી કૉપી કરીને કેરળ ટૂરિઝમે પણ અહીં હાઉસબોટ અકોમોડેશન ડેવલપ કર્યું છે. જોકે એ નથી શ્રીનગરની હાઉસબોટ જેટલી વિશાળ અને વૈભવી, છતાંય ૩૦ મીટર લાંબી આ બોટને એમાં રહેલી ફૅસિલિટી અનુસાર પ્લૅટિનમ, ગોલ્ડ અને સિલ્વર એમ ત્રણ કૅટેગરીમાં વિભાજિત કરવામાં આવી છે. કોઈક બોટ ક્રૂઝની જેમ હરતી-ફરતી રહે છે જેમાં એક કે બે દિવસનાં પૅકેજ હોય છે તો કોઈ બૅકવૉટર્સમાં સાધના કરતા સાધુની જેમ સ્થિતપ્રજ્ઞ રહે છે. સ્થિતપ્રજ્ઞ એટલા માટે કે જ્યાં-જ્યાં આ હાઉસબોટ હોય છે ત્યાંનું સમસ્ત વાતાવરણ સ્થિર અને શાંત હોય છે. કશોય ઘોંઘાટ કે ધમધમાટ નથી હોતો. આ બોટ્સમાં ખાવા-પીવાની સગવડો પણ ઇન્ક્લુડેડ હોય છે. અન્ય ઑપ્શન છે હૃષ્ટપુષ્ટ કનૅલને કિનારે આવેલી નૅરો જમીનની પટ્ટી પરના કેરળ સ્ટાઇલની કૉટેજ. નળિયાવાળાં, જૂની ડિઝાઇનનાં આ નાનાં મકાનો એવાં રૂપકડાં છે કે અહીં રહેવાનો અનુભવ અવિસ્મરણીય બની રહે છે. આ કૉટેજિસમાં પણ મોસ્ટ્લી બોર્ડિંગ સાથે લૉજિંગ સંલગ્ન હોય છે. એ જ રીતે અલેપી ગામમાં પણ ઘણી હોટેલ્સ છે તો એના સમુદ્રકાંઠે નાના-મોટા રિસૉર્ટ્સ પણ ખરા. ગામની બજારમાં ઠેકઠેકાણે ખાવા-પીવા માટે નાની-મોટી રેસ્ટોરાં છે જ્યાં બહુ સહેલાઈથી વેજિટેરિયન ફૂડ મળી જાય છે. જૈન ફૂડ ખાનારાએ થોડું ઍડ્જસ્ટ કરવું પડે, બટ ભૂખ્યા તો નથી જ રહેવું પડતું.

બેસ્ટ સીઝન

દુનિયા આખી જાણે છે કે ઑક્ટોબરથી ફેબ્રુઆરી એ કેરળનો સુવર્ણકાળ અને વરસાદ એન્જૉય કરવાનો હોય તો જૂન અને જુલાઈ. કેરળનો વરસાદ કાતિલ હોય છે, વર્ષાપ્રેમીઓને મજા પડી જાય છે. ચોમાસા દરમ્યાન આખુંય અલેપી જળબંબાકાર બની જાય છે. રોડ-રસ્તા એવા પાણીમાં ડૂબી ગયા હોય કે ફક્ત જાણકારને જ ખબર પડે કે જળમાર્ગ કયો છે અને જમીનમાર્ગ કયો છે.

અલેપીનું તાપમાન

માર્ચ, એપ્રિલ અને મે એટલે અહીં સૂરજદાદાની ફુલ ડ્યુટી. નજીકમાં જ સમુદ્ર હોવાને કારણે તાપમાન ૩૨થી ૨૫ ડિગ્રીની વચ્ચે રહે છે, પણ બફારો ભારે રહે છે. જૂન-જુલાઈ અને ઑગસ્ટમાં હલકાથી ભારે વરસાદી વાયરાઓ આવતા જ રહે અને પારો ૨૯થી ૨૪ અંશની આસપાસ ફર્યા કરે. ઑક્ટોબરથી ફેબ્રુઆરીમાં અહીં હૂંફાળી ગરમી અને ગુલાબી ઠંડીનું કોઝી કૉમ્બિનેશન થાય છે.

સમ યુઝફુલ ટિપ્સ

* કેરળના પિક્ચર-પોસ્ટકાર્ડમાં જે બોટરેસ દર્શાવવામાં આવે છે એ નેહરુ ટ્રોફી બોટરેસ દર ઑગસ્ટમાં ઓનમ તહેવારની આસપાસ અલેપીના જ પુન્નમદા લેકમાં યોજાય છે. ફેણ કાઢેલા સર્પનું મોઢું ધરાવતી કલરફુલ આ બોટ ૧૦૦ ફૂટ લાંબી અને પાંચ ફૂટ પહોળી હોય છે અને રેસ વખતે ૧૦૦ નાવિકો એક જ ગતિ, દિશા અને લયમાં હલેસાં વડે હંકારી અગ્રેસર આવવા મથે છે. આ સમયે મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ તેમને ચિયર કરવા જ્યાં જગ્યા મળે ત્યાં કિનારે ગોઠવાઈ જાય છે. આ એક્સાઇટમેન્ટભર્યો માહોલ માણવો હોય તો પ્લાન અકૉર્ડિંગલી. જોકે કેરળના અન્ય બૅકવૉટર્સમાં પણ વર્ષના જુદા-જુદા ભાગોમાં આવી બોટરેસ યોજાય છે.

* અલેપીમાં એડથુઆ ચર્ચ અને ચંપાકુલમ ચર્ચ ઉપરાંત ક્રિષ્નાપુરમ પૅલેસ પણ સાઇટ-સીઇંગ પ્લેસ, બટ ડોન્ટ મિસ અંબાલાપુઝાના શ્રીકૃષ્ણના ટેમ્પલનો પ્રસાદ, હૉટ પાયસમ. ગોળ અને લોટમાંથી બનેલી આ રાબ જેવી વાનગી યમી.

*  કાથાની વસ્તુઓની ઘણી ફૅક્ટરી અને નાની વર્કશૉપ આખાય અલેપીમાં છે. બૅકવૉટર્સ રાઇડ દરમ્યાન કે સ્પેશ્યલ સાઇટ-સીઇંગ દરમ્યાન નાવિક કે ડ્રાઇવર તમને અહીં લઈ જાય છે, પણ ગામની બજારમાં મળતી આ પ્રોડક્ટ્સ કારખાનાની કે વર્કશૉપની સરખામણીએ ઘણી કિફાયતી હોય છે.

શિયાળામાં બર્ડ-વૉચિંગ

કેરળની સુંદરતાની ખ્યાતિ દેશ-વિદેશમાં એટલી હદે ફેલાયેલી છે કે પૃથ્વીના ગોળા પરના અતિ ઉત્તરના ઠંડા દેશોથી કેટલાંય યાયાવર પક્ષીઓ દર શિયાળે અહીં આવી ચડે છે. હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને આવેલાં આ વિહંગો બે મહિના સુધી કેરળના વિવિધ ભાગમાં રહે છે. અલેપી પણ એમની વન ઑફ ધ ફેવરિટ પ્લેસ છે. સો, શિયાળામાં જાઓ તો બર્ડ-વૉચિંગ માટે બાઇનાક્યુલર લઈ જવાનું ભૂલતા નહીં.

તરોતાજા થવું હોય તો...

મેડિકલ ટૂરિઝમ અંતર્ગત અહીં ઠેર-ઠેર નાના-મોટા સ્પા, આયુર્વેદિક સેન્ટર ખૂલ્યાં છે. ઇન્ટરેસ્ટ હોય તો એની વધુ માહિતી રૂરૂરૂ.ીર્દ્દફુણૂીર્શ્રશ્રફૂક્ટક્ટક્ક.ણૂંૃ પરથી મેળવી શકાય.

હેલ્પલાઇન

અલેપીની ટ્રાવેલવિષયક વધુ માહિતી મેળવવા માટે www.atdcalleppy.com પર લૉગ-ઑન કરી શકાય અને ૯૧-૪૭૭-૨૨૬૪૪૬૨, ૨૨૩૧૧૪૫, ૨૨૬૧૬૯૩, ૨૨૩૦૫૮૩ પર કૉલ કરી શકાય. મુંબઈમાં કેરળ ટૂરિઝમ, ૭૪, વર્લ્ડ ટ્રેડ સેન્ટર, કફ પરેડ, મુંબઈ-૪૦૦ ૦૦૫ પર મળી શકાય અથવા ૦૨૨-૨૨૧૫૩૩૯૩ પર ફોન કરી શકાય.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK