અંતે સૌ સારાં વાનાં

Published: 6th December, 2014 04:48 IST

૧૫ વર્ષ બાદ BJP મોટા ભાઈની ભૂમિકામાં, પણ વિરોધ પક્ષ સરકારમાં જોડાઈ ગયો એની સામે હાઈ ર્કોટમાં અરજી.મિનિસ્ટરો બનાવવામાં શિવસેનાએ મુંબઈ અને કોંકણને તથા BJPએ વિદર્ભને પ્રાધાન્ય આપ્યું : વિરોધ પક્ષના નેતાપદ માટે કૉન્ગ્રેસનો દાવો


મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં શિવસેના અને BJPની અઢી દાયકા જૂની મહાયુતિ સીટ-શૅરિંગને મામલે વિસર્જિત થયાના ૭૦ દિવસનાં રિસામણાં બાદ હવે સત્તા માટે મનામણાં થયાં છે. ગઈ કાલે મહારાષ્ટ્રમાં BJPના વડપણ હેઠળની સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ થયું જેમાં BJP અને શિવસેનાના દસ-દસ મળીને કુલ ૨૦ મિનિસ્ટરોનો શપથ-સમારોહ થયો હતો. ૧૫ વર્ષ બાદ મહારાષ્ટ્રમાં આ બન્ને પાર્ટીની સહિયારી સરકાર બની છે, પરંતુ મોટા ભાઈની ભૂમિકામાં શિવસેનાના સ્થાને BJP છે. બીજી મહત્વની ઘટના એ છે કે પહેલી વાર કોઈ મુખ્ય વિરોધ પક્ષ સમૂળગો સરકારમાં સામેલ થયો છે. ૩૧ ઑક્ટોબરે ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ સહિત BJPના દસ મિનિસ્ટરોએ શપથ લીધા હતા. આમ હવે મહારાષ્ટ્ર સરકારમાં ચીફ મિનિસ્ટર સહિત કુલ મિનિસ્ટરોની સંખ્યા ૩૦ સુધી પહોંચી છે જેમાં BJPના ૨૦ અને વાયદા પ્રમાણે શિવસેનાના દસ ઉપરાંત હજી બે મિનિસ્ટરને સમાવવામાં આવશે.

ગઈ કાલે શપથ લેનારા ૨૦ મિનિસ્ટરોમાં શિવસેનાના સાત મુંબઈ અને કોંકણ પ્રાંતના જ્યારે BJPના પાંચ મિનિસ્ટરો વિદર્ભ પ્રાંતના છે. આના કારણે એવી પણ ચર્ચા ચાલી છે કે શિવસેના અને BJP નવેસરથી યુતિ થયા બાદ પણ પોતાના મજબૂત ગઢ જાળવી રાખવા માગે છે અને પોતાની પાર્ટીને જ્યાં વધુ મતો મળ્યા છે એ વિસ્તારને પ્રાધાન્ય આપવા માગે છે. ઉલ્લેખનીય છે કે વિદર્ભમાં BJPને ખોબલે ને ધોબલે મતો મળ્યા છે, જ્યારે શિવસેનાએ મોદીલહેર છતાં મુંબઈમાં BJPની લગોલગ સીટો મેળવી હતી અને કોંકણમાં પણ નારાયણ રાણે જેવા દિગ્ગજ નેતાને હરાવીને કૉન્ગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું હતું. શિવસેનાએ ૨૦૧૭માં થનારી મુંબઈ સુધરાઈની ચૂંટણીને ધ્યાનમાં લઈને મુંબઈના પાંચ વિધાનસભ્યોને મિનિસ્ટર બનાવ્યા હોવાનું પણ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. જોકે મરાઠવાડામાં બન્ને પાર્ટીનું સારુંએવું જોર હોવા છતાં આ પ્રાંતના માત્ર એક ચહેરાને ગઈ કાલે સરકારમાં સ્થાન મળ્યું હતું.

શપથ સમારોહમાં શિવસેનાના મિનિસ્ટરોએ કેસરી સાફા બાંધ્યા હતા જ્યારે BJPની સહયોગી પાર્ટીઓ રીપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા-આઠવલે જૂથ અને શિવસંગ્રામ પાર્ટીના નેતાઓ અનુક્રમે રામદાસ આઠવલે અને વિનાયક મેટે હાજર હતા, પરંતુ તેમને સરકારમાં સ્થાન આપવામાં નથી આવ્યું.

સુભાષ દેસાઈ કેમ ખૂંચ્યા?

શિવસેનાના સિનિયર નેતા સુભાષ દેસાઈ વિધાનસભાની ચૂંટણીમાં ગોરેગામની સીટ પર BJPનાં વિદ્યા ઠાકુર સામે હાર્યા હતાં છતાં કૅબિનેટ મિનિસ્ટર બન્યા છે અને તેમની સામે જીતનારાં વિદ્યા ઠાકુરને પાર્ટીએ રાજ્યકક્ષાનાં મિનિસ્ટર બનાવ્યાં છે. હવે સુભાષ દેસાઈને વિધાનપરિષદમાંથી ચૂંટાવા માટે BJPની મદદ લેવી પડશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુભાષ દેસાઈને મિનિસ્ટર બનાવવા માટે શિવસેનાએ પોતાના મિનિસ્ટરોની સંખ્યા અને મહત્વના ર્પોટફોલિયો માટે સમાધાન કર્યું છે.

વિધાનપરિષદમાં BJP

ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણ, મિનિસ્ટર વિનોદ તાવડે અને આશિષ શેલાર વિધાનસભાની ચૂંટણી જીતી ગયા બાદ તેમણે વિધાનપરિષદના સભ્યપદેથી રાજીનામાં આપ્યાં હતાં જ્યારે શિવસંગ્રામ પાર્ટીના વિનાયક મેટે BJP જૉઇન કરવાના હોવાથી ડિસ્ક્વૉલિફાય થતાં તેમની સીટ પણ ખાલી પડી છે. આમ વિધાનપરિષદમાં આ ચાર સીટ ખાલી પડી છે એમાં BJP એક સીટ શિવસેનાને, એક વિનાયક મેટેને અને એક રામદાસ આઠવલેની રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયાને અને એક BJP પોતાની પાસે રાખશે.

શિવસેનાના દસ મિનિસ્ટરો

મુંબઈના સુભાષ દેસાઈ, દિવાકર રાવતે, ડૉ. દીપક સાવંત, રામદાસ કદમ અને રવીન્દ્ર વાયકર; થાણેના એકનાથ શિંદે; કોંકણના દીપક કેસરકર; વિદર્ભના સંજય રાઠોડ; નૉર્થ મહારાષ્ટ્રના દાદા ભુસે અને વેસ્ટર્ન મહારાષ્ટ્રના વિજય શિવતરે.

BJPના દસ મિનિસ્ટરો


વિદર્ભના ચંદ્રશેખર બાવનકુલે, રાજકુમાર બડોલે, અંબરીશ મહારાજ અત્રામ, રણજિત પાટીલ અને પ્રવીણ પોટે પાટીલ; વેસ્ટર્ન મહારાષ્ટ્રના ગિરીશ બાપટ, પ્રોફેસર રામ શિંદે અને વિજયકુમાર દેશમુખ; નૉર્થ મહારાષ્ટ્રના ગિરીશ મહાજન અને મરાઠવાડાના બબનરાવ યાદવ લોણીકર.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK