સ્ક્રીન નામનો જાદુઈ આઇનો તમને ગળી ગયો છે

Published: 25th October, 2020 18:54 IST | Kana Bantwa | Mumbai

મોબાઇલનો પડદો માણસો વચ્ચેનો લોખંડી પડદો બની ગયો છેઃ કોરોના પછી માણસ સ્ક્રીનનો મોહતાજ બની ગયો છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

પુરાતન સમયમાં એક જાદુગર પાસે એક અદ્ભુત આઇનો હતો. સામાન્ય અરીસો નહોતો, એ તો માયાવી આઇનો હતો. એ આઇનામાં જેકોઈ પોતાનું પ્રતિબિંબ જુએ તે મોહિત થઈ જાય એવું પ્રતિબિંબ બતાવે. જે સુંદરતા હોય નહીં એ સુંદરતા એમાં દેખાય. પોતાના ચહેરા માટે સુંદરતાની કલ્પના કરી હોય એ કલ્પના આઇનામાં તાદૃશ થાય. કલ્પના કરતાં પણ સુંદર કરી દેખાડે. માત્ર આટલો જ જાદુ નહોતો એ આઇનામાં. એટલું જ તિલસ્મ હોત તો એ આઇનાની આખી દુનિયા દીવાની ન હોત. માયાવી આઇનાની સૌથી મોટી ખૂબી એ હતી કે જે આ આઇનામાં જુએ તે ભાન ભૂલી જાય અને એ જાણે જાદુથી ખેંચાતો હોય એમ તે આઇના તરફ ખેંચાય અને એમાં પ્રવેશી જાય, ગરકાવ થઈ જાય, એમાં ખોવાઈ જાય. આઇનો તેને ગળી જાય. આઇનામાં પ્રવેશેલો માણસ પછી ક્યારેય બહાર આવે નહીં. આઇનો લોકોને ગળી જતો હોવાથી રાજાએ એ જાદુગરને પકડ્યો, તેનો આઇનો ખૂંચવી લીધો અને સાત સમુંદરના ઊંડાણમાં આઇનાને ફેંકાવી દીધો. સદીઓ પછી એ આઇનો માણસ જાતને ફરીથી મળી આવ્યો છે, એનું નવું નામ હવે મોબાઇલ ફોન છે.

  જ્યારે નવું-નવું લૉકડાઉન લદાયું હતું ત્યારે કેવાં-કેવાં સપનાં જોયાં હતાં; પરિવાર સાથે સમય ગાળીશું, પર્સનલ શોખ પૂરા કરીશું, સહોદરો સાથે ધિંગામસ્તી કરીશું, બાળકો સાથે મન ભરીને રમીશું, કશુંક નવું ક્રીએટિવ કરીશું વગેરે વગેરે વગેરે... અમુકે આમાંનાં થોડાં સપનાં પૂરાં કર્યાં પણ ખરાં. મોટા ભાગના મોબાઇલના આશ્રિત બની ગયા. ખાલી સમયમાં સ્ક્રીન જ સહારો છે એમ માનીને એમાં ડૂબતા ગયા.

  આપણું મનોરંજન કહો, કામ કહો કે વ્યસ્ત રહેવાનું સાધન કહો કે કનેક્ટેડ રહેવાનો ઉપાય કહો એ બધું જ માત્ર અને માત્ર સ્ક્રીન પર જ અવલંબિત થઈ ગયું છે. સ્ક્રીન જીવનનો પર્યાય બની ગયો છે; મોબાઇલની સ્ક્રીન, લૅપટૉપની સ્ક્રીન કે ટીવીની સ્ક્રીન એ સિવાય કશું રહ્યું જ નથી જાણે. ઘરની બહાર નીકળવાથી જ જોખમની શરૂઆત થતી હોય ત્યારે આવું થવું સ્વાભાવિક છે, પણ આ સ્થિતિએ પહોંચવું એ પણ જોખમ છે. મોબાઇલનો પડદો જ જીવન સાફલ્ય નથી. કોરોના તો જતો રહેશે, આપણે સ્ક્રીનથી મુક્ત નહીં થઈ શકીએ. કોરોનાની અન્ય અસરો તો કદાચ મહામારી દૂર થતાં જતી રહેશે, પણ સ્ક્રીનના અવલંબનની અસર રહી જશે અને એ કદાચ સૌથી વધુ નુકસાનકર્તા હશે. આજની પેઢી મોબાઇલ પેઢી છે એ સાચુ, મોબાઇલ ફોનની ઉપયોગિતા ગજબ છે એ પણ સાચું, એણે માનવજીવન બદલી નાખ્યું છે એ વાસ્તવિકતા પણ સર આંખો પર, પરંતુ એના વળગણને કોરોનાએ બૂસ્ટ કર્યું એનાથી જે નુકસાન થઈ રહ્યું છે એ ધ્યાનમાં લીધું છે મી લૉર્ડ? આપણા સંબંધો સ્ક્રીનને મોહતાજ થઈ ગયા છે. આપણી ઉષ્મા ટચ સ્ક્રીનના ઠંડા સ્પર્શથી જ પ્રદર્શિત થઈ શકે છે. સ્ક્રીન વગર નોધારા થઈ જઈએ આપણે. સ્પર્શની, હૂંફની ભાષા ભૂલી જશે માણસ જો આવી જ પરિસ્થિતિ વધુ ચાલી તો.

  જીવનની તમામ એવી ચીજો સ્ક્રીનમાં આવી ગઈ છે જે તમને આનંદિત, જીવંત, ચેતનવંતા, લાગણીશીલ, સક્રિય, વ્યસ્ત, કાર્યરત, તરોતાજા, સશક્ત ઊર્જાવાન રાખતી હતી. મિત્રો સાથેની ગોષ્ઠિ સ્ક્રીનમાં આવી ગઈ છે. હવે મિત્રોને મળવા માટે બહાર જવાની જરૂર નથી. મોઢામોઢ મળવાની જરૂર નથી. પ્રિયજન સાથેની વાતો સ્ક્રીનથી થાય. એમાં શબ્દો સાથે ઇમોજી, મીમ્સ, જીઆઇએફ, પિક્સ અને વિડિયોઝ ભળે એટલે પ્રિય પાત્ર સાથેની વાતનો રોમાંચ કંઈક અલગ જ ઊંચાઈ પર પહોંચે. શબ્દોથી વાત કરવાનો કંટાળો આવે તો વાણીનો ઉપયોગ થાય. એમાંયે જરા ઓછું લાગે તો વિડિયોકૉલની સુવિધા છે જ. સિનેમા જોવા માટે હવે થિયેટર હૉલ સુધી જવાની જરૂર નથી. ઓટીટી પ્લૅટફૉર્મ્સ એટલાં ઉપલબ્ધ છે કે સિનેમાઘર હવે ભૂતકાળ બની ગયાં છે. માહિતી મેળવવી હોય તો હવે પુસ્તક વાંચવાની જરૂર નથી. વેબ પર બધું જ ઉપલબ્ધ છે. એક માગો ત્યાં કરોડ પેજ ખૂલી જાય, જાણે સિમ સિમ કહેતાં જ અલીબાબાનો ખજાનો ખૂલી જાય. ભણવા માટે તો સ્ક્રીન જ અત્યારે એકમાત્ર સાધન છે. આર્થિક વ્યવહારો માટે બૅન્કમાં જવાની જરૂર નથી, બૅન્ક મોબાઇલમાં આવી ગઈ છે. નોકરી કરવા માટે હવે ઑફિસ સુધી લાંબા થવાની જરૂર નથી. વર્ક ફ્રૉમ હોમ કરો, એયને ઘરે બેઠાં-બેઠાં મોજથી. નહીં તૈયાર થવાની ઝંઝટ કે નહીં ફૉર્મલ કપડાં પહેરવાની, શૂ પૉલિશ કરવાની જરૂર કે નહીં ટ્રાફિકમાં રઘવાયા બનીને દોડવાની જરૂર.

  આમાંનું કેટલુંય બહુ ઉપયોગી છે. મોબાઇલ ક્રાન્તિ ન આવી હોત તો કદાચ લૉકડાઉનમાં માણસ નકામો થઈ ગયો હોત, જડ થઈ ગયો હોત. આટલો સસ્તો ડેટા ન હોત તો લૉકડાઉન દુ:સ્વપ્ન બની ગયું હોત. આ બધું સાચું, પણ જીવનના તમામ રસનું સ્ક્રીન થકી જ પાન થઈ શકે ખરું? લાગણીઓ, ઉષ્મા, હૂંફ, પ્રેમ, લગાવ, કાળજી, સાંત્વના, સધિયારો આ બધું સ્ક્રીનથી સંભવ છે? કેટલી હદે સંભવ છે? કોઈ મિત્ર દુખી હોય અને તેની બાજુમાં બેસીને ખભે હાથ મૂકીને કહીએ કે ‘બધું સારું થઈ જશે, ચિંતા ન કર, હું બેઠો છું’માં જે ભાવ આવે, જે નિકટતા વર્તાય એ સ્ક્રીનમાં આનાથી પણ વધુ સારા શબ્દો વાપરવાથી આવશે ખરું? પ્રિય પાત્રનો હાથ પકડીને બેસવાથી જે તદ્રુપતા આવે એ સ્ક્રીનમાં ‘હગ યુ’ કહીને ભેટવાનાં ઇમોજી મોકલવાથી આવશે ખરી? એની આંખમાં આંખ પરોવીને જોવાથી જે લાગણી વ્યક્ત થાય એ સ્ક્રીનમાં કરોડો શબ્દો લખવાથી કે વિડિયો-કૉલમાં તેની આંખોમાં ડૂબવાથી વ્યક્ત થશે ખરી? ભાઈ-ભાંડુ, માતા-પિતા, સંતાનો આ બધાં સાથેના સંબંધો વ્યક્તિગત મિલનથી પાંગરે છે, જીવંત રહી શકે છે. મોબાઇલની સ્ક્રીન ગમે એટલી આવશ્યક હોય, અંતે તો એ નિર્જીવ મશીન જ છે. સ્ક્રીન નામનોએ પડદો માણસો વચ્ચેનો લોખંડી પડદો બની ગયો છે.

  તમે ક્યારેય તમારો સ્ક્રીન-ટાઇમ માપ્યો છે? લગભગ દરેક સારા સ્માર્ટફોનમાં સ્ક્રીન-ટાઇમ માપવાની વ્યવસ્થા હોય છે અને ન હોય તો એ માટેની અઢળક ઍપ ઉપલબ્ધ છે. સ્ક્રીન-ટાઇમ માપતા રહેવું જોઈએ જેથી ખબર પડે કે તમે મોબાઇલ પર કેટલો સમય ગાળો છો, રાધર, વેડફો છો. કઈ ઍપ પર તમે વધુ સમય વિતાવો છો, કેટલી વખત કઈ ઍપની મુલાકાત લો છો, કેટલી વખત તમે તમારો ફોન હાથમાં લો છો, લૉક ખોલો છો, કોની સાથે વધુ વાત કરો છો અને કોની સાથે ઓછી એ તમામ વિગતો સ્ક્રીન-ટાઇમથી મળી શકે છે. તમે જો સ્ક્રીન-ટાઇમ માપશો તો આશ્ચર્ય થશે કે તમે ધારતા હતા એના કરતાં બહુ જ વધુ સમય મોબાઇલ પર ગાળો છો. આપણે એ સ્વીકારી નથી શકતા કે મોબાઇલ પર આપણે મોટા ભાગનો સમય નૉન-પ્રોડક્ટિવ બાબતો પાછળ ગાળીએ છીએ. મનોરંજન નૉન-પ્રોડક્ટિવ નથી, પણ મનોરંજન સિવાયની ચીજો પાછળ અને મનોરંજનના નામે બિનઉત્પાદક, નકામી, ફાલતુ વસ્તુઓ પાછળ આપણે કેટલો સમય વેડફી નાખીએ છીએ. સ્ક્રીન તમને ગળી રહી છે. એ તમને ગ્રસી રહી છે. એનો ઉપયોગ કરો, ગુલામી નહીં.

  સારું-ખરાબ, દુ:ખ-સુખ, આનંદ-પીડા તમામ માટે સ્ક્રીન જ છે. તમારા મૂળ વ્યક્તિત્વને છુપાવવાનો એક ગજબ પડદો છે આ મોબાઇલ પડદો. એ તમને ઇચ્છો એવા અવતારમાં ઢાળવાની મોકળાશ આપે છે. તમે જે નથી એ તમે દેખાઈ શકો છો. જેટલા સુંદર નથી એટલા સુંદર રજૂ થઈ શકો છો, જાતને છેતરી શકો છો. અંતે તો તમે તમારી જાતને પણ એ સ્ક્રીનના અવતાર જેવી જ માનવા માંડશો. તમે વાસ્તવિક તમને ઓળખતા જ નહીં હો. આ સ્થિતિ આવશે, બહુ દૂર નથી.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK