Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ૐમાં બધું આવી ગયું

ૐમાં બધું આવી ગયું

21 November, 2019 02:27 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

ૐમાં બધું આવી ગયું

ૐ


મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં ૐને ઈશ્વર માન્યા છે અને જીવનનાં તમામ નડતર દૂર કરવામાં પ્રણવ જપ એટલે ૐના રટણને મહત્વ આપ્યું છે. આજે મેડિકલ સાયન્સમાં આ, ઊ અને મ આ ત્રણ સ્વરથી બનતા બીજમંત્ર ૐના ફાયદાઓની ચર્ચા થવી શરૂ થઈ છે ત્યારે આપણે આપણી ડે-ટુ-ડે લાઇફમાં ૐનું સ્મરણ-રટણ શું કામ કરવું જોઈએ? એના ઉચ્ચારણની સાચી રીત શું અને એનાથી કેવા-કેવા ફાયદા થઈ શકે એના પર ચર્ચા કરીએ.

યોગમહર્ષિ ડૉ. સ્વામી ગીતાનંદગિરિ ગુરુ મહારાજ કહેતા કે જેમ તમારા શરીરને ચલાવવા માટે પોષક તત્ત્વો અને ઑક્સિજનની જરૂર હોય છે એ જ રીતે બ્રેઇનનો ખોરાક કેટલાક સાઉન્ડ્સ છે. ન્યુરોફિઝિયોલૉજીના નિષ્ણાતો કહે છે કે હજી સુધી આપણે માનવ મગજની કુલ ક્ષમતામાંથી માત્ર પાંચ ટકાનો જ ઉપયોગ કરી શક્યા છીએ, જે લોકો મગજના આ અનએક્સપ્લોર્ડ એરિયાનો અનુભવ લેવા માગે છે તેઓ બ્રેઇનની આવશ્યકતા મુજબના સાઉન્ડ થકી એ વણખેડાયેલી કેડીઓ પર પગ માંડી શકે એવી શક્યતાઓ ઊજળી છે. બ્રેઇનનું ફૂડ બની શકે એવો આ સાઉન્ડ, ધ્વનિ અથવા નાદ એટલે ૐ. તમામ મંત્રોનો એક મંત્ર કહેવાય છે. જે લોકો જીવન ઊર્જાના સિદ્ધાંતો સમજવા માગે છે, બ્રહ્માંડની શક્તિઓથી પરિચય સાધવા માગે છે તેમના માટે છે.



આપણે ત્યાં ૐ શબ્દ ધર્મ સાથે જોડી દેવાયો છે. એમાં કંઈ ખોટું નથી, પરંતુ ૐ સાથે જે ધ્વનિ જોડાયેલા છે એ મોટા ભાગના ધર્મમાં સ્વીકૃતિ પામ્યા છે અને થેરપીની દૃષ્ટિએ આ ધ્વનિના અદ્ભુત પરિણામો અમને અમારા રિસર્ચ દરમ્યાન મળ્યાં છે એમ જણાવીને પૉન્ડિચેરીની શ્રી બાલાજી વિદ્યાપીઠના સેન્ટર ફૉર યોગ થેરપી, એજ્યુકેશન ઍન્ડ રિસર્ચના ડાયરેક્ટર અને યોગા થેરપીના પ્રોફેસર યોગાચાર્ય ડૉ. આનંદ બાલાયોગી ભવનાણી કહે છે, ‘ૐ નાદ એ ત્રણ સ્વરનો બનેલો છે. આ કાર, ઊ કાર અને મ કાર. ૐ કહો તો એમાં કદાચ હિન્દુત્વનો વિચાર આવે અને કદાચ મુસ્લિમ અને ક્રિશ્ચિયાનિટીમાં માનનારા એને ન સ્વીકારે. પણ પ્રણવ પ્રાણાયામમાં આ ત્રણ સ્વરનો સંયોગ કરીને ઉચ્ચારણ કરવામાં કોઈને વાંધો ન હોય. ઇસ્લામમાં આમીન અને ખ્રિસ્તીઓમાં અમેન એવા શબ્દો પણ આ ત્રણ સ્વરોનું સંયોજન જ છે. મહર્ષિ પતંજલિએ પ્રણવ એટલે કે આ ત્રણ સ્વરનો મહિમા ગાયો છે અને એને ઈશ્વરની ઉપમા આપી છે એની પાછળનું હાર્દ પણ વૈજ્ઞાનિક છે. આ કાર, ઊ કાર અને મ કારનો નાદ શાશ્વત છે એ વાત પણ દુનિયાના ઘણા ધર્મોમાં આડકતરી રીતે સ્વીકારાઈ છે.’


શું કામ આ સ્વર મગજનો ખોરાક માનવામાં આવે છે એના પર વાત કરતાં પહેલાં અમેરિકન ફિઝિશ્યન ડૉ. લેરી ડોસેના શબ્દો પર નજર ફેરવી લો. હીલિંગ માટે પ્રાર્થનાને મહત્વ આપતાં આ મેડિકલ પ્રૅક્ટિશનર કહે છે કે ‘જ્યારે અણગમતા અવાજનું પ્રમાણ વધી જાય છે ત્યારે એની કેટલીક ફિઝિયોલૉજિકલ અસર થાય છે. આપણી બ્લડ વેસલ્સ એટલે કે રક્તવાહિનીઓ સંકોચાઈ જાય, બ્લડ-પ્રેશરમાં વધારો થાય, પલ્સ-રેટ અને શ્વાસોચ્છવાસની ગતિ પણ વધી જાય. લોહીમાં વધારાની ફૅટ રિલીઝ થાય અને લોહીમાં રહેલા મૅગ્નેશિયમ નામની ધાતુના પ્રમાણમાં ઘટાડો થાય છે.’

અહીં અનપ્લેઝન્ટ સાઉન્ડની વાત થાય છે. એની તુલનાએ જો પ્લેઝન્ટ, તમારા શરીરની વેવલેન્ગ્થ સાથે, તમારા પ્રત્યેક ઑર્ગનના વાઇબ્રેશન્સ સાથે રેઝોનેટ થતા, એની ફ્રીક્વન્સી સાથે મૅચ થતો સાઉન્ડ જો સાંભળવામાં આવે તો એ શરીર પર એની હકારાત્મક અસર પડે એ સ્વાભાવિક છે. સામવેદમાં આ જ વાતનો આધાર લઈને સંગીત અને વિવિધ મંત્રોનું વિવરણ છે. આજે આ જ વાતને આધાર બનાવીને મ્યુઝિક થેરપીથી હકારાત્મક પરિણામ મેળવવામાં આવી રહ્યા છે. યોગીઓની દૃષ્ટિએ ૐ એ ઉદ્ગમ બિન્દુ છે. જ્યારે કોઈ જ અસ્તિત્વ નહોતું ત્યારે પણ પ્રણવનું અસ્તિત્વ હતું, જેમાંથી બધું જ જન્મ્યું એવું ઉદ્ગમસ્થાન એટલે પ્રણવ. આપણા આરંભનું મૂળ છે. એના યોગ્ય રીતે થતા રટણ દરમ્યાન જનરેટ થતાં વાઇબ્રેશન્સ બાયોલૉજિકલી, ઇમોશનલી, સ્પિરિચ્યુઅલી અને છેલ્લી સમાધિ અવસ્થા સુધી પહોંચાડી શકે એ લૉજિકલ લાગે છે. ડૉ. આનંદ કહે છે, ‘પ્રણવનાદનું રટણ આપણા મૂળ સ્વભાવ તરફ લઈ જાય છે. હેલ્થ, હૅપીનેસ, સ્ટેબિલિટી, સ્ટ્રેંગ્થ, માઇન્ડ અને બૉડીના પાવરનો અનુભવ કરવા માટે આ શ્રેષ્ઠ મંત્ર કહી શકાય એમ છે. જોકે એનું ઉચ્ચારણ યોગ્ય રીતે થાય એ મહત્વનું છે. આ મંત્રમાં સમાયેલા ત્રણેય સ્વરોનું યોગ્ય માત્રામાં, ઉચિત શ્વાસોચ્છવાસથી ગતિ અને અવરોધક સાથે થતું રટણ તાત્કાલિક પરિણામ દેખાડી શકે છે.’


માઇન્ડ અને બૉડીના હીલિંગ માટે પ્રણવ ચૅન્ટિંગ શ્રેષ્ઠ માધ્યમ બની શકે છે. યોગીઓ કહે છે કે આપણા શરીરના ૭૨૯ હિસ્સાઓ પૈકી દરેક બૉડી પાર્ટને િરપ્રેઝન્ટ કરતો, એનાં વાઇબ્રેશન સાથે મૅચ ખાતો એક બીજમંત્ર હોય છે. બીજમંત્ર એટલે એક પ્રકારનો અવાજ, જેનો કોઈ અર્થ નથી પરંતુ એક સાઉન્ડ જ છે જે અમુક પ્રકારનું કંપન જનરેટ કરે છે. શરીરના હિસ્સા મુજબનો બીજમંત્ર જો બોલવામાં આવે તો એ શરીરના જે-તે હિસ્સાની ફ્રીક્વન્સી સાથે મૅચ થાય અને ત્યાં કોઈ પણ પ્રકારનું અસંતુલન ઊભું થયું હોય તો એ દૂર કરે. ઓમને ધ્વનિઓનો પણ ધ્વનિ કહેવાય છે, જેના ત્રણ બીજમંત્ર નીચેથી ઉપરના શરીરના હિસ્સાઓને અનુક્રમે ઉત્તેજિત કરે છે. માત્ર દેખાઈ રહેલું બાહ્ય શરીર નહીં; પરંતુ યોગશાસ્ત્રમાં આવતા પંચકોષ, પાંચેય શરીર પર એની અસર થાય છે. બાહ્ય દેખાય છે એ અન્નમય કોષ ઉપરાંત આપણી પ્રાણિક ઊર્જાનું નિયમન કરતો પ્રાણમય કોષ, મનની હિલચાલોને મૅનેજ કરતો મનોમય કોષ, આપણી વિવેકબુદ્ધિ સાથે સંકળાયેલા વિજ્ઞાનમય કોષ અને આધ્યાત્મિક દૃષ્ટિએ આપણા આનંદમય મૂળ સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરતું આનંદમય કોષ એમ પાંચેય શરીરની ઓમકાર અને એના જેવા અન્ય મંત્રોથી ઉદ્ભવતા સાઉન્ડની અસર થાય છે. ૐના સાઉન્ડથી ઉદ્ભવતા કંપનની ફ્રીક્વન્સી આ પાંચેય શરીરની ફ્રીક્વન્સી સાથે તાલમેલ સાધે છે ત્યારે હકારાત્મક બદલાવ, હીલિંગ સર્જાય છે.

કેટલાક વૈજ્ઞાનિક પુરાવા

રિસર્ચ ડૉક્ટર અને યોગના પ્રૅક્ટિશનર ડૉ. ધર્મ સિંહ ખાલસાએ પોતાના એક સર્વેક્ષણમાં સાબિત કર્યું છે કે આ બીજમંત્રો તમારી પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરે છે જેમાં ઉત્સર્જિત થતાં હૉર્મોન્સ આપણી ઇમ્યુન અને ન્યુરોલૉજિકલ સિસ્ટમને મજબૂત કરે છે, જે નકારાત્મકતા અને રોગોથી આપણું રક્ષણ કરે છે. વિવિધ રિસર્ચ અને ક્લિનિકલ થેરપ્યુટિક ઍપ્લિકેશનમાં મંત્ર ચૅન્ટિંગથી સ્ટ્રેસ હૉર્મોન્સ કન્ટ્રોલમાં આવ્યાનું પણ નોંધાયું છે અને એન્ડોર્ફિન નામના શરીરના નૅચરલ પેઇનકિલર ગણાતાં હૉર્મોન્સમાં ઉમેરો થતો હોવાનું પણ નિષ્ણાતોએ ઑબ્ઝર્વ કર્યું છે.

 નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યુરો સાયન્સિસના સંશોધકોએ ઑબ્ઝર્વ કર્યું છે કે ઓમ ચૅન્ટિંગ આપણી વેગસ નર્વને સ્ટિમ્યુલેટ કરે છે, જે ડિપ્રેશન અને એપિલેપ્સીના દરદીઓને ઉપયોગી સાબિત થઈ શકે છે.

બૅન્ગલોરની ઇન્સ્ટિટ્યૂટ ACYTERએ કરેલા સર્વેક્ષણ મુજબ ૐ ચૅન્ટિંગ અને પ્રણવ પ્રાણાયામ કાર્ડિયો-વૅસ્ક્યુલર ઍક્ટિવિટીમાં સૂધિંગ ઇફેક્ટ આપે છે. હાર્ટ બીટ્સ લો થાય, બ્લડ-પ્રેશર ઘટે, પિટ્યુટરી ગ્લૅન્ડને ઉત્તેજિત કરતી હોવાથી ડાયાબિટીઝના પેશન્ટને પણ એ લાભ કરે છે.

કેવી રીતે કરશો પ્રણવ પ્રાણાયામ?

પ્રણવ પ્રાણાયામમાં તમારે ‘આ’ કાર, ‘ઊ’ કાર અને ‘મ’ કારનું ઉચ્ચારણ કેટલીક મુદ્રાઓના સમન્વય સાથે કરવાનું છે. આ સંદર્ભે માહિતી આપતાં ડૉ. આનંદ બાલયોગી ભવનાણી કહે છે, ‘પ્રણવ પ્રાણાયામનો જ્યારે યોગ્ય શ્વાસ-ઉચ્છ્વાસની ગતિ સાથે ઉચ્ચાર કરાય તો એ અદ્ભુત પરિણામ આપે છે જે આપણી જાત સાથે ઈઝીનેસનો અને બ્રહ્માંડ સાથે એકત્વનો અનુભવ આપે છે. આપણાં ફેફસાંના ત્રણ હિસ્સા છે. લોઅર લોબ, મિડલ લોબ અને અપર લોબ. પ્રણવ પ્રાણાયામમાં આ ત્રણેયનો ઉપયોગ કરીએ છીએ. દરેક ઉચ્ચારણ સાથે એક હસ્તમુદ્રાને જોડી દેવામાં આવી છે, જે શરીરના ફોકસ એરિયામાં પ્રાણ ઊર્જાનું વહન કરે છે. ત્રણેય બીજમંત્ર શરીરના ત્રણ હિસ્સા સાથે રેઝોનેટ થાય છે અને પ્રત્યેક ઉચ્ચારણ વખતે ફેફસાંના પ્રત્યેક હિસ્સાનો ઉપયોગ થાય છે. જેમ કે જ્યારે ‘આ’કારનું ઉચ્ચારણ કરીએ ત્યારે એની સીધી અસર આપણી લોઅર બૉડી-કમરથી નીચેના ભાગમાં થાય છે અને ફેફસાંના લોઅર લોબમાં પ્રાણવાયુ ભરાય છે. એ સમયે હાથમાં ચીન મુદ્રા રાખવાની હોય છે. ઊના ઉચ્ચારણ વખતે ચિન્મય મુદ્રા અને ‘મ’ના ઉચ્ચારણ વખતે આદી મુદ્રા ધારણ કરીને શરીરના વચલા અને ઉપલા ભાગ ઉત્તેજિત થતા હોય છે.’

પ્રણવ નાદનું રટણ આપણા મૂળ સ્વભાવ તરફ લઈ જાય છે. હેલ્થ, હૅપિનેસ, સ્ટેબિલિટી, સ્ટ્રેંગ્થ, માઇન્ડ અને બૉડીના પાવરનો અનુભવ કરવા માટે આ શ્રેષ્ઠ મંત્ર કહી શકાય એમ છે. જોકે એનું ઉચ્ચારણ યોગ્ય રીતે થાય એ મહત્વનું છે.

- યોગ થેરપીના પ્રોફેસર યોગાચાર્ય ડૉ. આનંદ બાલયોગી ભવનાણી

Whatsapp-channel Whatsapp-channel

21 November, 2019 02:27 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK