યુદ્ધના ભણકારા : સરહદે સૈન્ય સજ્જ, એરફોર્સ-નૌકાદળ હાઈ અલર્ટ

Published: 18th June, 2020 09:31 IST | Agencies | New Delhi

હિમાચલ, ઉત્તરાખંડ, અરુણાચલમાં સૈન્ય તૈયાર: ઉત્તર-પશ્ચિમ-પૂર્વ ભારતના દરેક ઍરબેઝને કટોકટી માટે તૈયાર રહેવાના આદેશો, નૌકાદળનાં જહાજો તૈયાર

બીએસએફ
બીએસએફ

લદાખની ગલવાન ખીણમાં ચીનની દગાખોરી બાદ ભારત-ચીન સરહદની તમામ પોસ્ટ પર હાઈ અલર્ટ જારી કરી દેવાયું છે. ચીનથી અડેલી ભારતની સરહદોવાળાં રાજ્ય જેવાં કે ઉત્તરાખંડ, હિમાચલ, અરુણાચલ પ્રદેશ અને લદ્દાખમાં આઇટીબીપીની તમામ ચોકીઓ પર અલર્ટ જાહેર કરી દેવાયું છે.

સૂત્રો અનુસાર, આઇટીબીપીના જવાનોએ ચીનની હરકત પર નજર રાખવા માટે કેટલાંક સ્થળો પર એલઆરપી અને એસઆરપીની સંખ્યા વધારી દેવાઈ છે. સરહદ પર ચીનની દરેક હરકત પર નજર રાખવામાં આવી રહી છે.

ભારત-ચીન સરહદ પર નજર રાખવાની જવાબદારી આઇટીબીપી પર છે. ગલવાનમાં ચીનની ચાલાકી અને દગાખોરીમાં ભારતના ૨૦ જવાન શહીદ થઈ ગયા બાદ ઉત્તરાખંડ, હિમાચલ, અરુણાચલ અને લદ્દાખમાં ભારત-ચીન સરહદ પર બનેલા તમામ ૧૮૦થી વધારે બૉર્ડર આઉટપોસ્ટને અલર્ટ કરી દેવાયા છે. તાજેતરમાં આઇટીબીપીએ લદ્દાખમાં બૉર્ડર પોસ્ટ પર ૧૫૦૦થી વધારે જવાનોની તહેનાતી કરી હતી.

તિબેટથી હિમાચલ પ્રદેશના કિન્નોર અને લાહોલ-સ્પીતિ નજીક સુરક્ષા માટે મહત્વનાં પગલાં લેતાં અલર્ટ જારી કરી દેવાયું છે. રાજ્ય સરકારે મંગળવારે આ જાણકારી આપી છે. રાજ્ય સરકારે કહ્યું કે આ પગલાં ખાનગી જાણકારી બાદ ઉઠાવવામાં આવ્યાં છે અને તમામ રાજ્ય ખાનગી એકમોને પણ અલર્ટ કરી દેવાયા છે.

દિલ્હી-મેરઠ આરઆરટીએસ પ્રોજેક્ટ રદ કરવાની તૈયારીમાં છે ભારત: ચીનને મોંઘું પડશે

નવી દિલ્હી : ચીનની વિરુદ્ધ ભારત અનેક સખત આર્થિક નિર્ણયો લઈ શકે છે. ચીની પ્રોજેક્ટ્સને લઈને પણ ભારત સખથ થશે. એ પ્રોજેક્ટ્સને રદ્દ કરવામાં આવી શકે છે જેમાં ચીની કંપનીઓના કરાર કરવામાં આવ્યા છે. આમાં મેરઠ રૈપિડ રેલનો પ્રોજેક્ટ પણ સામેલ છે, જેની બીડ ચીની કંપનીએ મેળવી છે.

કહેવામાં આવી રહ્યું છે કે ચીન સાથેના સરહદ વિવાદ બાદ ભારત સરકારે એ પ્રોજેક્ટ્સની સમીક્ષા શરૂ કરી દીધી છે જે ચીની કંપનીઓને આપવામાં આવ્યા છે. આમાં દિલ્હી-મેરઠ આરઆરટીએસ પ્રોજેક્ટ પણ છે. સરકાર તરફથી બીડને કૅન્સલ કરવા માટે તમામ કાયદાકીય પાસાઓને જોવામાં આવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ બીડને સરકાર રદ્દ કરી શકે છે.

દિલ્હી-મેરઠની વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ કૉરિડોર બનવાનો છે. આ પ્રોજેક્ટ દિલ્હી, ગાઝિયાબાદ થઈને મેરઠથી જોડાશે. ૮૨.૧૫ કિલોમીટર લાંબા આરઆરટીએસમાં ૬૮.૦૩ કિલોમીટરનો ભાગ એલિવેટેડ અને ૧૪.૧૨ કિલોમીટર અન્ડરગ્રાઉન્ડ હશે. આ પ્રોજેક્ટથી મુખ્ય રીતે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ જનારાઓને ઘણો જ ફાયદો થશે. દિલ્હી-મેરઠ આરઆરટીએસ પ્રોજેક્ટના અન્ડરગ્રાઉન્ડ સ્ટ્રેચ બનાવવા માટે સૌથી ઓછી રકમની બોલી એક ચીની કંપની શંઘાઈ ટનલ એન્જિનિયરિંગ લિમિટેડે લગાવી છે. એસટીઈસી ૧૧૨૬ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. ચીની કંપનીને સ્ટ્રેચનું કામ આપવાનો વિપક્ષ સહિત સ્વદેશી જાગરણ મંચ વિરોધ કરી રહ્યા છે.

ભારત લદાખ સીમા પર પોતાના સૈનિકોને નિયંત્રણમાં રાખે: ચીન

લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીનની સેનાની સાથે હિંસક ઝપાઝપીમાં ૨૦ જવાન શહીદ થયા છે અને અન્ય કેટલાક જવાન ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઝપાઝપીમાં ચીનની સેનાને પણ ભારે નુકસાન થયું છે અને તેમના પણ લગભગ ૪૦ સૈનિક માર્યા ગયા છે. ભારતીય સૈનિકો પર હુમલો કરનારા ચીને ભારતીય સેના પર આરોપ લગાવ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે ભારત સીમા પર પોતાના સૈનિકો પર નિયંત્રણ રાખે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જાઓ લિજિને જણાવ્યું છે કે ભારતીય સૈનિકોની કાર્યવાહીને કારણે જ બન્ને પક્ષોની વચ્ચે ગંભીર શારીરિક અથડામણ થઈ હતી. ચીને ભારતીય પક્ષથી આ મામલે વાંધો પણ વ્યક્ત કર્યો છે. અમે ભારતને અપીલ કરી છે કે તેઓ ભારતીય સૈનિકો પર સીમાને પાર કરવા પર કડક નિયંત્રણ રાખે અથવા એકતરફી કાર્યવાહી ન કરે જે સીમાની સ્થિતિને વધારે જટિલ બનાવી દેશે.

આ વચ્ચે ચીનની સેના પીએલએએ એક નિવેદન જાહેર કરીન ૬ જૂનના રોજ થયેલી સામાન્ય સહમતીનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે ભારત પોતાની વાત પર કાયમ રહ્યો નથી. ગલવાન વૅલી પર હંમેશાંથી ચીનનો કબજો રહ્યો છે. પીએલએએ આરોપ લગાવ્યો કે ભારતીય સૈનિકોએ જાણીજોઈને ઉશ્કેરણીજનક હુમલા કર્યા જેને કારણે ગંભીર ઘર્ષણ સર્જાયો અને સૈનિકો શહીદ થયા.

આ સેટેલાઇટ તસવીર ૧૬ જૂને લેવાઇ છે અને તે 2020 પ્લેનેટ લેબ્ઝ દ્વારા જારી કરવામાં આવે છે. તસવીરમાં ગલવાન વેલી જોઇ શકાય છે, જે ચીનના તિબેટ અને ભારતના લદાખની વચ્ચે આવેલી છે. તસવીરમાં સૈન્યની જમાવટ જોઈ શકાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK