રાતોરાત સ્થાપિત કરાઈ માયાવતીની નવી મૂર્તિ

Published: 27th July, 2012 07:55 IST

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના ડૉ. ભીમરાવ આંબેડકર સામાજીક પરિવર્તન સ્થળની બહાર સ્થાપિત ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતીની તોડી પાડવામાં આવેલી મૂર્તિને સ્થાને મુખ્યમંત્રી અખિલેશ યાદકની સરકારે રાતોરાત નવી મૂર્તિ ઉભી કરી દીધી હતી.


maya-new-statueલખનૌ : તા. 27 જુલાઈ

ગઈ કાલે કેટલાક તોફાની તત્વો દ્વારા ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતીની મૂર્તિનો શિરોચ્છેદ તથા હાથ તોડી પાડી મૂર્તિને ખંડીત કરી હતી. ત્યાર બાદ બસપાની પરિણામો ભોગવવા તૈયાર રહેવાની ચિમકીને ગંભીરતાથી લેતા અખિલેશ યાદવની સરકારે રાતોરાત મૂર્તિ સ્થાપિત કરવાની ફરજ પડી હતી. તોડવામાં આવેલી મૂર્તિના સ્થાને સંત ગાડગે સભાગારના પરિસરમાં રાખવામાં આવેલી માયાવતીની નવી મૂર્તિને પરિવર્તન સ્થળની સામે ખડી કરવામાં આવી છે.

મૂર્તિકાર શ્રવણ પ્રજાપતિએ આ વિષે જણાવ્યું હતું કે લગભગ સવા છ ફૂટ ઉંચી આ મૂર્તિની સમાન પ્રતિમાને બસપા સરકારમાં બનાવવામાં આવી હતી. પરંતુ કોઈ કારણોસર તેને સ્થાપિત કરી શકાય ન હતી. તેથી આ મૂર્તિને ગાડગે જી મહારાજ સભાગારના પરિસરમાં જ રાખી મુકવામાં આવી હતી. જે આજે ઉપયોગમાં લેવામાં આવી હતી.

જિલાધ્યક્ષ અનુરાખ યાદવે જણાવ્યું હતું કે આ મામલે ષડયંત્ર રચવાના આરોપસર પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. જેમાં પ્રેસકોન્ફરેન્સનું આયોજન કરાવનારી પીઆર એજન્સીના સંચાલક વિશાલ મિશ્રા, કથિત પત્રકાર આલોક શ્રીવાસ્તવ તથા તેમના પુત્ર અર્પિત શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમિત જાનીનું નામ પણ આ ઘટના સાથે જોડવામાં આવી રહ્યું છે. અમિત જાની એક સમયે સત્તાધારી સમાજવાદી પાર્ટીનો નજીકનો કાર્યકર રહી ચુક્યો છે. તેવી જ રીતે અમિત જાની કુખ્યાત માફિયા પણ છે.

વરિષ્ઠ પોલીસ અધિકારી આશુતોષ પાંડેએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ નવનિર્માણ સેનાની પ્રેસકોન્ફરેન્સ આલોક શ્રીવાસ્તવના નામે બુક કરાવવામાં આવી હતી. તેમના જણાવ્યા પ્રમાણે અટકાયતમાં લેવામાં આવેલા લોકો નવનિર્માણ સેનાના એજંડાથી સારીરીતે વાકેફ હતાં. તેમ છતાં પોલીસને કોઈ જ આગોતરી જાણકારી કર્યા વગર જ તેમણે પ્રેસકોન્ફરેન્સનું આયોજન કર્યું હતું. બેદરકારી દાખવવાના આરોપમાં પોલીસની સ્થાનિય અભિસૂચના એકમ (એલઆઈયૂ)ના એક ઈન્સ્પેક્ટર વી પી સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK