સ્વીકાર હંમેશાં સહજ હોય, અનુકરણ હંમેશાં દેખાદેખીનું પરિણામ હોય

Published: 25th September, 2020 11:51 IST | Manoj Joshi | Mumbai

સ્વીકાર કરવા માટે તો આપણે એને ઓતપ્રોત થવું પડે અને ઓતપ્રોત થઈએ તો જ એ ચીજવસ્તુ, પરંપરા, આદત કે પછી મુદ્દાઓને આપણે પૂર્ણતા સાથે સ્વીકારી શકતા હોઈએ છીએ.

સ્વીકાર કરવાથી જ જીવનમાં હકારાત્મક પરિણામ લાવવાનું કામ કરે છે
સ્વીકાર કરવાથી જ જીવનમાં હકારાત્મક પરિણામ લાવવાનું કામ કરે છે

સ્વીકાર અને અનુકરણ વચ્ચે મોટો ફરક છે.જો આ વાત ન સમજાતી હોય તો આગળ વધવાને બદલે આ જ વાક્યને ફરી એક વાર વાંચી લો, ધ્યાનપૂર્વક, ફરીથી વાંચશો તો વાત સમજાશે પણ ખરી અને સરળતાથી એનો ભાવાર્થ પણ મગજમાં ઊતરશે. સ્વીકાર અને અનુકરણ. આપણે અનુકરણ કરીએ છીએ, સ્વીકાર નહીં. સ્વીકાર કરવા માટે તો આપણે એને ઓતપ્રોત થવું પડે અને ઓતપ્રોત થઈએ તો જ એ ચીજવસ્તુ, પરંપરા, આદત કે પછી મુદ્દાઓને આપણે પૂર્ણતા સાથે સ્વીકારી શકતા હોઈએ છીએ. આ વાતને ધ્યાનપૂર્વક અને પૂર્ણ રીતે સમજવી જરૂરી છે. એનું કારણ એ છે કે આપણે એ સ્તરે સ્વીકાર અને અનુકરણ વચ્ચેનો ભેદ ભૂલી ગયા છીએ કે આપણે પોતે જ સમજી નથી શકતા કે આપણે અનુકરણ કરીએ છીએ કે સ્વીકાર કરતા થયા છે. અનુકરણ ખરાબ છે. અનુકરણ દેખાદેખીનું પરિણામ છે.
અમેરિકાની લાઇફસ્ટાઇલ આપણે અનુકરણના ભાગરૂપ સ્વીકારી છે, જેમાં દેખાદેખીનો મુદ્દો વધારે સ્ટ્રૉન્ગ છે, પણ અમેરિકન જ્યારે પણ આપણી લાઇફસ્ટાઇલ અપનાવે છે ત્યારે એમાં અનુકરણનો ભાગ નથી હોતો, એમાં સ્વીકાર હોય છે. આ વાતને સરળ રીતે સમજવી જોઈએ અને જો સમજવી હોય તો તમે હરિદ્વાર કે હૃષીકેશના કોઈ યોગ આશ્રમમાં જઈને જોઈ આવો, તમને એનો અનુભવ થઈ જશે.
આપણે યોગને જે રીતે જોઈએ છીએ એના કરતાં અમેરિકાની નજરમાં યોગ સાવ જ જુદું છે. એક વાતની સ્પષ્ટતા કરવાની કે અમેરિકામાં યોગ બહુ પૉપ્યુલર છે અને આપણા કરતાં અમેરિકામાં યોગને વધારે ફૉલો કરવામાં આવે છે એવી વાતો સાવ વાહિયાત અને ખોટી છે. કહોને યોગનો પ્રચાર કરનારાઓની એ માર્કેટિંગ સ્ટ્રૅટેજી છે, પણ અત્યારે મુદ્દો એ નથી, વાત એ છે કે તમે સ્વીકાર કરો છો કે અનુકરણ કરો છો. આપણે અમેરિકાની જેમ મોડે સુધી કામ કરવું અને ટેક્નૉલૉજીનો વપરાશ કરવો એ અનુકરણની દિશા છે, પણ અમેરિકન જે સમયે યોગ અપનાવશે એ સમયે યોગનો જીવનમાં સ્વીકાર કરશે.
અનુકરણ કરવામાં બુદ્ધિને સ્થાન નથી, એ તો દેખાદેખીને કારણે કે ખુલ્લી આંખે અંધાપો ધરી રાખવાની નીતિ છે, પણ સ્વીકાર કરવો એટલે તન, મન અને ધનથી એ પદ્ધતિને અપનાવવાની વાત છે. અનુકરણ ક્યાંય અને ક્યારેય ન કરવું જોઈએ, પછી એ લાઇફસ્ટાઇલની વાત હોય કે કાર્યશૈલીની વાત હોય. સ્વીકાર થવો જોઈએ, માત્ર સ્વીકાર કરવાથી જ જીવનમાં હકારાત્મક પરિણામ લાવવાનું કામ કરે છે. અનુકરણ નુકસાનકારક છે, પણ સ્વીકારમાં સહજતા છે. અમેરિકાએ યોગ સાથે જે સંબંધ બાંધ્યો, વિશ્વના અન્ય દેશોએ યોગ સાથે જે સંબંધ બાંધ્યો એમાં સહજતા છે, જે તમને ઊડીને આંખે વળગે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK