અમદાવાદ: ડોનલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં 10,000થી વધુ પોલીસ ખડેપગે રહેશે

Published: Feb 16, 2020, 08:12 IST | Ahmedabad

એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ-શોમાં પીએમ મોદી જોડાશે, ૫૫ ગાડીનો કાફલો રહેશે: નદીમાં મરીન કમાન્ડોનું પૅટ્રોલિંગ, ઇમર્જન્સી સંજોગોમાં ટ્રમ્પને એરલિફ્ટ કરવા સ્ટેડિયમ પાસે બે હેલિકૉપ્ટર મુકાશે

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે એની પૂર્વતૈયારીરૂપે કામદારો ગાંધી આશ્રમના પરિસરના સુશોભીકરણના ભાગરૂપે વૃક્ષના થડને ગઈ કાલે રંગી રહ્યા હતા. તસવીર : પી.ટી.આઇ.
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે એની પૂર્વતૈયારીરૂપે કામદારો ગાંધી આશ્રમના પરિસરના સુશોભીકરણના ભાગરૂપે વૃક્ષના થડને ગઈ કાલે રંગી રહ્યા હતા. તસવીર : પી.ટી.આઇ.

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ તથા ફર્સ્ટ લેડી મેલેનિયા તારીખ ૨૪ અને ૨૫ ફેબ્રુઆરી ભારતના પ્રવાસે છે. તેઓ વડા પ્રધાન મોદી સાથે ૨૪મીએ અમદાવાદ આવશે. તેઓ અહીં અમદાવાદમાં ૩.૩૦ કલાક રોકાશે. જેમાં તેઓ રોડ-શોમાં અડધો કલાક, ગાંધી આશ્રમમાં ૩૦ મિનિટ અને મોટેરા સ્ટેડિયમમાં ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમમાં ૨.૩૦ કલાક રોકાશે. જે માટે તેમની સુરક્ષા એકદમ સઘન બનાવી દેવામાં આવશે જે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે ૨૫ આઇપીએસ, ૬૫ એસીપી, ૨૦૦ પીઆઇ, ૮૦૦ પીએસઆઇ સાથે ૧૦,૦૦૦ પોલીસ જવાનો ખડેપગે બંદોબસ્તમાં રહેશે. આ સાથે એનએસજી અને એનએસજીના એન્ટિ સ્નાઇપરની એક ખાસ ટુકડી પણ તહેનાત રાખવામાં આવશે. આ સાથે મોટેરા સ્ટેડિયમની સૌથી મહત્ત્વપૂર્ણ ઇવેન્ટના સંકલનની તથા સ્ટેડિયમના પ્રેક્ષકોને લગતી જવાબદારી અધિક મુખ્ય સચિવ પંકજકુમારને સોંપવામાં આવી છે. આ કામગીરીમાં સામાન્ય વહીવટી વિભાગના અગ્રસચિવ કમલ દાયાણી જવાબદારી નિભાવશે.

આ ઉપરાંત પિનાક સોફ્ટવેર રજિસ્ટ્રેશનને લઈને આસપાસનાં મકાનોમાં રહેતા ભાડૂઆતોની તપાસ હાથ ધરાઇ રહી છે. પોલીસે સામાન્ય જનતાને કોઈ પણ શંકાસ્પદ માહિતી હોય તો પોલીસને આપવા અપીલ કરી છે. જિલ્લા અને તાલુકામાંથી આવતા લોકો માટે અલગ વ્યવસ્થા પાર્કિંગ માટે ૨૮ સ્પોટ નક્કી કરાયા છે. ૧.૫ કિમીની ત્રિજયામાં પાર્કિંગ વ્યવસ્થા બહારના જિલ્લાના અધિકારીઓએ પણ તેમને ત્યાંથી આવતા લોકોનું વેરિફિકેશન કર્યું છે.

અૅરપોર્ટથી રોડ-શો કરીને ટ્રમ્પ અને મોદી ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ગાંધી આશ્રમમાં માત્ર બે મહાનુભાવો જ હાજર રહેશે. પબ્લિક માટે કોઈ એન્ટ્રી નથી, પરંતુ આશ્રમની પાછળના ભાગે નદી હોવાથી સિક્યૉરિટીનાં કારણોથી નદીમાં મરીન કમાન્ડો ફોર્સ સતત પેટ્રોલિંગ કરશે. જ્યારે આશ્રમ ખાતે સ્નાઇપરના પણ બે પૉઇન્ટ ફાળવવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે. આશ્રમની અંદર થ્રીડી કૅમેરા પણ ગોઠવવામાં આવ્યા છે જે અવરજવર કરતા તમામ લોકોનું સ્કેનિંગ પણ કરશે અને ૩૬૦ ડિગ્રી સુધી કોઈ પણ દૃશ્ય કેપ્ચર કરી શકે છે. શુક્રવારે વિદેશ મંત્રાલયના અધિકારીઓએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને મહાનુભાવોની એન્ટ્રી કેવી રીતે થશે અને ક્યાં જશે તેની માહિતી લીધી હતી.

મોટેરા સ્ટેડિયમ ખાતે બે હેલિપેડ બનાવવામાં આવ્યા છે અને અહીં બે હેલિકૉપ્ટર પણ તહેનાત કરાશે. ટ્રમ્પ બાય રોડ જ મોટેરા સ્ટેડિયમ ખાતે જશે પરંતુ ઈમર્જન્સીના સંજોગોમાં અૅરલિફટ કરી શકાય તે માટે બે હેલિકૉપ્ટર પણ તૈયાર રાખવામાં આવશે. ટ્રમ્પના અને મોદીના કાફલા સાથે આવનારી ૫૫ કારના પાર્કિંગ માટે પણ સ્ટેડિયમમાં હેલિપેડ નજીક જ વ્યવસ્થા કરવામાં આવી છે. ડોનલ્ડ ટ્રમ્પની સાથે અમેરિકન સિક્રેટ સર્વિસની ૩૦૦ લોકોની ટીમ આવશે, જે અૅરપોર્ટથી ગાંધી આશ્રમ અને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની સિક્યૉરિટી સંભાળશે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ત્રણ સંભવિત રૂટ, ગાંધી આશ્રમ અને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં સિક્યૉરિટીનો આખો મેપ રવિવાર રાત સુધીમાં બની જશે. સોમવારે અમેરિકન સિક્રેટ સર્વિસના એજન્ટોને સમગ્ર સિક્યૉરિટી બતાવી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે.

મોદી-ટ્રમ્પના રોડ-શો માટે ૪ કરોડના ખર્ચે ગ્રીન સ્પેસ તૈયાર

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ૩૦ કિલોમીટર લાંબા રોડ-શો રૂટ પર અલગ-અલગ પ્રકારના આશરે ૧ લાખ જેટલાં વૃક્ષો વાવવામાં આવશે. લગભગ ૪ કરોડ રૂપિયાના ખર્ચે ગ્રીન સ્પેસ તૈયાર કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં મોદી અને ટ્રમ્પ ૨૪ ફેબ્રુઆરીના રોજ જ્યારે ગાંધી આશ્રમ અને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લેશે ત્યારે માર્ગ પર ધૂળ કે પથ્થર ન દેખાય તેના માટે કૉર્પોરેશનના કર્મચારીઓ દ્વારા રોડની સફાઈ કામગીરી અને ડ્રેનેજ સિસ્ટમ પર કામ કરવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીના રોજ એટલે કે બે દિવસ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે છે ત્યારે ૨૪ ફેબ્રુઆરીના રોજ અમદાવાદ અને ૨૫ ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં હાજરી આપશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK