Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કેવો હશે તમારો હવે પછીનો ડાઇનિંગ એક્સ્પીરિયન્સ?

કેવો હશે તમારો હવે પછીનો ડાઇનિંગ એક્સ્પીરિયન્સ?

07 June, 2020 09:23 PM IST | Mumbai
Mihir Shah

કેવો હશે તમારો હવે પછીનો ડાઇનિંગ એક્સ્પીરિયન્સ?

કેવો હશે તમારો હવે પછીનો ડાઇનિંગ એક્સ્પીરિયન્સ?


માર્ચ મહિનાના બીજા વીકથી મુંબઈમાં રેસ્ટોરાં, બાર અને પબ્સ બંધ છે અને લગભગ ત્રણ મહિના થવા આવ્યા છે ત્યારે નાની હોય કે મોટી દરેક રેસ્ટોરાંની કમર પર જબરો આર્થિક ફટકો પડ્યો છે. ભારતમાં અન્ય સ્થળોએ ચોક્કસ નિયમો સાથે રેસ્ટોરાં ખૂલવાની પરવાનગી મળી ગઈ છે ત્યારે હજી પણ મુંબઈની ફૂડ-ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય ધૂંધળું છે. કેટલીક રેસ્ટોરાંઓએ ડિલિવરી શરૂ કરી દીધી છે, પરંતુ હજીયે તમે ફૅમિલી સાથે રેસ્ટોરાંમાં જમવા જઈ શકો એમ નથી. ચાલો આજે જાણીએ મુંબઈમાં રેસ્ટોરાં ખૂલશે ત્યારે તમારા સ્વાગત માટે કેવી-કેવી તૈયારી કરી રહ્યા છે રેસ્ટોરન્ટિયર્સ?

એક સમય હતો કે વીકમાં એક વાર તો બહાર જમવા જવાનું થતું જ, જ્યારે આજે રેસ્ટોરાંનું ખાવાનું ખાધે મુંબઈગરાઓને મહિનાઓ વીતી ગયા. લિટરલી જાણે કોરોનાકાળ પહેલાંનો સમય પણ હવે તો બહુ જૂનો થઈ ગયો હોય એવું લાગે છે. પહેલાં જ્યારે જસ્ટ ૨૧ દિવસ માટે રેસ્ટોરાં બંધ રહેશે એવું જાહેર થયેલું ત્યારે હજીયે ફરીથી બેઠા થવાશે એવી હામ અનેક રેસ્ટોરાંઓમાં જોવા મળતી હતી, પરંતુ લગભગ અઢી-પોણાત્રણ મહિનાના બંધે નાની-મોટી તમામ ઇટરીઝનું આર્થિક ગણિત બગાડી નાખ્યું છે. હવે શરૂઆત થશે ત્યારે પણ અનેક રિસ્ટ્રિક્શન્સ અને નિયમોનું પાલન કરવું જરૂરી છે. ફ્રાન્સની એક સર્વે કંપનીએ ઓવરઑલ ફૂડ અને હૉસ્પિટલિટી ઇન્ડસ્ટ્રીને કોરોનાકાળને કારણે આ વર્ષે લગભગ ૨૩ ટકા જેટલું નુકસાન થશે એવો અંદાજ બાંધ્યો છે.



ટૂંક સમયમાં જ રેસ્ટોરાં ખૂલવાની પરવાનગી મળે એવું લાગે છે ત્યારે કંઈકેટલીય ઇટરીઝ હાલમાં ફરીથી કામકાજ શરૂ કરવા સજ્જ નથી અને એનાં અનેક કારણ છે. લગભગ ૩ રેસ્ટોરાંના માલિક એવા એક રેસ્ટોરન્ટિયરે નામ ન આપવાની શરતે કહ્યું કે ‘ભલે જૂન મહિનામાં સરકાર દ્વારા છૂટ મળે, પરંતુ અમે વરસાદની સીઝન ન જાય ત્યાં સુધી ફરીથી રેસ્ટોરાં શરૂ કરવાના મતના નથી. એનું કારણ એ છે કે અત્યારે ખર્ચો પોસાય એમ જ નથી.’


ફૂડ-ઇન્ડસ્ટ્રીઝમાં બદલાયેલા વહેણમાં એક નવો ટ્રેન્ડ મૉલ્સમાંની મોટી રેસ્ટોરાંઓ શટડાઉન થઈ જાય એવું લાગે છે. ચેઇન રેસ્ટોરાંઓ ધરાવતાં અનેક આઉટલેટ્સ મૉલ અને મોટાં કૉમ્પ્લેક્સમાંનાં આઉટલેટ્સ ઘટાડીને મેઇન રોડ પરના ડાયરેક્ટ ઍક્સેસ ધરાવતા કૉમ્પ્લેક્સમાં ખસેડવાનું વિચારી રહ્યા છે. નૅશનલ રેસ્ટોરાં અસોસિએશન ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ અનુરાગ કટિયારનું કહેવું છે કે દિલ્હી અને મુંબઈમાં ડાઇનિંગ હબ હજી ગંભીર રીતે પ્રભાવિત થયેલાં હોવાથી હજી એકાદ મહિના સુધી વધુ રેસ્ટોરાં ખૂલે એવું લાગતું નથી અને એનાં અનેક કારણો છે. એક તો દુકાનો અને જગ્યાના ઊંચાં ભાડાં અને બીજી તરફ સ્ટાફની અછત. અનેક લોકો શહેર છોડીને વતનભેગા થઈ ગયા હોવાથી રેસ્ટોરાંમાં શેફને મદદ કરતા રસોઈયાઓ, વેઇટર્સ તેમ જ હાઉસકીપિંગ જેવા સ્ટાફની અછત રહેવાની છે જેને કારણે નૉર્મલ કામગીરી શરૂ કરવામાં મુશ્કેલી થશે.

એમ છતાં દુનિયાભરનાં કેટલાંક કૅફે અને રેસ્ટોરાંએ આ પડકારજનક સમયમાં પણ હામ છોડી નથી. સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સૅનિટાઇઝેશનની અનોખી રીત દ્વારા તેઓ બને એટલા ઝડપથી ફરીથી રેસ્ટોરાંને ધમધમતી કરવાની તરકીબ લઈને તૈયાર છે. સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે ફ્રાન્સ, જર્મની અને ‌બ્રિટનની રેસ્ટોરાંએ સામેની સીટ પર સૉફ્ટ ટૉય પાન્ડા, સુંદર અને સેક્સી દેખાતાં મૅનિકિન્સ અને ટેબલ ફરતે તંબુ જેવા પ્લાસ્ટિકના શીલ્ડ જેવી સુવિધા શરૂ કરી છે. સર્વ કરવા માટે ઘણે ઠેકાણે રોબો પણ લૉન્ચ કરવામાં આવ્યા છે. મોટા ભાગની રેસ્ટોરાં હવે ડિજિટલ મેન્યૂ તૈયાર કરી રહી છે જેને કારણે ક્યુઆર કોડ સ્કૅન કરતાં તમારા મોબાઇલમાં જ ડાયરેક્ટ મેન્યૂ આવી જાય એવી સુવિધા છે. મુંબઈના જ કૅફે મદ્રાસની એક તસવીર સોશ્યલ મીડિયામાં ફરે છે જેમાં ચાર જણના ટેબલને પ્લાસ્ટિકની ટ્રાન્સપરન્ટ તક્તી દ્વારા સોશ્યલ ડિસ્ટન્સિંગ ઊભું કરવામાં આવ્યું છે. દરેક રેસ્ટોરાંમાં પ્રવેશતાં જ સૅનિટાઇઝરથી હાથ સાફ કરવાનું કમ્પલ્સરી છે. અનેક જગ્યાએ ટૉવેલને બદલે જાડા ટિશ્યુ રિપ્લેસ કરવામાં આવ્યા છે. ડાઇનિંગ એરિયામાં જ નહીં, કિચનમાં પણ સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમ બનાવવામાં આવ્યા છે જેનું રેસ્ટોરાંના માલિકે કડક પાલન કરવાનું રહે છે.


ફૂડ-ઇન્ડસ્ટ્રીના માંધાતાઓ કોરોના મહામારી સામે સાવધાનીનાં પગલાં લેવા તેમની રેસ્ટોરાં અને આઉટલેટ્સમાં શું કરવા જઈ રહ્યા છે એ તેમની પાસેથી જ જાણીએ.

ડિજિટલ મેન્યૂ કમ્પલ્સરી

સાઉથ એશિયા અને મેરિયટ ઇન્ટરનૅશનલનાં માર્કેટિંગ-હેડ ખુશનુમા કાપડિયાનું કહેવું છે કે બે ટેબલ વચ્ચેનું અંતર વધારવામાં આવશે અને ડિજિટલ મેન્યૂ કમ્પલ્સરી કરવામાં આવશે. લાઇવ કાઉન્ટર્સ વધારવામાં આવશે અને બુફે માટે એક નાનકડું સેટઅપ રાખવામાં આવશે. સ્ટાફ કાઉન્ટર પાછળથી મહેમાનોને ફૂડ સર્વ કરશે, જેનાથી ડાયરેક્ટ કૉન્ટૅક્ટ ટાળી શકાય. ડિલિવરી તેમ જ કેટરિંગ સર્વિસ દ્વારા નાનામોટા પ્રસંગો પર ખાસ ધ્યાન આપવામાં આવશે.

બુફે તો દૂર-દૂર સુધી ભૂલી જાઓ

ભારત અને વિદેશમાં બેસ્ટ યુરોપિયન ક્વિઝીન અને બેસ્ટ સાઉથ ઇન્ડિયન ક્વિઝીન માટે જેને અનેક અવૉર્ડથી નવાજવામાં આવ્યા છે એવા શેફ પ્રશાંત ટીકડિયાનું કહેવું છે કે ‘અમે બધા જ બારમાંથી લાંબા પાયાનાં ટેબલ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થાય એ માટે કાઢી નાખ્યાં છે. બધાં જ કિચન અને સર્વિસિંગ વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સિંગનું કડક રીતે પાલન કરવામાં આવશે અને મોટાં ટેબલને બેથી ચાર ભાગમાં પ્લાસ્ટિકનાં હરતાફરતાં ડિવાઇડર દ્વારા વિભાજિત કરવામાં આવશે. આમ આપણે આ પદ્ધતિના અમલ પર ખાસ કામ કરવું પડશે અને બુફે તો ભવિષ્યમાં બહુ દૂરની વાત હશે.’

વ્યક્તિથી લઈને વસ્તુ બધાનું સેનિટાઇઝેશન અને સીટિંગ અરેન્જમેન્ટમાં બદલાવ

ભારતના સૌથી સફળ રેસ્ટોરાંના માલિક ઝોરાવર કાલરા જેઓ ફર્ઝી કૅફે, મસાલા લાઇબ્રેરી, પા પા યા તેમ જ બીજી અનેક સફળ રેસ્ટોરાંના માલિક છે તેમનું કહેવું છે કે અમે સીટિંગ-અરેન્જમેન્ટમાં ફેરફાર કરીશું. એ ઉપરાંત સ્ટાફને રેગ્યુલર બેઝીસ પર ટ્રેઇન કરીને લિમિટેડ સ્ટાફમાં કામ ચાલે એવું આયોજન કરીશું જેથી કિચનમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થાય. કિચનમાં પ્રવેશતી વ્યક્તિથી લઈને દરેક ચીજનું યોગ્ય સૅનિટાઇઝેશન થાય એવી પ્રોસેસ અમે તૈયાર કરી છે.  

કૅબિન ટાઇપ પાર્ટિશન બનાવાશે

બાંદરાથી આઉટ ઑફ ધ બ્લુ રેસ્ટોરાંના ડિરેક્ટર રાહુલ બજાજનું કહેવું છે કે ‘અમે નાનાં-નાનાં કૅબિન-ટાપ પાર્ટિશન ગોઠવેલી બેઠકો બનાવવાનું વિચારીએ છીએ જેથી સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ શકે તેમ જ એલેટ પાર્કિંગથી કોઈ વાઇરસથી ગ્રસિત વ્યક્તિ અંદર પ્રવેશી ન જાય અને નિયમનો ભંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ડાયાબેટિક અને હેલ્થ-કૉન્સિયસ લોકો માટે ખાસ શુગર કિટો કેક આ લૉકડાઉનમાં તૈયાર કરવામાં આવી છે તેમ જ રાતે ડિનરમાં લોકોની ઇમ્યુનિટી સ્ટ્રૉન્ગ બને એવું કોમ્બો મીલ અફૉર્ડેબલ રેટ પર ઉપલબ્ધ થાય અને ઇમ્યુન સિસ્ટમ પણ સ્ટ્રૉન્ગ થાય એના પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

ડિજિટલ પેમેન્ટ મસ્ટ

કોરોના-સંક્રમણમમાં કરન્સી નોટ્સ પર એક મોટું માધ્યમ બની શકે છે એટલે સ્ટારબક્સના ડિરેક્ટર નવીન ગુરનાનીનું કહેવું છે કે ‘અમે ૮ શહેરોમાં અમારા સ્ટોર્સ દ્વારા ડિલિવરી ચાર ફુટની દૂરીથી કરવાનું શરૂ કર્યું છે તેમ જ ‘સ્વાઇપ અપ યૉર ઑન કાર્ડ’ કન્સેપ્ટ એટલે ગ્રાહક પોતાનું કાર્ડ કાઉન્ટર પર પોતે જ સ્વાઇપ કરે તેમ જ સ્ટારબક્સની ઍપ અથવા યુપીઆઇ દ્વારા પેમેન્ટ કરે અને કાઉન્ટર પર પ્રવેશતાં જ પોતાના હાથ સૅનિટાઇઝ કરે. આમ સ્ટાફ તથા ગ્રાહકોની સેફ્ટીનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે.’

કૅશલેસ કન્સેપ્ટ અપનાવવાનો દાવો કરતાં માય ફ્રૉયલન્ડ ડેઝર્ટના ફાઉન્ડર અવિનાશ દોલવાણી કહે છે કે ‘અમે ૧૦૦ ટકા કૅશલેસ ટ્રાન્ઝૅક્શન એટલે કે ટ્રાન્ઝૅક્શન વાયા કાર્ડ્સ અથવા બીજાં પેમેન્ટ ઍપ દ્વારા થાય એના પર વિશેષ ધ્યાન આપ્યું છે. અમારાં તમામ ૧૪ આઉટલેટ્સ ‘ગો કૅશલેસ’ અપનાવનારી એકમાત્ર ઇન્ડિયન ડેઝર્ટ બ્રૅન્ડ છીએ.’

ગ્લવ્સ, માસ્ક અને સાફસફાઈ

અંધેરીની ફેમસ વેજિટેરિયન રેસ્ટોરાંનાં માલિક અમોલિકા સાવંતનું કહેવું છે કે ‘સ્ટાફની દરેક વ્યક્તિ માટે માસ્ક તેમ જ હૅન્ડ-ગ્લવ્ઝ પહેરવું ફરજિયાત રહેશે. દર ૧૫ મિનિટે તેમનું ટેમ્પરેચર માપવામાં આવશે અને દર ૧૫ મિનિટે સાફસફાઈ કરવામાં આવશે તેમ જ દરેક ટેબલ, પેમેન્ટ કાઉન્ટર અને ઓપન કિચન પાસે પ્લેક્સ ગ્લાસનાં ડિવાઇડર લગાવવામાં આવશે જેથી કોઈ પણ પ્રકાર છાંટાના કૉન્ટૅક્ટમાં આવતાં બચી શકીએ તેમ જ સ્ટેટ ગવર્નમેન્ટ અને FSSAIની સોશ્યલ ડિસ્ટન્સિંગ ઑફિશ્યલ ગાઇડલાઇન્સ અમે પાળીશું.’

સાઉથ મુંબઈના મસાલા-એ-સ્કના

માસ્ટરમાઇન્ડ મા-દીકરા નસરીન નવાની અને રુશૈલની જોડીએ થોડા મુદ્દા શૅર કર્યા. તેમનું કહેવું છે કે ‘સાઉથ મુંબઈમાં અમારું એકમાત્ર ડિલિવરી કિચન હતું જેને બે દિવસ બાદ કરતાં પૂરા લૉકડાઉન દરમ્યાન લૉકડાઉનમાં ફસાઈ ગયેલા તેમ જ પોતાનું જમવાનું જાતે ન બનાવી શકતા લોકોને એકથી બે વસ્તુને બાદ કરતાં કોઈ પણ જાતનો ભાવવધારો કર્યા વગર ફૂડની ડિલિવરી પૂરી પાડી હતી. અમે વી-ફાસ્ટ ઍપ (We-fast app) સાથે ટાઇઅપ કર્યું હતું. આ ઍપ ઘણી સગવડભરી છે અને એ આખા મુંબઈમાં ડિલિવરી પૂરી પાડે છે. ખાસ કરીને જેમને લૉકડાઉન દરમ્યાન પોતાનાં સગાંસંબંધી કે મિત્રોને ઝૂમ પર કે વૉટ્સઍપ-કૉલ પર મળીને અમારું ફૂડ પોતાના ઘરે મગાવીને બર્થ-ડે કે ઍનિવર્સરી ઊજવી એન્જૉય કરી શકે છે. અમે ડિલિવરીમાં માત્ર પેપરબૉક્સ વાપરીએ છીએ અને ઢાંકણ માટે એક્સ્ટ્રા લેયરથી પૅક કરીએ છીએ જેથી લીકેજનો ડર ન રહે તેમ જ સૅનિટાઇઝેશન ઉપરાંત સ્ટ્રિક્ટલી સ્ટાફનું સમય-સમયે થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર માપવામાં આવે છે જે ખૂબ જરૂરી છે.’

DIY કુકિંગ કિટ

નૅશનલ રેસ્ટોરાં અસોસિએશન ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અને ‘સ્મૉક હાઉઝ ડેલી’ના ઑનર રિયાઝ અમલાનીનું કહેવું છે કે અમે હમણાં અમારા ગ્રાહકો માટે સ્પેશ્યલ DIY કિટ તૈયાર કરવાનું કામ કરી રહ્યા છીએ, જેમાં અમે હાફ કૂક્ડ ફૂડ સાથે એ બનાવવાની સામગ્રી અને રેસિપી સાથે મોકલીશું જેથી ગ્રાહકો આ ‘ડૂ ઇટ યૉર સેલ્ફ’ - DIY દ્વારા તેમના કુકિંગની કળાને બહાર લાવી શકે. અમને આશા છે કે પરિસ્થિતિ જલદી નૉર્મલ થઈ જશે. જોકે આપણે સોશ્યલ સિસ્ટન્સિંગનું ધ્યાન તો રાખવું જ પડશે.

થોરના છોડવાળા સ્ટૅચ્યુ મૂકવાનો પ્લાન

‘સરદારજી’ રેસ્ટોરાં ચેઇનના મલિક રજનીશ કાલરા દ્વારા એક રસપ્રદ વસ્તુ જાણવા મળી છે કે તેઓ મિની થોરના છોડ પકડેલા સરદારજીના સ્ટૅચ્યુ મૂકશે જે લોકોને સોશ્યલ ડિસ્ટન્સિંગની યાદ અપાવતું રહેશે તેમ જ મોટી લાકડાની ટ્રેમાં ડિશ મૂકવામાં આવશે જેથી બધા પોતપોતાની ડિશ જાતે લઈ શકશે. આમ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન પણ થઈ શકે. અમારી પ્રાયૉરિટી સ્ટાફ તેમ જ ગ્રાહકોની સેફટી હશે, પૈસા તો પછી પણ કમાઈ લઈશું.’

ફાઇબરની પારદર્શક શીટ

ઝવેરીબજારમાં આવેલી કે. ભગત તારાચંદના માલિક રમેશ ખેમચંદનું કહેવું છે કે અમે દરેક ટેબલ પર ફાઇબરની પારદર્શક શીટનાં પાર્ટિશન લગાવીશું. દરેક સીટને સ્ટીમ આયર્ન દ્વારા ડિસઇન્ફેક્ટ કરવામાં આવશે તેમ જ ડિશ, ક્રૉકરી, ચમચી, ફૉર્ક્સ વગેરે યુ-વી લાઇટ દ્વારા ડિસઇન્ફેક્ટ કરવામાં આવશે.

પોર્ટેબલ પાર્ટિશન અને ક્યુઆર કોડ દ્વારા કૉન્ટેક્ટલેસ ડાઇનિંગ

જુહુની ધ પાર્ક હોટેલ્સના જનરલ મૅનેજર શાહરોમ ઓસ્ટોરીનું કહેવું છે કે અમે સેન્સર-બેઝ્‍ડ કૉન્ટેક્ટલેસ સૅનિટાઇઝરનો ઑર્ડર આપ્યો છે અને ગ્રાહકોને પણ આસાની રહેશે. ક્યુઆર કોડ જરૂરી રહેશે, જે કસ્ટમરને ડાયરેક્ટ શેફને ઇન્ટરફેસ દ્વારા કનેક્ટ કરશે અને ફૂડ ઑર્ડર થઈ શકશે. એવી જ રીતે ક્યુઆર કોડને મોબાઇલ દ્વારા સ્કૅન કરીને મેન્યૂમાંથી ફૂડ ઑર્ડર કરી શકાશે તેમજ ૬X૩ ફુટના એક્રેલિક શીટના પૈડા પર ચાલતા પાર્ટિશન દરેક ટેબલ પર લગાવવામાં આવશે જેથી કૉન્ટૅક્ટલેસ ભોજન માણી શકાશે. આ પાર્ટિશન ડિટેચેબલ રહેશે, અગર ગ્રાહક ના ચાહે તો આ પાર્ટિશન કાઢી શકશે તેમજ રૂફ-ટૉપ રેસ્ટોરાં માટે પણ પાર્ટિશનનો પ્લાન કર્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

07 June, 2020 09:23 PM IST | Mumbai | Mihir Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK