અલાહાબાદની કોર્ટનો ધર્માંતરણ વિરુદ્ધનો ચુકાદો ગેરબંધારણીય છે

Published: 23rd December, 2014 05:35 IST

ધર્માંતરણ કરવાનો દરેક નાગરિક અધિકાર ધરાવે છે. સવાલ છે ધર્માંતરણ કરવા પાછળના ઉદ્દેશનો. કેટલાક લોકો કાયદાથી છટકવા અને બીજાં લગ્ન કરવા ધર્માંતરણ કરતા હોય છેકારણ-તારણ - રમેશ ઓઝા

અલાહાબાદની વડી અદાલતે ચુકાદો આપ્યો છે કે લગ્નના ઇરાદાથી ધર્માંતરણ કરવામાં આવે એ ગેરકાયદે છે. આ ચુકાદો સ્વતંત્ર રીતે બંધારણની જોગવાઈઓનો આધાર લેવાની જગ્યાએ સર્વોચ્ચ અદાલતના ૨૦૦૦ની સાલના ચુકાદાને અનુસરીને આપવામાં આવ્યો છે. અલાહાબાદની વડી અદાલતના ન્યાયમૂર્તિ ૨૦૦૦ની સાલના સર્વોચ્ચ અદાલતના ચુકાદાને એના મૂળ સંદર્ભ સાથે સમજી શક્યા નથી અથવા તેમણે એ વિશે આંખ આડા કાન કર્યા છે અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાને પ્રમાણ તેમ જ આધાર તરીકે લીધો છે.

સર્વોચ્ચ અદાલતે પોતાના ધર્મમાં બીજાં લગ્નની અનુમતી નહીં આપનારા કાયદાથી બચવા ધર્માંતરણ કરવામાં આવે એને ગેરકાયદે ઠરાવ્યું હતું. લગ્ન માટેના ધર્માંતરણને નહીં પણ કાયદાથી બચીને પોતાની પહેલી પત્ની સાથે અન્યાય કરનારા ધર્માંતરણને ગેરકાયદે ઠરાવ્યું હતું. અલાહાબાદની વડી અદાલતે પહેલી પત્ની સાથેની છેતરપીંડીના મૂળ મુદ્દાને ચાતરીને લગ્ન માટેના ધર્માંતરણનું પહોળું અર્થઘટન કર્યું છે. અલાહાબાદની વડી અદાલતના ન્યાયમૂર્તિએ આગલા અને ઉપલી અદાલતના ચુકાદાને સમજવામાં સરતચૂકથી આ ચુકાદો આપ્યો છે કે પછી અનુકૂળતા જોઈને પહોળું અર્થઘટન કર્યું છે એ આપણે જાણતા નથી. અદાલતના જજોના ઇરાદા વિશે શંકા કરવી વાજબી પણ નથી. જજો પણ આખરે માણસ છે. તેઓ પોતાના અંગત ગમા-અણગમાઓ કાયદાની આડશે ચુકાદાના ભાગરૂપે વ્યક્ત કરતા રહે છે.

બંધારણે ભારતના પ્રત્યેક નાગરિકને ધર્મસ્વાતંત્ર્ય આપ્યું છે. આ સ્વતંત્રતામાં પોતાના ધર્મને અનુસરવાના, પોતાના ધર્મનો પ્રચાર કરવાના, પોતાના ધર્મ વિશે શંકા પ્રગટ કરવાના, પોતાના ધર્મના સિદ્ધાંતો સાથે અસંમત થવાના, પોતાના ધર્મનો ત્યાગ કરવાના, બીજો ધર્મ અપનાવવાના, બીજા ધર્મ વિશે મત પ્રગટ કરવાના અને જો કોઈ જ ધર્મ સંતોષકારક ન લાગે તો નાસ્તિક કે સંશયવાદી બનીને જીવવાના અધિકારનો સમાવેશ થાય છે. આ તમામ અધિકારો બીજાના મૂળભૂત અધિકારનો ભંગ ન થાય એ રીતે અને બદનક્ષીના સ્તરે નીચે ઊતરીને વાપરવામાં ન આવે એની પણ ચોંપ રાખવામાં આવી છે. જેમ કે કોઈ સનાતની હિન્દુ સતીપ્રથામાં ગમે એટલી શ્રદ્ધા ધરાવતો હોય અને એને ઉચિત ઠરાવતો હોય, પરંતુ તે કોઈ સ્ત્રીને સતી ન કરી શકે કે સતી થવા માટે ઉશ્કેરી ન શકે. આનું કારણ એ છે કે જીવનનો અધિકાર પણ મૂળભૂત અધિકાર છે જે પ્રત્યેક નાગરિકને આપવામાં આવ્યો છે અને એમાં વિધવા સ્ત્રીનો પણ સમાવેશ થાય છે. તમારું ધર્મસ્વાતંત્ર્ય સ્ત્રીના જીવવાના અધિકારને છીનવી ન શકે. આ જ તર્ક અસ્પૃશ્યતાને લાગુ પડે છે. આત્મગૌરવ (ડિગ્નિટી) પણ મૂળભૂત અધિકાર છે.

તો ધર્માંતરણ કરવાનો દરેક નાગરિક અધિકાર ધરાવે છે. સવાલ છે ધર્માંતરણ કરવા પાછળના ઉદ્દેશનો. કોઈ પણ નાગરિકને પોતાના ધર્મ કરતાં બીજો ધર્મ વધારે સારો લાગતો હોય તો એ ધર્માંતરણ કરી શકે છે. પંડિતા રમાબાઈ, ભારતીય અંગ્રેજી સાહિત્યકાર કમલા દાસ, સંગીતકાર એ. આર. રેહમાન, પંડિત રાહુલ સાંકૃતાયન વગેરે આનાં ઉદાહરણ છે. તેમને તેમના અંતરાત્માને અનુસરવાનો અધિકાર છે. કેટલાક લોકો ધર્મપ્રણિત અન્યાયી સમાજ-વ્યવસ્થાથી બચવા પ્રતિકારના ભાગરૂપે ધર્માંતરણ કરે છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે પાંચ હજાર દલિત અનુયાયીઓ સાથે કરેલું ધર્માંતરણ આનું ઉદાહરણ છે. ભારતમાં ૯૦ ટકા ખ્રિસ્તીઓ અને મુસલમાનો પૂર્વાશ્રમમાં દલિત કે પછાત હિન્દુઓ હતા જેમણે સામાજિક અન્યાયથી બચવા ધર્માંતરણ કર્યું હતું. કેટલાક લોકો બીજા ધર્મમાં વધારે સારું સુખ-સુવિધાવાળું જીવન જીવવા મળશે એ લાલચે ધર્માંતરણ કરતા હોય છે. જેમ કે ભારતમાં જ્યારે મુસલમાનોનું શાસન હતું ત્યારે અનેક નાગર બ્રાહ્મણો, ચિત્પાવન બ્રાહ્મણો, કાયસ્થો, કાશ્મીરી પંડિતો ધર્માંતરણ કરીને મુસલમાન બની ગયા હતા. તેઓ સત્તાધીશોના કૃપાપાત્ર બની રહીને લાભ લેવા માગતા હતા. તાજેતરના યુગમાં પાકિસ્તાની ક્રિકેટર યુસુફ યોહાના આનું ઉદાહરણ છે. યુસુફ ખ્રિસ્તી હતો જે ક્રિકેટમાં ટકી રહેવાની અને પાકિસ્તાનની ટીમનો કૅપ્ટન બનવાની લાલચે મુસલમાન થયો હતો.

કેટલાક લોકો પોતાનો પ્યાર મેળવવા ધર્માંતરણ કરે છે. ઉત્તમ તો એ છે કે પતિ-પત્ની બન્ને પોતપોતાના ધર્મને અનુસરીને દંપતી તરીકે સાથે રહે. બેમાંથી કોઈ એકના ધર્મને અપનાવવાની જરૂર શું છે? તેમના બાળકને વિકલ્પ આપવામાં આવે કે તે બેમાંથી કોનો ધર્મ અપનાવવા માગે છે. ઇચ્છે તો તે કોઈ ત્રીજો જ ધર્મ અપનાવી શકે છે અને ઇચ્છે તો નાસ્તિક રહી શકે છે. બંધારણમાં તો આના માટેની જોગવાઈ છે, પરંતુ દિલમાં અને દિમાગમાં આવી જોગવાઈ હજુ બનવાની બાકી છે. મારા એક મિત્રની બહેને ઉચ્ચપદસ્થ, વિદ્વાન અને પ્રતિિષ્ઠત બૌદ્ધ દલિત સાથે પ્રેમલગ્ન કર્યા છે. તે ભાઈએ આગ્રહ રાખ્યો હતો કે લગ્ન પહેલાં તેની પ્રેમિકા બૌદ્ધ બને. મારા મિત્રએ દલીલ કરી હતી કે બન્ને પોતપોતાના ધર્મમાં રહીને શા માટે સાથે ન જીવી શકે? મારી બહેનનો અંતરાત્મા જ્યારે કહેશે ત્યારે તેણે ધર્માંતરણ કરવું હશે તો કરશે. આખરે ડૉ. આંબેડકરે આ જ તો શીખવ્યું છે અને તેમણે ઘડેલું બંધારણ પણ આ જ કહે છે. પેલા પ્રતિિષ્ઠત દલિત વિદ્વાન માન્યા નહોતા અને મારા મિત્રની બહેને પ્યાર મેળવવા ધર્માંતરણ કર્યું હતું. ખેર, હજુ આપણે એટલા સંસ્કારી બન્યા નથી એટલે પોતાનો પ્યાર મેળવવા મોટા ભાગે છોકરી પોતાનો ધર્મ છોડીને છોકરાનો ધર્મ અપનાવે છે. આ અત્યંત નિર્દોષ, પવિત્ર, લાગણીની ગાંઠ અતૂટ રહે એ માટેનું ધર્માંતરણ છે. આમાં ધર્માનુયાયીઓની સંખ્યા વધારવા-ઘટાડવાની નીચ પ્રવૃત્તિ ક્યાંય નથી.

કેટલાક લોકો કાયદાથી છટકવા અને બીજાં લગ્ન કરવા ધર્માંતરણ કરે છે. જો પહેલી પત્ની છૂટાછેડા ન આપતી હોય કે છૂટાછેડા ન લેવા હોય તો મુસલમાન થઈ જાઓ. મુસલમાનોમાં મુસ્લિમ પર્સનલ લૉ અનુસાર પુરુષ ચાર લગ્ન કરી શકે છે. જોકે આમાં કેટલીક શરતો છે જેને પાળવામાં આવતી નથી. મૌલવીને પૈસા મળી જાય છે અને તે લગ્ન કરાવી આપે છે. આપણા બે ગુજરાતી કવિઓએ બીજાં લગ્ન કરવા ધર્માંતરણ કર્યું હતું. હિન્દી ફિલ્મોના કલાકારે બીજાં લગ્ન કરવા માટે ધર્માંતરણ કર્યું હતું અને હવે એ કલાકાર દંપતી ગ્થ્ભ્માં રહીને હિન્દુહિતની રક્ષા કરી રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે આ પ્રકારના ધર્માંતરણને ગેરકાયદે ઠરાવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK