અડવાણીને કર્ણાટકથી નવો રથ મગાવવો પડ્યો

Published: 13th October, 2011 20:45 IST

પટના : બીજેપી (ભારતીય જનતા પાર્ટી)ના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાની શરૂઆતમાં જ રથમાં ટેક્નિકલ સમસ્યાઓ ઊભી થઈ હતી અને અડવાણીને કર્ણાટકથી નવો રથ મગાવવો પડ્યો હતો. અડવાણીની રથયાત્રા માટે એક બસને રથમાં ફેરવવામાં આવ્યો છે.

 

પરિવર્તિત બસના જનરેટરમાં પ્રૉબ્લેમ સર્જાયો, રેલવે-બ્રિજમાં અટવાઈ ગઈ, અરુણ જેટલી ને સુષમા સ્વરાજ બીમાર પડી ગયાં. બસના જનરેટરમાં પ્રૉબ્લેમ સર્જાતાં લોકસભાના વિરોધ પક્ષનાં નેતા સુષમા સ્વરાજ અને રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા અરુણ જેટલીને ગૂંગળામણ થવા માંડી હતી. બન્ને મહાત્મા ગાંધી સેતુ આગળ જ રથમાંથી ઊતરી ગયાં હતાં.

યાત્રાના ક્ન્વીનર અનંતકુમારે કહ્યું હતું કે બસના જનરેટરમાંથી કાર્બન મૉનોક્સાઇડ લીક થતો હતો. આ પ્રૉબ્લેમને પટનામાં સુધારવામાં આવ્યો હતો. જોકે અડવાણીએ બીજો રથ બૅન્ગલોરથી મગાવ્યો હતો. રથ પટનાની નજીકના કોયલબારના રેલવે-બ્રિજમાં ફસાઈ જતાં ફરી મુસીબત થઈ હતી. ૧૩.૯ ફૂટ ઊંચા રથને ૧૩ ફૂટ ઊંચા બ્રિજમાંથી બહાર કાઢવા ડ્રાઇવરને ખાસ્સી મહેનત કરવી પડી હતી.

મુગલસરાઈની રૅલીને મંજૂરી

ઉત્તર પ્રદેશ સરકાર અને રેલવેએ ભારતીય જનતા પાર્ટીના નેતા લાલકૃષ્ણ અડવાણીને રાજ્યના મુગલસરાઈમાં રૅલી કરવાની પરવાનગી દેવાનો પહેલાં ઇન્કાર કર્યા બાદ મંજૂરી આપી હતી. રેલવેએ અગાઉ કહ્યું હતું કે એ પોતાના ગ્રાઉન્ડમાં રાજકીય રૅલી કરવાની મંજૂરી ન આપી શકે. રાજ્ય સરકારે કહ્યું હતું કે આયોજકોએ પરવાનગી આપી ન હોવાથી અમે પણ મંજૂરી ન આપી શકીએ. બીજેપીએ આક્ષેપ કર્યો હતો કે આ માટે કૉન્ગ્રેસ અને બીએસપી (બહુજન સમાજ પાર્ટી) જવાબદાર છે.

આર. આર. પાટીલમાં તાકાત છે?

બીજેપીના નેતા ગોપીનાથ મુંડેએ ગઈ કાલે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન આર. આર. પાટીલને ખુલ્લો પડકાર આપ્યો હતો કે જો પાટીલમાં તાકાત હોય તો અડવાણીની રથયાત્રાને અટકાવી બતાવે. રથયાત્રા મહારાષ્ટ્રમાં આવશે ત્યારે બીજેપી એનું સ્વાગત કરશે. આ રથયાત્રા સમાજમાં વિભાજન પાડવાના હેતુની છે એવા પાટીલના સ્ટેટમેન્ટને મુંડેએ રદિયો આપ્યો હતો.

વડા પ્રધાને બ્લૅક મની પાછા લાવવા કશું નથી કર્યું : અડવાણી

ભારતીય જનતા પાર્ટીના નેતા લાલકૃષ્ણ અડવાણીએ બુધવારે કહ્યું હતું કે મેં વડા પ્રધાન મનમોહન સિંહ વિદેશમાં રહેલા બ્લૅક મનીને પાછા લાવવામાં કામ કરશે એવી આશા રાખી હતી, પરંતુ તેમણે આ કામ ગંભીરતાપૂર્વક નથી કર્યું. મેં ૨૦૦૯માં બ્લૅક મની વિશે વડા પ્રધાન મનમોહન સિંહને લેટર લખ્યો હતો. તત્કાલીન નાણાપ્રધાન પી. ચિદમ્બરમ અને હાલના નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ પણ મને કંઈક કરવાની ખાતરી આપી હતી, પરંતુ કશું કરવામાં આવ્યું નહોતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK