Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અડવાણી યાત્રા : કોરા કેન્દ્ર ગ્રાઉન્ડની આસપાસ બધાં જ બિલ્ડિંગો પર પોલીસ

અડવાણી યાત્રા : કોરા કેન્દ્ર ગ્રાઉન્ડની આસપાસ બધાં જ બિલ્ડિંગો પર પોલીસ

04 November, 2011 09:12 PM IST |

અડવાણી યાત્રા : કોરા કેન્દ્ર ગ્રાઉન્ડની આસપાસ બધાં જ બિલ્ડિંગો પર પોલીસ

અડવાણી યાત્રા : કોરા કેન્દ્ર ગ્રાઉન્ડની આસપાસ બધાં જ બિલ્ડિંગો પર પોલીસ




(અતુલ શાહ)





અડવાણી અને તેમનો રસાલો સાંજે ૭.૪૫ વાગ્યા બાદ ગમે ત્યારે ગ્રાઉન્ડ પર આવી પહોંચવાની શક્યતા છે. પોલીસના કડક સુરક્ષાકવચ વચ્ચે આ જાહેર સભા યોજાશે એમ ઉત્તર મુંબઈ બીજેપીના જિલ્લા અધ્યક્ષ જગદીશ પટેલે મિડ-ડે Localને જણાવ્યું હતું. આજે સાંજે ગોરેગામ એસ. વી. રોડ પરથી મલાડમાં પ્રવેશનારી જનચેતના યાત્રા મલાડ એસ. વી. રોડથી કાંદિવલી થઈ બોરીવલીમાં કોરા કેન્દ્ર ખાતે પહોંચશે. અહીં તેઓ મુંબઈની એકમાત્ર સભાને સંબોધશે. મલાડથી કોરા કેન્દ્ર દરમ્યાન બીજેપીના સ્થાનિક નગરસેવકો તથા વિધાનસભ્યો તેમનું વિવિધ સ્થળોએ સ્વાગત કરી તેમના કાફલાને કોરા કેન્દ્ર ખાતે દોરી જશે.

ન્યુ ઈરા થિયેટર આગળ જગદીશ પટેલ, નગરસેવક રામ બારોટ વગેરે અડવાણીનું સ્વાગત કરશે. ત્યાર બાદ માર્વે રોડ જંક્શન પાસે ઉત્તર મુંબઈ જિલ્લા ઉપાધ્યક્ષ ગંગારામ જમનાણી તથા અન્યો, કાંદિવલી મથુરાદાસ રોડ જંક્શન પાસે વિધાનસભ્ય યોગેશ સાગર, ડેપ્યુટી મેયર શૈલજા ગિરકર, મહેશ ભટ્ટ તથા અન્યો અને સાંઈબાબા નગર ખાતે નગરસેવક પ્રવીણ શાહ વગેરે અડવાણીના કાફલાનું સ્વાગત કરશે.



૪૦ દિવસની આ યાત્રા દરમ્યાન શરૂઆતથી અંત સુધી કુલ ૩૫ વ્યક્તિ અડવાણી સાથે પ્રવાસ કરી રહી છે. આ ૩૫ વ્યક્તિઓમાં યાત્રાના કન્વીનર અનંત કુમાર, કો-કન્વીનર રવિશંકર પ્રસાદ, મુરલીધર રાવ તથા શ્યામ રાજુનો સમાવેશ થાય છે. આ નેતાઓના રાત્રિરોકાણ માટે કોરા કેન્દ્રની સામે આવેલી ગ્રૅનવિલે હોટેલમાં વ્યવસ્થા કરવામાં આવી છે એમ પણ જગદીશ પટેલે જણાવ્યું હતું. કાફલામાં રથ સાથે અન્ય ૧૮ વાહનોનો પણ સમાવેશ થાય છે, જેને હોટેલ પરિસરમાં જ પાર્ક કરવામાં આવશે. યાત્રા દરમ્યાન અડવાણી તથા તેમના રસાલાને કોઈ પરિશ્રમ ન પડે એની તકેદારી રાખવા રાત્રિના સમયે ટ્રાવેલ કરવામાં નથી આવતું. મુંબઈથી અડવાણી પાંચમી નવેમ્બરે સિલવાસા થઈને ગુજરાત તરફ રવાના થવાના હોવાથી તેમની જાહેર સભા તળમુંબઈ કરતાં શહેરના છેવાડે આવેલા બોરીવલી ખાતે રાખવાની અમને ફરજ પડી છે એમ બીજેપીના પ્રવક્તા અતુલ ભાતખળકરે જણાવ્યું હતું. મુંબઈમાં તેઓ ચાર વાગ્યા બાદ પ્રવેશવાના હોવાથી સમયની પણ અમારા માટે મારામારી છે.

રાજ્ય બીજેપીના વરિષ્ઠ નેતા ગોપીનાથ મુંડે, સુધીર મુનગંટીવાર ઉપરાંત શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (આરપીઆઇ)ના અધ્યક્ષ રામદાસ આઠવલે મંંચ પર બિરાજશે. અડવાણી હાલમાં રાષ્ટ્રીય મુદ્દાને લઈને યાત્રાએ નીકળ્યા હોવાથી આવતા વર્ષના પ્રારંભમાં યોજાનારી મુંબઈ સુધરાઈની ચૂંટણી વિશે તેઓ કંઈ નહીં બોલે એમ ચારકોપના વિધાનસભ્ય યોગેશ સાગરે જણાવ્યું હતું.

રાતે હોટેલમાં રોકાણ કરી બીજે દિવસે સવારે ૯ કલાકે અડવાણી પત્રકાર-પરિષદને સંબોધશે. ત્યાર બાદ યાત્રા આગળ વધશે. નોનસ્ટૉમ કાશીમીરા સુધી જશે.

જડબેસલાક સિક્યૉરિટી

લાલકૃષ્ણ અડવાણીને ઝેડ સિક્યૉરિટીનું કવચ હોવાથી કોરા કેન્દ્ર ખાતે તેઓ જે મંચ પરથી સભાને સંબોધવાના છે એ મંચ ફરતા વિસ્તારને એક સિક્યૉરિટી ઝોનમાં ફેરવી દેવામાં આવ્યો છે. સિક્યૉરિટી ઝોનમાં મંચની ડિઝાઇન ચોક્કસ પ્રકારની રાખવામાં આવી છે. મંચના આગળના ભાગ ફરતે અર્ધગોળાકાર વાડ ઊભી કરી દેવામાં આવી છે અને મંચ તથા શ્રોતાગણો વચ્ચે ઓછામાં ઓછું પચાસ ફૂટનું અંતર રાખવામાં આવશે. મદુરાઈ નજીક અડવાણી જે રૂટ પરથી નીકળવાના હતા એ રૂટ પર પાઇપબૉમ્બ મળી આવ્યા બાદ મુંબઈપોલીસ અડવાણીની સુરક્ષામાં કોઈ કચાશ રાખવા માગતી નથી. મંચની રચના પોલીસ તથા આઇબી (ઇન્ટેલિજન્સ બ્યુરો) દ્વારા આપવામાં આવેલી સૂચના પ્રમાણે જ કરવામાં આવી હોવાનું ઉત્તર મુંબઈ બીજેપીના જિલ્લા અધ્યક્ષ જગદીશ પટેલે મિડ-ડે Localને જણાવ્યું હતું. મંચની રચના થઈ ગયા બાદ પ્રોટોકૉલ પ્રમાણે જાહેર બાંધકામ વિભાગની પરવાનગી પણ મેળવવાની છે.

મેદાનની આસપાસની બધી ઇમારતોની છત પર પોલીસ ગોઠવી દેવામાં આવશે. અડવાણી સહિતના મહાનુભાવો મંચ પર આવશે એ પહેલાં બેથી ત્રણ વખત ડૉગ- સ્ક્વૉડને પણ ફેરવવામાં આવશે. સભામાં મંચ પર માત્ર એવી વ્યક્તિઓને જવા દેવામાં આવશે જેમનાં નામ અગાઉથી પોલીસને આપવામાં આવ્યાં હશે. મેદાનમાં પ્રવેશ માટે કુલ ચાર માર્ગ રાખવામાં આવ્યા છે. બે માર્ગ પત્રકારો તથા આમંત્રિત મહેમાનો માટે, જ્યારે અન્ય બે માર્ગ જાહેર જનતા તથા કાર્યકરો માટેના હશે. Whatsapp-channel Whatsapp-channel

04 November, 2011 09:12 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK