Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અમેરિકા ભણતા સંતાનોને પાછા બોલાવી લેવા કે નહીં?

અમેરિકા ભણતા સંતાનોને પાછા બોલાવી લેવા કે નહીં?

12 July, 2020 07:12 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

અમેરિકા ભણતા સંતાનોને પાછા બોલાવી લેવા કે નહીં?

અમેરિકા ભણતા સંતાનોને પાછા બોલાવી લેવા કે નહીં?


અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ચાર દિવસ પહેલાં જાહેર કરેલા ફતવાથી આજે દેશના અંદાજે ચાર લાખ સ્ટુડન્ટના મનમાં અનેક સવાલો સાથે મૂંઝવણનો ઢગલો થઈ ગયો છે તો તેમના પેરન્ટ્સ સામે પણ અઢળક કન્ફ્યુઝન ઊભું થયું છે. હાર્વર્ડ યુનિવર્સિટીએ અમેરિકન ગવર્નમેન્ટનો ઑર્ડર કોર્ટમાં પડકારીને કન્ફ્યુઝન વધારવાનું કામ કર્યું છે ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે કરવું શું એ બાબત પર પ્રકાશ પાડવાનું કામ વિઝા એક્સપર્ટ્સ કરે છે.

કિસ્સો પહેલો



નાલાસોપારામાં રહેતા અને રેડીમેડ ગાર્મેન્ટ્સની કંપનીમાં સેલ્સમૅનની જૉબ કરતા સુરેશ શાહ આજે ચાલીસ વર્ષ પછી પણ ઘરનું ઘર લઈ શક્યા નથી. તેમણે બધાં સપનાં પોતાના દીકરા દીપ પર આધારિત રાખ્યાં છે. દીપને તેમણે અમેરિકા ભણવા મોકલ્યો છે. દીપને અમેરિકા મોકલવા માટે સુરેશભાઈએ પિસ્તાલીસ લાખ રૂપિયાની લોન લીધી છે. જૉબના કારણે દરરોજ સો કિલોમીટરથી વધારે ટ્રાવેલિંગ કરવું પડતું હોવા છતાં પણ સુરેશભાઈ હેરાનગતિ સહન કરવા રાજી છે, કારણ કે તે ધારે છે કે દીકરો અમેરિકામાં ભણીને ત્યાં સેટલ થઈ જશે તો પાછલી જિંદગી સ્વર્ગ જેવી ગુજરશે. નિવૃત્તિ પછી સ્વર્ગની જિંદગીની અપેક્ષા રાખતા સુરેશભાઈને છેલ્લા ચાર દિવસથી ઊંઘ નથી આવતી. સુરેશભાઈની ઊંઘ ટ્રમ્પે હરામ કરી નાખી છે.


સુરેશભાઈ કહે છે, ‘દીકરાને વાત કરીએ છીએ તો તે અમને ત્યાંનું બધું સમજાવે છે. ખબર નથી પડતી કે તે કહે છે એ સાચું કે પછી અહીં પેપરમાં જે આવે છે એ સાચું! તેને ત્યાં રહેવા દેવામાં હિત છે કે પછી તે પાછો આવી જાય એમાં લાભ છે?’

કિસ્સો બીજો


અમદાવાદમાં રહેતા કિશોર પટેલે દીકરાને અમેરિકા ભણવા મોકલ્યો, જેના માટે તેમણે સ્ટુડન્ટ લોનમાં મૉર્ગેજ તરીકે પોતાનું ઘર મૂક્યું. અમેરિકા ગયાને માંડ ચાર મહિના થયા ત્યાં કોરોનાના કારણે દીકરાએ હૉસ્ટેલ ખાલી કરીને અપાર્ટમેન્ટમાં ભાડે રહેવા જવું પડ્યું એટલે કિશોરભાઈના નિયમિત ખર્ચમાં હજાર ડૉલરનો (અંદાજે પંચોતેર હજાર રૂપિયા) વધારો આવી ગયો. લૉકડાઉનના કારણે ધંધા બંધ, ઈએમઆઇનું ટેન્શન, મૉર્ગેજ પડેલા ઘરનું માનસિક પ્રેશર અને એમાં આ નવો પોણો લાખનો ખર્ચ. હરિઇચ્છા માનીને કિશોરભાઈએ એ ખર્ચને પણ વધાવી લીધો અને તો પણ મંગળવારે કિશોરભાઈની બેચેની વધી ગઈ. ટ્રમ્પ સ્ટુડન્ટ વિઝા પર આવેલા જગતભરના સ્ટુડન્ટને દેશમાંથી કાઢવાનો ફતવો જાહેર કરીને બેઠો એમાં બ્લડપ્રેશર કિશોરભાઈનું વધી ગયું.

કિશોરભાઈ કહે છે, ‘કહેવાનું પણ શું આમાં, કોરોનાને લીધે દુનિયા આખી ઊંધીચત્તી થઈ ગઈ છે એટલે બધું કબૂલ પણ સ્પષ્ટતા તો હોવી જોઈ કે અમારા છોકરા પાછા આવી જાય પછી એને પાછા અમેરિકા જવા મળશે કે નહીં અને મળશે તો ક્યારે મળશે?’

ચિંતા સૌકોઈની

કિશોરભાઈ જેવા સવાલ હજારો માબાપના મનમાં છે અને સેંકડો માબાપની ઊંઘ સુરેશભાઈની જેમ ટ્રમ્પના કારણે અત્યારે હરામ થઈ ગઈ છે. એક અંદાજ મુજબ અત્યારે દેશના ચાર લાખ સ્ટુડન્ટ અમેરિકામાં ભણે છે. આ ચાર લાખ સ્ટુડન્ટ ઉપરાંત અમેરિકામાં બીજા સાડાસાત લાખ સ્ટુડન્ટ બીજા દેશોમાંથી ભણવા આવ્યા છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે મંગળવારે અનાઉન્સ કર્યું કે જે યુનિવર્સિટી અત્યારે ઑનલાઇન એજ્યુકેશન પ્રોવાઇડ કરે છે એ યુનિવર્સિટી અને કૉલેજના સ્ટુડન્ટ્સે અમેરિકામાં રહેવું નહીં અને પોતાના દેશ પાછા જઈને ત્યાંથી ઑનલાઇન સ્ટડી કરવો. ટ્રમ્પના આ નિર્ણયની સીધી અસર જગતના સાડાઅગિયાર લાખ સ્ટુડન્ટ્સ પર પડવાની છે. તમને જાણીને નવાઈ લાગશે પણ એક હકીકત એ પણ છે કે આફ્રિકા, સિંગાપોર, હૉન્ગકૉન્ગ અને આરબ એમિરેટ્સના સ્ટુડન્ટ્સે ઑલરેડી આ નિર્ણય સ્વીકારી લીધો અને તેમણે પાછા જવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી. દુબઈમાં રહેતાં અને મૂળ અમદાવાદનાં ક્રિષ્ના સોનીનો દીકરો કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં ભણે છે. યુનિવર્સિટી અમેરિકા છોડવાનું કોઈ પ્રેશર નહીં કરતી હોવા છતાં ક્રિષ્નાબહેને પોતાના દીકરા યશને પાછો બોલાવી લીધો છે. ક્રિષ્નાબહેન કહે છે, ‘યશ આવવા રાજી નહોતો અને યુનિવર્સિટીએ એને મેઇલ પણ કરી કે તમે લોકો અહીં જ રહેજો, પણ ગવર્નમેન્ટના રૂલ્સને ફૉલો કરવા જોઈએ એવું મને લાગે છે એટલે અમે યશ પાસે પણ એ જ રૂલ ફૉલો કરાવ્યો છે.’

આવું મોટા ભાગના પેરન્ટ્સ ઇચ્છે છે પણ રૂલ ફૉલો કરાવવા માટે કેટલીક વાતની ક્લૅરિટી હોવી જોઈએ, જે આપવામાં ક્યાંક ને ક્યાંક અમેરિકન ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ અને SEVIS એટલે કે સ્ટુડન્ટ ઍન્ડ એક્સચેન્જ વિઝિટર ઇન્ફર્મેશન સિસ્ટમ નિષ્ફળ નીવડી છે અને એટલે જ અત્યારે ટ્રમ્પે લીધેલો ડિસિઝન ક્યાંક ને ક્યાંક ફતવા જેવો લાગી રહ્યો છે. દેશના જાણીતા વિઝા કન્સલ્ટન્ટ ડૉ. સુધીર શાહ કહે છે, ‘માત્ર સ્ટુડન્ટ જ નહીં, પેરન્ટ્સને પણ મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. સ્ટુડન્ટ આવી સિચુએશનમાં નીકળી જાય તો તેને મળેલા સ્ટુડન્ટ વિઝા ચાલશે કે નહીં એ મોટી મૂંઝવણ છે. છ-આઠ મહિને રેગ્યુલર યુનિવર્સિટી શરૂ થઈ ગઈ તો એવા સમયે પાછા જતી વખતે નવેસરથી વિઝા લેવાના કે નહીં એની પણ સ્પષ્‍ટતા કરવામાં નથી આવી. આ બન્ને સ્પષ્ટતા સૌથી અગત્યની છે અને એ જ્યાં સુધી કરવામાં નહીં આવે ત્યાં સુધી અનેક કન્ફ્યુઝન અકબંધ રહેશે.’

નાચ નચાવે નારાયણ

અમેરિકામાં ભણતા સ્ટુડન્ટ્સમાંથી સિત્તેર ટકા સ્ટુડન્ટ્સના પેરન્ટ્સ ત્યાંના એજ્યુકેશન અને ત્યાંની એજ્યુકેશન સિસ્ટમ વિશે વધારે માહિતગાર નથી, જેને લીધે અત્યારે બન્યું છે એવું કે તેમને જે સ્ટુડન્ટ કહે છે એ જ વાતને તે સાચી માને છે અને બીજા દિવસે ન્યુઝપેપરમાં કોઈ ભળતીસળતી વાત જ આવીને સામે ઊભી રહે છે એટલે કન્ફ્યુઝનનો ઓવરડોઝ થાય છે. વાત બિલકુલ ખોટી નથી. જેણે ક્યારેય અમેરિકા જોયું નથી કે અમેરિકા વિશે જાણ્યું નથી એવા પેરન્ટ્સ તો સંતાનની વાતને સાચી માનીને નિરાંતે ઘરમાં બેસી રહે છે, પણ વાસ્તવિકતા જુદી છે.

વિઝા કન્સલ્ટન્ટ ડૉ. સુધીર શાહ કહે છે, ‘મને મોટા ભાગના સ્ટુડન્ટના પેરન્ટ્સ એક સવાલ પૂછે છે, અત્યારના આવા સમયમાં અમારે શું કરવું જોઈએ? મારો સીધો અને સરળ જવાબ છે. જો એજ્યુકેશનમાં બેચાર મહિના બાકી હોય તો જ ત્યાં સ્ટુડન્ટને રાખવો જોઈએ, બાકી સ્ટુડન્ટને પાછો બોલાવી લેવો જોઈએ. તે માનશે નહીં, જાતજાતના બચાવ કરશે અને બીજી બધી આર્ગ્યુમેન્ટ પણ કરશે પણ સીધો હિસાબ રાખવાનો, બેચાર કે પછી વધી-વધીને છ મહિનાનું એજ્યુકેશન બાકી રહ્યું હોય તો જ તેને ત્યાં રોકાવાની પરમિશન આપવી.’

આ જવાબ પણ હવામાં નથી, આના માટે પણ તર્કબદ્ધતા છે અને આ તર્કબદ્ધતાની આજે સૌકોઈને તાતી જરૂર છે.

‘ભવિષ્યને જોઈને જ સંતાનને ભણવા માટે મોકલ્યાં છે પણ અત્યારે ભવિષ્ય જ ધૂંધળું છે ત્યારે તમે જૂનાં સપનાઓને જોઈને બેસી ન રહી શકો. નવા પ્રશ્નને જોવા માટે નજર પણ નવી કેળવવી પડે. જો એ કેળવી શકાય તો જ પ્રશ્નોનું નિરાકરણ થાય.’

ડૉ. સુધીર શાહની વાતમાં જરા પણ અતિશિયોક્તિ નથી.

સ્ટડી ફ્રૉમ હોમને લીધે અમેરિકાની યુનિવર્સિટીએ કૉલેજ બંધ કરી દીધી છે અને કૉલેજની સાથોસાથ હૉસ્ટેલ કૅમ્પસ પણ ખાલી કરી નખાવવામાં આવ્યા છે, જેને લીધે હવે સ્ટુડન્ટ પાસે બે જ ઑપ્શન છે. કાં તો કોઈ સગાંવહાલાંને ત્યાં રહે અને કાં તો અપાર્ટમેન્ટ ભાડે રાખીને રહે. આ બન્ને ખર્ચાળ છે. અમેરિકામાં સગાં સગાં હોય છે, વહાલાં નથી હોતાં. પાંચ-પંદર દિવસથી વધારે કોઈ તમારે ત્યાં રોકાય તો એ તમને કહેતાં ખચકાય નહીં કે તમારે ઘરના ખર્ચમાં ઉપયોગી થવું પડશે. અત્યારે તો વાતાવરણ પણ વધારે ખરાબ છે. લોકોની નોકરીઓ ગઈ છે, બેકારી વધી છે. એવા સમયે તો ઘરમાં એક નવો માણસ આવે એ ઇન્ડિયામાં પણ સ્વીકારી ન શકાતું હોય તો એ તો અમેરિકા છે, એ લોકો તો કોઈ કાળે આ વાત સ્વીકારી શકવાના નથી. કહેવાનો ભાવાર્થ એ જ કે હૉસ્ટેલ બંધ છે એવા સમયે તમારે ખર્ચ વધવાનો છે. એક આડવાત પણ સમજવાની છે. કૉલેજ અને હૉસ્ટેલ કૅમ્પસ બંધ છે એટલે લાઇબ્રેરીથી માંડીને બીજા કોઈ ડિપાર્ટમેન્ટનો પણ ઉપયોગ સ્ટુડન્ટ કરી નથી શકવાનો એટલે તે બિલકુલ પોતાના લૅપટૉપ પર જ ભણવાનો છે. જો લૅપટૉપ જ પાઠશાળા હોય તો પછી અમેરિકામાં રહેવાની આવશ્યકતા રહેતી નથી.

અમેરિકામાં સ્ટુડન્ટને ન રહેવા દેવો જોઈએ એ દિશામાં વિચારતા કરે એવી બીજી વાત, આજનું પૅન્ડેમિક વાતાવરણ. કોરોનાએ અમેરિકાની હાલત કફોડી કરી નાખી છે. સ્ટુડન્ટ ત્યાં એકલો રહેતો હોય એવા સમયે જો કોવિડ-19ને કારણે કંઈ પણ એવું બન્યું તો ન તો તેને અહીં આવવા દેવામાં આવશે કે ન તો તમને ત્યાં જવા મળશે. અમદાવાદના વિઝા કન્સલ્ટન્ટ જનક મહેતા કહે છે, ‘કોઈએ ભૂલવું નહીં કે અત્યારે જે કંઈ બની રહ્યું છે એવું અગાઉ ક્યારેય બન્યું નથી એટલે આજની સિચુએશનની સાથે અગાઉના એક્સ્પીરિયન્સ પણ કામ લાગવાના નથી. બેટર છે કે એક જ વાત ફૉલો કરવામાં આવે, જાન હૈ તો જહાન હૈ.’

સ્ટુડન્ટને પાછા બોલાવવાનું ત્રીજું કારણ અમેરિકાની બેકારી છે.

મોટા ભાગના સ્ટુડન્ટ્સ એવું માનતા હોય છે કે અમેરિકામાં જૉબ કરીને તે ડૉલર કમાશે અને યંગ એજમાં જ બે પાંદડે થઈ જશે, પણ કોવિડના કાળમાં એવું બનવાનું નથી કારણ કે, અમેરિકામાં નોકરીનાં સાંસાં પડવાનાં છે. અમેરિકન પોતે જ્યારે બેકાર છે ત્યારે પહેલો પ્રેફરન્સ તેને આપવાનો છે અને એ માટે તો ટ્રમ્પ ગવર્નમેન્ટે પોતે પણ ‘બાય અમેરિકન, હાયર અમેરિકન’નું સ્લોગન આપી દીધું છે. આ અનાઉન્સમેન્ટ પછી અમેરિકન ગવર્નમેન્ટ સામે ગૂગલના સુંદર પિચાઈએ સ્ટેટમેન્ટ પણ કર્યું અને ઇન્ડિયનની જૉબ ચાલુ રહે એ માટે પ્રયાસ પણ કર્યો, પણ અમેરિકન ગવર્નમેન્ટ કે ડોનલ્ડ ટ્રમ્પ, બેમાંથી કોઈ ટસના મસ નથી થયા. તમે જો લેટેસ્ટ આંકડાઓ ગૂગલ કરશો તો ખબર પડશે કે ગૂગલે છેલ્લા ત્રણ મહિનામાં જે કોઈ જૉબ આપી એમાંથી ૯૨ ટકા અમેરિકનને પ્રેફરન્સ મળ્યો છે. ડૉ. સુધીર શાહ કહે છે, ‘નિયમો અને રૂલ્સની બાબતમાં અમેરિકન બહુ પર્ટિક્યુલર છે. તે લોકલને જૉબ આપવાનું પસંદ કરશે. જે કંપની લોકલ અમેરિકનને જૉબ નહીં આપે તેની સામે ગવર્નમેન્ટના જાતજાતના બાયસ છે, કંપનીએ એનો સામનો કરવો પડશે અને એ માટે કોઈ કંપની તૈયાર થવાની નથી.’

આટલું જ નહીં, લીગલી ગેરવાજબી કહેવાય એવી રીતે જૉબ કોઈને આપી પણ દેવામાં આવી તો એના માટે ચેકિંગ મોટા પાયે થશે અને એ સમયે જે કોઈ પકડાશે તેને વ્યક્તિગત ફાઇન પણ થશે અને અમેરિકી કંપની સામે પણ પગલાં લેવાશે. આ સિવાયનાં પણ કેટલાંક અન્ય કારણો છે જે કારણોસર જો ભણવામાં બેચાર મહિના કે પછી મૅક્સિમમ છ મહિના બાકી હોય તો જ સ્ટુડન્ટને અમેરિકામાં રહેવા દેવો જોઈએ એવું તમામ વિઝા કન્સલ્ટન્ટનું દૃઢપણે માનવું છે.

હાર્વર્ડ યુનિવર્સિટીની ચૅલેન્જ

અમેરિકી ગવર્નમેન્ટે જાહેર કરેલા નિર્ણય સામે હાર્વર્ડ યુનિવર્સિટીએ અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં કેસ ફાઇલ કરીને બિનરહીશ અમેરિકી સ્ટુડન્ટને પાછા નહીં મોકલવાની અપીલ કરી છે. બહારથી આવતા અમેરિકન સ્ટુડન્ટ્સ અમેરિકી ઇકૉનૉમી પર બહુ મોટો હોલ્ડ ધરાવે છે. ૨૦૧૮ના ફાઇનૅન્શિયલ વર્ષમાં ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટ્સ થકી ૪પ બિલ્યન ડૉલર અમેરિકામાં આવ્યા હતા, જે આ વર્ષે ૬૦ બિલ્યન ડૉલરે પહોંચે એમ છે. હાર્વર્ડ યુનિવર્સિટીએ અમેરિકન ગવર્નમેન્ટને કોર્ટમાં લઈ જઈને એવો પ્રશ્ન કર્યો છે કે ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટ્સને પાછા મોકલવાનો એક અર્થ એવો પણ થાય છે કે અમેરિકી સરકાર તેની સંભાળ રાખી શકે એમ નથી. હાર્વર્ડનો દાવો છે કે કોવિડ-19ને કારણે પાછા ગયેલા સ્ટુડન્ટ્સને કારણે એટલી નેગેટિવિટી ફેલાશે કે અમેરિકાની એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીને ફરીથી પગભર થવામાં બીજાં પાંચથી સાત વર્ષ લાગી જશે.

અમેરિકન ગવર્નમેન્ટ પાસે પોતાના જવાબો છે, જે પૈકીનો સૌથી મહત્ત્વનો જવાબ એ છે કે ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટ પાછાં મોકલવાથી અમેરિકાની સોલ-લાયેબિલિટી ઘટી રહી છે, જે અત્યારના તબક્કે બહુ જરૂરી છે. ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટ ઑનલાઇન એજ્યુકેશન પર ફોકસ આપવાને બદલે આ સમયમાં વેકેશન માણે છે, જેને લીધે કોવિડ-19ના કમ્યુનિટી ટ્રાન્સમિશનનો રેશિયો એકધારો વધી રહ્યો છે.

ઇન્ટરનૅશનલ અફેર્સ અને અમેરિકન લૉમાં એક્સપર્ટાઇઝેશન ધરાવતા મોટા ભાગના બિગ શૉટ્સનું માનવું છે કે અમેરિકન ગવર્નમેન્ટ અને હાર્વર્ડ યુનિવર્સિટી બન્નેની કેસ જીતવાની શક્યતા ફિફ્ટી-ફિફ્ટી છે અને જ્યારે ગવર્નમેન્ટ તમારી સામે હોય અને ચાન્સિસ ફિફ્ટી-ફિફ્ટી હોય એવા સમયે જીતવાનો એક પર્સન્ટ ચાન્સ ગવર્નમેન્ટનો વધતો હોય છે.

ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડે પણ આ જ સ્ટેપ લીધું

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાંથી ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટને પાછા મોકલી દેવાનો નિર્ણય લીધો ત્યારે જગત આખું ટ્રમ્પને ઉતારી પાડવામાં બિઝી થઈ ગયું હતું પણ ટ્રમ્પની અનાઉન્સમેન્ટના બે જ દિવસમાં ઑસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર સ્કૉટ મૉરિસને પણ અનાઉન્સ કર્યું કે ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટ તેમના દેશ પાછા જાય. સ્કૉટ મૉરિસને સ્પષ્ટતા સાથે કહ્યું કે આજના આ પૅન્ડેમિકમાં અમારી પહેલી ફરજ અમારી કન્ટ્રીને હેલ્પ કરવાની છે અને અમે એ કરવા માગીએ છીએ. ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટને અમે હેલ્પ કરી શકીએ એમ નથી એટલે તે પાછા જાય. ઑસ્ટ્રેલિયાએ આ આદેશ આપતાં પહેલાં અનેક સ્પષ્ટતા કરી છે એ પણ એટલું જ સાચું છે, જે કરવામાં અમેરિકા ફ્લૉપ ગયું છે.

અત્યારે ન્યુ ઝીલૅન્ડ પણ આ જ દિશામાં વિચારી રહ્યું છે. કોરોના-ફ્રી થયા પછી ન્યુ ઝીલૅન્ડમાં ફરીથી કોરોના-સંક્રમણ શરૂ થતાં ન્યુ ઝીલૅન્ડ પણ ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટને પાછા મોકલવાના મૂડમાં છે. ન્યુ ઝીલૅન્ડના વિચારો અને ઑસ્ટ્રેલિયાએ કરેલા અમલના પગલે હવે ડોનલ્ડ ટ્રમ્પનો નિર્ણય માત્ર તઘલખી હોય એવું નથી લાગતું.

ડિગ્રી વૅલ્યુ ઝીરો...

આ પૅન્ડેમિકમાં અમેરિકામાં ભણીને બહાર આવેલા સ્ટુડન્ટની ડિગ્રીની ઇન્ટરનૅશનલ માર્કેટમાં વૅલ્યુ પહેલાં જેવી નહીં રહે એવું મોટા ભાગના વિઝા-કન્સલ્ટન્ટ અને માર્કેટિંગ એક્સપર્ટ્સનું માનવું છે. અમેરિકાનું એજ્યુકેશન એની પ્રૅક્ટિકલ સિસ્ટમના કારણે પૉપ્યુલર છે, જે ઑનલાઇન એજ્યુકેશનમાં થિયરિકલ બની ગયું છે. ઑનલાઇન તમે કેવી રીતે પ્રૅક્ટિકલ એજ્યુકેશન લઈ શકો? અશક્ય છે અને એટલે જ આ પૅન્ડેમિકમાં અમેરિકામાં એજ્યુકેશન લેનારા કે ડિગ્રી લઈને ઇન્ટરનૅશનલ કંપનીમાં જૉબ લેવા માગતા લોકોને એ સમયે નિરાશા મળે એવી શક્યતા વધારે છે. ડૉ. સુધીર શાહ કહે છે, ‘આ રિયલિટીને તમે ચેન્જ ન કરી શકો એટલે આવા સમયે ખોટું જોખમ લઈને સ્ટુડન્ટને લાંબો સમય ત્યાં અટકાવીને રાખવા હું હિતાવહ નથી માનતો.’

હવે જેને ભણવા જવું હોય તેણે કરવું શું?

આ વર્ષે જે ઍડ્મિશન લેવા માગતા હતા તેણે હવે પ્રોસીજર કરવી જોઈએ કે નહીં?

આ પ્રશ્ન સેંકડો સ્ટુડન્ટના મનમાં સતત સતાવી રહ્યો છે, પણ એનો જવાબ છે ના. કશું કરવાનું નહીં. જો ઍડ્મિશનની પ્રોસીજર કરી અને ઍડ્મિશન મળી પણ ગયું તો તમારે તરત જ ફી ભરવી પડશે અને એક વખત ફી ભરી દીધી તો મોટા ભાગની યુનિવર્સિટી એ પાછી નહીં આપે અને ધારો કે ફી ભરી દીધી તો ઇમિગ્રેશન વિઝા નહીં આપે. કન્ફર્મ છે આ વાત એટલે આવી ભૂલ કરવી નહીં. બીજી વાત, આ એક વર્ષ એટલે કે ૨૦૨૦ તો કોઈ કાળે ફૉરેન ભણવા જઈ શકાય એવું કોઈ વિઝા-કન્સલ્ટન્ટને લાગતું નથી એટલે આ વર્ષે એ દિશામાં કામ કરવાને બદલે ફૉરેન સ્ટડી કરવા માટે જે કમ્પલ્સરી છે એ એક્ઝામનું પ્રિપેરેશન કરો તો સાથોસાથ ફ્રેન્ચ, સ્પૅનિશ જેવી એકાદ ઇન્ટરનૅશનલ લૅન્ગ્વેજ શીખીને તમારા ઇમિગ્રેશનની પ્રોસીજરને મજબૂત કરો અને ખાસ તો અંગ્રેજી શીખો. આપણા સ્ટુડન્ટ્સ કામચલાઉ અંગ્રેજી શીખવા સિવાય બીજું કંઈ કરતા નથી પણ હવે જ્યારે પણ ઇમિગ્રેશન ખૂલશે ત્યારે ત્યાં પણ લાંબી લાઇન લાગશે. એ લાંબી લાઇનમાં તમારો નંબર પહેલાં આવે એના માટે તમારે જ તમને અપડેટ કરવાના છે અને આ એ અપડેશનનો બેસ્ટ સમય છે.

જો એજ્યુકેશનમાં બેચાર મહિના બાકી હોય તો જ ત્યાં સ્ટુડન્ટને રાખવો જોઈએ, બાકી સ્ટુડન્ટને પાછો બોલાવી લેવો જોઈએ. તે માનશે નહીં, જાતજાતના બચાવ કરશે અને બીજી બધી આર્ગ્યુમેન્ટ પણ કરશે પણ સીધો હિસાબ રાખવાનો, બેચાર કે પછી વધી-વધીને છ મહિનાનું એજ્યુકેશન બાકી રહ્યું હોય તો જ તેને ત્યાં રોકાવાની પરમિશન આપવી.

- ડૉ. સુધીર શાહ, જાણીતા વિઝા એક્સપર્ટ

Whatsapp-channel Whatsapp-channel

12 July, 2020 07:12 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK