કેન્દ્ર સરકારે કોરોના-સંક્રમણ સામે લોકોને જાગરૂક રાખવા આરોગ્ય સેતુ ઍપ લૉન્ચ કરી હતી. એ ઍપ લૉન્ચ થતાં દેશભરના કરોડો લોકોએ એને મોબાઇલમાં ડાઉનલોડ કરી છે. જોકે થોડા સમયથી ટેક્નિકલ ક્ષતિઓને કારણે આ ઍપ અમુક લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. ઘાટકોપરના એક ઇન્ટીરિયરનો વ્યવસાય કરતા ગુજરાતીની આ ઍપમાં ઊભી થયેલી ક્ષતિને કારણે તેમના વ્યવસાય પર બહુ મોટી અસર થઈ છે. તો બીજા એક ગુજરાતી જ્વેલરના પરિવારે ૧૪ દિવસ સુધી માનસિક ત્રાસ વેઠ્યો હતો.
ઘાટકોપર-ઈસ્ટમાં રહેતા ૫૧ વર્ષના જિતેન્દ્ર મચ્છર મે મહિનામાં કોવિડ-પૉઝિટિવ આવ્યા હતા. ત્યાર પછી તેમની સ્વાસ્થ્ય બાબતે કોઈ ફરિયાદ નથી. જોકે તેમની આરોગ્ય સેતુ ઍપ તેમને આજ સુધી કોવિડ-પૉઝિટિવ જ બતાવે છે, જેને કારણે તેમને કોઈ કૉર્પોરેટ કંપનીમાં વ્યવસાયના કામે પણ પ્રવેશ મળતો નથી.
મારો વ્યવસાય લૉકડાઉનમાં તો ઠપ હતો જ, પરંતુ આરોગ્ય સેતુ ઍપની મહેરબાનીથી આજ સુધી હજી ડાઉન જ છે, એમ જણાવતાં જિતેન્દ્ર મચ્છરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો વ્યવસાય મુંબઈની કૉર્પોરેટ કંપનીઓ સાથે છે, જ્યાં તેઓ આરોગ્ય સેતુ ચેક કરીને પછી જ કંપનીમાં પ્રવેશ આપે છે. મારી આરોગ્ય સેતુ ઍપ મે મહિનાથી આજ સુધી અનેક વાર મેં અન-ઇન્સ્ટૉલ કરીને ફરી પાછી ઇન્સ્ટૉલ કર્યા પછી પણ આ ઍપ મને કોવિડ-પૉઝિટિવ જ બતાવે છે. મને મે મહિના પછી કોઈ કોવિડનાં લક્ષણ નથી છતાં આરોગ્ય સેતુને કારણે હું આજે પણ અસ્પૃશ્ય બની રહ્યો છું. મારા વ્યવસાયનાં કામ અટકી ગયાં છે. મારાં પેમેન્ટ માટે પણ હું કંપનીમાં જઈ શકતો નથી, જેને કારણે મને વ્યવસાયની સાથે આર્થિક રીતે પણ બહુ મોટો ફટકો પડી રહ્યો છે. મારા ડૉક્ટરોને પણ ઍપના પરિણામથી નવાઈ લાગી રહી છે. ઍપને લીધે હું માનસિક સંઘર્ષ વેઠી રહ્યો છું.’
થોડા સમય પહેલાં અમે બધા મિત્રો પાર્ટી કરવા મુંબઈની એક સેવનસ્ટાર હોટેલમાં ગયા હતા એ વિશે જાણકારી આપતાં જિતેન્દ્ર મચ્છરે કહ્યું કે ‘પ્રવેશદ્વાર પર સિક્યૉરિટીએ બધા મિત્રોને આરોગ્ય સેતુના માધ્યમથી ચેક કરીને પ્રવેશ આપ્યો, પણ મારા મોબાઇલની ઍપમાં કોવિડ-પૉઝિટિવ આવવાથી અમારે અમારી પાર્ટીના પ્લાનને બદલીને જે હોટેલમાં ઍપ ચેક કરવામાં આવતી નહોતી એ હોટેલમાં પાર્ટી કરીને સંતોષ માનવો પડ્યો હતો. મેં આ બાબતની આરોગ્ય સેતુ ઍપમાં ફરિયાદ પણ કરી છે.’
જિતેન્દ્ર મચ્છર કરતાં સહેજ અલગ પણ ઍપને કારણે સપ્ટેમ્બર મહિનામાં ૧૪ દિવસ સુધી ઘાટકોપરના એક પ્રખ્યાત જ્વેલરની ફૅમિલીએ માનસિક ત્રાસ વેઠ્યો હતો. ઘાટકોપર-ઈસ્ટમાં એમજી રોડ પર જ્વેલરીનો શોરૂમ ધરાવતા મિતેષ અંબાવીએ તેમના અનુભવની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સપ્ટેમ્બરમાં મારા એક રિલેટિવ કોવિડ-પૉઝિટિવ આવ્યા હતા. તેઓ એકલા હોવાથી તેમને ઍડ્મિટ કરવા વિદ્યાવિહારની એક હૉસ્પિટલમાં હું તેમની સાથે ગયો હતો. રિલેટિવ મોબાઇલ યુઝ ન કરતા હોવાથી હૉસ્પિટલમાં ઍડ્મિશનમાં મારો નંબર નોંધવામાં આવ્યો હતો. બસ, એ નોંધણી મારા માટે મુસીબત બની ગઈ હતી.’
તેમની મુસીબત વર્ણવતાં મિતેષ અંબાવીએ કહ્યું કે ‘ઍડ્મિશનમાં મારો મોબાઇલ-નંબર હોવાથી કોવિડ-ટેસ્ટના રિપોર્ટ પર પણ મારો નંબર લખાયો હતો, જેને કારણે આરોગ્ય સેતુ મારા રિલેટિવને બદલે મને કોવિડ-પૉઝિટિવ બતાવતી હતી. આ કારણસર મારા આખા પરિવારે ૧૪ દિવસ સુધી મજબૂરીથી ક્વૉરન્ટીન રહેવું પડ્યું હતું. અમને બધા જ હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી એટલો બધો માનસિક ત્રાસ આપવામાં આવ્યો કે આખા પરિવારે આરોગ્ય સેતુ ઍપ અન-ઇન્સ્ટૉલ કરવી પડી હતી.’
કેન્દ્ર અને રાજ્યના આરોગ્ય પ્રધાન શું કહે છે?
આ બાબતે ‘મિડ-ડે’એ કેન્દ્ર સરકારના આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન અને મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે સાથે વાતચીત કરી હતી. જોકે બન્ને પ્રધાનોએ સ્પષ્ટતા કે માર્ગદર્શન આપવાને બદલે એકબીજાને માથે જવાબદારી નાખી દીધી હતી.
ડૉ. હર્ષવર્ધને કહ્યું કે આને માટે તમે રાજેશ ટોપે સાથે વાતચીત કરો, તેઓ તમને માર્ગદર્શન આપશે, જ્યારે ‘મિડ-ડે’એ કહ્યું કે આ આરોગ્ય સેતુ ઍપ તો કેન્દ્ર સરકાર દ્વારા વિકસાવવામાં આવી છે, તો પણ તેમણે એક જ જવાબ આપ્યો કે આનો જવાબ રાજેશ ટોપે આપશે.
જ્યારે આ સંદર્ભે રાજેશ ટોપે સાથે વાત કરી ત્યારે તેમણે આ જવાબદારી કેન્દ્ર સરકારની છે, તમે તેમની સાથે વાત કરો. ‘મિડ-ડે’એ તરત જ રાજેશ ટોપેને કહ્યું કે ‘ડૉ. હર્ષવર્ધન તો આ જવાબદારી તમારી છે એમ કહે છે. એના જવાબમાં રાજેશ ટોપેએ કહ્યું કે હું મંગળવારે મંત્રાલયમાં આવીશ ત્યારે તમે આવીને મળજો, હું ત્યાં તમને આ બાબતનો જવાબ આપીશ.’
કોરોનાનો પ્રકોપ વધવાથી સરકાર દસમા અને બારમાની પરીક્ષાને લઈને અવઢવમાં
27th February, 2021 08:06 ISTલોકલની સર્વિસ મર્યાદિત કરવાનો સંકેત
27th February, 2021 08:04 ISTમુકેશ અંબાણીના ઘર પાસે વિસ્ફોટક મટીરિયલ મૂકવાનો મોટિવ...પૉલિટિકલ ફન્ડિંગ?
27th February, 2021 07:50 ISTરેલ પ્રવાસીઓને મોટી રાહત, Mobile Appથી ફરી બુક થશે જનરલ ટિકિટ
26th February, 2021 15:39 IST