બઢતી ઉમ્ર કો રોકના સિર્ફ મુશ્કિલ હી નહીં નામુમકિન હૈ ભૈયા...

Published: 19th November, 2012 07:52 IST

વધતી વયને રોકવાનું ભલે શક્ય નથી, પરંતુ એને છુપાવવાનું તો પૉસિબલ છે. જાણીએ કેટલાક ફન્ડામન્ડે-મંથન - રોહિત શાહ


વાત તો સાવ સાચી છે કે ‘મોટા’ થવા માટે માણસે કશું જ કરવું પડતું નથી. તે કાંઈ જ ન કરે તો પણ પ્રત્યેક પળે તે મોટો થતો જ જાય છે. હા, મહાન બનવું હોય તો ઘણુંબધું કરવું પડે... ઘણુંબધું છોડવુંય પડે...

વધતી વયને બ્રેક મારવાની સત્તા આપણી પાસે નથી. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ તોય આપણે સતત મોટા થતા જઈએ છીએ.

કિશોરાવસ્થામાં આપણને જલદી-જલદી યુવાન (મોટા) થઈ જવાની તાલાવેલી જાગે છે. યુવાવસ્થા આવે છે ત્યારે આપણે ભૂતકાળ (બાળપણથી કિશોરાવસ્થાનો તબક્કો) અને ભવિષ્યકાળ (ભવિષ્યની પ્રૌઢ અને વૃદ્ધાવસ્થા) બન્નેને ભૂલી જઈએ છીએ. કરીઅર, મોજ-મસ્તી અને ખ્વાબોની દુનિયામાં એવા મસ્ત બની જઈએ છીએ કે થોડા સમય પછી યુવાવસ્થા પણ ચાલી જશે એ ભૂલી જઈએ છીએ.

પિસ્તાળીસ-પચાસની ઉંમર પછી યૌવનની સમૃદ્ધિનો ખજાનો ખાલી થઈ રહ્યો હોવાનો અણસાર આવવા માંડે છે. નજર કમજોર બને છે, વાળ સફેદ થવા માંડે છે, શરીર વારંવાર થાકી જવા લાગે છે. આપણે જેમને ગઈ કાલે ખોળામાં કે ખભા ઉપર રમાડતાં હતાં એ સંતાનો હવે બાઇક લઈને કૉલેજ જવા માંડ્યાં છે... ઇન્ટરનેટ પર ચૅટિંગ કરવા લાગ્યાં છે... અને એ જોઈને આપણને અહેસાસ થવા લાગે છે કે હવે આપણે ‘અંકલ’ કે ‘વડીલ’નો રોલ ભજવવા ઉપર પહોંચી ગયા છીએ.

એવી ક્ષણે વધતી વય માટે ચિંતા અને ઘૃણા થવા લાગે છે. પોતે હવે યુવાન રહ્યા નથી એ સત્યનો સ્વીકાર કરતાં મન કડવું થઈ જાય છે. એ કડવાશથી બચવા માટે થોડાક ફન્ડા વિચારી શકાય. વધતી ઉંમરને રોકવાનું ભલે પૉસિબલ ન હોય, પરંતુ એને છુપાવવાનું તો પૉસિબલ છે જ.

અસ્વીકાર કરો

વધતી ઉંમરને છુપાવવી હોય તો સૌપ્રથમ તો હવે તમે વડીલ કે અંકલ બની ગયા છો એ બાબતનો મનથી અસ્વીકાર કરો. શરીરને ભલે ઉંમર પ્રભાવિત કરે, મનને પ્રભાવિત ન થવા દો. ઘણા લોકો ૪૫-૫૦ની ઉંમરથી જ એવું વિચારવા માંડે છે કે ‘હવે કાઢ્યાં એટલાં (વરસ) ક્યાં કાઢવાનાં છે?,’ ‘હવે હું કાંઈ યુવાન નથી રહ્યો...’ આવા વિચારો વધતી ઉંમરને વધારે વેગીલી બનાવે છે. તરંગીવેડા કરવાના નથી, પણ મનથી સ્વસ્થ અને પ્રસન્ન રહેવાનું છે. મનમાં નિરાશા-હતાશા પ્રવેશી ન જાય એટલા અલર્ટ રહેવાનું છે. હથિયારો હેઠાં મૂકી દેવાને બદલે ઝઝૂમવાનું જારી રાખવાનું છે. વિજય મળે કે ન મળે, પરાજયને થોડો પાછલ ધકેલવો એય વીરતા જ છે.

યુવાનો સાથે દોસ્તી

પ્રૌઢાવસ્થામાં એન્ટ્રી માર્યા પછી જો તમે બુઢ્ઢાઓ સાથે દોસ્તી કરશો તો તમને બુઢાપાના વિચારો ઘેરી વળશે અને યુવાનો સાથે સંપર્કમાં રહેશો તો તમને તાજગીની દીક્ષા મળતી રહેશે. કુછ નયા કરને કા જુનૂન બરકરાર રહેગા. તમે તમારી વધતી વયને વીસરી જશો. સમજણભર્યા સાહસો કરવાનું તમને ચાલુ રાખી શકશો. યૌવનનો તરવરાટ અને થનગનાટ તમારા શરીરને જીર્ણ થતાં રોકી રાખશે. જ્ઞાનીઓ તો કહે છે કે ‘મન: એવ મનુષ્યાણં કારણં ચ બંધ મોક્ષયો:’ એટલે કે બંધ અને મુક્તિનું કારણ મન છે. સ્વર્ગ અને નરક પણ મનની સ્થિતિના આધારે નક્કી થતાં હોય તો, યૌવન તો ફિર ક્યા ચીજ હૈ? યૌવન અને ઘડપણનો નાતો ઉંમર સાથે હોતો જ નથી, એનો નાતો માનવીના મનોવલણ સાથે છે. મન નબળું હોય એવા ત્રીસ વર્ષના બુઢ્ઢાઓ અને મન મજબૂત હોય એવા એંસી વર્ષના યુવાનો સંસારમાં ઠેર-ઠેર જોવા મળે છે. પ્રૌઢ કે વૃદ્ધ થવું ન હોય તો એવા મનથી યુવાન લોકો સાથે સંપર્ક અને સંબંધ જાળવી રાખો.

તોફાન-મસ્તીને તાળાં ન મારો


ઘણા લોકો ૪૫-૫૦ પછી પોતાનાં તોફાન-મસ્તીને તાળાં મારી દેતા હોય છે. ટીખળ-મજાકનાં શટર પાડી દેતા હોય છે. ડાહી-ડાહી વાતો કરવા માંડે છે. જાણે પોતે હવે મંજિલની નજીક પહોંચી ગયા હોય એમ જીવનની ગતિને સ્લો કરી નાખે છે. શા માટે, ભાઈ? આપણે એવો શા અપરાધ કર્યો છે કે આપણા તોફાન-મસ્તી છોડી દઈએ? હળવી મજાક કરવી, થોડીક અશ્લીલલ જૉક કહેવી-સાંભળવી, વિજતીય વ્યક્તિ પ્રત્યે થોડું સહજ અટ્રૅક્શન થવા દેવું, મનગમતી મોજમજા માણવી એ બધું કરવામાં આપણે કાંઈ અભડાઈ નથી જતા. ઠેકડા મારવાનું પૉસિબલ ન હોય તોય થોડી ઊછળ-કૂદ તો કરી જ શકાયને. કોઈને અન્યાય ન થઈ જાય, કોઈની સાથે વિશ્વાસઘાત કે બેવફાઈ ન થઈ જાય એવી સભાનતા સાથે તોફાન-મસ્તી થતાં હોય તો ભલે હો જાય!

વેવલાઈ નહીં, તાલાવેલી કેળવો

કેટલાક લોકો એવા નબળા મનના હોય છે કે યુવાનીને તરત ગુડબાય કરી બેસે છે. સંસ્કારિતા અને ખાનદાનીના વહેમની વેવલાઈમાં તણાયા કરે છે. જો યૌવનને લંબાવવું હોય તો તણાઈ જવાનું છોડો અને તરવાની તાલાવેલી કેળવો. તમે એવા માણસોય જોયા હશે કે યુવાનીમાં ખોટા ઠેકડા મારનારા અને અણઘડ સાહસો કરનારા લોકો પ્રૌઢાવસ્થામાં પ્રવેશતાં જ શાંત થવા માંડે છે. ઠરીઠામ થવા માંડે છે. યુવાનીમાં ભૂલા પડ્યા હતા એટલે પ્રૌઢ વયે પણ ખોટી જ દિશા પકડી લીધી. વિવેક, મર્યાદા અને સંસ્કારિતાનું ઉલ્લંઘન તો યુવાનીમાંય કરવાનું ના હોય. આળસગીરી કરવી, ભટકી ખાવું, ડંફાસો માર્યા કરવી, હવાઈ ખ્વાબોમાં રાચવું, આડેધડ વિજાતીય સંબંધો રાખીને વ્યભિચાર કરવો આ બધાં કોઈ યૌવનનાં ગુણ-લક્ષણો નથી, એ તો અપલક્ષણો છે. જેણે યુવાની આવાં અપલક્ષણોમાં વેડફી હશે, તેણે પાછલી વયે વેવલાઈ કરવી પડશે. સાચી વાત એટલી જ છે કે યૌવનને અકબંધ રાખવા માટે સાચકલી તાલાવેલી જાળવી રાખવી.

વરણાગીવેડાને વળગી રહો

હેર-ડાઇ કરવી, જીન્સ-ટીશર્ટ પહેરવાં, સ્પોર્ટ્સ શૂઝ પહેરવા, લેટેસ્ટ ફૅશનનાં ચશ્માં પહેરવાં, બ્યુટીપાર્લરમાં જવું, નવી ફિલ્મો એન્જૉય કરવી, હીરો-હિરોઇનની વાતો કરવી, ઇન્ટરનેટ સાથે જોડાયેલા રહેવું, મિત્રો-સ્વજનોના સંપર્કમાં રહેવું, મનગમતી ચીજો-વાનગીઓ ખાવી-પીવી, આ બધું કરવામાં કશું પાપ નથી. પાપ તો જૂઠા-લબાડ બનવામાં છે, આડંબર કરવામાં છે, ફૅમિલીમાં જ પક્ષપાત કરવામાં છે. વરણાગીવેડા કરવા એ તો જીવનનું પરમ સદ્ભાગ્ય છે. શરીરને શણગારવું એ જીવનને શણગારવાની શરૂઆત છે. અનુકૂળ આવે એવી એક્સરસાઇઝ કરવી, જૉગિંગ કરવું, ગાર્ડનિંગ કરવું, ગાર્ડનમાં ફરવા જવું, થોડાક પ્રવાસો કરવા - આ બધું કરવાથી વધતી ઉંમરને ભૂલી પણ શકાશે અને છુપાવી પણ શકાશે વધતી ઉંમરના બહાને બેવકૂફી કરીને એદી-પ્રમાદી ન બનવું એ જ સાચી સમજણ છે.

ભક્તિ ઉંમરનો તકાદો નથી


ભક્તિ કરવી એ પણ કાંઈ પાછલી ઉંમરનું અનિવાર્ય કામ નથી. તમને શ્રદ્ધા હોય તો ભલે વ્રત-તપ કરો, આરાધના-ભક્તિ કરો પણ એને ઉંમરની સાથે ન જોડો. હવે તો બસ ભક્તિ કરીશું, ભગવાનનું નામ રટીશું અને ર્તીથયાત્રાઓ કરતાં રહીને મોતની પ્રતીક્ષા કરીશું એવું મનોવલણ ન રાખો. ભક્તિ કરો તો ખુમારીથી અને શ્રદ્ધાથી કરો. ઉંમરનો તકાદો છે એવું સમજીને ન કરો. તમે હવે બીજું કંઈ કરવાને લાયક રહ્યા નથી એમ સમજીને ન કરો. વેવલા-ભગતડા લોકો અલ્ટિમેટલી કોઈ સિદ્ધિ મેળવી શકતા નથી. સિદ્ધિ તો એવા લોકો જ મેળવી જાણે છે જેઓ પોતાની લાઇફને છલોછલ લવ કરે છે. જે પોતાની લાઇફને સાચો લવ નથી કરી શકતો, તેની તો ભક્તિય ડાઉટફુલ જ હોવાની!

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK