આહુતિ હત્યાકેસમાં ઇન્વેસ્ટિગેશન ઑફિસરોની જ આજે થશે પૂછપરછ

Published: 8th October, 2012 06:00 IST

ત્રણ મહિનાની બાળકીની હત્યા થઈ હોવા છતાં બોરીવલી પોલીસે લાપરવાહી બતાવી શરૂઆતમાં એને ઍક્સિડન્ટનો કેસ બનાવી દીધો હોવાથી આજે આ કેસના અધિકારીઓની થશે પૂછપરછગોરાઈ-બેમાં આવેલી સૃષ્ટિ સોસાયટીમાં રહેતી ત્રણ મહિનાની આહુતિ જોશીના હત્યાકેસમાં વરલીનું બાળસંરક્ષણ આયોગ આજે બોરીવલી પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર (ક્રાઇમ) રવિ અડાણે અને સબ-ઇન્સ્પેક્ટર શશિકાંત આયરેની પૂછપરછ કરશે. આહુતિના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં તેની હત્યા થઈ હોવાનું બહાર આવતાં આયોગે આ પગલું ભર્યું હતું. આ કેસમાં પકડાયેલી આહુતિની માતા ધર્મિષ્ઠા જોશીની પોલીસકસ્ટડીમાં પૂછપરછ થઈ રહી છે. પોલીસે કહ્યું હતું કે ‘૨૩ સપ્ટેમ્બરે આહુતિ બેભાન થઈ જતાં શરૂઆતમાં તેને જે. જે. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પણ એ વખતે હૉસ્પિટલમાં એક ઇમર્જન્સી કેસ આવતાં આહુતિને તરત જ ડૉક્ટરોએ કેઈએમ હૉસ્પિટલમાં ટ્રાન્સફર કરી હતી. કેઈએમના ડૉક્ટરોએ આહુતિને તપાસીને તેની મારપીટ થઈ હોવાનું બોરીવલી પોલીસને જણાવ્યું હતું, પણ પોલીસે આ સંદર્ભે કોઈ કાર્યવાહી કરી નહોતી એટલે આજે આ કેસના ઇન્વેસ્ટિગેશન ઑફિસરોની પૂછપરછ કરવામાં આવશે.

ધર્મિષ્ઠાનાં બદલાતાં સ્ટેટમેન્ટ

પોલીસ-સ્ટેટમેન્ટમાં આહુતિની માતા ધર્મિષ્ઠા જોશીએ શરૂમાં કહ્યું હતું કે આહુતિ પલંગ પરથી પડી ગઈ હતી એટલે તેને ઈજા થઈ હતી. જોકે આહુતિનું ૩૦ સપ્ટેમ્બરે મોડી રાત્રે મૃત્યુ થતાં પોલીસ-સ્ટેટમેન્ટમાં ધર્મિષ્ઠાએ કહ્યું હતું કે આહુતિ મારા હાથમાંથી પડી ગઈ હતી એટલે તેને ઈજા થઈ હતી. જોકે જો આહુતિ ચાર ફૂટ ઊંચેથી પડી હોત તો તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હોત એમ ડૉકટરોએ કહ્યું હતું. પોલીસ-સ્ટેશનમાં આહુતિની માતા ધર્મિષ્ઠાનાં બદલાતાં સ્ટેટમેન્ટ્સ શંકાસ્પદ હોવા છતાં પોલીસ-ઑફિસરોએ આ સંદર્ભે કોઈ કાર્યવાહી કરી ન હોવાથી આજે તેમની પૂછપરછ કરવામાં આવશે.

ધર્મિષ્ઠા-કલ્પેશ વચ્ચે કયા ઝઘડા?

પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું કે ‘આહુતિની માતા ધર્મિષ્ઠાને જોડિયા બાળકી થયા પછી તેને દૂધ આવતું બંધ થયું હતું. પહેલી બાળકીનું મૃત્યુ થયા પછી બીજી બાળકી આહુતિને માતાનું દૂધ ન મળતાં તે સતત માંદી રહેતી હતી. આ કારણસર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. ૨૩ સપ્ટેમ્બરે આ જ કારણસર તેમની વચ્ચે ઝઘડો થયા પછી કલ્પેશ ઑફિસ જતો રહ્યો હતો. ત્યાર પછી આહુતિ ઘરમાં રડી રહી હતી. તેને શાંત કરવાનો ધર્મિષ્ઠાએ ઘણો પ્રયત્ન કર્યો હતો, પણ આહુતિ શાંત થતી નહોતી. એટલે ગુસ્સામાં આવી તેણે આહુતિની મારપીટ કરી હતી. જોકે છેવટે પૂછપરછ વખતે કબૂલાત કરતાં ધર્મિષ્ઠાએ પોલીસ-સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે મેં ગુસ્સામાં આવી મારી દીકરીની મારપીટ કરી હતી.’

જે. જે. = જમશેદજી જીજીભોય, કેઈએમ = કિંગ એડ્વર્ડ મેમોરિયલ


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK