અમદાવાદમાં ૭ મહિનામાં ૭૫ ઑટોરિક્ષા ચોરનાર ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો

Published: Dec 10, 2019, 09:24 IST | Ahmedabad

મંદિર–મસ્જિદ, કોર્ટ, સરકારી કચેરીઓ પાસેથી રિક્ષા ચોરતો ઉમર મેડીવાલા ચોરેલી રિક્ષામાંથી બૅટરી અને વાલ્વ કાઢીને ભંગારના વેપારીઓને વેચી દેતો અને રિક્ષા બિનવારસી મૂકી દેતો.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ગુજરાતના અમદાવાદમાં આવેલી હૉસ્પિટલો, કોર્ટ, સરકારી કચેરીઓ તેમ જ મંદિર–મસ્જિદ પાસેથી માત્ર ઑટોરિક્ષા ચોરી કરતા અને છેલ્લા સાત મહિનામાં પાંચ-પચીસ નહીં પરંતુ ૭૫ જેટલી ઑટોરિક્ષાઓની ચોરી કરનાર ઉમર મેડીવાલાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચોરાયેલી ૧૧ ઑટોરિક્ષાઓ સહિત ૭ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં મુન્ડા દરવાજા પાસે તપાસ હાથ ધરતાં આ સ્થળેથી ઉમર યુસુફ મેડીવાલાને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક સીએનજી ઑટોરિક્ષા, રિક્ષા ચાલુ કરવા માટેનું એક્સ્ટ્રા ઇગ્નિશન સાથેના સૉકેટ સાથે અટક કરી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં આરોપી ઉમર મેડીવાલાએ કબૂલ્યું હતું કે તેની પાસેની રિક્ષા તેણે જુહાપુરા અલફઝલ મસ્જિદની બહારના ભાગેથી બપોરના સમયે ચોરી કરી હતી. આરોપી ઉમર મેડીવાલાએ છેલ્લા સાત મહિના દરમ્યાન અલગ-અલગ જગ્યાઓએથી ચોરી કરેલી રિક્ષાઓમાંથી બૅટરી તથા સીએનજી કિટના વાલ્વ કાઢી લઈ રિક્ષાઓ બિનવારસી હાલતમાં મૂકી દેતો હતો. આવી ૧૦ રિક્ષાઓ આરોપીએ પોલીસને બતાવી હતી. આરોપીએ ૧૩ બૅટરી અને ૭ નંગ વાલ્વ ભંગારના વેપારીઓને વેચી દીધા હોવાની કબૂલાત કરી હતી, જેના પગલે પોલીસે ભંગારના વેપારીઓ પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૨૦૧૫થી ૨૦૧૭ દરમ્યાન આરોપી ૧૦૦થી વધુ રિક્ષાચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને આ ગુનાઓ માટે દોઢેક વર્ષ સાબરમતી સેન્ટ્રલ જેલમાં રહી ચૂક્યો છે. આ ઉપરાંત ૨૦૧૬માં પાસા હેઠળ જામનગર જેલમાં પાંચેક મહિના રહી ચૂક્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK