ગુજરાતમાં આગ વરસી : અમદાવાદમાં સૌથી વધુ 43 ને વિદ્યાનગરમાં 40.3 ડિગ્રી

ગુજરાત | Apr 13, 2019, 11:55 IST

લોકોને કામ સિવાય બહાર ન નીકળવા તંત્રની સલાહ

ગુજરાતમાં આગ વરસી : અમદાવાદમાં સૌથી વધુ 43 ને વિદ્યાનગરમાં 40.3 ડિગ્રી
પ્રતીકાત્મક તસવીર

રાજ્યભરમાં કાળઝાળ ગરમીનું મોજું ફરી વળતાં લોકો તોબા પોકારી ઊઠયા છે. અંગ દઝાડતી અસહ્ય ગરમીનો પ્રકોપ રાજ્યભરમાં વધતાં લોકો અકળાઈ ઊઠયા છે. આજે અમદાવાદ ૪૩.૦ ડીગ્રી સાથે હોટેસ્ટ શહેર બન્યું હતું પરિણામે આકાશમાંથી આગ વરસતી હોય તેવી સ્થિતિ વચ્ચે બપોરે મુખ્યમાર્ગો તો ઠીક શેરીઓમાં પણ કફ્ર્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો.

રાજ્યોના જુદાજુદા શહેરોના તાપમાન પર નજર કરીએ તો અમદાવાદમાં ૪૩.૦, ડીસામાં ૪૨.૦, વડોદરામાં ૪૧.૫, રાજકોટમાં ૪૧.૫, ભાવનગરમાં ૪૦.૨, ભૂજમાં ૪૧.૯, સુરેન્દ્રનગરમાં ૪૨.૪, કંડલા પોર્ટમાં ૪૧.૪, અમરેલીમાં ૪૨.૪, ગાંધીનગરમાં ૪૧.૬, વિદ્યાનગરમાં ૪૦.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વધતી ગરમીને પગલે ઝાડા ઉલ્ટીના કેસમાં પણ વધારો થયો છે. ત્યારે તંત્રએ લોકોને બપોરના સમયે ઘરની બહાર જવાની ના પાડી છે.

રાજ્યભરમાં આકરા ઉનાળાને લઈ લોકો ત્રાહીમામ પોકારી ઊઠયા છે. બપોર થતાં જ માર્ગો સૂમસામ થવાની સાથે માર્ગો ઉપર લોકોની અવર-જવર પણ નહીંવત થઈ જાય છે. બીજી તરફ લોકો કામ સિવાય બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. એપ્રિલ મહિનાના આરંભે જ ગરમીનો પારો ૪૨ ડીગ્રીએ પહોંચતાં આવનારા દિવસોમાં હજુ ગરમી વધવાના સંકેત મળી રહ્યા છે.

આ પણ વાંચો : ધોળકીયા સ્કુલની ફીને લઇને કોંગ્રેસનો હલ્લાબોલ : ખાતરી બાદ મામલો શાંત થયો

રાજ્યભરમાં ગરમીનું તીવ્ર મોજું ફરી વળતાં જનજીવન પ્રભાવિત થયું હતું. ગરમીના કારણે ઠંડા પીણા અને છાશની માંગમાં ઉછાળો આવ્યો છે. શહેરી વિસ્તારોમાં બિલાડીના ટોપની જેમ કોલા સેન્ટરો, શેરડીના સેન્ટરો અને જ્યુસ સેન્ટરો ધમધમી ઊઠયાં છે જ્યાં લોકો ગરમીથી છૂટકારો મેળવવાની કોશિશ કરી રહ્યા છે. અમદાવાદમાં મોડી રાત સુધી આઈસ્ક્રીમ અને લસ્સી સેન્ટરો ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી રહીં છે. દરમિયાનમાં તંત્રે લોકોને કામ સિવાય ઘરની બહાર નહી નીકળવાની સલાહ અપાઈ છે.

Tags

gujarat
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK