Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ‌‌જીવનમાં અપનાવો ૧૦:૨૦:૩૦

‌‌જીવનમાં અપનાવો ૧૦:૨૦:૩૦

30 May, 2020 11:40 AM IST | Mumbai
Sanjay Raval

‌‌જીવનમાં અપનાવો ૧૦:૨૦:૩૦

‌‌જીવનમાં અપનાવો ૧૦:૨૦:૩૦


એક રૂમમાં ૫૦ લોકોને એકઠા કરીને બધાને હજાર-હજાર રૂપિયા આપો અને જુઓ કે બધા શું કરે છે? તમારે કશું નથી કરવાનું, તમારે તો માત્ર તેમને ઑબ્ઝર્વ કરવાના છે અને તેમની પ્રવૃત્તિની નોંધ લેવાની છે.

દરેકની પ્રવૃત્તિમાં તેમનો સ્વભાવ, તેમની પ્રકૃતિ દેખાશે અને એ જ રીતે બધા તેમને મળેલા એ હજાર રૂપિયાનો ઉપયોગ કરશે. કોઈ ખરીદી કરશે, કોઈ બચત કરશે તો વળી કોઈક પોતાની રીતે દાન કરશે. હવે આ જ રૂમમાં નવેસરથી ૫૦ લોકોને એકઠા કરીને તેમને એકેક હજાર મિનિટ આપો અને જુઓ કે બધા શું કરે છે? તમારે કોઈ સૂચના નથી આપવાની કે પછી કોઈ ટાસ્ક પણ નથી આપવાનો. જેણે જે કરવું હોય એ કરવાની છૂટ. બધા પોતાની પ્રકૃતિ પ્રમાણે પોતાના સમયને વાપરવાનું કામ કરશે. કોઈ ફિલ્મો જોવામાં, કોઈ મંદિરે જવામાં તો કોઈને વાંચનમાં કે પછી રખડવામાં કે પછી કોઈને એકાંતમાં રહેવાનું મન થશે અને એ જ રીતે સમય ખર્ચાશે.



હવે છેલ્લી એક્સરસાઇઝ.


૫૦ લોકોને એક રૂમમાં ભેગા કરો અને દરેકને સમાન પ્રૉબ્લેમ આપો. બધા એ પ્રૉબ્લેમ પોતપોતાની રીતે સૉલ્વ કરવાનો પ્રયત્ન કરશે. કોઈ આ પ્રૉબ્લેમને સૉલ્વ કરશે તો કોઈ ત્યાંથી ભાગી પણ જશે. કોઈને તો એવું પણ થશે કે જે થવું હોય એ થાય, હું તો શાંતિથી બેસી રહીશ, પણ આ બધામાં એક વાત સામાન્ય દેખાશે અને તે એ કે પચાસેપચાસ એકસરખા પ્રૉબ્લેમ વચ્ચે એકબીજા સાથે સંવાદ નહીં કરે, તાલમેલ નહીં બનાવે અને બધા પોતે સાચા છે એવું ધારીને પોતાની રીતે જ વર્તશે. મારું માનવું છે કે આ જ ત્રણ પ્રશ્નો જીવનકાળ દરમ્યાન આવતા રહેવાના છે અને આ જ ત્રણ પ્રશ્નોમાં આખું જીવન સમાઈ જવાનું છે. તમને મળેલા પૈસા, સમય અને મુશ્કેલીને તમે કેવા પ્રતિભાવ આપો છો એના પર તમારું આખું જીવન નિર્ભર છે. આ ત્રણ મુદ્દાને તમે કેવો પ્રતિભાવ આપો એ તમારા હાથમાં જ છે.

તમને ભગવાન અઢળક પૈસો આપે, પણ જો તમારી વિચારસરણી સારી નહીં હોય તો એ વેડફાઈ જશે. તમને ભગવાન ખૂબ શ્રેષ્ઠ સમય આપશે. જો તમે જે નક્કી કર્યું હશે એ સમયનો દુરુપયોગ કરવાનો તો ઉપરથી સાક્ષાત્ ભગવાન આવે તો પણ કંઈ થવાનું નથી અને તમારી પરીક્ષા માટે ભગવાન કોઈ મુશ્કેલીનું સર્જન કરે અને તમે ઇચ્છો નહીં કે એ પ્રશ્ન હલ થાય, એનું નિરાકરણ થાય તો એ હલ થવાનો જ નથી. આ બધું તમારા પર નિર્ભર કરે છે. આ બધું તમારા પ્રતિભાવ પર આધાર રાખે છે. કયા સમયે તમે શું પ્રતિભાવ આપો છો એના પર બધું ટકેલું છે. સમય સાથે બધું બદલાતું રહે છે અને એ બદલાવ પ્રમાણે બદલાવાની તૈયારી પણ રાખવી પડે છે. નાના હતા ત્યારે માટી ખાતા, હવે સમજણ આવી તો એ આદત છૂટી ગઈ. સ્કૂલમાં કે કૉલેજમાં પૈસાની કે સમયની કોઈ કિંમત હતી નહીં અને બધું હાથમાં આવતું એ ખર્ચી નાખવામાં આવતું, પણ પછી, પછી સમય અને પૈસા બન્નેની કિંમત સમજાઈ ગઈ અને બન્નેનો વ્યય અટકાવી દીધો.


મિત્રો, આ વીકમાં આપણે વાત કરવાની છે જીવનના અમૂલ્ય ત્રણ મંત્રોની અને એ જ મંત્રોને જીવનમાં ઉતારવાના પણ છે. તમે તમારું જીવન સમજણથી, સમજદારીથી વધુ ને વધુ સારી રીતે જીવવા માગતા હો તો એને માટે તમારે ત્રણ મંત્રો યાદ રાખવાના છે; વાંચન, કસરત અને એકાંત.

૫૦ લાખ રૂપિયાની ગાડી લીધા પછી પણ જો એમાં પેટ્રોલ ભરાવવાનું જ હોય છે એવી જ રીતે જો તમે તમારા આ શરીરને, મગજને ફ્યુઅલ ન આપો તો જરા પણ નહીં ચાલે. વાંચન, કસરત અને એકાંત એ ત્રણ શરીરનાં ઈંધણ છે, મગજનું ફ્યુઅલ છે. આ ત્રણ મંત્રોથી તમે જીવનમાં ધારો એ કરી શકો છો અને કરી જ શકો એમાં પણ કોઈ બેમત નથી, કારણ કે ઈશ્વરે દરેકની જેમ તમારા માટે પણ સમાન તકનું સર્જન કર્યું છે. તમે તમારાં દરેક સપનાંને સાકાર કરી શકો એમ છો, પછી તમે ભલે કોઈ પણ ઘર કે પરિવારમાં જનમ્યા હો અને કોઈ પણ સમાજમાં તમારો ઉછેર થયો હોય. સપનાં સાકાર થાય અને એણે સાકાર થવું જ પડે જો એને માટે વાજબી મહેનત કરવામાં આવી હોય.

લૉકડાઉન પહેલાં થયેલા મારા મોટા ભાગના સેમિનારમાં હું એક વાત વારંવાર કહેતો કે જો તનતોડ મહેનત કરવાની ક્ષમતા હોય તો પૂરી મહેનત સાથે પહેલાં સપનાં જુઓ અને સપનાં જોવા માટે પૂરા ખંતથી વિચારો કરો. તમે જે વિચારો, તમે જે જુઓ એ મુજબનાં તમને સપનાં આવે. આ વાતમાં હું એક વાત ઉમેરીશ. તમને તમારી વિચારસરણી મુજબનાં સપનાં આવે. જો તમને સાઇકલનાં સપનાં આવતાં હોય તો એ સપનાંની સાથે તમારી વિચારસરણી જોડાયેલી છે એ સાબિત થાય છે. જો તમે મર્સિડીઝ ઇચ્છતા હો તો તમારા વિચારોને પણ એ સ્તરે લઈ જવા પડે અને જો તમે મહેલમાં રહેવાની ખ્વાહિશ રાખતા હો તો તમારી વિચારસરણીને એવી બનાવવી પડે. આ બનાવવા માટે તમને વાંચન પુષ્કળ ઉપયોગી બનશે. વાંચન હશે તો તમારી દિશાઓ ખૂલશે અને વાંચન હશે તો તમારામાં આત્મવિશ્વાસ પણ વધશે. આજે મોટામાં મોટી તકલીફ એક જ વાતની છે કે બધું હોય છે, પણ આત્મવિશ્વાસ નથી હોતો. આત્મવિશ્વાસ વિનાનો વિશ્વાસ સુગંધ વિનાના ગુલાબ જેવો છે, ગોળી વિનાની બંદૂક જેવો છે, ખાંડ વિનાની ચા જેવો છે. મૂંછ મોટી હોય પણ હિંમત કે બહાદુરી ન હોય તો માણસ કેવો ફાંકડી લાગે છે.

આત્મવિશ્વાસ માટે તમારે આ ત્રણ મંત્રને હાથવગા કરી રાખવા પડે. વાંચન વધારવું પડે. પેટ અને શરીરનાં બાકીનાં અંગો પર જામી ગયેલા ચામડીના થર ઉતારીને શરીરને મજબૂત બનાવવું પડે અને એકાંતનો લાભ લઈને મગજને પણ કસરત આપવી પડે. જો આ કામ થઈ શકે તો તમારા સપનાને સાકાર કરતાં કોઈ રોકી ન શકે. વાંચન માટે પણ મારે એક સલાહ આપવી છે. કેટલાક એવા વાંચનવીરો હોય છે જે હાથમાં આવે એ બધેબધું નજર સામેથી પસાર કરી લે અને ગોખી નાખે. વાંચનમાં કોઈ ટેસ્ટ જોવા જ ન મળે. ઇન્ટરનેટ પર બેસીને પણ વાંચવાંચ કરે અને બસ, મગજમાં બધું નાખ્યા કરે. ના, આવું નથી કરવાનું. આ રીત પણ નથી. તમારું મગજ અને તમારું મન એ કોઈ એઠવાડ ભેગી કરવાની ગાયની કુંડી નથી કે તમે એમાં બધું ઢોળ્યા કરો અને ગાય બધું ખાધા કરે. ગમતું વાંચો પણ ધ્યાન દઈને અને કંઈક શીખવાની, નવું જાણવાની તાલાવેલી સાથે વાંચો. તમારા વિચારોમાં ધરમૂળથી ફેરફારો આવી જશે. તમે જેમ-જેમ વાંચતા જશો એમ-એમ વિચારોની નવી દિશા તમારી ખૂલવા લાગશે અને જેમ નવા-નવા વિચારો જન્મશે એમ-એમ તમારી વિચારશક્તિ ખીલવા માંડશે.

વાંચન, કસરત અને એકાંત.

બીમારી હોય ત્યારે દિવસમાં જે ત્રણ ગોળી લેવાની હોય એવી જ રીતે મનદુરસ્તી માટે દિવસમાં આ ત્રણ મંત્રને ફૉલો કરવાના છે. આને માટે એક નાનકડું ટાઇમટેબલ પણ તમે બનાવી શકો. સવારના સમયે ૧૦ મિનિટ કસરતને આપો. મોડી સાંજે એકાંત માટે ૨૦ મિનિટ ફાળવો અને રાતે સૂતાં પહેલાં ૩૦ મિનિટ તમે વાંચનને આપો અને પછી એનો જાદુ જુઓ. ચમત્કાર એ સ્તરે તમને જોવા મળશે કે તમે કલ્પના પણ નહીં કરી હોય અને એવું રિઝલ્ટ મળશે જે તમે સપનામાં પણ ધાર્યું નહીં હોય. મિત્રો, જીવન ઊંચાઈઓ હાંસલ કરવા માટે મળ્યું છે અને એ માટે અથાક પરિશ્રમ કરવો પડે તો કરવો જોઈએ. પાનની દુકાને કે પછી ઘરમાં ટીવી સામે બેસીને ચોવટ કરવાથી જગત તમને યાદ નહીં રાખે, જગત યાદ રાખે એ માટે તમારે જાગવું પડશે અને જાગ્યા પછી વાંચન, કસરત અને એકાંતના ૧૦:૨૦:૩૦ના ડોઝને ફૉલો કરવો પડશે. આ ડોઝ તમને જીવન જીવવાનું ધ્યેય પણ સમજાવશે અને આ જ ડોઝ તમને જીવન જીવવાની સાચી ફિલોસૉફી પણ શીખવશે. યાદ રહે, ૧૦:૨૦:૩૦.

લૉકડાઉનના સમયમાં તો આ કામ થઈ જ શકશે તમારાથી. આજથી જ એનો અમલ શરૂ કરી દો.

Whatsapp-channel Whatsapp-channel

30 May, 2020 11:40 AM IST | Mumbai | Sanjay Raval

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK