ચાર દિવસની પાર્ટીલાઇન, હવે કોવિડ-ટેસ્ટ માટે લાઇન

Published: 16th February, 2021 07:51 IST | Rashmin Shah | Ahmedabad

પહેલાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અને એ પછી કચ્છના સંસદસભ્ય વિનોદ ચાવડા તથા પાર્ટીના સંગઠન પ્રધાન ભીખુ દલસાણિયાના કોવિડ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યા પછી ગઈ કાલે બીજેપીના ૧૫૦૦થી વધારે કાર્યકરો અને નેતાઓએ કોવિડ-ટેસ્ટ કરાવી

વિજય રૂપાણી
વિજય રૂપાણી

રવિવારે વડોદરામાં જાહેર સભાને સંબોધતી વખતે લો બ્લડપ્રેશરને કારણે ચક્કર ખાઈને પડી જનારા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો કોરોના-રિપોર્ટ ગઈ કાલે પૉઝિટિવ આવ્યો એ પછી ગુજરાત બીજેપીના નેતાઓ-કાર્યકરોએ કોવિડ-ટેસ્ટની લાંબી લાઇન લગાવી હતી. બીજેપીના ૧૫૦૦થી વધારે કાર્યકરો અને નેતાઓએ ગઈ કાલે કોરોના-ટેસ્ટ કરાવી હતી. આ આંકડો હજી વધે એવી પૂરતી શક્યતા છે.

હકીકત એ છે કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની કોવિડ-ટેસ્ટ પૉઝિટિવ આવ્યા પછી દિલ્હીથી કોર કમિટીમાંથી બીજેપીના તમામ કાર્યકરો અને નેતાઓને કોવિડ-ટેસ્ટ કરાવવાનો ઑર્ડર આવી ગયો હતો. વિજય રૂપાણીની કોરોનાનો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યા પછી કચ્છના સંસદસભ્ય વિનોદ ચાવડા અને પાર્ટીના સંગઠન પ્રધાન ભીખુ દલસાણિયાનો કોવિડ-રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો છે.

ગુજરાતમાં અત્યારે કૉર્પોરેશનના ઇલેક્શનનું કૅમ્પેન ચાલતું હોવાથી અને પહેલી વાર આમ આદમી પાર્ટીએ સ્ટ્રૉન્ગ રીતે દાવેદારી નોંધાવતાં પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે ગુજરાત બીજેપીએ પૂરી તાકાત સાથે ઇલેક્શનમાં લાગવું પડ્યું, જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પોતાની તમામ તાકાત લગાડી દઈને શુક્રવારથી જોરશોરમાં કૅમ્પેન શરૂ કર્યું હતું. બીજેપી પાર્ટીલાઇનમાં ચુસ્તપણે માનતી હોવાથી અને ખુદ મુખ્ય પ્રધાન પોતે કૉર્પોરેશનના ઇલેક્શનના કૅમ્પેનમાં ઊતર્યા હોવાથી અનેક લોકોના સંપર્કમાં તેઓ આવ્યા અને એને કારણે જ ટેન્શન વધ્યું છે.

ગુરુથી રવિની સફર

ગુરુવારથી રવિવાર સુધીમાં વિજયભાઈએ એકલાએ જ અમદાવાદ, ભાવનગર, જામનગર અને વડોદરા શહેરમાં ૭ જાહેર સભા કરી હતી. તો બુધવારે તેમણે ગાંધીનગરમાં બીજેપીની પાર્લમેન્ટરી બોર્ડની મીટિંગ પણ અટેન્ડ કરી હતી. આ પાંચ દિવસ દરમ્યાન વિજયભાઈ જામનગર, ભાવનગર, અમદાવાદ અને વડોદરા કૉર્પોરેશનના તમામ કૅન્ડિડેટ્સના સંપર્કમાં આવ્યા હતા અને સાથોસાથ બીજેપીના ગુજરાત પ્રેસિડન્ટ સી. આર. પાટીલથી લઈને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલ, ગુજરાતના વિધાનસભ્યો પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને જિતુ વાઘાણી સહિત અનેક નેતાઓ, બીજેપીના કાર્યકરો તથા સ્વામીનારાયણ સંપ્રદાયના અનેક સંતોના સંપર્કમાં આવ્યા હતા.

સંપર્કમાં આવનારાઓની સંખ્યા મોટી હોવાથી ખુદ વિજયભાઈએ પણ સૌકોઈને કોવિડ-ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે તો ઇલેક્શનનો ટાઇમ હોવાથી અને આ વખતે હરીફાઈ સ્ટ્રૉન્ગ દેખાતી હોવાથી કોઈ જાતની નવી અડચણ ન આવે એ માટે બીજેપી કોર કમિટીએ પણ વિજયભાઈના સંપર્કમાં આવેલા બીજેપીના કૅન્ડિડેટ અને નેતાઓને કોવિડ-ટેસ્ટ કરાવવાની સૂચના આપી છે.

કોવિડ વચ્ચે પણ કરફ્યુમાં મળી નવી છૂટછાટ

વિજય રૂપાણી કોવિડ પૉઝિટિવ આવ્યા પછી પણ ગઈ કાલે ગુજરાત સરકારે ગુજરાતનાં ચાર શહેરોમાં ચાલી રહેલા કરફ્યુમાં નવી છૂટછાટ આપી હતી અને રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં રાતે ૧૧ વાગ્યા પછી લાગુ પડતા કરફ્યુમાં એક કલાકની ક્લોઝિંગ છૂટ આપીને હવે રાતે ૧૨ વાગ્યા સુધી લોકો બહાર રહી શકે એ માટે પરમિશન આપી છે. હવે આ શહેરોમાં રાતે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુ રહેશે. પાર્ટીના મુખ્ય નેતાને જ કરફ્યુ આવી ગયો હોવાથી એવું ધારવામાં આવતું હતું કે કરફ્યુમાં નવી છૂટછાટ નહીં આપવામાં આવે, પણ ઇલેક્શનને ધ્યાનમાં રાખીને કૅમ્પેન ચરમસીમાએ પહોંચે એ સમયે કરફ્યુ નડે નહીં એવા હેતુથી આ છૂટછાટ આપવામાં આવી હોય એવું માનવામાં આવે છે.

વિજયભાઈ છે હેમખેમ...

લો બ્લડપ્રેશરને કારણે વડોદરામાં ચક્કર આવી જતાં મોડી રાતે વિજયભાઈને અમદાવાદની યુ. એન. મહેતા હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના કાર્ડિયોગ્રામથી લઈને બીજા અનેક રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા અને એ બધા રિપોર્ટ નૉર્મલ આવ્યા હતા. હૉસ્પિટલમાં ઍડ્મિટ હોવાથી સાવચેતી ખાતર વિજયભાઈની કોરોનાની આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવી હતી જે પૉઝિટિવ આવી હતી. જોકે બીજાં કોઈ સિમ્ટમ્સ દેખાતાં ન હોવાથી અને વિજયભાઈને અન્ય કોઈ લાંબી કે પછી અસાધ્ય બીમારી ન હોવાથી આખો દિવસ એકદમ નૉર્મલ પસાર થયો હતો. સાંજે તેમણે હૉસ્પિટલમાંથી થોડું કામ પણ કર્યું હતું. ડૉક્ટરોએ આરામ કરવાની સલાહ આપી હોવાથી અને કોવિડને કારણે ક્વૉરન્ટીન રહેવાનું હોવાથી આ ઇલેક્શનમાં વિજયભાઈ હવે કોઈ કૅમ્પેનમાં જોવા મળે એવી શક્યતા અત્યારે તો નહીંવત્ છે. જોકે વિજયભાઈ વિડિયો-કૉન્ફરન્સથી સ્ટ્રૅટેજી માટે તો સૌકોઈ સાથે જોડાયેલા રહેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK