જીવતાં ઘેટાં-બકરાંની ગુજરાતમાંથી થતી નિકાસ સામે ફરી રોષ

Published: May 05, 2019, 11:33 IST | અમદાવાદ

અમદાવાદ–ગાંધીનગર હાઈ-વે પર વિવિધ સંગઠનોએ બૅનરો અને સૂત્રોચ્ચાર દ્વારા સત્તાવાળાઓ સામે અબોલ પશુઓની વેદનાને વાચા આપવા નોંધાવ્યો વિરોધ

અમદાવાદ–ગાંધીનગર હાઈ-વે પર અમિયાપુરા ગામે આવેલા મેરુધામ જૈન મંદિર કૅમ્પસમાં વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ અને જીવદયાપ્રેમીઓ એકઠા થયા હતા અને અબોલ પશુઓ માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
અમદાવાદ–ગાંધીનગર હાઈ-વે પર અમિયાપુરા ગામે આવેલા મેરુધામ જૈન મંદિર કૅમ્પસમાં વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ અને જીવદયાપ્રેમીઓ એકઠા થયા હતા અને અબોલ પશુઓ માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

‘ગુજરાતની ધરતી પરથી જીવતાં પશુઓની નિકાસ થવા નહીં દઇએ’ તેવી ખાતરી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સાડા ચાર મહિના પહેલાં આપ્યા બાદ પણ ગુજરાતમાંથી જીવતાં ઘેટાં-બકરાંની નિકાસ થઇ રહી હોવાથી સેવાભાવી સંગઠનોમાં રોષ ફેલાયો છે. ઘેટાં-બકરાંની થઇ રહેલી નિકાસમાં કાયદાનો ભંગ થતો હોવાની ફરિયાદ સાથે ગઈ કાલે અમદાવાદ–ગાંધીનગર હાઈ-વે પર સેવાભાવી સંગઠનો અને જીવદયાપ્રેમીઓએ અબોલ પશુઓના મુદ્દે સત્તાવાળાઓ સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી અબોલ પશુઓની વેદનાને વાચા આપવા દેખાવો કર્યા હતા.

અમદાવાદસ્થિત યુવા જાગરણ મંચ તેમ જ અન્ય સામાજિક સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં ગઈ કાલે અમદાવાદ–ગાંધીનગર હાઈ-વે પર અમિયાપુરા ગામે આવેલા મેરુધામ જૈન મંદિર કેમ્પસમાં એકઠા થયા હતા. જેમાં મહિલાઓ અને યુવતીઓ પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થઇ હતી. વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ બૅનરો પ્રદર્શિત કરી – સૂત્રોચ્ચાર કરી સત્તાવાળાઓ સામે અબોલ પશુઓ માટે વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાતમાંથી જીવતાં ઘેટાં-બકરાંની નિકાસ થઈ રહી છે. એક ટ્રકમાં વધુમાં વધુ ૧૦૮ ઘેટાં-બકરાં ભરી શકાય પણ એક ટ્રકમાં ૨૦૦થી ૪૦૦ જેટલાં પશુઓ ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે. પરિવહન, વેટરનરી ડૉકટર દ્વારા પશુઓના સ્વાસ્થ્યની ચકાસણી અને રસીકરણના કાયદાઓનો ભંગ થઇ રહ્યો હોવાના આક્ષેપો સાથે અબોલ જીવો વતી આ પ્રતિનિધિઓએ સત્તાવાળાઓને અપીલ કરી હતી અને જીવતાં ઘેટાં-બકરાંની નિકાસ પર તેમ જ માંસના એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂકવા માગણી કરી હતી.

વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા અભય શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા વર્ષે અંદાજે સાત લાખ જેટલાં ઘેટાં-બકરાંની નિકાસ થઇ હતી અને આ વર્ષે તૃણા બંદરેથી બે શિપમાં અંદાજે ૧૦ હજારથી વધુ ઘેટાં-બકરાં ગયાં છે. અમારી માગણી છે કે ગુજરાતના મુખ્ય પ્રધાન આ મુદ્દે ઍકશન લે અને નિકાસ બંધ કરાવવામાં આવે.’

ગુજરાત એનિમલ વેલ્ફેર બોર્ડના ડાયરેકટર રાજેન્દ્ર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં ત્રણ વર્ષમાં ગુજરાતમાંથી ૨૧,૧૦,૦૮૩ ઘેટાં-બકરાં નિકાસ થયાં હતાં અને આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૧૫ હજારથી વધુ ઘેટાં-બકરાંની નિકાસ થઇ છે.’

તેઓએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારની જોગવાઇ પ્રમાણે ટ્રાન્સપોર્ટેશનના રૂલ્સને ફોલો કરવા જોઇએ અને ભારત સરકારે બનાવેલા કાયદાનો અમલ થવો જોઇએ. આ બાબત અમે બોર્ડમાં મૂકવાના છીએ અને યોગ્ય કાર્યવાહી કરીશું.’

હાઈ કોર્ટે શું કહે છે?

દેશના મેજર પોર્ટ કંડલાની નજીક આવેલા તુણાં બંદરેથી થતી ઘેટાં-બકરાંની નિકાસ અટકાવવાના હેતુસર રાજ્ય સરકારે બહાર પાડેલા ત્રણ નોટિફિકેશનને ગુજરાત હાઈર્કોટે એવું કહીને ફગાવી દીધું હતું કે, આ નિર્ણય રાજ્ય સરકાર સીધી રીતે લઈ શકે નહીં.

ન્યાયમૂર્તિ હર્ષા દેવાણી અને ભાર્ગવ કારિયાની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો જેમાં અદાલતે એવું નોંધ્યું હતું કે, સમાજના એક ભાગને ખુશ કરવા માટે તુણાં બંદરેથી થતી પશુઓની નિકાસને રોકવા રાજ્ય સરકારે આદેશ કર્યો હતો.

આ પણ વાંચો : ગઢડા:ગોપીનાથજી મંદિર ટ્રસ્ટની આજે ચૂંટણી

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ડિસેમ્બરમાં એવી જાહેરાત કરી હતી કે સરકાર પશુધન નિકાસને મંજૂરી આપશે નહીં જેની સામે પશુધન નિકાસકારોએ ઉચ્ચ અદાલતમાં અપીલ કરી હતી. જે બાબતે અદાલતે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો અને નોંધ્યું હતું કે આ નિકાસને પ્રતિબંધીત કરવાનો અધિકાર રાજ્યને નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK