આ વર્ષે અગ્નિપથ જેવી ગણપતિની મૂર્તિ સુપરહિટ

Published: 30th August, 2012 05:15 IST

આ ફિલ્મમાં વપરાયેલી દસ હાથની પ્રતિમાની પ્રતિકૃતિ બનાવવા માટે મંડળોએ મૂર્તિકારોને એક્સ્ટ્રા પૈસા આપવાની પણ બતાવી છે તૈયારી

આ વખતે શહેરનાં ગણપતિ મંડળોમાં હૃતિક રોશનને ચમકાવતી ‘અગ્નિપથ’ના ગીત ‘દેવા શ્રી ગણેશા’માં દર્શાવેલી દસ હાથના ગણપતિ જેવી જ મૂર્તિ બનાવડાવવાનો ભારે ક્રેઝ છે અને આવી મૂર્તિ બનાવવા તેઓ નિષ્ણાત મૂર્તિકારોને મનાવવા માટે ચક્કર કાપી રહ્યાં છે. મંડળોને લાગે છે કે આવી પ્રતિમા વધારે ને વધારે શ્રદ્ધાળુઓને પોતાની તરફ આકર્ષી શકશે અને આ કારણે જ તેઓ આ પ્રતિમા માટે વધારે પૈસા ચૂકવવા પણ તૈયાર છે.

જોકે મૂર્તિકારો માટે આવી દસ હાથની મૂર્તિ બનાવવાનું અઘરું છે, કારણ કે એ બનાવવા માત્ર બીબાં પર આધાર નથી રાખી શકાતો અને વધારાની મહેનત કરવી પડે છે જેના કારણે વધારે સમય લાગે છે. સામાન્ય રીતે મૂર્તિકારને બીબામાં ઢાળીને ગણપતિની મૂર્તિ બનાવવામાં પાંચ દિવસ જેટલો સમય લાગે છે, પણ આ ખાસ પ્રકારની દસ હાથની મૂર્તિ બનાવવામાં દસ દિવસ જેટલો સમય લાગી જાય છે. વળી આવી દસ હાથની મૂર્તિ બનાવવાનો ખર્ચ પણ વધારે આવે છે. સામાન્ય રીતે ચાર હાથ ધરાવતી અને ૧૮ ફૂટની ઊંચાઈ ધરાવતી ગણપતિની એક મૂર્તિ બનાવવા માટે દોઢ લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે, જ્યારે દસ હાથની ગણપતિની મૂર્તિ બનાવવા પાછળ બેથી સવાબે લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

આ દસ હાથવાળી ગણપતિની મૂર્તિ બનાવવાનું કામ થોડું કપરું હોવા છતાં મૂર્તિકારો આ તકનો લાભ પોતાની આવડત દર્શાવવા માટે કરી રહ્યા છે. શહેરના એક જાણીતા મૂર્તિકાર વિજય ખાતૂએ કહ્યું હતું કે ‘આ વખતે દસ હાથવાળા ગણપતિની મૂર્તિ બહુ હિટ છે અને એની બહુ ડિમાન્ડ છે. મને આવી મૂર્તિ માટે ઘણા ઑર્ડર મળે એમ હતા, પણ સમયના અભાવે હું માત્ર દસ ઑર્ડર જ લઈ શક્યો છું. વળી આવી ૧૮ ફૂટ ઊંચી મૂર્તિ બનાવવાનું કામ પ્રમાણમાં બહુ અઘરું હોવાથી પણ મેં કેટલાક ઑર્ડરને ના પાડી દીધી હતી. અમારી પાસે ચાર હાથવાળા ગણપતિની મૂર્તિનાં બીબાં તો છે, પણ દસ હાથવાળા ગણપતિની મૂર્તિ બનાવવા માટેનાં બીબાં નથી જેના કારણે આ કામ થોડું વધારે મુશ્કેલ અને સમય માગી લે એવું છે.’

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK