લગ્ન પછી વિજાતીય મૈત્રીની જરૂર છે ખરી?

Published: 29th October, 2012 07:01 IST

ક્યારેક તો લગ્ન કરનારી વ્યક્તિને જ પુરુષ કે સ્ત્રીમિત્રની સૌથી વધુ જરૂર હોય છે : જે વાત લાઇફ-પાર્ટનરને નથી કહી શકાતી એ વાત તેને કહી શકાય છેમન્ડે-મંથન - રોહિત શાહ


પોતાની કોઈ પણ ખાનગી વાત ભરપૂર ભરોસાપૂર્વક કહી શકાય એવા વિજાતીય સંબંધથી જ આ સંસાર રળિયામણો બને છે.

જે સમાજમાં બૉયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડને છુપાવી રાખવા પડતાં હોય એ સમાજ રોગી ગણાય.

રાધા-કૃષ્ણને જોઈ લો


ફ્રેન્ડ અલગ છે. ભાઈબંધી કે સહેલીપણાની વાત નથી. ફ્રેન્ડશિપ પણ ઉમદા અને પવિત્ર સંબંધ છે, પરંતુ અહીં વિજાતીય મૈત્રીની વાત આપણે કરી રહ્યા છીએ. હૈયું ખોલીને હળવા થઈ શકાય એવા હૂંફાળા વિજાતીય સંબંધનો મહિમા કરવામાં શ્રીકૃષ્ણના ભક્તોય મોળા પડ્યા છે. રાધા-કૃષ્ણના નામની માળા જપનારો આદમી વિજાતીય મૈત્રી પ્રત્યે ધિક્કાર રાખતો હોય તો સમજવું કે તેની ભક્તિ કેવળ ધતિંગ છે.

આપણા બૉયફ્રેન્ડ સમક્ષ કે આપણી ગર્લફ્રેન્ડ સમક્ષ આપણે કંઈ હંમેશાં રોદણાં જ રડવાનાં નથી હોતાં. આપણને દરેક વખતે કંઈ તેની સહાનુભૂતિની જરૂર નથી હોતી. ક્યારેક તો ભીતરનો ઉમળકો વહેંચવા માટેય એવા હૂંફાળા સંબંધની આપણને ગરજ હોય છે.

જસ્ટ કલ્પના તો કરી જુઓ કે તમે આજે કોઈ સરસ લવસ્ટોરી વાંચી છે અને એના વિશે તમારે કોઈકની સાથે સંવેદના શૅર કરવી છે. એ વખતે તમારી પાસે કોઈ બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ ન હોય ત્યારે કેવું સૂનું-વસમું લાગે છે! ક્યારેક કોઈ પ્રવાસે ગયા હોઈએ... મજાનું હિલ-સ્ટેશન હોય કે મસ્તીભર્યો બીચ હોય... ત્યાંનું સૌંદર્ય માણતી વખતે આપણી આસપાસ આપણું આખું કુટુંબ હોય છતાં કોઈ એક વ્યક્તિની ખોટ પડી જતી હોય એવું લાગે છે. એવી ક્ષણે અંગત પ્રિય વ્યક્તિ આપણી સાથે ન હોવાનો ખેદ થાય છે. તેનું મધુર સ્મરણ આપણા આનંદમાં કાંકરીચાળો કરી જાય છે. એવો ખેદ અનુભવવાનું સુખ સૌ કોઈને નથી મળતું. કોઈકની યાદમાં દુ:ખી થવાનું સદ્ભાગ્ય બધાને નથી મળતું. આપણા એકાંતને ડિસ્ટર્બ કરી શકે એવું એકાદ પાત્ર આપણી પાસે હોય તો આપણે સ્વર્ગ અને મોક્ષ અને વૈકુંઠ અને જન્નતનાં વાહિયાત ખ્વાબ જોવામાં લાઇફની પળો વેડફવાની જરૂર નથી.

અરે, ક્યારેક તો આપણે નવાં કપડાં કે બૂટ-ચંપલ ખરીદતા હોઈએ ત્યારે પણ એ પ્રિય વ્યક્તિને આ ગમશે કે નહીં એનો ખ્યાલ મનમાં સતત રહે છે. ફૅમિલી સાથે કોઈ સારી હોટેલમાં જમવા ગયા હોઈએ ત્યારે ચિત્તમાં એક સંકલ્પ થાય છે કે પેલા પ્રિયજનને લઈને આ હોટેલમાં ફરીથી જરૂર આવીશ.

સુખમાં સાથી

સાવ સાચી વાત છે, આપણને દુ:ખમાં હેલ્પ કરે એવા સંબંધની ગરજ નથી હોતી. દુ:ખમાં હેલ્પ કરનારાં સદાવ્રતો તો ઠેર-ઠેર ચાલે છે. સાર્વજનિક ટ્રસ્ટો અને કેટલીક સંસ્થાઓ પણ રાહતકાર્યો કરે જ છે. આપણને તો એવા રિલેશનની વિશેષ ગરજ હોય છે કે જેની સાથે સુખદ ક્ષણો શૅર કરી શકાય. દુ:ખ વહેંચનારું તો કોઈ પણ અજાણ્યું મળી જશે. તીવþ તરસ લાગી હોય ત્યારે પાણી પાનાર વ્યક્તિ અજાણી હોય તોય તરસ છિપાવી શકાય છે. રેલવેમાં પ્રવાસ કરતી વખતે પણ ઘણા લોકો તકલીફો -દુ:ખો પરસ્પરમાં વહેંચી લે છે, પરંતુ આનંદમાં કોઈ અજાણ્યાને સહભાગી બનાવવાનું નથી ગમતું. એ વખતે તો કોઈ વિજાતીય પ્રિયજન જ જોઈએ.

અનિષ્ટ ક્યારે ગણાય?


બૉયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ એટલે લફરાનો અનિષ્ટ નાતો એવી ગેરસમજ વ્યાપક હોવાને કારણે એ સંબંધની સુગંધ સુધી આપણે નથી પહોંચી શક્યા. માતા અને પુત્રનો સંબંધ પવિત્ર હોય, પિતા અને પુત્રી વચ્ચેનો નાતો જેવો પ્રસન્નતાપ્રેરક હોય એવો વિજાતીય દોસ્તીનો નાતો હોય. એને કુદૃષ્ટિથી જોવો એ પાપ છે. જોકે બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડના બહાને કેટલાંક પાત્રો વલ્ગર ગેરલાભ લેતાં જોવા મળે છે એ પણ સાચું છે. ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડના બૅનર હેઠળ પરસ્પર સાથે વિશ્વાસઘાતનો ખેલ ખેલાતો હોય છે. પરસ્પરની છેતરપિંડી થતી રહે છે. વિજાતીય મૈત્રીની તેમની યાત્રા સેક્સની મંજિલે સમાપ્ત થઈ જાય છે. આવાં દુષ્ટ પાત્રો જ એવા પવિત્ર સંબંધને કલંકિત કરતાં રહે છે.

ભરોસાનો નાતો

આપણે ભાર વગરના ભણતરની વાતો કરીએ છીએ, પરંતુ ભાર વગરના સંબંધની વાત નથી કરતા. આપણે ભગવાન પર ભરોસો કરવા માટે કથા-સપ્તાહો ગોઠવીએ છીએ, પરંતુ ભરોસો મૂકી શકાય એવા સંબંધની માવજત માટે કશું નથી કરતા. જેને જોતાં જ ભીતરમાંથી હજારો ઝરણાં વહી નીકળે, જેની સાથે વાત કરતી વખતે સમયને બે ઘડી થોભી જવાની રિક્વેસ્ટ કરવાનું મન થઈ જાય, જેની વિદાય અંતરને અજંપો કરાવે એવા શુદ્ધ-પરિશુદ્ધ વિજાતીય સંબંધનું અભિવાદન થવું જોઈએ.

પરણેલાં સ્ત્રી-પુરુષોને અન્ય વિજાતીય પાત્ર સાથે કશોય અંગત સંબંધ ન હોવો જોઈએ એવો જડ આગ્રહ શા માટે આપણે માથે ઊંચકીને ફરીએ છીએ? શું પરણેલી વ્યક્તિને પ્રfનો નથી પજવતા? શું પરણેલી વ્યક્તિને સમસ્યાઓ નથી હોતી? શું પરણેલી વ્યક્તિની સંવેદનાઓ શુષ્ક થઈ જાય છે? લાઇફ-પાર્ટનર પોતે જ બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ બની શકે તો એ શ્રેષ્ઠ બાબત છે, પરંતુ મોટા ભાગે તો એવું જ બને છે કે કેટલીક સંવેદનાઓ લાઇફ-પાર્ટનર સાથેય શૅર કરી નથી શકાતી. બન્ને પક્ષે પોતપોતાના અધિકાર હોય છે, પોતપોતાની અપેક્ષાઓ હોય છે અને પોતપોતાની ગેરસમજોય હોય છે. એવાં અસંખ્ય દંપતીઓ છે, જેઓ પોતાની ફીલિંગ્સ કે પોતાની કેટલીક અંગત વાતો લાઇફટાઇમ પરસ્પરને કહેતાં ડરે છે અથવા તો કહેવાનો અર્થ નથી એમ સમજીને કહેવાનું ટાળે છે. આવા સમયે ખરેખર તો પરણેલી વ્યક્તિને જ બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડની હૂંફની સૌથી વધુ આવશ્યકતા હોય છે. જે વાત લાઇફ-પાર્ટનરને નથી કરી શકાતી એ વાત બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડને ખૂબ આસાનીથી કહી શકાય છે.

વિજાતીય સંબંધનો વૈભવ

દરેક સ્ત્રી પાસે એવો એક ખભો હોવો જોઈએ, જ્યાં પોતાની કોઈ પણ વાત ખુલ્લા મનથી કહી શકે. એ જ રીતે દરેક પુરુષ પાસે એવો એક ખૂણો હોવો જોઈએ, જ્યાં તે પોતાના ભીતરને ઉલેચી શકે. જે વ્યક્તિને આટલી સગવડ નથી મળતી તે દિલમાં ને દિલમાં બળ્યાં કરે છે - ગૂંગળાયા કરે છે, તેનું જીવન તેને સંતાપરૂપ લાગે છે. સંસારની દરેક વ્યક્તિ પાસે ચપટી ખાનગી વાત હોય છે, ચપટી ખાનગી ઉમળકો હોય છે અને ચપટી ખાનગી મસ્તી હોય છે. એ બધું વ્યક્ત કરી શકાય એવું પ્રિયપાત્ર સૌએ શોધી લેવું જોઈએ. આપણા દિલમાં કોઈ પાપ ન હોય અને મનમાં કોઈ ગંદકી ન હોય તો ખાનગીમાં આવો એક નાતો જરૂર કેળવી રાખવો જોઈએ. વિજાતીય સંબંધમાં સેક્સ સિવાયનો પણ ઘણો વૈભવ હોય છે, વિજાતીય સંબંધ પણ પારદર્શક હોઈ શકે છે. આ વાત માત્ર એવા લોકો જ સમજી શકશે જેમને ખાનગીમાં એકાદ ખૂણો કે ખભો મળી ગયો હશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK