Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદ : વૅક્સિન લેવા આવો ગુજરાત સરકાર લોકોને sms કરશે

અમદાવાદ : વૅક્સિન લેવા આવો ગુજરાત સરકાર લોકોને sms કરશે

06 December, 2020 07:13 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

અમદાવાદ : વૅક્સિન લેવા આવો ગુજરાત સરકાર લોકોને sms કરશે

કોરોના ચૅક-અપ

કોરોના ચૅક-અપ


કોરોના-વૉરિયર્સ તેમ જ નાગરિકોને કોરોનાની વૅક્સિન આપવા માટે ગુજરાત સરકારે તૈયારી કરી લીધી છે. આ રસીકરણ માટે ગુજરાત સરકાર નવતર પ્રયોગ હાથ ધરવા જઈ રહ્યું છે, જેમાં નાગરિકોને sms કરીને રસી લેવા આવવાનું જણાવશે અને રસીકરણ માટે ચૂંટણી-બૂથની જેમ વૅક્સિન-બૂથ ઊભાં કરવામાં આવશે. એટલું જ નહીં, કોરોનાની વૅક્સિન આપવા ગુજરાત સરકારે ચૂંટણીપંચ પાસે મતદારયાદીમાંથી ૫૦ વર્ષથી ઉપરના નાગરિકોને પસંદ કરી વૅક્સિન આપવા બોલાવી શકાય કે નહીં એ સંદર્ભે પરવાનગી માગી છે.

વૅક્સિનેશન માટે ગુજરાત સરકારે કરેલી તૈયારીઓની જાહેરાત કરતાં ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પત્રકારોને માહિતી આપતાં કહ્યું હતું કે ‘ભારત સરકારની ગાઇડલાઇન મુજબ ગુજરાતે વૅક્સિનેશન માટેનું આયોજન શરૂ કરી દીધું છે. પ્રથમ તબક્કામાં હેલ્થકૅર વર્કર્સની માહિતી તૈયાર કરવામાં આવી છે. ગુજરાતમાં ૨.૭૧ લાખ આરોગ્ય કર્મચારીઓ અને ખાનગી ક્ષેત્રની હૉસ્પિટલોમાં મેડિકલ અને પૅરા-મેડિકલ સ્ટાફ ૧,૨૫,૦૦૦ મળીને કુલ ૩,૯૬,૦૦૦ આરોગ્ય કર્મચારીઓ જેમાં ડૉક્ટરથી માંડીને સફાઈ-કર્મચારીઓ આવી જાય છે તેમને પ્રથમ તબક્કામાં વૅક્સિનેશન કરવામાં આવશે. બીજા તબક્કામાં પોલીસ, હોમગાર્ડ્સ, સફાઈ-કર્મચારીઓ છે તેમને વૅક્સિન આપવામાં આવશે. ત્યાર પછી ૫૦ વર્ષથી વધુ વયના નાગરિકોને વૅક્સિન અપાશે. એ પછી ૫૦ વર્ષથી નીચેના જેઓ કૅન્સર, કિડની, હૃદયરોગ જેવી જુદી-જુદી બીમારીઓથી પીડાતા દરદીઓ હોય તેમને કોરોનાથી સુરક્ષિત કરવામાં આવશે. ગુજરાતના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલિકાઓમાં ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે.’



નીતિન પટેલે કહ્યું હતું કે ‘જેમ ચૂંટણીમાં મતદાન કરવા માટેનાં બૂથ-સેન્ટર નક્કી હોય છે એ રીતે રાજ્યમાં પોલિંગ સેન્ટરની જેમ જ્યાં રસીકરણ કરવાનું છે ત્યાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ૪૭,૭૯૬ વૅક્સિન સેન્ટરની જગ્યા નક્કી કરવામાં આવી છે. આટલી જગ્યાએ નાગરિકોને વૅક્સિન આપવામાં આવશે. નાગરિકોને અમે અગાઉથી sms કરીશું કે તમારે આ તારીખે, આ સમયે, આ સ્થળે વૅક્સિન લેવા માટે જવાનું છે, પહોંચવાનું છે, એટલે એ smsના આધારે નાગરિકોએ જ્યાં જવાનું હશે એ સૂચના પ્રમાણે વૅક્સિન લેવા માટે જશે. એટલે કોઈને દોડાદોડી, શોધાશોધ કે પૂછપરછની જરૂરિયાત નહીં રહે. રાજ્ય સરકાર સામેથી sms કરી નાગરિકોને વૅક્સિન આપવાની વ્યવસ્થાની જાણકારી આપશે. રાજ્ય સરકારે વૅક્સિન આપવા માટે ૧૫,૫૩૪ ટીમ બનાવી છે.’


તેઓએ વધુમાં કહ્યું હતું કે ‘વૅક્સિન આપવા માટે ગુજરાત સરકાર વ્યવસ્થા કરી રહી છે કે ૫૦ વર્ષથી ઉપરના નાગરિકોને શોધવા માટે બે પદ્ધતિ છે. ઘરે-ઘરે સર્વે પણ કરવો અને બીજી પદ્ધતિ છે રાજ્યની અંદર મતદારયાદી હોય છે એમાં મતદારનું નામ અને ઉંમર લખેલી હોય છે. તો રાજ્યના ચૂંટણીપંચ પાસે, ભારત સરકારના ચૂંટણીપંચ પાસે પણ મંજૂરી માગી છે કે તમારી મતદારયાદીમાંથી નાગરિકોને પસંદ કરી તેમની ઉંમર જોઈને એ વ્યક્તિને આપવા બોલાવી શકીએ કે નહીં એની પરવાનીગી પણ માગી છે એટલે બધી રીતના ઉપાય ગુજરાત સરકાર કરી રહી છે. ટૂંક સમયમાં કોરોનાની વૅક્સિન ઉપલબ્ધ થવાની છે. આ રસી ગુજરાતના નાગરિકોને તબક્કાવાર પૂરી પાડવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં ચર્ચાવિચારણા કર્યા બાદ રસીકરણ અંગે સુદૃઢ વ્યવસ્થા ગોઠવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2020 07:13 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK