ભારતીય વાયુસેના બે મોરચે યુદ્ધ કરવા તૈયાર: વાયુસેના પ્રમુખ

Published: 5th October, 2020 15:27 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

વાયુસેના કોઈપણ વિવાદને પડકાર આપવા માટે તૈયાર હોવાનું એરચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ જણાવ્યું

એરચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા
એરચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા

ભારત અને ચીનની સેનાઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી પૂર્વ લદાખમાં પ્રવર્તી રહેલા તણાવની વચ્ચે વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ સોમવારે સ્પષ્ટ કહી દીધું છે કે, ભવિષ્યના કોઈપણ યુદ્ધમાં એરફોર્સ જીત અપાવવા માટે તેઓ મહત્ત્વની ભૂમિકા નિભાવશે. તેમણે કહ્યું છે કે, હાલના સમયમાં પડોશી દેશો તરફથી વધી રહેલાં જોખમને ધ્યાનમાં રાખીને આપણે યુદ્ધના દરેક મોરચે પૂરી ક્ષમતા સાથે લડવાની જરૂર છે. હું વિશ્વાસ અપાવું છું કે ઓપરેશનલી આપણે બેસ્ટ છીએ. ભારત, ઉત્તર ભારતમાં બંને મોરચે યુદ્ધ કરવા માટે તૈયાર છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે ચીન અને પાકિસ્તાન બંનેનો મુકાબલો કરવા માટે તૈયાર છે.

પૂર્વ લદાખમાં ભારત અને ચીનની સેનાઓ સામ-સામે આવ્યા બાદથી જ બંને દેશોની વચ્ચે તણાવ ચરમ પર છે. બીજી તરફ ચીન સાથેના તણાવનો ફાયદો પાકિસ્તાન ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાને લાગે છે કે તે આ તકનો લાભ લઈને ભારતમાં આતંકી કાવતરાને અંજામ આપી શકે છે. બંને દેશોની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે વાયુસેનાના પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે ભારતીય સેના દરેક દુશ્મનનો સામનો કરવા માટે તૈયાર છે.

આરકેએસ ભદૌરિયાએ કહ્યું કે, વાયુસેના કોઈપણ વિવાદને પડકાર આપવા માટે તૈયાર છે. જો બે મોરચે પણ યુદ્ધ થતું હશે તો અમે એ સ્થિતિમાં પણ યુદ્ધ લડવા માટે તૈયાર છીએ. અમે યોગ્ય સમયે રાફેલ, અપાચે અને ચિનૂકને ઓપરેશનમાં સામેલ કર્યાં છે અને એને પોતાના ઓપરેશન કોન્સેપ્ટ સાથે જોડ્યાં છે. આગામી ત્રણ વર્ષમાં રાફેલ અને એલસીએ માર્ક સ્ક્વોડ્રન તેમની પૂરી ક્ષમતા સાથે ઓપરેટ કરશે અને એની સાથે એડિશનલ મિગ-29 પણ સામેલ થશે, જેનો ઓર્ડર આપવામાં આવ્યો છે. અમે લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટમાં વિશ્વાસ દર્શાવ્યો છે કે આગામી પાંચ વર્ષમાં અમે 83 એલએસી માર્ક 1Aને સામેલ કરવાની શરૂઆત કરીશું.

વાયુસેના પ્રમુખે કહ્યું છે કે, આપણે સરહદ સાથે જોડાયેલા તમામ હિસ્સાઓ પર આપણી ઉપસ્થિતિ વધારી દીધી છે. લદાખ તેનો માત્ર એક હિસ્સો છે. એવામાં દેશને વિશ્વાસ રાખવો જોઈએ કે તેમની સેના પૂરી રીતે તૈયાર છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK