પિતાના ધંધામાં જોરદાર નુકસાન જતાં દીકરાએ કરી ૨૨૦૦૦ લોકો સાથે ૭૦ લાખની ઑનલાઇન ચીટિંગ

Published: 20th January, 2021 09:26 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

મુંબઈ પોલીસની સાઇબર ક્રાઇમે ૩૨ વર્ષના ગુજરાતીની સુરતથી ધરપકડ કરી

ગુજરાતીની સુરતથી ધરપકડ કરી
ગુજરાતીની સુરતથી ધરપકડ કરી

ઑનલાઇન ખરીદી કરતા ગ્રાહકોને આકર્ષક સ્કીમ આપીને છેતરપિંડી કરવાના આરોપસર મુંબઈ પોલીસના સાઇબર સેલે ગુજરાતના ૩૨ વર્ષના વ્યક્તિની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું હતું કે આશિષ આહિર નામના આરોપીએ દેશભરમાં ૨૨,૦૦૦ લોકો જેમાં મોટા ભાગની મહિલાઓ હતી તેમની સાથે ૭૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે.

પોલીસે જણાવ્યા મુજબ આશિષ આહિરે ‘Shopiiee.com’ નામનું એક શૉપિંગ પૉર્ટલ બનાવ્યું હતું જેમાં મહિલાઓને આકર્ષક કિંમતે ડ્રેસ-મટીરિયલ્સ, ઇમિટેશન જ્વેલરી અને ઘરની જરૂરી ચીજવસ્તુઓ વેચવા મળશે એવો દાવો કર્યો હતો. આની જાહેરાત સોશ્યલ મીડિયા પર કરવામાં આવતી હતી, જ્યાં ગ્રાહકોને આકર્ષક ડિસ્કાઉન્ટ ઑફર કરીને લલચાવવામાં આવતા હતા. જ્યારે ગ્રાહકો ઑનલાઇન લિન્ક્સ પર ક્લિક કરે ત્યારે તેમને ખરીદી કરવા માટે પેમેન્ટ ફર્સ્ટનો ઑપ્શન આવતો હતો. વસ્તુ તદ્દન ઓછા ભાવે દેખાડવામાં આવતી હતી એ જોતાં પૉર્ટલમાં કૅશ ઑન ડિલિવરીનો વિકલ્પ ન હોવાથી મહિલા પેમેન્ટ કરીને ઑનલાઇન ઑર્ડર આપતી હતી.જોકે પેમેન્ટ કર્યા બાદ તેમને કોઈ પ્રકારનો રિસ્પૉન્સ મળતો નહોતો.

સાઇબર સેલના એક અધિકારીએ કહ્યું કે નવેમ્બરમાં અમારી પાસે એક મહિલાની ઑનલાઇન ફરિયાદ આવી હતી જેની અમે ઇન્ક્વાયરી ચાલુ કરી હતી. એ દરમ્યાન અમે ગુજરાતના સુરત શહેરમાં રહેતા આશિષની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેની પાસેના લૅપટૉપમાં તેણે અલગ-અલગ ૧૧ વેબસાઇટ બનાવી હતી. એ વેબસાઇટની મદદથી તે લોકોને છેતરતો હતો. આરોપીની કાર્યપદ્ધતિ એવી હતી કે તે મહિલાઓને ૧૦૦૦થી ૨૦૦૦ રૂપિયા સુધીની વસ્તુઓ ઑનલાઇન વેચતો જેથી લોકો આવી નાની રકમ માટે ફરિયાદ કરવા આગળ આવતા નહોતા. પૂછપરછમાં આરોપીએ કબૂલ કર્યું કે તેણે અત્યાર સુધી આશરે ૨૨,૦૦૦ ગ્રાકો સાથે ૭૦ લાખ રૂપિયાની છેતરપિડી કરી છે.

ડેપ્યુટી પોલીસ કમિશનર (સાઇબર સેલ) રશ્મિ કરંદીકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તપાસ દરમ્યાન અમે આરોપીને ગુજરાતથી શોધી કાઢ્યો હતો, જ્યાં સ્થાનિક પોલીસની મદદથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી લંડનમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યા બાદ સુરતમાં પિતા સાથે વેપાર કરવા આવ્યો હતો, પણ લૉકડાઉન થતાં ધંધામાં ભારે નુકસાની વેઠવી પડી હતી. ત્યાર બાદ આરોપીએ ઑનલાઇન પોર્ટલથી લોકો સાથે છેતરપિંડી કરવાનું શરૂ કર્યું હતું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK