અબુએ રાજ ઠાકરેને બતાવેલો બે કરોડનો ચેક હતો ફક્ત દેખાડો?

Published: 23rd August, 2012 02:24 IST

રાજને બે કરોડ રૂપિયા આપવાનો અબુ આઝમીનો દાવો પોલંપોલ, બંગલાદેશીઓના વોટના આધારે તેઓ ચૂંટણી જીત્યા છે એવું એમએનએસના ચીફ પુરવાર કરે તો આટલા રૂપિયા આપવાની આઝમીની ઑફર સામે સમાજવાદી પાર્ટીના ખજાનચી કહે છે કે ૨૦ વર્ષથી પાર્ટી પાસે પૈસાની અછત છે અને એની હાલત નબળી છે

azmi-rajવરુણ સિંહ


મુંબઈ, તા. ૨૩


બંગલા દેશ તથા પાકિસ્તાનથી આવેલા મુસ્લિમોના મતોના આધારે અબુ આઝમી ચૂંટણી જીત્યા છે એવા રાજ ઠાકરેએ કરેલા આક્ષેપોને જો તેઓ પુરવાર કરી આપે તો રાજ ઠાકરેને બે કરોડ રૂપિયાનો ચેક આપવાની જાહેરાત સમાજવાદી પાર્ટીના મુંબઈ તથા મહારાષ્ટ્રના પ્રમુખ અબુ આસિમ આઝમીએ કરી છે. બીજી તરફ તેમના જ પક્ષના ખજાનચીએ એવો દાવો કર્યો છે કે છેલ્લાં ૨૦ વર્ષથી તેમના પક્ષ પાસે નાણાંની ભારે તંગી છે. મહત્વની વાત એ છે કે અબુ આઝમીએ ચેક પોતાના અંગત અકાઉન્ટમાંથી નહીં પરંતુ પાર્ટીના અકાઉન્ટમાંથી લખ્યો હતો.


મંગળવારે રાજ ઠાકરેએ કરેલા આક્ષેપોનો જવાબ આપવા માટે ગઈ કાલે અબુ આઝમીએ એક પત્રકાર-પરિષદ બોલાવી હતી જેમાં કહ્યું હતું કે ભિવંડીમાંથી જો રાજ ઠાકરે એક લાખ બંગલાદેશી અને પાકિસ્તાનીઓને શોધી બતાવે તો તેમને બે કરોડ રૂપિયા આપશે. તેમણે વધુમાં કહ્યું હતું કે ‘જો આક્ષેપ પુરવાર થશે તો રાજકારણ છોડી દઈશ. મરાઠી માણસોને મૂરખ બનાવવા માટે એમએનએસના ચીફ આવું રાજકારણ ખેલી રહ્યા છે.’
વધુમાં તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી મારો કોઈ ચેક બાઉન્સ નથી થયો.


સમાજવાદી પાર્ટીના નેતાઓએ અબુ આઝમીના આવા આત્મવિશ્વાસની ભારે પ્રશંસા કરી તો તેમના આવા વર્તનને કારણે શંકા જતાં ‘મિડ-ડે’એ તેમણે પહેલાં પક્ષનું કોલાબામાં આવેલી સિટિઝન કો-ઑપરેટિવ બૅન્ક લિમિટેડ નામની બૅન્કમાં અકાઉન્ટ હતું ત્યાં જવાનું પસંદ કર્યું. બૅન્કના મૅનેજર તો હાજર નહોતા, પરંતુ અન્ય એક અધિકારીએ કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ જો આટલી મોટી રકમ બૅન્કમાં જમા કરાવવા માગતી હોય તો તે અગાઉથી સૂચના આપે છે. તેણે વધુમાં દાવો કરતાં કહ્યું હતું કે અબુ આઝમીને ક્યારેય બૅન્કમાં પ્રવેશતા જોયા જ નથી.


એથી અમે પક્ષના ખજાનચી ગણેશકુમાર ગુપ્તાનો સંપર્ક કરવાનું નક્કી કર્યું, કારણ કે ચેકમાં અબુ આઝમીની સાથે તેમની પણ સહી હતી. અમે જાણવા માગતા હતા કે વાસ્તવમાં પક્ષના અકાઉન્ટમાં એટલું ફન્ડ છે ખરું. ગણેશ ગુપ્તાને ફોન કર્યો ત્યારે તેમને સમગ્ર બનાવ બાબતે કોઈ જ જાણકારી નહોતી કે આવો કોઈ ચેક લખવામાં આવ્યો છે. તેમના પ્રમુખે બે કરોડ રૂપિયાનો એક ચેક લખ્યો છે એ જાણી તેમને આઘાત લાગ્યો. વળી ચેક પર રાજ ઠાકરેનું નામ લખ્યું હોવાનું સાંભળી તેમને વધુ આઘાત લાગ્યો. એથી સમગ્ર વાતની સચ્ચાઈ જાણવા તેમણે અબુ આઝમીનો તરત સંપર્ક કર્યો.


અબુ આઝમી સાથે વાત કરે એ પહેલાં ગણેશ ગુપ્તાને પાર્ટીના ફન્ડ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘છેલ્લાં ૨૦ વર્ષથી તેમના પક્ષમાં નાણાંની ભારે અછત છે. મેમ્બરશિપ-ફીને બાદ કરતાં તેમની પાસે કોઈ ભંડોળ નથી. જો બે મહિના પહેલાં કોઈ રકમ ઉમેરવામાં આવી હોય તો મારે તપાસ કરવી પડશે, બાકી ઘણા લાંબા સમયથી પક્ષની આર્થિક હાલત ભારે નબળી છે.’


જોકે અબુ આઝમી સાથે વાત કર્યા બાદ તેમની વાત કરવાની પદ્ધતિમાં ભારે બદલાવ આવ્યો, ‘આજે યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં અમે એક ચેક આપ્યો છે. ફન્ડનો કોઈ સવાલ જ નથી ઊભો થતો, કારણ કે અમને ખબર છે કે રાજ ઠાકરે એવું ક્યારેય પુરવાર નહીં કરી શકે કે બહારથી કોઈ મતદારો આવેલા છે.’


દાદરના શિવાજી પાર્ક તથા મુંબઈના અન્ય વિસ્તારોમાં આ બૅનર લટકાવવાની ઇચ્છા જ્યારે અબુ આઝમીએ પ્રગટ કરી ત્યારે ગણેશ ગુપ્તા ભારે ઉત્સાહમાં આવી ગયા હતા. તેમણે કહ્યું હતું કે ‘ઘૂસણખોરો આવેલા છે એવું પુરવાર તો કરવા દો. અમે ઇનામની રકમ વધારીને ચાર કરોડ રૂપિયા પણ કરીશું. હું જાણું છું કે રાજ કશું પુરવાર નહીં કરી શકે.’


આઝાદ મેદાનમાં યોજાયેલી રૅલી દરમ્યાન રાજ ઠાકરેએ બતાવેલા બંગલાદેશી પાસપોર્ટના સ્ટન્ટને તેમણે ઉત્તર પ્રદેશના ચૂંટણીપ્રચાર દરમ્યાન રાહુલ ગાંધીએ કરેલા સ્ટન્ટ સાથે સરખાવ્યો હતો, જેમાં રાહુલ ગાંધીએ એક પેપરને સમાજવાદી પાર્ટીનો ચૂંટણીઢંઢેરો કહીને ફાડી નાખ્યો હતો અને કહ્યું હતું કે આવું જ કંઈક તરકટ રાજ ઠાકરેએ કર્યું છે. આ પાસપોર્ટ રાજ ઠાકરેના માણસો સુધી કઈ રીતે પહોંચ્યો? આ પાસપોર્ટને તેણે વધુ તપાસ માટે પોલીસને સોંપવો જોઈતો હતો.’


દરમ્યાન રાજ ઠાકરેએ રૅલી દરમ્યાન બીએસપીની પણ આકરી ટીકા કરી હતી. એ વિશે પ્રતિક્રિયા આપતાં બીએસપીના મહારાષ્ટ્ર પ્રદેશપ્રમુખ વિલાસ ગરુડે કહ્યું હતું કે ‘લખનઉમાં બુદ્ધની પ્રતિમાને અપવિત્ર કરવાની કોઈ ઘટના બની નહોતી, એ મહાવીરની પ્રતિમા હતી. પહેલાં સાચી વિગત રાજે જાણી લેવી જોઈએ. આ મામલે માયાવતીએ સંસદમાં પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. અમારા નેતા વિરુદ્ધ રાજ અભદ્ર ભાષામાં નિવેદનો કરશે તો એનાં પરિણામો ભોગવવા પણ તેમણે તૈયાર રહેવું પડશે.’


પોતાની રૅલી દરમ્યાન દેશના દલિત નેતાઓ બાબતે પણ પ્રશ્નો ઊભા કર્યા હતા. લખનઉમાં જ્યારે તોફોનીઓ બાગને તેમ જ ત્યાં મૂકેલી પ્રતિમાઓને નુકસાન પહોંચાડી રહ્યા હતા ત્યારે માયાવતી ક્યાં હતી એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો.


એમએનએસ = મહારાષ્ટ્ર નવનિર્માણ સેના, બીએસપી = બહુજન સમાજ પાર્ટી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK