કોરોનાને રોકવા ૩૧ મેએ સોશ્યલ મીડિયા પર થશે લગભગ અબજ નવકાર મંત્રના જાપ

Published: May 16, 2020, 07:18 IST | Alpa Nirmal | Mumbai Desk

મુંબઈના ‘નવકાર પરિવાર’ દ્વારા આયોજિત આ જાપમાં વિશ્વભરના ચારેય ફિરકાના જૈનો, સાધુ-સંતો, મહાત્માઓ તેમ જ ફિલ્મ-ટીવી અને રાજકારણ-જગતની નામી હસ્તીઓ જોડાય એવી શક્યતા

સામૂહિક આરાધના પ્રાર્થનાનું ફળ બહુ શક્તિશાળી અને સત્ત્વશાળી હોય છે. ઈશ્વર એ પોકાર તરત સાંભળે છે. કોરોનાના ભયભીત વાતાવરણમાં આ પ્રમાણેની સામૂહિક ધર્મ આરાધના ખૂબ જરૂરી છે.  
- આચાર્ય વિજય કુલચંદ્રસૂરીશ્વરજી મહારાજસાહેબ
સામૂહિક આરાધના પ્રાર્થનાનું ફળ બહુ શક્તિશાળી અને સત્ત્વશાળી હોય છે. ઈશ્વર એ પોકાર તરત સાંભળે છે. કોરોનાના ભયભીત વાતાવરણમાં આ પ્રમાણેની સામૂહિક ધર્મ આરાધના ખૂબ જરૂરી છે.   - આચાર્ય વિજય કુલચંદ્રસૂરીશ્વરજી મહારાજસાહેબ

માનવીય પ્રયાસો પાછા પડે ત્યારે પ્રાર્થનાને શરણે જવાથી કલ્પેલાં પરિણામો મેળવી શકાય છે. આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે કે પ્રાર્થના અને મંત્રજાપમાં અદ્ભુત શક્તિ છે. આ વિચારને અનુલક્ષીને ૩૧ મેએ સવારે મુંબઈના ‘નવકાર પરિવારે’ તેમના ફેસબુક-પેજના પ્લૅટફૉર્મ પર  સમસ્ત વિશ્વના લોકોને સાંકળીને એકસાથે, એક સમયે ૯૯ કરોડ ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ નવકાર મંત્રના જાપ કરવાનું આયોજન કર્યું છે.
નવકાર પરિવારના આધારસ્તંભ ધર્મેશ નિસર ‘મિડ-ડે’ને કહે છે, ‘૨૦૧૪ની સાલમાં તપગચ્છાધિપતિ આચાર્યશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં અમે ૯ કરોડ ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ નવકાર મંત્રના સામુદાયિક જાપનું આયોજન કર્યું હતું. એ કાર્યક્રમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. ગોરેગામના નેસ્કો ગ્રાઉન્ડમાં થયેલા આ જાપ ૬ કલાક ચાલ્યા હતા અને એક લાખથી વધુ લોકો એમાં જોડાયા હતા. એ સમયે ૧૩ કરોડ જેટલા નવકાર મંત્ર ગણાયા હતા. ત્યારે ગુરુભગવંતના આશીર્વાદથી અમે નક્કી કર્યું હતું કે પ્રેમસૂરીશ્વરજી મહારાજસાહેબના શતાબ્દી વર્ષે ૯૯ કરોડ નવકાર મંત્રના જાપનું આયોજન કરીશું. જોકે ૩ વર્ષ પહેલાં પૂજ્યશ્રીનો કાળધર્મ થઈ ગયો. જો તેમની હયાતી હોત તો આ વર્ષ તેમનું શતાબ્દી વર્ષ હોત.’
૬ વર્ષ પહેલાં નવકાર પરિવારે ૨૦૨૦ની સાલમાં જાપ કરાવવાનું ઠરાવ્યું હતું, પરંતુ વિધિને  બીજું જ કાંઈ મંજૂર હશે. ધર્મેશભાઈ કહે છે, ‘અત્યારે જાપના આયોજનનું કોઈ પ્લાનિંગ નહોતું. ત્યાં અચાનક એક મહિના પહેલાં મને વિચાર આવ્યો કે ૨૦૨૦માં જાપ કરાવવાનો નિર્ણય લીધો હતો એ આ મહાભયાનક કોરોનાના સંક્રમણકાળમાં વિશ્વશાંતિ અર્થે કરાવીએ.’
  નવકાર પરિવાર સાથે સંકળાયેલી દરેક વ્યક્તિએ આ વાત વધાવી લીધી. પછી નવકાર પરિવારે  આ સંદર્ભે અનેક ગુરુભગવંતોનો સંપર્ક કર્યો. દરેક મહારાજસાહેબને સામુદાયિક જાપના આયોજનનો નિર્ણય ખૂબ ગમ્યો અને તેમણે આશીર્વચન આપ્યાં. ત્યાર બાદ જાપ માટેનો દિવસ અને મુહૂર્ત કઢાવવામાં આવ્યાં અને ૩૧ મેએ રવિવારે સવારે ૮.૪૧થી ૧૨.૪૧ વાગ્યા દરમ્યાન જાપ કરવામાં આવશે.
નવકાર પરિવાર કમિટીના ચેતન શાહ ‘મિડ-ડ’ને કહે છે, ‘આ કાર્યક્રમની આખી રૂપરેખા બંધાઈ રહી છે અને એ આવતા અઠવાડિયા સુધી ફાઇનલ થઈ જશે. અમે અનેક દેશોના રાજકારણીઓ, ફિલ્મ અને ટીવી-જગતની સેલિબ્રિટીઓને પણ આ અભિયાનમાં જોડાવા માટે સંપર્ક કર્યો છે અને તેઓનું કન્ફર્મેશન પણ આવતા અઠવાડિયે આવી જશે. હજી સુધી અમે ઑનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કર્યું નથી, પરંતુ અમારા નવકાર પરિવારના ફેસબુક-પેજ પર આ ઇવેન્ટને દેશ-વિદેશના હજારો લોકોએ લાઇક કરી છે.’
   જેમની નિશ્રામાં ૯ કરોડ નવકાર મંત્રના જાપનું આયોજન થયું હતું એ તપગચ્છાધિપતિ પ્રેમસૂરીશ્વરજી મહારાજસાહેબના શિષ્ય આચાર્ય વિજય કુલચંદ્રસૂરીશ્વરજી મહારાજસાહેબ જયપુરથી ‘મિડ-ડે’ને કહે છે, ‘સામૂહિક આરાધના પ્રાર્થનાનું ફળ બહુ શક્તિશાળી અને સત્ત્વશાળી હોય છે. ઈશ્વર એ પોકાર તરત સાંભળે છે. કોરોનાના ભયભીત વાતાવરણમાં આ પ્રમાણેની સામૂહિક ધર્મ આરાધનાઓ ખૂબ જરૂરી છે. એમાંય મંત્ર જાપ અત્યંત પાવરફુલ છે. મહાવીર પ્રભુએ કહ્યું છે કે ‘જાપથી સિદ્ધિ મળે. જાપથી શુદ્ધ અને સિદ્ધ થવાય. આ કાર્યક્રમમાં કોઈ પણ વ્યક્તિ જ્યાં હોય ત્યાંથી જોડાઈ શકે છે. શુભ ભાવનાથી વિશ્વનું કલ્યાણ થાય એ ભાવ રાખીને નવકાર મંત્રના જાપ કરવાના છે. નવકાર મંત્ર એ ફક્ત જૈનોનો મંત્ર નથી, એક ગ્લોબલ મંત્ર છે.  એમાં દરેક ધર્મના અરિહંત અને સિદ્ધ ભગવાનને નમસ્કાર કરવામાં આવ્યા છે. આત્મા, રાષ્ટ્ર અને વિશ્વની શાંતિ માટે આયોજિત આ અનુષ્ઠાનમાં નૉન-જૈન પણ જોડાઈ શકે છે. તેઓને નવકાર ન આવડે તો વાંધો નહીં, ઑનલાઇન સતત આ નવકાર મંત્રનું રટણ થશે જે તેઓ સાંભળી શકે છે. જૈન ધર્મની ફિલોસૉફી છે કે સામુદાયિક પુણ્ય શુભ ફળ  આપે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK