Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમારું ટિમ્બર માપવાની આ ઉત્તમ તક છે

તમારું ટિમ્બર માપવાની આ ઉત્તમ તક છે

21 June, 2020 09:30 AM IST | Mumbai
Kana Bantwa

તમારું ટિમ્બર માપવાની આ ઉત્તમ તક છે

તમારું ટિમ્બર માપવાની આ ઉત્તમ તક છે


લૉકડાઉન પછી જિંદગીની ગાડી જે રીતે પાટે ચડવી જોઈએ એ રીતે ચડી રહી નથી એવું લાગે છે? મોટા ભાગના લોકોને અનુભવાઈ રહ્યું છે કે બધું નૉર્મલ નથી. પહેલાં જેવું નથી. ખાસ કરીને વ્યવસાય અને નોકરીના મોરચે તો નહીં જ. બેરોજગારી વધવાનો ભય નોકરિયાતોને છે અને ધંધો પડી ભાંગવાનો ડર વેપારીઓ-વ્યાવસાયિકોને છે. ચિંતા બધાને છે. જેમની નોકરી સલામત છે તેમને પગારકાપની અને ઇન્ક્રીમેન્ટ નહીં મળવાની ચિંતા છે. જેમનો ધંધો ચાલુ થઈ ગયો છે તેમને ખોટ ભરપાઈ કરવાની અને આગામી સમયમાં ઘટનારા વકરાની ચિંતા છે. બદલાયેલી પરિસ્થિતિમાં વ્યવસાય ટકાવી રાખવાની ચિંતા છે. કોરોનાએ માત્ર લાઇફસ્ટાઈલ નથી બદલી, લાઇફ જ બદલી નાખી છે, કપરી બનાવી દીધી છે. આર્થિક ઉપાર્જન વધુ મુશ્કેલ બની જશે એવો ડર બહુ લોકોને સતાવી રહ્યો છે. નવી પરિસ્થિતિમાં કઈ રીતે ઍડ્જસ્ટ થઈ શકાશે એની ચિંતા સૌથી મોટી છે.

સ્થિતિ ભલે વધુ કપરી બની હોય, બુદ્ધિ હશે તો માર્ગ નીકળશે. સ્કિલ હશે તો કમાણી વધારી પણ શકશો. જોકે બુદ્ધિની વાત આવે ત્યારે પરિસ્થિતિ મહત્ત્વની રહેતી નથી. સફળ માણસ પોતાની સ્કિલ, બુદ્ધિ અને મહેનતને લીધે વિકટ પરિસ્થિતિમાં પણ ડગ્યો નથી, પરિસ્થિતિ સામે લડીને નિષ્ફળતાને દૂર રાખી હોય છે. માત્ર શિક્ષણ કે સારું વાતાવરણ હોય તો જ સફળ થઈ શકાય એવું નથી. પોતાનામાં કેટલું કૌવત છે, કેટલી બુદ્ધિ છે એના પર સફળતા આધાર રાખે છે. ધીમે-ધીમે એવો સમય આવી રહ્યો છે જેમાં ડિગ્રીનું મહત્ત્વ ઘટી રહ્યું છે, આવડતનું વધી રહ્યું છે. ડિગ્રી હવે માત્ર બેઝિક જરૂરિયાત જ બની રહી છે, એથી વિશેષ નહીં. યુનિવર્સિટીઓ દ્વારા અપાતું સર્ટિફિકેટ તમને હવે માત્ર નોકરીમાં એન્ટ્રી આપવાનો માર્ગ જ બતાવે છે, એની ગૅરન્ટી નથી આપતું. જમાનો ક્રીએટિવિટીનો છે, બુદ્ધિનો છે, આવડતનો છે. આ પરિસ્થિતિમાં તક છુપાયેલી છે અને એ તક એવા લોકો માટે છે જેઓ પોતાની અક્કલ પર મુસ્તાક છે, જેને ખુદ પર ભરોસો છે, જેને ખાતરી છે કે પોતે પાટું મારીને પાણી કાઢી શકશે. જેને વિશ્વાસ છે કે પરિસ્થિતિ સામે વિજય મેળવવો અસંભવ નથી એટલે લૉકડાઉન પછીના આ સમયમાં હતોત્સાહ થઈ જવાની જરૂર નથી. ચિંતા કરવાની પણ જરૂર નથી. કશુંક નવું કરવાની, જાતને અજમાવી જોવાની કે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવાની તક મળી છે એને પકડી લેવી જોઈએ. કોઈ ફરક નથી પડતો તમે કેટલું શિક્ષણ લીધું છે અને તમારી પાસે કેટલી ડિગ્રી છે. શિક્ષણ કે કેળવણીથી બુદ્ધિ વિકસતી નથી, માત્ર કેળવાય છે.



મોરનાં ઈંડાં ચીતરવાં પડે? ન પડે. બન્ને બાજુના ઢગલાબંધ દાખલા આપી શકાય. અકબરથી માંડીને ધીરુભાઈ અંબાણી સુધીના લોકોની વાત એવું સાબિત કરી શકે કે અપૂરતું શિક્ષણ મળ્યું હોય તો પણ માણસ પોતાની મૌલિકતા, આગવી સૂઝ, સમજ અને અનુભવના આધારે સફળ થઈ શકે છે. સામે સારું શિક્ષણ મેળવીને સફળ થનાર કૂડીબંધ નામ આપણી જીભે ચડી આવે, પણ બેઝિક પ્રશ્ન એ છે કે કૂવામાં ન હોય તો હવાડામાં આવે ખરું? કાચને ગમે એટલો ઘસો તો પણ એ હીરો બને ખરો? વરુના બચ્ચાને ગમે એટલી કેળવણી આપો તો પણ એ ઘેટું બને ખરું? કે શાણું શિયાળ બને ખરું? તમે સ્કૂલમાં ભણતા હતા એ દિવસોને યાદ કરો. તમારી સાથે તમારા ક્લાસમાં બીજાં ૨૫-૩૦ બાળકો ભણતાં હતાં એ બધાં તમારા જેવી જ નોકરી કે ધંધો કરે છે? તમારા જેટલું કમાય છે? તમારા જેટલી જ સામાજિક પ્રતિષ્ઠા અને મોભો ધરાવે છે? કેટલાક તમારાથી ચડિયાતાં છે અને કેટલાંક ઊતરતાં હશે. શા માટે આવું બન્યું? બધાને એકસરખું શિક્ષણ મળ્યું હતું. તેઓમાંના ઘણાનું સામાજિક અને પારિવારિક બૅકગ્રાઉન્ડ પણ તમને મળતું આવતું હશે એ સમયે, છતાં આવું શા માટે થયું? એ પ્રશ્નનો જવાબ એક જ છે - બુદ્ધિ કોઈના બાપની નથી.


 માત્ર શિક્ષણ મેળવવાથી, કેળવણીથી જ બુદ્ધિ વિકસતી હોત તો કોઈ રાજા કરતાં તેના પુત્ર નબળા સાબિત ન થાત, પણ અવળચંડા ઇતિહાસમાં ઊંધું જ બન્યું છે. અકબર અભણ હતો છતાં તે ‘અકબર ધ ગ્રેટ’ કહેવાયો. વાર્તા અહીં પૂરી નથી થતી, અહીંથી શરૂ થાય છે. અભણ અકબરે પુત્ર નુરુદ્દીન સલીમ જેને આપણે ‘મુગલે આઝમ’ને કારણે શાહજાદા સલીમ તરીકે ઓળખીએ છીએ અને ઇતિહાસકારો અને બાદશાહ જહાંગીર કહે છે તેના શિક્ષણમાં કોઈ કચાશ રહેવા દીધી હશે? માત્ર ચાર વર્ષની વયથી સલીમ અબ્દુલ રહીમ ખાન સહિતના ટોચના શિક્ષકો પાસે શિક્ષણ અપાવ્યું હતું, પણ એ અકબર જેટલો મહાન ન થઈ શક્યો. જે પ્રકારનું શિક્ષણ અને વાતાવરણ મળ્યાં એ પ્રમાણે તો તે વધુ સફળ થવો જોઈતો હતો, જહાંગીરે ન્યાય બાદશાહ તરીકે જેટલું નામ કાઢવું હતું એટલું જ નામ તેના હરમમાં બેગમની સંખ્યા બદલ પણ કાઢ્યું હતું. અનારકલીની વાત તો કદાચ સાચી નહીં હોય, પણ જહાંગીરના હરમમાં ૮૦૦થી વધુ બેગમો હતી. કેમ આવું થયું? અને કેમ આવું થતું રહે છે? પાંડવો અને કૌરવો બન્ને સાથે ભણ્યા છતાં કેમ તદ્દન અલગ બન્યા? ૧૦૫ કુરુઓમાંના તમામ એકબીજાથી અલગ પ્રકારની ક્ષમતા અને નબળાઈ ધરાવતા કેમ બન્યા? નકુલને પણ ગુરુ દ્રોણે તીરંદાજી શીખવી અને અર્જુનને પણ તેમણે જ ધનુર્વિદ્યા શીખવી છતાં કેમ નકુલ તલવારબાજીમાં પારંગત થયો? સહદેવ કેમ જ્યોતિષ વિદ્યામાં માહેર બન્યો? અને પેલો ભીલકુમાર એકલવ્ય ગુરુ દ્રોણને દૂરથી જ ધનુર્વિદ્યા શીખવતા જોઈને આટલું બધું શીખી ગયો? ગાંધીજીના પુત્રો કેમ મહાન ન થયા? દેવદાસ તો સાવ હાથથી ગયો. ગાંધીજીએ પોતે તેને કશી કેળવણી નહીં આપી હોય? જે મહાત્માએ દૂર રહીને લાખો લોકોનાં જીવન બદલી નાખ્યાં તેમની સાથે ઊછરનાર પુત્ર કેમ આડેપાટે ચડી ગયો? જવાબ, આગળ કહ્યું એમ, એક જ છે, બુદ્ધિ કોઈની મોહતાજ નથી. આ બુદ્ધિ શું છે? માત્ર શીખવાની શક્તિ બુદ્ધિ નથી.

આલ્બર્ટ આઇન્સ્ટાઇન ભણવામાં નબળા હતા છતાં તેઓ મહાન વિજ્ઞાની બની શક્યા. પૃથ્વી પર બેઠાં-બેઠાં તેમણે બ્રહ્માંડનો તાગ મેળવ્યો અને E = mc2’ જેવું સૂત્ર આપ્યું જે આજ સુધી અફર રહ્યું છે. તમે વૃક્ષ, છોડ, વેલા, ફૂલોને તો લગભગ રોજ જોતા જ હશો. કોઈ દિવસ પ્રશ્ન થયો છે કે પાંદડાંનો રંગ લીલો જ કેમ હોય છે? ન્યૂટન પહેલાં કેટલા લોકોને પ્રશ્ન થયો તો કે ઝાડ પરથી સફરજન પૃથ્વી પર જ કેમ પડે છે? ક્યારેય પ્રશ્ન થયો છે કે હું કોણ છું અને આ પૃથ્વી પર શા માટે આવ્યો છું? આ પ્રશ્ન જેમને થયો તેઓ બધા મહાન ફિલસૂફ થયા છે. નરેન્દ્રને પ્રશ્ન થયો હતો કે ભગવાન ખરેખર છે ખરો? અને નરેન્દ્રનું જીવન બદલાઈ ગયું અને તેઓ વિવેકાનંદ બની ગયા. તેમને પ્રશ્ન થાય છે તેમનામાં કુતૂહલવૃત્તિ છે, તેમની બુદ્ધિ વિકસે છે. બાળકોમાં સૌથી વધુ કુતૂહલ હોય છે. જે નવું જુએ એના વિશે પ્રશ્ન કરે. જેમ ઉંમર વધતી જાય એમ જ્ઞાનનો ભાર વધતો જાય અને કુતૂહલ ખતમ થતું જાય. બુદ્ધિનો વિકાસ ઘટતો જાય. હવે મૂળ પ્રશ્ન પર આવીએ. કેળવણી-શિક્ષણ વગર કશું જ ન થઈ શકે? થઈ શકે, ઘણું થઈ શકે. બુદ્ધિના વિકાસમાં કેળવણી અમુક અંશે મદદ કરે છે ખરી, શિક્ષણનો સૌથી મોટો ફાયદો અક્ષરજ્ઞાન છે. અક્ષરજ્ઞાન વિશ્વભરના જ્ઞાન તરફની બારી ખોલી નાખે છે. જગતઆખાનું જ્ઞાન મેળવવાનું સાધન મળી જાય છે, પણ દરેક ભણેલો માણસ દુનિયાભરનું જ્ઞાન મેળવવા માટે પુસ્તકો ફેંદી નાખતો નથી.


આજનું શિક્ષણ કેળવણી કહી શકાય એવું નથી, કેળવણી સર્વાંગી હોય, શિક્ષણ સર્વાંગી નથી. અહીં વિદ્યાર્થીઓને કોણ પૂછે છે કે તમને ગણિત ભણવામાં મજા આવે છે કે સંગીત શીખવામાં? તને રસાયણશાસ્ત્રમાં ફાવટ આવે છે કે જીવશાસ્ત્ર ગમે છે? તારી આંગળીઓ શિલ્પ ઘડી શકે એમ છે કે અકાઉન્ટ્સનો ચોપડો ચીતરી શકે એમ છે? બાળકની અનુકૂળતા, તેનો રસ, તેની પ્રતિભાને પારખીને તેને શિક્ષણ આપનારા, અપાવનારા કેટલા? એક જ પ્રકારનો અભ્યાસક્રમ, એક જ પ્રકારની અભ્યાસપદ્ધતિ તુંડે તુંડે મતિર્ભિન્ના ધરાવતાં બધાં જ બાળકો માટે રાખવામાં આવી હોય. ઠોકી બેસાડવાની તેના માથે. અગાઉ ગુરુ દ્રોણનો દાખલો આપ્યો ત્યારે પૂછ્યું હતુંને કે નકુલ અને અર્જુન કેમ અલગ-અલગ વિદ્યામાં પારંગત થયા હતા? ગુરુ દ્રોણે દરેકની ક્ષમતા, રસ અને બુદ્ધિ મુજબની વિદ્યાઓનું શિક્ષણ આપ્યું હતું. નકુલને તલવાર ચલાવતાં શીખવ્યું અને અર્જુનને ધનુર્વિદ્યા. મોરનું ઈંડું મોરપિચ્છના મનોહર રંગ ધરાવતું હોય છે અને આછા રાખોડી રંગનું હોય છે. તો એમાંથી જે મોરલો નીકળે છે એ કેમ રંગબેરંગી હોય છે ? બુદ્ધિનું પણ આવું જ છે. જો બુદ્ધિ હોય તો શિક્ષણ અને કેળવણી ઓછાં મળે તો પણ સફળ થઈ શકાય. જો કૂવામાં જ નહીં હોય તો હવાડામાં નહીં જ આવે, કેળવણી જરૂરી છે પણ બુદ્ધિ કોઈના બાપની નથી.

Whatsapp-channel Whatsapp-channel

21 June, 2020 09:30 AM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK