લગ્નનો દસકો વીતી ગયા પછી તમે તમારા પાર્ટનરને કેટલી વાર I Love You કહ્યું છે?

Published: 3rd November, 2014 03:24 IST

ઇન્ટરનેટ-બેઝ્ડ એક બ્રિટિશ માર્કેટ રિસર્ચ કંપનીએ તાજેતરમાં કરેલા સર્વે પ્રમાણે લગ્નનાં ૧૦ વર્ષ પછી માત્ર ૩૩ ટકા લોકો જ પોતાના પાર્ટનર સમક્ષ પ્રેમનો એકરાર કરતા હતા. લગ્નનાં વર્ષ વધે એમ શું પ્રેમ ઓછો થાય? અને જો જવાબ ના હોય તો I Love You કહેવાનું કેમ ઓછું થઈ જાય છે? કેટલાંક કપલ્સને આ વિશે પૂછી જોઈએસ્પેશ્યલ સ્ટોરી - રુચિતા શાહ

અરેન્જ્ડ મૅરેજ હોય કે લવ મૅરેજ, લગ્નનાં અમુક વર્ષો પછી પ્રેમનો નશો ઘટી જાય છે અથવા એને વ્યક્ત કરવાનું ઓછું થઈ જાય છે. કપલ પર જવાબદારીઓનું ભારણ વધી જાય છે તો ક્યારેક સમય જતાં અમુક આદતો પરથી પડદો ઊઠતાં તેમને એકબીજાથી ઇરિટેશન થવાનું શરૂ થાય છે. સામાન્ય રીતે જોવા મળતી આ બાબત વિશેનું એક સર્વેક્ષણ એક બ્રિટિશ ફર્મે કર્યું હતું જેના તારણમાં ૩૩ ટકા કપલ ૧૦ વર્ષના લગ્નજીવન પછી એકબીજાને I Love You  ન કહેતાં હોવાનું જણાયું હતું. પાંચમાંથી એક જણનું કહેવું હતું કે આટલાં વર્ષો સાથે રહ્યા પછી તેમના પ્રેમમાં હોવાના તેમના દિવસો પૂરા થઈ ગયા છે. સર્વે મુજબ વધુ સમય સાથે રહેવાને કારણે સંબંધો ઇમોશનલને બદલે વધુ પ્રૅક્ટિકલ થઈ જતા હોય છે. સમયાંતરે આ સંબંધ પ્રેમ અને લાગણીને બદલે સહુલિયત પૂરતો અને અવલંબિત વધુ બની જતો હોય છે. આ પાછળનાં કારણો વિશે કેટલાંક કપલ સાથે વાત કરીએ.

બોલીને એક્સપ્રેસ કરવામાં માનતો નથી

દાદરમાં રહેતાં હિતેશ અને રૂપા પિઠડિયાનાં અરેન્જ્ડ મૅરેજને ૧૦થી વધુ વર્ષ થઈ ગયાં છે. હિતેશભાઈને યાદ નથી તેમણે તેમની વાઇફને છેલ્લે ક્યારે I Love You કહ્યું હતું. તેઓ કહે છે, ‘તમને પ્રેમ હોય તો હોય, એને I Love You કહીને પ્રગટ કરીએ તો જ સાબિત થાય એવું નથી. મને મારી વાઇફ માટે પ્રેમ છે એ માટે હું તેની કૅર કરું છું. ક્યારેક કિચનમાં તેની હેલ્પ કરી લઉં છું. તેને ગમે એવી કેટલીક ડિશ બનાવતાં મેં શીખી લીધું છે. પરંતુ હું તેને I Love You નથી કહેતો. છતાં અમારી વચ્ચે બહુ સારુ બૉન્ડિંગ છે. જોકે બે બાળકો થઈ ગયા પછી જવાબદારીઓ વધી ગઈ છે. એકબીજાને સમય ઓછો આપી શકીએ છીએ. એમાં અમે જૉઇન્ટ ફૅમિલીમાં રહેતાં હોવાને કારણે પણ અમુક મર્યાદા જાળવવી પડે છે.’

બીજી તરફ તેમની વાઇફ રૂપા કહે છે, ‘હું ક્યારેક બોલતી હોઈશ, પરંતુ તેમના મોઢે પ્રેમનો એકરાર બહુ ભાગ્યે સાંભળવા મળે. મારું માનવું છે કે સમય વીતી ગયા પછી પણ સ્ત્રીનો પ્રેમ વધુ ઝિન્દા હોય છે. હસબન્ડ જલદી પોતાની ફીલિંગ્સને એક્સપ્રેસ કરતા નથી.’

ઍનિવર્સરી ટુ ઍનિવર્સરી કહેવાનું થાય

કાંદિવલીમાં રહેતાં ડિમ્પલ અને અમિત સૂચકને સાત વર્ષનો એક બાળક છે. ડિમ્પલ કહે છે, ‘લગ્નનો સમયગાળો જેમ વધે એમ એક મૅચ્યૉરિટી આવતી જાય છે. બાળકનો જન્મ થાય એટલે જવાબદારીઓ પણ વધતી જતી હોય છે. એક સમય હતો જ્યારે એકબીજાના બર્થ ડે માટે અઠવાડિયા પહેલાંથી તૈયારીઓ થતી. હવે તો ૧૨ વાગ્યે વિશ કરવાનું પણ નથી બનતું. બીજે દિવસે સવારે વિશ કરી દઈએ અને પછી ઑફિસ ચાલુ હોય તો ઑફિસ જવાનું અને જો વીક-એન્ડ હોય તો બહાર ફૅમિલી ડિનર થાય. હવે બાળકોના બર્થ ડે મહત્વના થઈ ગયા છે.

I Love You પણ ઍનિવર્સરી ટુ ઍનિવર્સરી કહેવાનું થઈ ગયું છે. ગિફ્ટમાં પણ હવે જરૂરિયાતની કે લેવાની વસ્તુઓ ઍનિવર્સરીના દિવસે લઈ લઈએ છીએ. લવ યુ અને મિસ યુ દૂરની વાત થઈ ગઈ છે.’

ડિમ્પલની વાત સાથે સહમત થતાં અમિતભાઈ કહે છે, ‘શરૂઆતનાં બે વર્ષ ચાલ્યું, પણ પછી રૂટીન થઈ ગયું. છોકરાઓ સામે બોલવાનું રિસ્ટ્રિક્શન આવી જાય. ધીમે-ધીમે આપણી ઇચ્છા હોય તો પણ વાઇફ બાળકમાં એટલી પરોવાયેલી હોય કે આપણી સામે બહુ ધ્યાન ન આપી શકે. રિસ્પૉન્સ ન આપી શકવાને કારણે ઘણી વાર ઓછું થઈ જાય છે. જોકે આ ઇન્ટરવ્યુ પછી હવે ફરી અમે બન્ને પહેલાં જેવાં થવાનો પ્રયાસ ચોક્કસ કરીશું.’

પ્રેમ ઓછો ન થાય, જવાબદારી વધે એનું પરિણામ

પરેલમાં રહેતાં અમિત અને ભારતી વાઢેલનું માનવું છે કે સમય સાથે એકબીજા માટેનો પ્રેમ ઓછો નથી થતો, પણ દુનિયાભરની જવાબદારીઓ આવી જતાં આ બધું ઑટોમૅટિકલી ઓછું થઈ જાય છે. અમિતભાઈ કહે છે, ‘માત્ર હસબન્ડ નહીં, વાઇફ પણ બાળકના આવ્યા પછી અતિશય બિઝી થઈ જતી હોય છે. આખા દિવસમાં માંડ એકબીજા સાથે કલાક-અડધો કલાક વાત થાય. વાતચીતનો સ્કોપ પણ ઘટી જતો હોય છે.’

ભારતીબહેનને પૂછ્યુ કે છેલ્લે તમને અમિતભાઈએ ક્યારે I Love You કહેલું તો તે કહે છે, ‘૧૫ વર્ષ પહેલાં. અમારાં લગ્નને ૧૫ વર્ષ થયાં એ પછી જાણે આવું કહેવાવાનું બંધ થઈ ગયું. હું પણ નથી કહેતી. જોકે એ પછી પણ અમારી વચ્ચે અતિશય પ્રેમ છે. પ્રેમને દર્શાવવા માટે I Love You કહેવું જરૂરી નથી.’

કહના ઝરૂરી હૈ

લગ્નનાં ૧૦ નહીં પણ એથીયે વધુ વર્ષો થઈ જાય તો પણ એકબીજા સમક્ષ આઈ લવ યુ જેવા શબ્દો કહેવાવા જોઈએ એમ જણાવીને સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘શરૂઆતનાં વષોર્માં એકબીજા માટેનું આકર્ષણ અને નવી જિંદગી શરૂ કર્યાનું આકર્ષણ હોય છે. જોકે જેમ-જેમ સમય વીતે એમ એ ઘટતું જાય છે. એની સાથે નવી જવાબદારીઓ વધતી જાય છે જેને લીધે માણસ વધુ ને વધુ રૂટીનમાં ગોઠવાતો જાય જેને કારણે બોરડમ આવવાનું શરૂ થાય. એકબીજાની કમીઓ તરફ ધ્યાન આવે. કપલ વચ્ચે કમ્યુનિકેશન ઘટે અને જે કમ્યુનિકેશન થાય એમાં એકબીજા કરતાં બાળકોની અને પરિવારના અન્ય સભ્યોની વાતો વધારે હોય જે તેમની વચ્ચેના ડિસ્ટન્સને વધારવાનું કામ કરે છે. એટલે જ ભલે ક્યારેક માત્ર કહેવા ખાતર કહેવાતું હોય તો પણ I Love You કહેવું જોઈએ. એ શબ્દોમાં પાવર છે. કેટલીક વાર કહેવાથી પણ જૂના દિવસોના સ્પાર્ક અને સ્પાઇસ લાઇફમાં પાછા લાવી શકાતા હોય છે.’

ઘણા પેરન્ટ્સ બાળક સામે આવું ન બોલાય એમ વિચારીને પણ અવૉઇડ કરતાં હોય છે. જોકે હકીકત એ છે કે બાળકો સામે પણ સોબર વેથી તમે તમારા પાર્ટનર પ્રત્યેનો પ્રેમ એક્સપ્રેસ કરો. એનાથી બાળકમાં પૉઝિટિવ ચેન્જ આવશે. તેને હેપી ફૅમિલીની ફીલ આવશે. તે પણ પોતાનો મા-બાપ માટેનો પ્રેમ એક્સપ્રેસ કરી શકશે. એક્સ્ટ્રા રોમૅન્ટિક થઈને બાળક સામે પાર્ટનરને I Love You ન કહો, પણ નૉર્મલ વેથી કહી દો તો કંઈ ખોટું નથી. ક્યારેક બાળકો સૂઈ ગયા પછી કૉફી પીવા માટે બહાર નીકળો અને માત્ર પોતાની વાત કરો. પરિવાર અને બાળકોની નહીં, પણ એકબીજાની. એકબીજાના મનને સમજવાની ટ્રાય કરો. લૉન્ગ ટર્મ રિલેશનમાં આ બધા નુસખા ખૂબ જરૂરી છે.Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK