Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શિસ્ત વિના સિદ્ધિ નહીં

શિસ્ત વિના સિદ્ધિ નહીં

18 January, 2021 12:46 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

શિસ્ત વિના સિદ્ધિ નહીં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સર્જનાત્મકતા ફક્ત સર્જનકાર્ય સુધી જ સીમિત નથી. પ્રત્યેક વસ્તુને, જીવનની પ્રત્યેક ઘટનાને જુદી રીતે જોઈ એમાંથી નવો જ અર્થ શોધી કાઢવો એ પણ એક પ્રકારની સર્જનાત્મકતા જ છે. આવી સર્જનાત્મકતા ફક્ત નિયમોનું પાલન કરવાથી નથી વિકસતી, એના માટે અલગ જ પ્રકારની શિસ્તની આવશ્યકતા હોય છે. કેવી? આવો એ સમજવાનો પ્રયત્ન કરીએ...

કોઈ એક સ્થાને બેસી ભગવાનનું નામ લેવું એ મારી દૃષ્ટિએ દુનિયાનું સૌથી મુશ્કેલ કામ છે. જેવું તમે ભગવાનની સામે પલાંઠી વાળી આંખ બંધ કરી માળા કરવાનું શરૂ કરો એટલે મન વાયુવેગે ક્યાંક બીજે ભાગી જાય. દૂધવાળાને પૈસા આપવાના છે, દરજીને ત્યાંથી કપડાં લાવવાનાં છે, આ વખતે દાણાવાળાને ત્યાં અનાજ લખાવ્યું એમાં મીઠું લખાવવાનું રહી ગયું છે વગેરે જેવા અઢળક વિચારો જાણે ચારે બાજુથી આપણા પર એકસાથે હુમલો કરે. હાથમાંની માળાના મણકા ફરતા રહે, મોંમાંથી ભગવાનનું નામ પણ નીકળ્યા કરે, પરંતુ ચિત્ત તો ક્યાંક બીજે જ વિહાર કરવા નીકળી પડ્યું હોય અને જ્યારે માળાનો છેલ્લો મણકો હાથમાં આવીને ઊભો રહે ત્યારે આપણને અહેસાસ થાય કે ભલે અત્યાર સુધીમાં આપણે એકસો ને આઠ વાર ભગવાનનું નામ લઈ લીધું, પરંતુ અંતર સોંસરવું તો એમાંથી એકેય વાર ઊતર્યું નથી.



સાચું કહું તો લખવાનું કામ પણ પ્રાર્થના કરવા જેટલું જ મુશ્કેલ છે. જેટલી વાર લખવા બેસીએ એટલી વાર મન ક્યાંક બીજે જ દોડી જાય. ઘરના અને બહારના બધા થયેલાં, ન થયેલાં કામ એકસાથે યાદ આવી જાય અને જે મુદ્દા પર વિચારવાનું વિચાર્યું હોય એ છોડીને બીજા બધા જ વિચારો તમને ઘેરીને બેસી જાય.


બલકે તમને જાણીને નવાઈ લાગશે કે આજે દુનિયામાં જેમની ગણના મહાન સર્જકોમાં થાય છે તેમાંના ઘણાએ લખવા માટે પારાવાર જદ્દોજહદ કરવી પડતી હતી. અંગ્રેજીના મહાન કવિ ચાર્લ્સ ડિકન્સ લખવા માટે મિલિટરી જેવું સ્ટ્રિક્ટ શેડ્યુલ રાખતા. તેઓ સવારે વહેલા ઊઠી જતા અને ફક્ત સવારે નવથી બપોરે બે વાગ્યા દરમ્યાન જ લખતા. ત્યાર બાદ તેઓ ત્રણ કલાક વૉક લેવા નીકળી પડતા. પોતે જ્યારે લેખનકાર્યમાં વ્યસ્ત હોય ત્યારે ઘરમાં જરાસરખો પણ અવાજ થાય એ તેમનાથી સહન થતું નહીં. તેમને પોતાનું રાઇટિંગ ટેબલ પણ ચોક્કસ રીતે જ ગોઠવાયેલું જોઈતું. બલકે તેઓ ક્યાંક ગયા હોય તો પોતાની હોટેલના રૂમનું ફર્નિચર પણ એવી રીતે ગોઠવી નાખતા કે જેમાં તેમને પોતાના ઘરની કમ્ફર્ટનો અહેસાસ થાય. અંગ્રેજી કવયિત્રી માયા એન્જેલુને એકપડખે સૂતાં-સૂતાં લખવાની ટેવ હતી, જેને પગલે તેમના શરીરનો બધો ભાર એક હાથ પર આવી જતો. તેમના એ હાથની કોણી કાયમ છોલાયેલી રહેતી. બીજી બાજુ જર્મન લેખક ફ્રાઇડરિચ સ્કિલર પોતાના લખવાના ટેબલના ખાનામાં સડેલાં સફરજન ભરી રાખતા. તેમનું કહેવું હતું કે એ સફરજનની સુગંધ તેમને તેમના લેખનકાર્યમાં પ્રેરણા આપવાનું કામ કરે છે.

જ્યારે આવા લોકોની વાતો વાંચીએ ત્યારે લાગે કે મહાન લોકોને પણ જો સર્જનકાર્ય કરવામાં આટલી મુશ્કેલી પડતી હોય તો તમારા અને મારા જેવા સામાન્ય માણસોને તકલીફ પડે એમાં શી નવાઈ! તો બીજી બાજુ એ પણ સમજાય કે વાંચવા અને સાંભળવામાં વિચિત્ર લાગતી આ આદતો ભલે હાસ્યાસ્પદ હોય, પરંતુ એમાં પણ એક પ્રકારની શિસ્ત સમાયેલી છે. રાઇટિંગ ટેબલ ચોક્કસ રીતે ગોઠવવાની શિસ્ત, એક પડખે સૂઈને લખવાની શિસ્ત વગેરે. આનો અર્થ એ થયો કે સર્જનાત્મકતાને શિસ્ત સાથે સીધો સંબંધ છે.


એ તો આપણે બધા જ જાણીએ છીએ અને માનીએ છીએ કે જીવનમાં કોઈ પણ કાર્યમાં મહારત હાંસલ કરવા માટે શિસ્ત અત્યંત આવશ્યક છે. શિસ્ત વિના સિદ્ધિ મળતી નથી. પછી એ અભ્યાસમાં સારા માર્ક્સ મેળવવાની વાત હોય કે પછી પાકકળા, ચિત્રકળા કે લેખનકાર્યમાં નિષ્ણાત બનવાની વાત. જ્યાં સુધી ચોટલી વાળી કોઈ કામની પાછળ ન પડી જઈએ ત્યાં સુધી એમાં પારંગત બની શકાતું નથી.

પરંતુ આવી શિસ્ત ફક્ત એ લોકો જ વિકસાવી શકે છે જેમને પોતાનું કાર્ય સારી રીતે કરવું છે. એમાંથી કંઈક શીખવું છે, કંઈક બનાવવું છે, કંઈક કરી દેખાડવું છે. મોટા ભાગના લોકોને ફક્ત હાથમાં આવેલું કામ પૂરું કરવામાં જ રસ હોય છે, પરંતુ એમ કરવા જતાં તેઓ પોતાની અંદર છુપાયેલી સર્જનાત્મકતાનું ખૂન કરી નાખે છે. વાસ્તવમાં સર્જનાત્મકતા કોઈ એકલદોકલની જાગીર નથી. આપણા બધામાં જ એ ક્યાંકને ક્યાંક છુપાયેલી હોય છે. બાળપણમાં આપણને આપણી સર્જનાત્મકતા વિશે બિલકુલ સંદેહ હોતો નથી. એ જ કારણ હોય છે કે આપણે બિન્દાસ અને બેધડક બની ઘરની બધી દીવાલોને કાબરચીતરાં ચિત્રોથી ભરી દઈએ છીએ, પરંતુ મોટા થવાની ઘાઈમાં, જલદી-જલદી ઊંચી ડિગ્રી મેળવી તગડો પગાર મળે એવી નોકરી શોધવાની ઉતાવળમાં આપણે અજાણતાં જ આપણી ક્રીએટિવિટીનું ગળું દબાવી દઈએ છીએ.

પરંતુ ક્રીએટિવિટીનો અર્થ ફક્ત કોઈ એક કે બે પ્રકારની કળામાં કુશળ બનવું જ નથી. ક્રીએટિવિટી એટલે કોઈ પણ વસ્તુ કે ઘટનાને જુદી રીતે જોવું અને એમાંથી એક નવો અર્થ શોધી કાઢવો. આવું તેઓ જ કરી શકે છે જેમનામાં પોતાના પ્રત્યેક કામને વધુ સારી રીતે કરી દેખાડવાની ઇચ્છા હોય છે, બીજા કરે છે એના કરતાં કંઈક વધુ સારું, કંઈક વધુ બહેતર કરી દેખાડવાની મહત્ત્વાકાંક્ષા હોય છે. પછી આવી મહત્ત્વાકાંક્ષા ફક્ત કોઈ કળા સુધી જ સીમિત કેવી રીતે રહી શકે? આવી મહત્ત્વાકાંક્ષા તો જીવનના પ્રત્યેક કાર્યને લાગુ પડે છેને? 

વળી ક્રીએટિવિટી એટલે એકલા રૂમમાં પુરાઈ રહેવું પણ નથી. ચોક્કસ, શાંત સ્થળે, સ્વસ્થ માનસિક અવસ્થામાં પોતાની જાત સાથે વાત કરવી એ સર્જનાત્મકતાનું એક અત્યંત મહત્ત્વનું પાસું છે; પરંતુ આપણને મૂંઝવતા મુદ્દાઓ પર અન્યોની સાથે વાત કરવી, ચર્ચા કરવી, તેમનો મત જાણવો, આપણા વિષયને લગતું સારું સાહિત્ય વાંચવું, એમાંથી કામના મુદ્દાઓ કાગળ પર નોંધી રાખવા, પૉઝિટિવ લોકો સાથે રહેવું, તેમના અનુભવોમાંથી પાઠ લેવા અને ત્યાર બાદ એ બધામાંથી પોતાને ગમતો તથા પોતાને ફાવે એવો રસ્તો શોધી કાઢવો એ પણ એક પ્રકારની ક્રીએટિવિટી જ છે. આ બધા માટે ન ફક્ત પોતાનાં આંખ અને કાન, પણ મન અને હૃદય પણ ખુલ્લાં રાખવાં પડે છે. એ માટે બીજાની વાતને સાંભળવાની તથા તેમના મતને માન આપવાની શિસ્ત પણ કેળવવી પડે છે.

આનો અર્થ એ થયો કે જેમ સર્જનાત્મકતા ફક્ત સર્જનકાર્ય સાથે જોડાયેલી નથી એવી જ રીતે શિસ્તના પણ અનેક અર્થ થાય છે અને જ્યારે એ વિવિધ પ્રકારની શિસ્તને આપણે યોગ્ય દિશામાં વાળીએ છીએ ત્યારે જ કંઈક વધુ સારું, કંઈક વધુ બહેતર ઊપજી આવે છે. આ પણ સર્જનાત્મકતા નથી તો બીજું શું છે?

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

18 January, 2021 12:46 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK