ન્યુ યર સેલિબ્રેશન ઇફેક્ટ : મુંબઈથી લંડન ૪૬ હજાર, મુંબઈથી ગોવા ૭૦ હજાર

Published: 23rd December, 2011 03:41 IST

મુંબઈગરાઓ માટે સૌથી માનીતા ન્યુ યર સેલિબ્રેશન માટે જાણીતા ગોવાની રિટર્ન ફ્લાઇટની ટિકિટ ૭૦,૦૦૦ રૂપિયા પર પહોંચી છે. આ ભાવ લંડન, ક્વાલા લમ્પુર, સિંગાપોર, દુબઈ તથા બૅન્ગકૉક કરતાં પણ વધારે છે.

 

 

બિપિનકુમાર સિંહ

મુંબઈ, તા. ૨૩
આ ભાવ ટ્રાવેલ બુકિંગ વેબસાઇટ મેકમાયટ્રિપ પર ઍર ઇન્ડિયાનો છે. ૨૮ ડિસેમ્બર તથા ૧ જાન્યુઆરીના રોજ મુંબઈ-ગોવા રિટર્ન ટિકિટનો દર ૬૯,૧૯૨ રૂપિયા હતો. ઍર ઇન્ડિયાના આ જ સેક્ટરમાં અન્ય ડઝનેક ફ્લાઇટની ટિકિટનો ભાવ પણ ૫૦,૦૦૦થી ૬૮,૦૦૦ રૂપિયા હતો. આની સરખામણીમાં વિદેશની વિમાનયાત્રાની ટિકિટના ભાવો ઘણા જ ઓછા હતા. મુંબઈ-બૅન્ગકૉકની એ જ દિવસની ટિકિટના ભાવો ૩૪,૭૫૬ રૂપિયા, મુંબઈ-લંડનના ૪૫,૮૭૦ રૂપિયા, મુંબઈ-દુબઈના ૩૭,૫૬૨ રૂપિયા તથા મુંબઈ-ક્વાલા લમ્પુરના ૪૯,૯૪૧ રૂપિયા હતા.

જોકે બીજી ઍરલાઇન્સ પણ ટિકિટ વધારવાની રેસમાં ઍર ઇન્ડિયા કરતાં બહુ પાછળ નહોતી. આ વિશે ઍર-ઇન્ડિયાના કમર્શિયલ ડિપાર્ટમેન્ટના સિનિયર અધિકારીઓએ કહ્યું હતું કે આટલા ઊંચા દરની ટિકિટ હશે એ વાત તેઓ માનવા તૈયાર નથી. આનો જવાબ તો વેબસાઇટના સંચાલકો જ સારી રીતે આપી શકે એમ છે. આ વિશે યુનિયન સિવિલ એવિયેશન સેક્રેટરી નસીમ ઝૈદીએ કહ્યું હતું કે ટિકિટના ભાવના ઉતાર-ચડાવ વિશે ઍર-ઇન્ડિયાના ચીફ મૅનેજિંગ ડિરેક્ટર સાથે વાત કરે. જોકે તેમનો સંપર્ક નહોતો થઈ શક્યો.

મેકમાયટ્રિપના સીઓઓ (ચીફ ઑપરેટિંગ ઑફિસર) કેયૂર જોશીએ કહ્યું હતું કે માર્કેટમાં ડિમાન્ડ વધી જતાં ડાયનેમિક ઍર-ફેરને કારણે આમ થયું હોવાનું માનવામાં આવે છે. જે લોકોએ પોતાની ટિકિટ અગાઉથી બુક કરાવી હશે તેમને ફાયદો છે, પરંતુ છેલ્લી ઘડીએ યોજના બનાવનારાઓ માટે ટિકિટના દરમાં થયેલો વધારો ચિંતાજનક છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK