Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > દરેક ભારતીયને પેન્શન મળી શકે

દરેક ભારતીયને પેન્શન મળી શકે

25 December, 2011 09:27 AM IST |

દરેક ભારતીયને પેન્શન મળી શકે

દરેક ભારતીયને પેન્શન મળી શકે




(પૈસાની પાઠશાળા-જયેશ ચિતલિયા)




૧૯૭૪માં મારાં લગ્ન થયા બાદ ક્યારેક હું અને મારી પત્ની ઘરવપરાશની ચીજવસ્તુઓ લેવા સાથે જતાં. એ વખતે હું મારા ખિસ્સામાં જોઈ લેતો કે કેટલા રૂપિયા છે? ખિસ્સામાં ૨૦૦ રૂપિયા રહેતા અને અમે આખા મહિનાનો સામાન લઈને આવી જતા. આજે હવે પાંચ હજાર રૂપિયા ખિસ્સામાં હોય તોય કેટલો સામાન ખરીદી શકાશે એ સવાલ રહે છે...



આ શબ્દો છે દેશના પેન્શન ફન્ડ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટીઝ (પીએફઆરડીએ)ના ચૅરમૅનના.


તાજેતરમાં ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર (આઇએમસી)ની કૅપિટલ માર્કેટ કમિટી દ્વારા રિટાયરમેન્ટ પ્લાનિંગ વિશે યોજાયેલા એક રસપ્રદ અને માહિતીપ્રદ સેમિનારમાં પીએફઆરડીએના ચૅરમૅન યોગેશ અગ્રવાલ બોલી રહ્યા હતા. વર્તમાન સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવીને આઇએમસીની કૅપિટલ માર્કેટ કમિટીનાં ચૅરપર્સન દીના મેહતા લોકોના રોકાણનિર્ણયો, ઍસેટ-અલોકેશન, એની જાળવણી કે એની કાળજી પ્રત્યેની ઉપેક્ષા વિશે  સરતાજને કહે છે, ‘પૈસા બનાવવા કરતાં પૈસાનું મૅનેજમેન્ટ વધુ કુશળતા માગી લે છે અને આ માટે આજના સમયમાં રિટાયરમેન્ટ પ્લાનિંગ સૌથી અગત્યની બાબત બની રહ્યું છે. આપણા દેશમાં વરસોથી પેન્શન શબ્દ માત્ર સરકારી કર્મચારીઓ સાથે જોડાયેલો રહ્યો હતો. હવે એ આમ આદમી સાથે પણ જોડાઈ રહ્યો છે. હા, હવે ભારતનો એકેએક નાગરિક પોતાના માટે અર્થાત્ પોતાની નિવૃત્તિ માટે પેન્શનનું આયોજન કરી શકે છે. આમ તો આ સવલત શરૂ થયાને અમુક જ વરસ થયાં છે, પરંતુ હજી બહુ જ ઓછા લોકો આ સવલતનો લાભ લેવા આગળ આવ્યા છે.’

દરેક ભારતીયને લાગુ પડતી અથવા ઑફર થયેલી આ સવલતનું નામ છે નૅશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ), જે અગાઉ ન્યુ પેન્શન સિસ્ટમના નામે દાખલ કરવામાં આવી હતી. હાલમાં આ વિષય દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે નિવૃત્તિના આધારસમી આ પેન્શન સિસ્ટમ વિશે એની અમલકર્તા ઑથોરિટીઝના ચૅરમૅનની વાતોમાંથી સરળ અને સ્પષ્ટ ભાષામાં એને સમજીએ. અગાઉ સ્ટેટ બૅન્ક, આઇડીબીઆઇ બૅન્ક સહિત વિવિધ બૅન્કોના ટોચના હોદ્દા પર ફરજ બજાવી ચૂકેલા યોગેશ અગ્રવાલે ભારતીય સામાજિક વ્યવસ્થામાં સરકારની આ પેન્શન સિસ્ટમ કેટલી યથાર્થ અને સહાયરૂપ છે એનો ચિતાર રજૂ કર્યો છે.

લોકોના આયુષ્યમાં થયેલી વૃદ્ધિ


આપણા દેશમાં હવે વ્યક્તિનું આયુષ્ય વધ્યું છે. આશરે ૨૦ વરસ પહેલાં લોકોની સરેરાશ આયુ ૬૮ ગણાતી હતી, જે હાલ ૮૦ વર્ષ જેટલી છે. અર્થાત્ ભારતમાં હવે લોકોની લાઇફ-એક્સ્પેક્ટન્સી વધી છે. જાણીતા ફાઇનૅન્શિયલ પ્લાનર ગૌરવ મશરુવાળા  સરતાજને કહે છે, ‘આપણા દેશમાં અગાઉ લોકો નિવૃત્તિ પછી અમુક જ વરસમાં મૃત્યુ પામતા એવું નોંધાયું છે, જ્યારે હવે નિવૃત્તિ પછી લોકો ૨૫થી ૩૦ વરસ જીવે છે. અર્થાત્ રિટાયર થનાર વ્યક્તિએ પોતાના માટે આટલા લાંબા સમયનું આર્થિક આયોજન કરવું અનિવાર્ય છે.’

પરિવાર-વિભાજનનો વધતો ટ્રેન્ડ

પેન્શનની જરૂરિયાત માટેના બીજા પરિબળમાં યોગેશ અગ્રવાલ કહે છે, ‘આપણા સમાજમાં ન્યુક્લિયર ફૅમિલીની સંખ્યા સતત વધી રહી છે. અગાઉ સંયુક્ત પરિવારમાં માણસો-વરિષ્ઠ નાગરિકો સચવાઈ જતા હતા, પણ હવે આ મુશ્કેલ બન્યું છે. નવી જનરેશનમાં દરેક પોતાની આગવી સ્વતંત્રતા સાથે રહેવા માગે છે. પરિણામે વરિષ્ઠ નાગરિકો માટે પોતાનું જુદું આર્થિક આયોજન અનિવાર્ય બની જાય એવો સમય આવી ગયો છે.’

મોંઘવારી અને લાઇફસ્ટાઇલ
ત્રીજી કડવી વાસ્તવિકતા મુજબ હવેની મોંઘવારી, લાઇફસ્ટાઇલ સામે લોકોએ ઊંચું ભંડોળ ઊભું કરવું જરૂરી બની જશે. આગામી ૨૦ વરસોમાં મોંઘવારી ક્યાં જઈ પહોંચશે એની કલ્પના કરવી મુશ્કેલ છે, પણ જો આપણે ભૂતકાળની તુલના કરી જોઈશું તો ઘણોખરો અંદાજ આવી જશે. વિચારી લો, હવે પછી જેઓ નિવૃત્ત થવાના છે તેમણે પોતાના જીવનનાં ૨૦થી ૨૫ વરસો માટે કેટલી અને કેવી નાણાકીય વ્યવસ્થા કરી રાખવી પડશે?

સામાજિક સુરક્ષાનો અભાવ
આપણા દેશમાં કોઈ પણ પ્રકારની સામાજિક સુરક્ષા ઉપલબ્ધ નથી એ તો ખરું, પરંતુ પેન્શન સુધ્ધાં માત્ર ત્રણ ટકા પ્રજાને મળે છે, જેઓ સરકારી કર્મચારી છે. અલબત્ત બીજા ૧૦ ટકા લોકો એમ્પ્લૉઈઝ પ્રોવિડન્ટ ફન્ડનો લાભ મેળવે છે. આમ દેશના ૧૩ ટકા લોકો જ પોતાની નિવૃત્તિના સમય દરમ્યાન કંઈક નિયત રકમ નિયમિત સ્વરૂપે પામે છે. બાકીના ૮૭ ટકા લોકોએ રિટાયરમેન્ટનું પોતે જ પ્લાનિંગ કરવું પડે છે. એટલે જ સરકારે એનપીએસ તૈયાર કરી છે, જેથી સરકારી કર્મચારી ન હોય એવી વ્યક્તિ પણ એમાં સહભાગી થઈ શકે. અગાઉ સરકારી કર્મચારીઓને પણ પેન્શનની ચુકવણીની જોગવાઈ બજેટમાંથી થતી રહી હતી, પરંતુ એને લીધે બજેટ પર પણ ભારે બોજ આવતો હતો. આ હકીકતને ધ્યાનમાં રાખીને પણ સરકારે અલગ પેન્શન ફન્ડ જ ઊભું કરવાનું વિચાર્યું, જેની ઊપજરૂપે એનપીએસ છે.

પેન્શન સરકારી કર્મચારીઓ માટેહવે પેન્શન માટે સરકારે એવું નિયત કર્યું છે કે સરકારી કર્મચારી નિવૃત્ત થાય ત્યારે તેને પેન્શન મળે એ માટે જે ફન્ડ ઊભું કરવાનું થાય એ કર્મચારી અને સરકાર બન્નેના ફાળામાંથી સર્જાય અને આ ફન્ડને પ્રોફેશનલ ફન્ડ-મૅનેજરો મૅનેજ કરે. આ ફન્ડ-મૅનેજરો પર પીએફઆરડીએનું નિયમન હોય. હાલમાં આવા જુદા-જુદા ફન્ડ-મૅનેજરો આ કામ કરી રહ્યા છે જેમને ચોક્કસ માર્ગરેખા આપી દેવામાં આવી છે, જે ફન્ડની સલામતીને પ્રાધાન્ય આપીને કામ કરે.

કેન્દ્ર સરકારે આ યોજના શરૂ કરી ત્યારે રાજ્યો એમાં જોડાવા ઉત્સુક નહોતાં, પરંતુ હવે ૨૮ રાજ્યો પણ એમના કર્મચારીઓ માટે નવી પેન્શન સિસ્ટમમાં જોડાયાં છે. માત્ર પશ્ચિમબંગ, ત્રિપુરા અને કેરળ હજી જોડાયાં નથી.
પેન્શન દરેક નાગરિક માટે હવે એ જોઈએ કે તમે એક બિનસરકારી વ્યક્તિ તરીકે આ સિસ્ટમમાં કઈ રીતે ભાગ લઈ શકો? ૨૦૦૯ની પહેલી એપ્રિલથી એનપીએસ તમામ ભારતીય નાગરિકો માટે ઑફર થઈ છે. નાગરિક સરકારી કર્મચારી હોય કે ન હોય, સામાન્યમાં સામાન્ય માનવી પણ એમાં પોતાની બચતશક્તિ મુજબ સહભાગી બની શકે છે. માંડ ૧૦૦ રૂપિયા બચાવી શકતો સાવ જ નબળી આર્થિક સ્થિતિવાળો વર્ગ પણ આમાં જોડાઈ શકે છે. દાખલા તરીકે રસ્તા પર શાકભાજી વેચતા ફેરિયાઓ કે મજૂર તરીકે છૂટક કામ કરતા વર્ગ માટે નિવૃત્તિનું સાધન શું હોય? કંઈ જ નહીં. તેમણે બચત કરી પાછલી ઉંમરે પેન્શન મેળવવું હોય તો હવે આ સવલત પણ ઉપલબ્ધ છે. ઇનશૉર્ટ, ઑર્ગેનાઇઝ્ડ કે અનઑર્ગેનાઇઝ્ડ સેક્ટરની દરેક વ્યક્તિ કે પછી સ્વરોજગાર ધરાવતી વ્યક્તિ, પ્રત્યેક જણ ભારત સરકારની પેન્શન સિસ્ટમમાં ભાગ લઈને પોતાના ભાવિ માટે આર્થિક સુરક્ષા ઊભી કરી શકે છે. આ સિસ્ટમમાં તમે ૬૦ વર્ષ પહેલાંની કોઈ પણ ઉંમરે ભાગ લઈ શકો છો. એ પછી તમારી યોજના અનુસાર તમને પેન્શનરૂપે નિયત રકમ મળવાની શરૂ થશે.

એનપીએસમાં કઈ રીતે ભાગ લઈ શકાય?
એનપીએસમાં સહભાગી થવા માટે વ્યક્તિ પાસે વિવિધ બૅન્કોના વિકલ્પ ઉપલબ્ધ છે. અર્થાત્ નૅશનલાઇઝ્ડ બૅન્કમાં જઈને તમે એનપીએસનું ફૉર્મ ભરી શકો છો, જ્યાં તમને વિવિધ વિકલ્પો ઑફર થશે. એટલે કે તમારા ફન્ડનું રોકાણ વધુ શેમાં થાય એવું તમે ઇચ્છો છો? ઇક્વિટી ડેટસાધનો કે સરકારી સિક્યૉરિટીઝ એમ કૉમ્બિનેશનવાળી સ્કીમ એમાં ઉપલબ્ધ થાય છે. જોકે અહીં ઇક્વિટીમાં આમ પણ મહત્તમ ૫૦ ટકા રોકણની જોગવાઈ છે. અર્થાત્ તમે ઇચ્છો તો પણ ૫૦ ટકાથી વધુ રોકાણ શૅરબજારમાં જાય નહીં. તમે તમારી વર્તમાન ઉંમર મુજબ કયાં સાધનોમાં કેટલું રોકાણ પસંદ કરવું એ નક્કી કરી શકો છો. આ તમારા રિટાયરમેન્ટ માટે હોવાથી સરકારી યોજનામાં તમારા જોખમની ખાસ કાળજી લેવામાં આવે છે. આમ કોઈ એક બૅન્ક સાથે તમારું એનપીએસ અકાઉન્ટ ખોલાવ્યા પછી તમારો રેકૉર્ડ નૅશનલ સિક્યૉરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ) નામની એજન્સી પાસે જમા થાય છે, જે આ વિષયમાં સેન્ટ્રલ રેકૉર્ડ-કીપિંગ એજન્સી તરીકેની ભૂમિકા ભજવે છે.

પર્મનન્ટ રિટાયરમેન્ટ અકાઉન્ટ નંબર
અહીં તમને પર્મનન્ટ રિટાયરમેન્ટ અકાઉન્ટ નંબર (પીઆરએએન-પ્રાન) અલૉટ થાય છે. સૌથી મહર્વેની વાત એ છે કે આ પ્રાન તમે દેશમાં ક્યાંય પણ હો એ જ રીતે લાગુ પડે છે. તમે રહેવાનું સ્થળ, રાજ્ય કે શહેર બદલો એનાથી કોઈ ફરક પડતો નથી એટલું જ નહીં; તમે જૉબ બદલો તો પણ પ્રાન તમારા માટે એ જ રહે છે. એટલે કે તમારા અકાઉન્ટમાં જમા થતી રકમ કે તમારું વધતું ભંડોળ એ જ રીતે સચવાતું રહે છે. આ પ્રાનને આધારે તમે તમારી સ્કીમના રોકાણની સ્થિતિ નિયમિત જોઈ શકો છો અર્થાત્ રિવ્યુ કરી શકો છો.

ફન્ડ-મૅનેજર કે સ્કીમ બદલી શકો
તમારા દ્વારા પેન્શન ફન્ડમાં જમા કરવામાં આવતાં નાણાંનું મૅનેજમેન્ટ ફન્ડ-મૅનેજર કરે છે, પણ તમને જો કોઈ ફન્ડ-મૅનેજરની કામગીરી સારી ન લાગે કે સંતોષકારક ન જણાય તો તમે એને બદલી શકો છો. હા, તમને આ વિકલ્પ વરસમાં એક વાર મળે છે. અલબત્ત, તમને સ્કીમમાં ફેરફાર કરવાનો વિકલ્પ પણ વરસમાં એક વાર મળે છે. જોકે સૌથી અગત્યની વાત એ છે કે ઉંમર સાથે તમારા અકાઉન્ટમાં ઑટો ધોરણે ચેન્જ થાય છે. દાખલા તરીકે તમારી ઉંમર વધતી જાય એમ તમારું જોખમ નીચે લાવવા તમારા અકાઉન્ટમાં ઇક્વિટીનો હિસ્સો ઘટતો જાય છે અને ડેટ તેમ જ સરકારી સિક્યૉરિટીઝનો હિસ્સો વધતો જાય છે. ગયા વરસે એનપીએસમાં રોકાણકારોને ૧૧ ટકા જેવું વળતર છૂટું હતું.         

એનપીએસની નબળી બાજુ


એનપીએસની સૌથી નબળી બાબત એ છે કે સરકાર તરફથી આમાં ફન્ડ-મૅનેજરો માટે ખાસ પ્રોત્સાહન નથી. આ સર્વિસ માટે તેમને મળતા ચાર્જિસ બહુ જ ઓછા જણાતા હોવાથી ફન્ડ-મૅનેજરો આ સિસ્ટમના ફેલાવા માટે બહુ રસ લેતા નથી. આ ફન્ડ-મૅનેજરોને સક્રિય બનાવવા સરકારે તેમની ફી વધારવાની તેમ જ આ સિસ્ટમના માર્કેટિંગ, ડિસ્ટ્રિબ્યુશન માટે પણ જબરદસ્ત પ્રયાસોની તાતી જરૂર છે. આ સિસ્ટમ વિશે લોકોમાં જાગૃતિ લાવવી, એના લાભ સમજાવવા, એમાં સહભાગી બનાવવા એ ભગીરથ કાર્ય છે. જોકે યોગેશ અગ્રવાલ સરકાર આ માટે તૈયાર હોવાનો સંકેત આપતાં કહે છે કે આ દિશામાં ચર્ચાવિચારણાનો દોર ચાલુ થઈ ગયો છે.

ટૅક્સ-બેનિફિટ શું છે?

વર્તમાનમાં એનપીએસમાં રોકાણ કરતી વ્યક્તિ જ્યારે પોતાની રકમ જમા કરાવે એ વર્ષે તેને પોતાની આવકમાંથી આ એનપીએસમાં રોકેલી રકમ બાદ મળે, પરંતુ જ્યારે આ રકમ ઉપાડવામાં આવે ત્યારે એ રકમ પર પ્રવર્તમાન દરે આવકવેરો ભરવાનો થાય છે. Whatsapp-channel Whatsapp-channel

25 December, 2011 09:27 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK